કહેવાતા કર્મકાંડો જ્યારે માત્ર સ્થૂળ પ્રક્રિયા બની રહે, ભાવજગત શુષ્ક બની જાય, જીવતા માનવીઓની અવહેલના થાય અને પથ્થરની પ્રતિમાઓ જ માત્ર અંતિમ બની રહે, સમાજમાં વાણી-વર્તનમાં અસમતુલા સર્જાય, રહેણી અને કરણી ભિન્ન હોય, પૂર્વેના સંતોએ ચિંધેલા રાહને ચાતરી મનઘડંત મૂલ્યો સ્થાપિત થાય ત્યારે સામે પૂરે તરનાર એકાદ સાચો સાધુ બંડ પોકારે.

ડાડા મેકણને કચ્છના કબીર કહીએ તો કાંઈ ખોટું નથી. વૈચારિક ભૂમિકાએ જ નહીં, ઉભયની અણસાર પણ એક સરખી. કબીર સાહેબની વાણીની વેધકતા જેટલી જ સંત મેકરણની અણિયારી શબદ કટારી આરપાર ઊતરી જતી.

માનવસેવાને માધ્યમ બનાવીને એકાંતિક જીવન જીવી અલખની આરાધના કરતા આ અનોખા અલગારીએ સંતપરંપરામાં નોખી ભાત પાડી. સેવાના ધૂણામાં સુખ-સગવડોની ક્યાં જરૂર હોય છે? સાચૂકલી નિષ્ઠા નક્કર પરિણામો આપતી હોય છે.

અઢારમાં સૈકાના આરંભે કચ્છની પનોતી ધરતીએ ખોંભડી ગામના હાટી રાજપૂત હરધ્રોળજીને ત્યાં મેકણનો જન્મ. મા પવાંબાઈએ એનામાં ધર્મના સંસ્કાર સીંચ્યા, ગુરૂ ગાંગાંજીએ મેકણના કાન ફૂંક્યા, ઘર છોડીને જોગીવેશે મેકણ ક્યારે નીકળ્યા તે અંગે સમય અને કાળના અંકોડા નથી મળતા.

ગરવા ગિરનારની જાત્રાએ નીકળેલા મેકણે મારગમાં આવતા ઋષિ શરભંગના આશ્રમને જાગૃત કર્યાે. પરબની જગ્યાનો પિંડ બાંધ્યો. ગિરનારની ટોચે બિરાજતા દત્ત મહારાજનાં બેસણે ધ્યાનસ્થ નવનાથની પરંપરાના સાધુઓને મેકણનાં તેજ અને સાધનાના સમાચાર મળ્યા. આહ્‌વાન આપીને ધૂણે આવકાર્યા.

પૂર્વાશ્રમના રાજપૂતાઈ તેજે ચળકતા ચહેરા ઉપર ભક્તિના ઓપ મંડરાઈ ગયા છે. ધરતી પર સ્થિરતાથી ખોડેલ પગ અને જીવનના સમતોલપણાની સાક્ષી સમી કાવડ મેકણના ખભે ઝળુંબે છે. નવનાથ સાધુઓ સાથે સંવાદ થયો. ષડદર્શનનો અર્ક પામી ગયેલ મેકણની વાણીમાં એક નક્કર પડઘો હતો.

આદેશ!

પ્રત્યુત્તરરૂપે ગિરીકંદરાઓ પડઘાઈ ઊઠી.

આદેશ! આદેશ! આદેશ!

જોગંદર! જુવાન! જે જન્મ ભોમકાએ જનમ દીધો ત્યાં પાછો જા! સેવા અને સમર્પણથી ઉધાર જિંદગી અને ચડેલાં ઋણ પાછા વાળ. આદેશ! આદેશ! ગુરુદુવારેથી સાત પગલાં પાછાં હાલી શિર ઝૂકાવી મેકણે કચ્છનો કેડો પકડ્યો.

