તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને પોતાની પસંદગીની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા પણ હોય છે. આ ચારેય બાબતોમાં પહેલી બે – પુરાણકથાઓ અને વિધિવિધાનો – તો સામાન્ય લોકસમુદાય માટે હોય છે અને છેલ્લી બે – તત્ત્વજ્ઞાન અને ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા – પ્રશિક્ષિત અને શિષ્ટજનો માટે હોય છે. આનો અર્થ એવો નથી કે ભણેલા ગણેલા માટે પુરાણકથાઓ અને વિધિનિષેધો સાવ વ્યર્થ છે. તેઓ પણ ખાણનું ધૂળિયું કાચું સોનું જ છે, એને ફક્ત થોડું ઘસી ઘસીને ચમકીલું બનાવવાની જ જરૂર છે. એ બંનેની ભૂમિકા તો તત્ત્વજ્ઞાન જ છે. તે બંને પણ ધર્મના જ શ્વાસોચ્છશ્વાસ લે છે. તેમાં પણ સફળતાપૂર્વક તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાનાં રહસ્યોને સાચવતો સમાજ રહ્યો છે. એના વગર તો ધર્મનાં સત્યો સાધારણ જનસમુદાય સુધી પહોંચત જ નહિ! એ બંને તો ધર્મનાં બાલમંદિરો છે! એનાથી મળતા નાના મોટા લાભને સાવ ઉવેખવો કોઈને પણ પોસાય તેમ નથી. પુરાણકથાઓનું અધ્યયન માણસને શાસ્ત્રીય વિધિવિધાન અને ઉત્સવો કરવા પ્રેરણા આપે છે. જો પુરાણકથાઓ ભોળાંભલાં સીધાંસાદાં માણસો માટે હોય, તો તત્ત્વજ્ઞાન જરા વધુ આગળ વધેલાઓ માટે છે. વિધિવિધાનો અને ઉત્સવો આ પુરાણકથાઓનું જ પ્રાયોગિક સ્વરૂપ છે, જ્યારે ધ્યાન અને ઉચ્ચતર આધ્યાત્મિક સાધનાનો ઉદ્દેશ ધર્મના પારમાર્થિક તત્ત્વનો સાક્ષાત્કાર કરવાનો હોય છે અને એ સાક્ષાત્કાર કરાવવો તે તત્ત્વજ્ઞાનનું જ કામ છે. ધર્મનો ખાલી સૈદ્ધાંતિક અભ્યાસ કરવાથી તો આપણે કદી પણ લક્ષ્યને હાંસલ કરી શકીએ નહિ. પ્રસિદ્ધ પુરાણકથાઓને કેવળ જાણી લેવાથી અથવા એનું સૈદ્ધાંતિક તત્ત્વજ્ઞાન જાણી લેવાથી કશું જ વળવાનું નથી. જો આપણે એ સત્યો જીવનમાં કાર્યાન્વિત ન કરીએ, જો આપણે એને નિષ્ઠાપૂર્વક જીવનમાં સતત ઉતારતા ન રહીએ તો એનો કશો જ અર્થ નથી.

હવે પ્રશ્ન એ છે કે આ ધર્મ આપણને ક્યાં લઈ જશે? બધા જ ધર્માેએ આનો ઉત્તર આપ્યો છે કે પ્રાર્થના, ધ્યાન વગેરે આધ્યાત્મિક સાધનાઓ મનુષ્યને લોકોત્તર ગતિ અર્પે છે, મન અને બુદ્ધિની પેલે પારની એ અવસ્થા છે, ત્યાં મનુષ્ય પરમ સત્યને પિછાણે છે. એ સત્ય ‘અવાઙ્ મનસ’ છે, એ અતિચેતન છે. ચમત્કાર, પ્રેરણા, અથવા ‘ઈશ્વરની વત્સલ વાણી’ વગેરે જે કહેવાય છે તેની પ્રાપ્તિ તો ત્યારે જ શકય બને છે, જ્યારે માનવ એ પરમોચ્ચ ભૂમિકાએ પહોંચે છે. આ અવસ્થાને હિન્દુઓ ‘સમાધિ’ નામ આપે છે, બૌદ્ધો એને ‘નિર્વાણ’ કહે છે, બાઈબલ એને ‘સર્વજ્ઞાનાતીત શાંતિ’ કહે છે, અન્ય ધર્માે એને અન્યાન્ય નામે ઓળખે છે.

બધા જ ધર્માેની સાધનાનું લક્ષ્ય આ અતિચેતનની અનુભૂતિ જ છે. એ તો સ્પષ્ટ જ છે કે દરેક ધર્મશાસ્ત્રના ઉપદેશક પેગમ્બર કે સંત-ઓલિયાએ આ અવસ્થા ભરપૂર રીતે – સામાન્ય માણસોને સ્વપ્ને ય ખ્યાલ ન આવે એવી રીતે – જાણી અને માણી હોય છે. આ ધર્મસંસ્થાપકો-ઉપદેશકોની ચેતનાતીત અનુભૂતિ વિશ્વના બધા જ ધર્માેમાં સમાન છે. અવતારો અને પેગમ્બરોની આ જ કસોટી છે અને સર્વ ધર્માેનું આ જ કેન્દ્રબિન્દુ છે. આવા પૂર્ણ મહાત્માઓ પોતાનાં અનુભૂત સત્ય અન્ય અધિકારી જનોને ઉપદેશે છે અને એમના દ્વારા અન્ય અનુયાયીઓને એ સત્યો સાંભળવા-જાણવા મળે છે. અનુયાયીઓ એ સત્ય શબ્દશઃ પુસ્તકો વગેરે દ્વારા સાચવે છે. એનાં શાસ્ત્રો બને છે, અને એ ભણાય-ભણાવાય છે. આ બધી બાબતો વિશ્વના તમામ ધર્માેમાં સરખે સરખી જ છે.

પરંતુ, એ તો સ્વાભાવિક જ છે કે ધર્મના બધા જ અનુયાયીઓ કંઈ શાસ્ત્રગત સત્યોને, પેગમ્બર કે અવતારી વિભૂતિના સાક્ષાત્ શિષ્યો જેટલી પૂર્ણતાથી જાણી પ્રમાણી કે અનુભવી શકતા નથી. એટલે પછી એના ઉપર વિદ્વાનો દ્વારા ટીકા-ટિપ્પણી-ભાષ્યો રચાયાં. આ ટીકાકારો બે પ્રકારના છે, એક આસ્થાપરક અને બીજા તત્ત્વાન્વેષક. આ બંને માર્ગ જુદા પડી ગયા હોવા છતાં ઈશ્વરના સાક્ષાત્કારને જ જીવનનું પરમ લક્ષ્ય અને જીવનનું સર્વસ્વ માને છે. એટલે દરેક ધર્મનો ઉપદેશ એ જ છે કે માનવજીવન એ રીતે જીવાવું જોઈએ કે છેવટે એ પોતાના દિવ્ય લક્ષ્ય સુધી પહોંચી શકે. આ ખ્યાલથી જ સભ્યતા અને સંસ્કૃતિ જન્મ્યાં અને વિકસ્યાં. આ સભ્યતા અને સંસ્કૃતિએ માનવજીવનને પ્રભાવિત કર્યું, એક વળાંક આપ્યો. એમાં ધર્માેપદેશની સંજીવની વત્તી ઓછી રચાયેલી જ હતી. કાવ્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, ગૃહનિર્માણ – વગેરે બધી જ કળાઓનો ઉપયોગ ધર્મે આ આધ્યાત્મિક લક્ષ્યસિદ્ધિ માટે કર્યાે.

સાકાર કે નિરાકાર ઈશ્વરના સાક્ષાત્કારની સાથે થતી અતિચેતન અવસ્થાની પ્રાપ્તિ એ આધ્યાત્મિક સાધનાની પરાકાષ્ઠા છે. અને દરેક ધર્મનો આ જ પરમ પુરુષાર્થ છે એ આપણે જોયું. હવે આ અવસ્થામાં જીવાત્માની શી સ્થિતિ હોય છે? બધા સંપ્રદાયો કહે છે કે અતિ ચેતનાભૂતિની આ અવસ્થામાં જીવાત્મા કાં તો સાકાર ઈશ્વર સાથે ભાવાત્મક સંબંધ બાંધીને એની સાથે રહે છે અથવા તો નિરાકાર ઈશ્વર સાથે એકાકાર થઈ રહે છે. અદ્વૈતમત અને સૂફી મતમાં આ એકાકારતાને છાતી ઠોકીને સ્વીકારી છે અને દ્વૈતવાદી ધર્માેમાં જીવને ઈશ્વરનો અંશ માનીને આ અવસ્થામાં બંને વચ્ચે શેઠ – નોકર, પિતા – પુત્ર વગેરે સંબંધો કલ્પ્યા છે.

