એક સાંજે સ્વામીજી વેદાંતનો વર્ગ લેતા હતા. તેમાં શુદ્ધાનંદ અને બીજા શિષ્યો હાજર હતા. સંધ્યા સમય હતો અને મંદિરમાં પૂજાનો સમય થઈ ગયો હતો. સ્વામી પ્રેમાનંદ આવ્યા અને તેમણે વર્ગમાં રહેલ બધાને મંદિરમાં પૂજા ઉપાસના માટે જવા કહ્યું. યુવાન સંન્યાસીઓને જરા ન ગમ્યું. એક બાજુએ સ્વામીજીને વેદાંત ઉપર બોલતાં સાંભળવાનું આકર્ષણ હતું અને બીજી બાજુએ મંદિરમાં સંધ્યાઆરતી સમયની પૂજા ઉપાસના હતાં. નવયુવાનોની મૂંઝવણ સમજીને સ્વામીજીએ સ્વામી પ્રેમાનંદને કહ્યું, ‘શું વેદાંતનો અભ્યાસ પણ ગુરુદેવની પૂજા નથી? શું તમે એમ ધારો છો કે છબી કે મૂર્તિની સામે દીપ પ્રગટાવીને કાનને બહેરા કરી દેતા ઘંટારવ સાથે તેની આરતી ઉતારવી એ જ પ્રભુપૂજા છે?’

શુદ્ધાનંદની કાર્યનિષ્ઠા અને કુશળતામાં સ્વામીજીને ગહન શ્રદ્ધા હતી. સ્વામી શુદ્ધાનંદ જ સ્વામીજીના વ્યક્તિગત પત્રોમાંથી મોટાભાગના પત્રો લખતા. એક દિવસ એમણે શુદ્ધાનંદને કહ્યું, ‘જો, તારે મઠની રોજનીશી રાખવી જોઈએ અને તેની પ્રવૃત્તિઓનો સાપ્તાહિક અહેવાલ તૈયાર કરવો જોઈએ.’ સ્વામી શુદ્ધાનંદે પોતાના જીવન દરમિયાન સ્વામીજીની આ આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું. એમની એ રોજનીશી કે જે રામકૃષ્ણ સંઘના ક્રમિક વિકાસની એક ઐતિહાસિક હિસાબનોંધ છે અને આજે પણ મઠમાં એને જાળવી રાખવામાં આવી છે. આ રોજનીશીમાંથી સ્વામીજીના જીવન સાથે સંકળાયેલ કેટલીય ઘટનાઓ જાણીતી બની છે. ૬ મે, ૧૮૯૭ના રોજ સ્વામીજી સાથે એમના વ્યાખ્યાન પ્રવાહમાં ઉત્તર અને પશ્ચિમ ભારતના પ્રવાસે સ્વામી શુદ્ધાનંદ ગયા. આ પ્રવાસ દરમિયાન સ્વામીજી સાથે તેઓ ૬ મહિના રહ્યા હતા, અને આ સમયની સ્મૃતિઓ એમને માટે અમૂલ્ય બની રહી. પછીથી એમણે લખ્યું હતું, ‘પંજાબ અને રાજપૂતાનામાં પરિભ્રમણ કરતી વખતે સ્વામીજીએ મને સલાહ આપી કે શારીરિક તપ અને આધ્યાત્મિક સાધના કરતી વખતે તારે તારી તંદુરસ્તીની કાળજી લેવી જોઈએ.’ સ્વામીજી સાથેના સ્વામી શુદ્ધાનંદના આ નિકટના સંગાથના કારણે રામકૃષ્ણ સંઘના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશેના સ્વામીજીના વિચારો, શાસ્ત્રોનું સારભૂત તત્ત્વ અને એ વખતે સમાજ જે સમસ્યાઓનો સામનો કરતો હતો એનાથી તેઓ વધારે પરિચિત થયા. આને લીધે સ્વામી શુદ્ધાનંદ ભવિષ્યમાં પોતાના સ્થાને સ્થિરધીર રહીને મઠના મુખી તરીકે સલાહસૂચન વધુ સારી રીતે આપી શક્યા. સ્વામીજીએ શુદ્ધાનંદને પોતાની સાથે આવવા કહ્યું કારણ કે એમનામાં રહેલી ભીતરની શક્તિ જોઈને ભવિષ્યના સંઘના મુખી તરીકે તેઓ તેને જાણે કે તાલીમ આપવા ઈચ્છતા હતા. શુદ્ધાનંદનાં શ્રદ્ધા, બુદ્ધિપ્રતિભા, શાસ્ત્રગ્રંથો અને વેદાંત પ્રત્યેના ઊંડા પ્રેમે સ્વામીજીને ખૂબ પ્રસન્ન કરી દીધા હતા. તેમણે આ શબ્દો ‘તે જ્ઞાનપ્રાપ્તિ કરશે’ કહીને શુદ્ધાનંદને સ્વામીજીએ પોતાના હૃદયના આશીર્વાદ આપ્યા હતા. સ્વામી શુદ્ધાનંદે સ્વામીજી સાથેના પોતાના પરિભ્રમણનો અહેવાલ આ શબ્દોમાં આલેખ્યો છેઃ

‘૧૮૯૭ના પશ્ચાદ્ ભાગમાં જ્યારે હું આલમબજાર મઠમાં હતો ત્યારે સ્વામીજીએ પછી સ્વામી વિજ્ઞાનાનંદ અને મને પશ્ચિમભારતનું પરિભ્રમણ કરવા કહ્યું. એ વખતે સ્વામીજી યાત્રા પ્રવાસે હતા અને અમે તેમને ક્યાં મળીશું એ માટે અમે ચોક્કસ ન હતા. સ્વામીજીની સૂચનાઓ પ્રમાણે સૌ પ્રથમ અમે અંબાલા ગયા અને ત્યાં થોડા દિવસો રહ્યા. ત્યાર પછી સ્વામી નિરંજનાનંદ સ્વામી વિજ્ઞાનાનંદને દેહરાદૂન લઈ ગયા, અહીં મઠ માટે યોગ્ય જગ્યા પસંદ કરવાની હતી.

હું વળી પાછો અંબાલા થોડા દિવસ રોકાયો. પછીથી સ્વામીજી લાહોર આવવાના છે એવા સમાચાર મળતાં હું એમને ત્યાં મળવા ગયો, પણ ત્યાં તેમના આવવાની ચોક્કસ તારીખની મને ખબર ન હતી. એટલે સ્ટેશને એમની રાહ જોવાને બદલે એમણે મને આપેલા સરનામે હું ગયો. પછીથી મને ખ્યાલ આવ્યો કે હું પહોંચ્યો તે પછી એકાદ કલાકે સ્વામીજી આવી પહોંચ્યા અને કેટલાક હિન્દુ સમાજે એમના ભવ્ય સ્વાગતનો સમારંભ ગોઠવ્યો હતો. સ્વામીજીએ મારી સ્ટેશને મળવાની અપેક્ષા રાખી હતી. પણ ત્યાં મને ન જોઈને તેમણે પહેલેથી પૈસા ચૂકવીને અંબાલામાં મને એક તાર કર્યાે. જો કે આ વખતે અભિવાદન સમારંભ માટે હું ઘણો પ્રવૃત્તિશીલ હતો. આમ છતાં પણ હું એ જ રાતે સ્વામીજીને મળ્યો અને મારા પર એમણે જે પ્રેમ અને ઉષ્મા વરસાવ્યાં તે મારા હૃદયના હાર્દને સ્પર્શી ગયાં.

એ વખતે ‘ધ ગ્રેટ ઈંડિયન સરકસ’ ત્યાં ચાલતું હતું અને આ સરકસનો માલિક સ્વામીજીનો બાળપણનો ગોઠિયો હતો. તેઓ બંને એકબીજા સાથે નાનપણમાં મલ્લકુસ્તી પણ કરતા. આટલા લાંબા સમય પછી અને આવા બદલાયેલા સંજોગોમાં સરકસનો માલિક એટલો બધો લાગણીશીલ બની ગયો કે સ્વામીજીને કેવી રીતે સંબોધવા તે નક્કી ન કરી શક્યો. જ્યારે સ્વામીજીએ એને એના બાળપણના નામથી સંબોધ્યો ત્યારે એનો ખચકાટ દૂર થયો.

અહીંથી આ યાત્રા પ્રવાસ ટુકડી દેહરાદૂન જવા ઊપડી. જો કે સ્વામીજીની તબિયત બરાબર ન હતી છતાં પણ તેઓ હજુ પણ અમારા માટે વેદાંત અને બીજા વિષયો વિશે વર્ગાે લેતા. તેઓ કહેતા, ‘સંન્યાસીને યોગ્ય ભિક્ષા માગીને જે કંઈ મળે તે જ ખાઈને હજુ પણ હું સંન્યાસી જીવન જીવવા માગું છું, પરંતુ મારી તબિયત મને એમ કરવા દેતી નથી.’ અમારી વળતી યાત્રા વખતે તેમણે અમારામાંથી કેટલાકને સહરાનપુર સુધી પગપાળા જવા પ્રેર્યા. આ સમયે તેમણે સંન્યાસી જીવન વિશેની ઘણી બાબતો અમને શિખવી. સહરાનપૂરમાં અમારા માટે ત્યાંનો એક સ્થાનિક છોકરો સફાઈ કામ અને કપડાં ધોવાનું કરતો. આ છોકરો ઉચ્ચવર્ણનો છે એમ જાણીને એના માટે સારી કેળવણીની વ્યવસ્થા ગોઠવવા સ્વામીજી એને ખેતડી લઈ ગયા. પરંતુ છોકરાના કમનસીબે સ્વામીજીના પ્રયત્નોનું ફળ ન મળ્યું.

સહરાનપુરથી દિલ્હી થઈને અમે અલવર અને જયપુર ગયા. દરેક સ્થળે અમે થોડા દિવસ રોકાયા અને પછી ખેતડી ગયા. જયપુરથી ખેતડી ૯૦ માઈલ દૂર છે. ખેતડીના રાજા સ્વામીજીના શિષ્ય હતા. અહીં સ્વામીજીએ અમને શાકાહારી ભોજન લેવા કહ્યું. તેઓ ક્યારેક કહેતા ‘જો કોઈ ૧૨ વર્ષ સુધી ચુસ્તપણે શાકાહારી ભોજન લે તો તેને આધ્યાત્મિક અનુભૂતિ મળી શકે.’ દિલ્હીમાં સ્વામીજી કોઈ પૈસાદારના સુખસુવિધાવાળાને ઘેર રહેવાને બદલે એક સામાન્ય સ્થિતિના ભક્તને ઘેર ઊતર્યા. અલવરમાં પણ તેમણે આમ જ કર્યું. જ્યારે અમે ત્યાં હતા ત્યારે સ્વામીજીએ અમને ઘોડેસવારી શીખવા પણ પ્રોત્સાહિત કર્યા. ટૂંકમાં અમારામાંનો દરેક આધ્યાત્મિક, શારીરિક, માનસિક પ્રશિક્ષણ મેળવે અને દરેક રીતે પૂર્ણ બને તેમ તેઓ ઈચ્છતા હતા.

તમે બધા સ્વામીજી સાથેની મારી યાત્રાનાં સંસ્મરણો વિશે જાણવા આતુર છો એટલે મંે તમને આ લખ્યું છે. અલબત્ત. વિગતવાર એ વિશે પત્રમાં લખવું અશક્ય છે.’ (બેલૂડમઠના ૧૪.૧.૩૮ના અપ્રસિદ્ધ પત્રમાંથી)

સંન્યાસદીક્ષા લેતાં પહેલાં શુદ્ધાનંદે સ્વામી નિરંજનાનંદજીના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક સાધના કરવામાં ઘણા દિવસો આલ્મોડામાં ગાળ્યા હતા. આ દિવસોને યાદ કરીને સ્વામી શુદ્ધાનંદે એક સંન્યાસીને લખેલા પત્રમાં આમ જણાવ્યું હતું, ‘મારે એમની (સ્વામી નિરંજનાનંદ) સાથે ઘણી ચર્ચા થતી… આધ્યાત્મિક સાધના કરવા માટે તેઓ મને ખૂબ પ્રોત્સાહિત કરતા. મઠમાંથી કાલીકૃષ્ણ મહારાજને (સ્વામી વિરજાનંદ) બોલાવીને અમને બંનેને એકાંત સ્થળે આધ્યાત્મિક સાધના કરાવવાની તેમની ખૂબ ઇચ્છા હતી. એટલે એમણે મને કાલીકૃષ્ણ મહારાજને એ વિશે પત્ર લખવા કહ્યું અને મેં પત્ર લખ્યો. પણ તેઓ અમને બંનેને આ રીતે જોડવા વ્યવસ્થા ન કરી શક્યા. મને બરાબર યાદ છે કે શ્રીરામકૃષ્ણ તેમને કહેતા તે પ્રમાણે પોતે ઈશ્વરકોટિ છે તેવું સ્વામી નિરંજનાનંદે સ્વીકાર્યું હતું.