ધોમધખતા તાપમાં ચાંગળું એક પાણી માટે ઝૂરતો વટેમાર્ગુ કચ્છનાં રણમાં ગારદ થઈ જતો. પગપાળા કે ઊંટ ઉપર નીકળેલો મુસાફર મારગ ભૂલી જતો. ભૂખે અને તરસે, શોષ પડતા કંઠે અને પેટની બખોલમાં મુઠ્ઠીએક ધાન માટે ટળવળતો, પ્રાણ ત્યાગતો! કચ્છ અને સિંધ વચ્ચે પથરાયેલા રણના પેટને કોઈ તળિયું નહોતું. ખાવડાનો સીમાડો કંઈકને ખાઈ ચૂક્યો હતો, રણની કાંધીએથી ઊઠેલી આંધી પોઠ્યુંની પોઠ્યું ગળી જતી. ધરતીના પેટાળમાંથી ઊઠતો અઘોર અવાજ અને મોતની વરમાળા લઈને નીકળતો વંટોળ, ઊડતાં રેતકણો અંધાપો આપી જતાં. સિંધ અને થરપારકરનો પથ અને દૂર સુધી પથરાયેલા ઝાંઝવાના જળને કોઈ કાંઠા નહોતા.

કંઈ કેટલીયે જગ્યા જોયા પછી મેકણનું મન અહીં ઠર્યું. કચ્છની ધરતીના છેડાના ફૂમકા જેવું ગામ ધ્રંગના પાધરમાં કાવડ ઉતારી. ધરતી સાફ કરી પાણી છાંટ્યું, ધૂણો ચેતાવ્યો.

જતે દિવસે ઝૂંપડી બાંધી, પાણીનું પરબ માંડ્યું. આવનાર વટેમાર્ગુની નજર પ્રતાપી સાધુના તેજને નીરખી રહેતી. અંતરનો આવકારો અને શીતળ જળ અને રોટીનો ટુકડો પામી સૌ મારગે પડતા. શ્રદ્ધા અને સબૂરીથી લેવાયેલું ‘જી નામ’ સૌને હૈયે અને હોઠે રમી રહેતુંં, ‘જી નામ’!

ધ્રંગની જગ્યાએ અચાનક એક દિવસ આવી ચડેલા ગધેડાને મેકણે મીઠી જબાનમાં આવકાર્યો. એજ રીતે ધોમ તડકે, શોષ પડેલ એક કૂતરો પણ મેકણની ઝૂંપડીએ આવ્યો અને ત્યાં જ રોકાઈ ગયો, પૂર્વના સેવા ધરમનાં પ્રવાસી જ તો!

ભિક્ષાની કાવડ ફેરવીને આવેલ ડાડા મેકણ માથે પાણીની માણ ભરીને રણના મારગે પડતા, હાર્યે ગધેડો લાલારામ અને કૂતરો મોતીરામ પણ જતા. વર્ષાે સુધી આ ખેપ ચાલી. મેકણનાં પગલે પગલે ચાલીને આ પ્રાણીઓ પલોટાઈ ચૂક્યાં હતાં.

લાલારામ માથે લગડુ નાખીને, શીતળ જળના બે ગોળા માંડ્યા અને લાલારામનેે કોઈ કનડગત ન કરે એટલે મોતીરામ કૂતરો તેની રખેવાળી કરતો સાથે ચાલતો.

વટેમાર્ગુના કંઠે બેઠેલા પ્રાણ આ પ્રાણીઓને જોઈને પાછા વળતા. અંધારાં ઊતરી આવે ત્યાં સુધી સેવાની આ ફરતી પરબ લઈને લાલિયો અને મોતિયો જગ્યાએ પાછા વળતા.

અશક્ય લાગતું કામ આ પ્રાણીઓએ શક્ય કરી બતાવ્યું. આ અમૂલા અબોલ જીવોને બિરદાવતાં મેકરણે ગાયું,

લાલિયો મૂજો લખણે જેડો હુંદો ભાય જેડો ભા!