માનવ આત્મા અને એના સર્જનહાર વચ્ચેના આગળ કહેલા અંશ-અંશીભાવના સંબંધને પરિણામે જીવો વચ્ચેનો પારસ્પરિક સંબંધ પણ આધ્યાત્મિક બંધુભાવનો જ થયો! આ વાત બધા ધર્માેએ સ્વીકારી જ હતી! ઈશ્વર પક્ષપાતરહિત હોવાને કારણે એની નજરે તો બધા જ માનવો એકસરખા જ છે. એટલે મનુષ્યજીવનની દેખાતી વિષમતાની જવાબદારી માણસની પોતાની જ છે, ઈશ્વરની નથી. આમ હોવાથી દરેક ધર્મે પોતાના અનુયાયીઓના સમૂહજીવન અને સામાજિક સંબંધો ઉપર મજબૂત પકડ રાખી છે અને હજુયે એ ચાલુ રાખી છે કારણ કે ધર્માનુયાયીઓ કંઈ આકસ્મિક શંભુ મેળો નથી. પણ આધ્યાત્મિક ભાઈબહેનોની ગતિશીલ ધર્મયાત્રા- ધર્મસંઘ છે! દિવ્યતાની ઝંખનાથી એ બંધાયેલો છે! એટલે બધા જ ધર્માે માનવજાતિની એકતા, મજબૂતી અને જીવનની સ્થિરતાને ઉપદેશે છે અને જ્યારે આ સિદ્ધાંતને જીવનમાં ઉતારવામાં આવે છે ત્યારે એક વિશાળ સમાજ અને મહાન બંધુત્વની ભાવના જન્મે છે. સામાન્ય રીતે મનુષ્યની ઐક્યની અને બંધુત્વની ભાવના પોતે માનેલા ધર્મના વાડામાં જ બંધાયેલી પડેલી હોય છે. વાડાબંધી છોડવાની આ વાત છે!

શા માટે માણસ આવી ભાઈચારાની ભાવનાને પોતાના ધર્મના કે સંપ્રદાયના વાડામાં પૂરી રાખતો હશે? આ પ્રશ્નને લક્ષમાં લેતાં, બધા જ ધર્માેને સ્પર્શે એવી એક બીજી વાત સામે આવીને ઊભી રહે છે. તે એ કે બધા જ ધર્માે પોતપોતાનો વિશિષ્ટ જીવનમાર્ગ દર્શાવે છે. દરેક મહાન અવતાર કે પેગમ્બર, ઈશુ ખ્રિસ્તની પેઠે ભારપૂર્વક જણાવે છે કે ‘હું જ માર્ગ છું, હું જ સાચો છું, હું જ જીવન છું.’ ભલે ઘડીભર આવા ઉદ્ગારોને ધર્મનો વિધાયક ભાગ માની લઈએ, પણ બીજા ઘણા ધર્માેના અન્ય ધર્મીઓ માટેના નિત્ય નરકવાસ, અગ્નિદાહ વગેરેના ભયંકર નકારાત્મક ઉદ્ગારો છે અને આવા ઉદ્ગારો જ તે ધર્મના અનુયાયીઓને અન્ય માર્ગ તરફ જતા રોકે છે. એ ઉદ્ગારોનો હેતુ પણ એવો જ હોય!

ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીને માટે એક છેલ્લી મહત્ત્વની અને રસપ્રદ વાત એ કહેવાની છે અને બધા ધર્માે માટે એ મહત્ત્વની અને ઘણી સૂચક છે. તે વાત એ છે કે ધર્મ અને તત્ત્વજ્ઞાનના આ તુલનાત્મક અધ્યયને આશ્ચર્યકારક રીતે સર્વસ્વીકૃત એક સત્ય નિઃશંક રીતે પૂરવાર કરી આપ્યું છે કે દરેકે દરેક ધર્મ વત્તા ઓછા પ્રમાણમાં મનની ઉદારતા અને ઉદાત્તતા અચૂક રીતે દાખવે જ છે.

હિન્દુ શાસ્ત્રોની વાત કરીએ તો આપણે વાંચીએ છીએ કે एक सत् विप्रा बहुधा वदन्ति – ‘સત્ તવ એક જ છે, એને વિદ્વાનો અનેક નામે કહે છે.’ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છેઃ

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् 4/11 અને

यो यो यां यां तनुं भक्तः श्रद्धयाऽचिर्तुमिच्छति।

तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्।। 7/21 અર્થાત્ ‘જેઓ જે રીતે મને ભજે છે તેની પાસે તે જ સ્વરૂપે હું જાઉં છું’ – ‘જે મારો ભક્ત મારા જે સ્વરૂપને ભજવા ઇચ્છે છે, તેની તેવી શ્રદ્ધાને હું દૃઢ બનાવું છું.’ હિન્દુઓના ફક્ત શાસ્ત્રગ્રંથોમાં જ નહિ પણ એનાં લોકગીતોમાં પણ આ સમન્વયની ભાવના અને સત્ય અભિવ્યક્ત થાય છે. દા.ત. ‘હરિ તારાં નામ છે હજાર, કયે નામે લખવી કંકોતરી! તું રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોતરી?’ વગેરે… આવાં તો અસંખ્ય લોકગીતો અને સંતોના ભજનો છે. (ક્રમશઃ)

Total Views: 535

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.