૧૮૯૮ના સપ્ટેમ્બરમાં અમે વારાણસી આવ્યા.’ શુદ્ધાનંદના આ પત્ર દ્વારા જણાય છે કે આલ્મોડાથી પાછા ફરતી વખતે કાઠગોદામ સુધીના આશરે ૫૫ માઈલનું અંતર પગે ચાલીને કાપ્યું હતું અને ત્યાંથી તેઓ ગાડીમાં બેઠા. મા સેવિયરે સ્વામી નિરંજનાનંદ અને તેને (સ્વામી શુદ્ધાનંદ) આગળના પ્રવાસ માટે ૩૫ રૂપિયા આપ્યા હતા. વળી લાલા બદ્રી શાહે સ્વામી નિરંજનાનંદને કાઠગોદામ સુધી લઈ જવા ઘોડાની વ્યવસ્થા કરી આપી હતી. રસ્તામાં શુદ્ધાનંદ સારા એવા માંદા પડી ગયા અને એમનું પેટ ઘણું બગડી ગયું.

વારાણસીમાં શુદ્ધાનંદ અને સ્વામી નિરંજનાનંદ વળી પાછા કઠિન આધ્યાત્મિક સાધનામાં લીન બની ગયા. તેઓ વંશીદત્તના ભાંગ્યાતૂટ્યા ઉદ્યાનગૃહમાં રહ્યા અને ભિક્ષાન્ન મેળવીને ખાતા. પછીથી શુદ્ધાનંદે એક પત્રમાં આમ લખ્યું,

‘સ્વામી નિરંજનાનંદ અને હું એ મકાનમાં અઢી મહિના રહ્યા. તેઓ ભોંયતળિયે રહેતા અને હું પહેલે માળે હતો. પહેલે દિવસે ઉદ્યાનની સંભાળ લેતી વ્યક્તિએ અમને ભોજન આપ્યું, પરંતુ પછીના દિવસથી અમે બંને અમારા રહેઠાણથી એક માઈલ દૂર આવેલ ભિક્ષાગૃહમાંથી ભિક્ષાન્ન માગી લાવ્યા. આ પહેલાં સ્વામી અદ્વૈતાનંદ પણ આ ઉદ્યાનગૃહમાં ઊતર્યા હતા અને એમનું ભિક્ષાપાત્ર હજી પણ ત્યાં જ હતું. અમારા બંને માટે સ્વામી નિરંજનાનંદે બે નાનાં બાઉલ મેળવ્યાં. એમાં અમે રોટલી અને ભાત લેતા. માટીની બે થાળી પણ લાવ્યા. એમાં અમે અમારું ભોજન લેતા. ભિક્ષામાં અમને રોટલી અને દાળ મળતાં. ક્યારેક ક્યારેક અમારા નસીબે થોડોક ભાત પણ આવી જતો. પણ શાકભાજીનો સ્વાદ ભાગ્યે જ ચાખવા મળતો. અમે લીંબુ અને મીઠું મેળવી લેતા અને અમારા ભોજનને થોડું સ્વાદિષ્ટ બનાવી લેતા.’

આ પત્ર દ્વારા અમને એ પણ જાણવા મળ્યું કે પોતાની તપસાધનાના આ દિવસોમાં શુદ્ધાનંદ હંમેશાં આનંદમય અને ઈશ્વરના ધ્યાનમાં લીન રહ્યા હતા. આમ છતાં પણ થોડા દિવસો પછી એમની તબિયત એકાએક બગડી અને આને લીધે એમના આનંદમય મિજાજમાં વિધ્ન આવ્યું. સતત તાવ અને સાથે થતી ઉલટીએ શુદ્ધાનંદને સાવ નબળા બનાવી દીધા. હવે તેઓ સ્વામી નિરંજનાનંદની ચિંતાનું કારણ બની ગયા. પોતાના એક જાણીતા હોમિયોપથીના દાક્તરની સારવારની વ્યવસ્થા સ્વામી નિરંજનાનંદે કરી. પોષક આહારના અભાવે આ સારવાર પણ અસરકારક ન નીવડી. શુદ્ધાનંદની તબિયત બગડવા માંડી. આ જાણે કે ઓછું, અધૂરામાં પૂરું સ્વામી નિરંજનાનંદ પણ તાવની માંદગીમાં પટકાયા. આ સમાચાર સાંભળીને સ્વામી વિવેકાનંદ સાથે નિકટનો સંબંધ ધરાવતા પ્રમદાદાસ મિત્રે એમના પોષક આહારની વ્યવસ્થા કરવા થોડી રકમ મોકલી. આ નાની મદદ ઘણી ઉપયોગી થઈ પડી. (ક્રમશઃ)

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.