આધુનિક યુગના યુવાનોના આદર્શમૂર્તિ

સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા રાજ્યકક્ષાના યુવ સંમેલનનું આયોજન ૨૪ માર્ચ સવારના ૯ થી સાંજના ૫ઃ૩૦ સુધી યોજાયું હતું. આ યુવ સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ૧૧૦૦ યુવાનોને પસંદ કરવામાં આવ્યા હતા.

આ પહેલાં જિલ્લાકક્ષાએ યુવ સંમેલનોનું આયોજન થયું હતું. તેમાં ૧૩ હજાર યુવાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં કોલેજકક્ષાના ૧૪૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાંથી શ્રેષ્ઠ ૧૦૦ને રાજ્યકક્ષાના યુવ સંમેલનમાં ભાગ લેવા આમંત્ર્યા હતા.

આ યુવ સંમેલનનું ઉદ્‌ઘાટન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ઉપકુલપતિશ્રી પ્રો. યોગેશ સિંઘે કર્યું હતું. એમણે પોતાના વક્તવ્યમાં આધુનિક વિજ્ઞાન પ્રૌદ્યોગિકીને ભારતીય સંસ્કૃતિની સાથે જોડીને સ્વદેશ ભાવના કેળવવા પર ભાર દીધો હતો.

જાણીતા વ્યવસ્થાપન ક્ષેત્રના તજ્જ્ઞ શ્રી જી. નારાયણે યુવાનોમાં વિકસતી જતી નેતૃત્વની ગુણવત્તાના રહસ્યને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ તંત્રી શ્રી અજય ઉમટે પોતાનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ યુવાનોના આદર્શમૂર્તિ હંમેશાંને માટે રહેવાના.

એમણે પોતાનું ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમની નોંધપોથીમાં એમના પિતાએ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ એવો સ્વામી વિવેકાનંદનો સંદેશ લખ્યો.

પછી તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાચતો રહેજે. પિતાની આ સલાહનું અનુસરણ કરીને એમણે પોતાના જીવનમાં ઘણી પ્રગતિ સાધી છે.

આઈઆઈએમ ઈન્દોરના નિયામક પ્રો. એન.રવિચંદ્રને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ આધુનિક યુવાનો માટે આજે પણ ઘણા પ્રાસંગિક છે. અમારી સંસ્થામાં દર વર્ષે રાષ્ટ્રિય યુવદિનના ઉત્સવનું આયોજન થાય છે. તેમણે સ્વામી વિવેકાનંદના સંદેશ પર આધારિત ‘સફળતા માટેના પંચશીલ’ની વાત યુવાનો સમક્ષ રજૂ કરી હતી.

મનની કેળવણીના નિષ્ણાત ડો. જિતેન્દ્ર અઢિયાએ ‘યુઝ ધ અર્ધસંપ્રજ્ઞાત મન’ વિશે યુવાનો સમક્ષ પ્રાયોગિક નિદર્શન આપ્યું હતું અને આજના યુવાનોને સ્વામી વિવેકાનંદની જેમ જીવનમાં સફળતા મેળવવા મનની અબાધિત શક્તિઓનો ઉપયોગ કરવા જણાવ્યું. તેમણે કહ્યું હતું કે કેટલાક રાખમાંથી ઈતિહાસ બનાવે છે અને બાકીના એ વાચે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વામી વિવેકાનંદના સંદેશ મુજબ માનવની ભીતર રહેલી પ્રબળ દિવ્યતાના આધારે યુવાનો માટે અધ્યાત્મશક્તિની અગત્યતાની વાત કરી હતી.

બપોરના ભોજન વિરામ પછી ‘વીર નરેન્દ્ર વિવેકાનંદ’ની સુખ્યાત એનિમેટેડ ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી.

ત્યાર પછીની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના નેશનલ નોલેજ કમિશનના ચેરમેન સામ પિત્રોડાએ યુવાનો સાથે વાત કરી હતી. યુવાનોએ ભ્રષ્ટાચાર જેવા અન્ય પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે યુવાનોને ટપારીને કહ્યું હતું કે ૫૦ વર્ષ પહેલાં પોતે વડોદરામાં ભણતા હતા ત્યારે વડોદરા અત્યંત સુંદર હતું. તેમણે વડોદરાને સ્વચ્છ સુંદર બનાવવા અને સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું.

ભારત વિશ્વમાં સુપર પાવર બને એ વિષે પ્રશ્નો પૂછાતાં તેમણે યુવાનોને કહ્યું હતું કે સમાજના છેલ્લા નાગરિક સુધી ટેક્નોલોજીનાં ફળ ન પહોંચે ત્યાં સુધી આવી વિકાસની વાતોનો કોઈ અર્થ નથી. યુવાનોએ ગરીબોની ચિંતા કરવી જોઈએ.

ગુજરાત રાજ્યના હાયર એજ્યુકેશન વિભાગના કમિશ્નર જયંતી રવિએ શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાની વાત કરતાં કહ્યું હતું કે શિક્ષણ માત્ર બૌદ્ધિક વિકાસ માટે જ નથી.

એના દ્વારા શારીરિક વિકાસ, નૈતિક મૂલ્યો અને સદ્ગુણોનો વિકાસ તેમજ વિદ્યાર્થીઓમાં સૌંદર્ય ભાવના વિકસે એવા પ્રયાસો થવા જોઈએ.

ગુજરાત રાજ્યના યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ ઝાએ કહ્યું હતું કે આ વર્ષને ગુજરાત રાજ્યે ‘યુવવર્ષ’રૂપે ઊજવવાનું નક્કી કર્યું છે. એમના વક્તવ્યમાં કાવ્ય પંક્તિઓ ચમકી હતી.

સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મહેમાનોનું સ્વાગત અને આભાર માન્યો હતો. ભાગ લેનાર યુવાનોને પરિચર્ચામાંથી શું મળ્યું એ વિશેનું એક ફોર્મ તેમજ કેટલાંક પુસ્તકો અને સ્વામીજીની છબી અપાયાં હતાં. આમાંના કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ આ સેમિનારના અનુકાર્યરૂપે કોઈ ને કોઈ સામાજિક કાર્ય હાથ ધરશે.

રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પારિતોષિક અપાયાં હતાં. એમાંય એક અંધબાળા કે જેમણે ‘આધુનિક ભારતની સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદ’ વિશે સારો નિબંધ લખ્યો હતો, તેમને વિશેષ પારિતોષિક અપાયું હતું. ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ તેમણે પોતાનો શુભસંદેશ પાઠવ્યો હતો.

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.