હજારો વર્ષ પહેલાંની વાત છે. બધાં શાસ્ત્રોમાં નિપુણ શ્રીશિવગુરુ નામના પવિત્ર અને ધર્મભાવનાવાળા એક બ્રાહ્મણ હતા. એમનાં પત્ની સુભદ્રા પણ જીવતી-જાગતી ધર્મની મૂર્તિસમાં હતાં. દાંપત્યજીવનનાં ઘણાં વર્ષાે સુધી સંતાન પ્રાપ્તિ ન થતાં સુભદ્રાદેવીએ ભગવાન શિવની આરાધના શરૂ કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને મોટી ઉંમરે એમને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો. એમને મન તો જાણે સાક્ષાત્ શિવ આ બાળકના રૂપે અવતર્યા હોય એવું લાગ્યું. એમનો જન્મ કર્ણાટકમાં તુંગભદ્ર નદીને કિનારે આવેલ શ્રૃંગભેરી નગરમાં થયો હતો. બાળક શંકરે નાની ઉંમરમાં પિતાજીને ગુમાવ્યા. બાળ શંકર અસાધારણ પ્રતિભા, સ્મરણ શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા હતા. એક વર્ષની ઉંમરે તો એણે માતૃભાષાની વર્ણમાળા કંઠસ્થ કરી લીધી. બીજે વર્ષે વાંચતાં શીખી ગયા અને ત્રીજે વર્ષે પુરાણ અને કાવ્યનું વાચન કરવા લાગ્યા. આવી હતી એમની અદ્‌ભુત વિદ્યા પ્રાપ્ત કરવાની શક્તિ. પાંચમે વર્ષે એમનો યજ્ઞોપવીત સંસ્કાર વિધિ થયો હતો. જનોઈની વિધિ પૂરી થયા પછી તેઓ ગુરુના આશ્રમે વધુ અભ્યાસ માટે ગયા. તેઓ અદ્‌ભુત ગ્રહણશક્તિ ધરાવતા હતા તેથી ભણાવવામાં ગુરુને ઝાઝો પરિશ્રમ ન કરવો પડ્યો. પોતાના સહાધ્યાયીઓને પોતે ભણાવતા. સાત વર્ષની ઉંમરમાં તો ચાર વેદ, વેદાંગ, દર્શન, પુરાણ, ઈતિહાસ, કાવ્ય અને અલંકાર જેવાં શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું અને તેઓ આ વિષયોના પંડિત બની ગયા. આવી અદ્‌ભુત બુદ્ધિ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા. એમના તર્ક અને પ્રમાણ સામે મોટા-મોટા વિદ્વાનો હારી જતા.

થોડા સમયમાં એમની કીર્તિ દૂરદૂર સુધી ફેલાઈ ગઈ. મોટામોટા રાજાઓ એમનાં દર્શને આવતા. કેરલના રાજા એમનાં ચરણોમાં બેસીને અનેક ધર્મસંદેશ પામ્યા હતા. રાજાએ ઘણું ધન આપવાની ઇચ્છા વ્યક્ત કરી પણ એમણે એ ધન પોતે ન લીધું અને ગરીબ નિર્ધન લોકોમાં વહંેચી દેવા રાજાને સલાહ આપી. તેઓ નિઃસ્પૃહી હતા. સંન્યાસ લેવાનો એમણે નિર્ણય કર્યાે પણ પ્રેમાળ માતા આ સાંભળીને ખૂબ વિહ્વળ થયાં. પુત્ર વિના પ્રેમમયી માતા જીવી કેમ શકે!

એક વખત શ્રી શંકરાચાર્ય થોડે દૂર કોઈ સ્વજનને ત્યાં ગયા. માતા સાથે હતાં. વચ્ચે નદી આવતી હતી, પાણી ઓછું એટલે હોડી વિના નદી પાર જઈ શક્યાં. પાછાં ફરતી વખતે વરસાદને લીધે નદીમાં પૂર આવ્યું. નદી પાર કરતાં હતાં એટલામાં પાણી ગળા સુધી આવી ગયું. એવામાં મગરે શંકરનો જાણે પગ પકડ્યો હોય એવું લાગ્યું. માતા ગભરાઈ ગયાં. એ વખતે સમયસૂચકતા સાથે શંકરાચાર્યે માને કહ્યું, ‘મા, ઈશ્વરતો સંન્યાસીથી પ્રસન્ન રહે છે. તમે જો સંન્યાસ લેવાની મને રજા આપો તો આ આપત્તિમાંથી બચી શકીએ.’ વિચારવાનો સમય હતો નહીં, પુત્રપ્રેમને વશ થઈને માએ સંન્યાસ લેવા આજ્ઞા આપી. અને જાણે મગરે એને છોડી દીધો હોય એવું લાગ્યું. પછી તો બમણા ઉત્સાહથી તેઓ નદી પાર આવી ગયા. સંન્યાસની પૂર્વતૈયારી માટે નર્મદા તરફ ચાલી નીકળ્યા. એ વખતે એમણે માને કહ્યું હતું કે હું સમયે સમયે આવીને તમને મળીશ.

નર્મદાતટે આવીને એમણે નાની ઉંમરે ગોવિંદભગવત્પાદ પાસેથી સંન્યાસ દીક્ષા લીધી. ગુરુએ એમનું નામ ભગવત્પૂજ્યપાદાચાર્ય પાડ્યું. ગુરુએ બતાવેલા માર્ગે તેઓ યોગસિદ્ધ બની ગયા. એમણે શંકરાચાર્યને કાશીમાં જઈને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય કરવાની આજ્ઞા આપી. ગુરુના આદેશ પ્રમાણે શંકરાચાર્ય કાશી આવ્યા. અહીં ચાંડાળના રૂપે ભગવાન શંકરે એમને દર્શન દીધાં. આચાર્ય શંકર એમને ઓળખી ગયા અને એમનાં ચરણોમાં પડ્યા. અહીં તેમણે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું. શંકરાચાર્ય હિમાલયમાં ગયા. ત્યાં ઘણા પ્રમાણભૂત ગ્રંથો પર ભાષ્યો લખ્યાં. પદ્મપાદાચાર્ય આચાર્ય શંકરના કાશીમાંના પ્રથમ શિષ્ય હતા. એમનું પૂર્વ નામ સનંદન હતું.

એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા. એમણે એક સૂત્રના અર્થ પર શંકા વ્યક્ત કરી. શંકરાચાર્યે એનો ઉત્તર આપ્યો. વળી વૃદ્ધ બ્રાહ્મણને શંકા થઈ. આવી રીતે શાસ્ત્રાર્થ ચર્ચા આઠ દિવસ સુધી ચાલી. પદ્મપાદાચાર્યે કહ્યું છે, ‘મારા ગુરુજી જેવા અદ્વિતીય વિદ્વાન સાથે એટલા દિવસો સુધી શાસ્ત્રાર્થ કરવાની કોનામાં ક્ષમતા છે?’ શંકરાચાર્યે ધ્યાન સમાધિ દ્વારા જાણ્યું કે ભગવાન વ્યાસ વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવીને શાસ્ત્રાર્થ કરી રહ્યા છે. શંકરાચાર્ય એમનાં ચરણોમાં પડ્યા. શ્રી વ્યાસજીએ પ્રસન્ન થઈને કહ્યું, ‘તમારું આયુષ્ય કેવળ સોળ વર્ષનું છે અને હવે એ પૂરુ થવામાં છે. બીજા સોળ વર્ષ હું તમને મારા તરફથી આપું છું. તમે ધર્મ સ્થાપના કરો.’ ભગવાન વ્યાસની આજ્ઞાનું અક્ષરશઃ તેમણે પાલન કર્યુ હતું. શંકરાચાર્યે સનાતનધર્મનું પુનઃ સ્થાપન કર્યું. ભારતની ચારેય દિશાઓમાં ચાર મુખ્ય મઠોની સ્થાપના કરી.

(સૌજન્યઃ કલ્યાણ બાલકઅંક પૃ. ૬૬૬-૭)

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.