બ કાં ચા લખ ઘોરે ફગાયા લાલિયા, તોજી પૂછડી મથા

(લાલિયા, લખવા જેવું ઉમદા તો તારું જીવતર છે. માનવતા ભરેલા ગુણિયલ પ્રાણી તારી પૂંછ ઉપર બે ચાર લાખ માનવીઓ વારી જાઉં)

લાલિયાનાં વખાણ સાંભળી મોતીરામ સાધુની હથેળી ચાટીને કંઈક ધ્યાન દોરે છે.

હાં! હાં! મોતીરામ! મારા વા’લા લે તારી પણ સાખી કહું,

મોતિયો કુતો પ્રેમજો ને ડેરી વીંધી હીરજી

જીયાં મન પોંચે ઈયાં લે જાય.

(તું તો પ્રેમાવતાર સમાન છો, હીરની દોરીએ વીંધાયેલ મન સાથે તું જોડાયેલ છો. તું મનની જેમ જ્યાં જ્યાં જાય ત્યાં તું અમને ખેંચી લેશ.)

પ્રાણીઓ સાથે ગેલ કરતા સાધુને શરૂઆતમાં લોક ચસકેલ સમજતું. ધીરેધીરે મેકણની મમતાળુ આવભગત પામવા અને સોળ પાડતી સાખીયું ખમવા લોક હોંશે હોંશે આવવા લાગ્યું. જગ્યા એક સરાય બની ગઈ.

કચ્છના રાજવી રા’દેશળ ડાડા મેકણનો મહિમા સાંભળી દર્શને આવ્યા. પ્રભાવિત થયા.

હુકમ કરો ડાડા? કોરીયું (કચ્છી ચલણ) મોકલું?

ધૂણામાં સમિધ સંકોરતાં ડાડા મેકણે રા’દેશળજી સામે મીટ માંડી મરમી સાખી કીધી.

કોેરિયું કોરિયું કુરો કર્યાે કોરિયે મેં આય કૂડ

મરી વેંધા માડુઆ! મોમે પેંધી ધૂડ

‘કોરિયું કોરિયું કરતા માનવીઓ! એ કોરિયું, સંપત્તિમાં કૈંક કૂડ કપટ ભરેલા છે. મરેલ માનવીઓના મોઢામાં અંતે તો માત્ર ચપટી ધૂળ જ ભરેલી હોય છે’ અને રા’દેશળ સાંભળ!

કોક વેઆ કૈં વેદ્યા, કુલા કર્યાતા કેર

માડુએ ધરા મેકણ ચે, મું સુઝ ડિંઠા સેર

‘કંઈક કેટલાયે આ ધરતી પરથી ચાલ્યા ગયા. કયા કારણે કોપ કરો છો? કંઈક નગરોનાં નગરો માનવીઓ વગરનાં ઉજ્જડ થતાંસગી આંખે જોયા છે.’

આવી અંતરમાં ઊતરી જતી લોક બાનીમાં કબીરની જેમ કચ્છી બોલીમાંથી સંત મેકણ સાખીઓ સર્જતા રહ્યા. ભજનવાણી અને કાફીઓ મધરાતે ગવાતી રહી. પ્રાગડનાં દોર ફૂટ્યે સેવાનો યજ્ઞ આરંભાઈ જતો. હાડબળુકા હાટી રાજપૂતે સાધુ જીવન સ્વીકારીને કચ્છની ધરતીને ઉજ્જવલ કરી. સંવત ૧૭૮૬ના આસો વદ ચૌદશ, દિવાળીના પૂર્વ પ્રભાતે ધ્રંગ-લોડાઈમાં દસ સત્સંગીઓ સાથે સમાધિ લીધી. ‘જી-નામ’નો પોકાર આજે પણ ડાડા મેકણની સાક્ષી પૂરે છે.

Total Views: 170
By Published On: May 1, 2012Categories: Ghanashyam Gadhavi0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram