સ્વામી વિવેકાનંદને રસોઈમાં જાત-જાતના પ્રયોગો કરવાનું બહુ ગમતું. સ્વામી શારદાનંદ વિદેશમાં એમને ત્યાં હાલમાં જ પહોંચ્યા હતા. તેઓ સ્વામીજી માટે ભારતમાંથી ઘણા મરીમસાલા લાવ્યા હતા. એ મરીમસાલાનો ઉપયોગ કરીને સ્વામીજીને મજાની સ્વાદિષ્ટ દાળ બનાવવાનું ગમતું. વળી એમણે પોતે જ બનાવેલી વાનગીનું વર્ણન કરતી વખતે એમનો હસમુખો સ્વભાવ પણ આપણને જોવા મળે છે. મેરી હેઈલ નામનાં એમનાં ઓળખીતાં સન્નારીને એમને પોતાના પત્રમાં આમ લખ્યું છે, ‘ગઈ કાલે રાત્રે મેં એક વાનગી બનાવી. એમાં કેસર, તમાલપત્ર, તજ, એલચી, મલાઈ, લીંબુનો રસ, કાંદા, બદામ, કિસમિસ, મરી અને ચોખા નાખીને બનાવેલ તે એક સ્વાદિષ્ટ વાનગી હતી. એ વાનગી હું પોતે જ ગળે ઉતારી ન શક્યો! એમાં હિંગ નાખી ન હતી. જો એ નાખી હોત તો ગળે ઉતારવામાં ઓછી તકલીફ પડત.’ આવા અનેક પ્રસંગો સ્વામી વિવેકાનંદના જીવનમાં જોવા મળે છે. એમના તત્ત્વચિંતનથી સભર વાતાવરણને આવી ઘટનાઓ થોડું હળવું બનાવે છે અને યુવાન સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વને પણ વધારે આકર્ષક બનાવે છે. (‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ, ન્યૂ ડિસ્કવરીઝ્, ધ વર્લ્ડ ટીચર’ – લે. મેરી લૂઈ બર્ક, વો. ૪, પૃ. ૧૬૭.)

મરાઠી વાચકોને લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદની મુલાકાત વિશે અને સ્વામીજી પૂનામાં રોકાયા હતા એની જાણ છે, પણ લોકમાન્ય ટિળકે સ્વામીજી માટે જે લખ્યું હતું એ વધુ રસપ્રદ છે.

૧૮૯૨ના સમયમાં એટલે કે શિકાગોની એ પ્રખ્યાત વિશ્વધર્મ પરિષદ પહેલાં, લોકમાન્ય ટિળકે લખ્યું છે, ‘એક વાર હું મુંબઈથી પૂના પાછો ફરતો હતો. વિક્ટોરીયા ટર્મિનસ (વી.ટી.) સ્ટેશન પર હું જે ડબામાં બેઠો હતો તેમાં જ એક સંન્યાસી ચડ્યા. એક ગુજરાતી સભ્ય ગૃહસ્થ એમને વળાવવા આવ્યા હતા. એ સભ્ય ગૃહસ્થે મારી ઔપચારિક ઓળખાણ કરાવી અને પૂનામાં મારા ઘરે રહેવું, એમ એ સંન્યાસીને સૂચવ્યું. અમે પૂના પહોંચ્યા અને એ સંન્યાસી મારે ત્યાં ૯ થી ૧૦ દિવસ રહ્યા. એમનું નામ પૂછતાં એમણે માત્ર હું સંન્યાસી છું એટલું જ કહ્યું. અહીં એમણે કોઈ જાહેર ભાષણ ન કર્યાં. તેઓ બીજા લોકોની સાથે મળવાનું ટાળતા. એમની પાસે ખરેખર પૈસા જ ન હતા. એમની પાસે માત્ર મૃગચર્મ, એકાદ વસ્ત્ર અને કમંડળ જ હતાં. એમને જ્યાં જવું હોય ત્યારે કોઈ ટિકિટ કઢાવી બેસાડી દેતું.

સ્વામીજીએ જોયું કે મહારાષ્ટ્રની સ્ત્રીઓ બુરખા વાપરતી નથી. એથી એમણે આશા વ્યક્ત કરી કે બુદ્ધના સમયની સાધ્વીઓની જેમ ઉચ્ચવર્ગની થોડી સ્ત્રીઓ અધ્યાત્મ અને ધર્મના પ્રચાર-પ્રસાર માટે પોતાનું જીવન વિતાવી શકે. મારી જેમ જ સ્વામીજી પણ માનતા હતા કે શ્રીમદ્ ભગવદ્ગીતા માત્ર મુક્તિનો બોધ નથી આપતી પણ નિષ્કામ કે નિરપેક્ષભાવે કર્મયોગની વાત પણ શીખવે છે.

હું એ વખતે ડેક્કન ક્લબનો સભ્ય હતો. એની સાપ્તાહિક બેઠક હીરાબાગમાં મળતી. એક મીટિંગમાં મારી સાથે સ્વામીજી આવ્યા. એ સાંજે કૈ.કાશીનાથ ગોવિંદનાથે તત્ત્વજ્ઞાન પર સુંદર મજાનું ભાષણ આપ્યું. એ વક્તવ્ય પર બીજા કોઈએ કંઈ ન કહ્યું, પણ સ્વામીજી ઊભા થયા અને એ જ વિષયની બીજી બાજુના પાસા અંગે સ્પષ્ટ અંગ્રેજીમાં વિસ્તારપૂર્વક વિષયની માંડણી કરી. દરેકને એમની મહાનતાની ખાતરી થઈ ગઈ.

ત્યારપછી થોડા જ વખતમાં સ્વામીજી પૂનાથી નીકળી ગયા. એ પછી બે-ત્રણ વર્ષ બાદ સ્વામીજીનાં વિશ્વવિખ્યાત ભાષણો વિશે શ્રી લોકમાન્ય ટિળકે વાંચ્યું. ઠેકઠેકાણે એમના થયેલા ભવ્ય સત્કાર વિશે પણ વાંચ્યું. છાપામાં એમની તસવીર જોઈને પોતાને ત્યાં આવેલા સંન્યાસીની યાદ આવી. ત્યારબાદ લોકમાન્ય ટિળક લખે છે, ‘મારા અનુમાનની ખાતરી કરવા મેં એમને પત્ર લખ્યો અને કોલકાતા જતી વખતે પૂનામાં મળવા વિનંતી પણ કરી. મને તરત જ એનો જવાબ મળ્યો. એમાં એમણે એ સંન્યાસી એટલે હું પોતે, એવું નિખાલસ રીતે કબૂલ કર્યું હતું. આ વખતે પૂનામાં આવી શકીશ નહીં એ વાતની એમણે દિલગીરી પણ વ્યક્ત કરી.’

આ પત્ર અત્યારે ઉપલબ્ધ નથી. ૧૮૯૭ના ‘કેસરી કેસ’ ચાલતો હતો ત્યારે છેલ્લે જે અનેક વ્યક્તિગત અને સાર્વજનિક પત્ર નાશ પામ્યા એ વખતે ઉપર્યુક્ત પત્ર પણ નાશ પામ્યો હશે.

ત્યાર પછી કોલકાતામાં ભરાયેલ કોંગ્રેસના એક અધિવેશનમાં ગયો ત્યારે મિત્રો સાથે રામકૃષ્ણ મિશનનો બેલૂડ મઠ જોવા ગયો. ત્યાં સ્વામી વિવેકાનંદે અમારું હાર્દિક સ્વાગત કર્યું. અમે એમની સાથે ચાનો સ્વાદ માણ્યો. વાતવાતમાં સ્વામીજીએ રમૂજ સાથે કહ્યું, ‘મારે (લોકમાન્ય ટિળકે) સંન્યાસ લઈને બંગાળમાં એમનું કામ કરવું અને એમણે (સ્વામીજીએ) મહારાષ્ટ્રમાં કામ કરવું.’ એમણે પછી સૂચન કરતાં કહ્યું કે પોતાના પ્રદેશમાં કામ કરતી વખતે જે અસર થાય છે એ દૂરના પ્રદેશમાં કામ કરતી વેળા થતી નથી. (રેમિનિસન્સીઝ ઓફ સ્વામી વિવેકાનંદ – પૃ. ૫૨-૫૬)

Total Views: 311
By Published On: June 1, 2012Categories: Suruchi Pande, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram