‘૧૯૯૪’માં પહેલીવાર હું બેલૂરમઠ આવ્યો. હું અહીં સાધુ બનવા નહોતો આવ્યો. મારે તો બસ જગ્યા જોવી હતી. તે વખતના જનરલ સેક્રેટરી પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજે મને જાણે એક નજરમાં પારખી લીધો.
તેમણે મને પૂછયું, ‘તું ક્યાંથી આવે છે, દીકરા? કેટલો સમય અહીં રોકાઈશ?’
મેં કહ્યું, ‘એક મહિનો.’
સ્વામીજીએ અન્ય બ્રહ્મચારીઓને બોલાવીને કહ્યું, ‘આને પીપીટીસીમાં લઈ જાઓ.’ પીપીટીસી એટલે પ્રિ-પ્રોબેશનર્સ ટ્રેઈનિંગ સેંટર, જ્યાં નવા બ્રહ્મચારીઓને રહેવા-ખાવા-પ્રાર્થનાની સગવડ હોય છે.
જેવો હું પીપીટીસીમાં પહોંચ્યો એટલે એક બ્રહ્મચારીએ મને એક થાળી અને ધોતી આપ્યાં. મને કહે, ‘આ થાળી તમારી છે. રોજ થાળી તથા તમારી ધોતી જાતે જ ધોવાનાં છે.’ મને તો નવાઈ લાગી! મહેમાન સાથે આ લોકો આવું વર્તન કરતા હશે? રોજ સાંજે સ્વામીજી નવા બ્રહ્મચારીઓને સંબોધતા. એમણે મને થોડા જ દિવસોમાં કહ્યું, ‘અમારે ત્યાં કોઈ એક મહિનો રહેવા આવતું નથી. તું મહિના માટે રહીશ એની જાણ થતાં જ મને મનોમન ખ્યાલ આવી જ ગયો કે તું સાધુ થઈશ.’’
આમ, કોઈ જાતના પ્રયત્ન વગર જ મેં સાધુજીવનમાં પ્રવેશ કર્યાે.
‘શ્રીસ, તમારાં કુટુંબીજનો? તેમનું શું રિએક્શન હતું?’ હું પૂછું છું.
‘આ દેશનાં કે કોઈપણ દેશનાં મા-બાપને તેમનું સંતાન સાધુ બને તે ન જ ગમે, ખરું ને? પાડોશીનો દીકરો ભગવાં પહેરે તો વાંધો નહીં… પણ પોતાનું સંતાન… ના ભાઈ ના!’
‘તો શું થયું?’
‘શું થાય? એ લોકો શું કરે? હું તો હવે ભગવા રંગે રંગાઈ ચૂક્યો હતો… ત્યાગ અને વૈરાગ્યને માર્ગે ઘણો આગળ નીકળી ગયો હતો…’
જુઓ, તમને આ બધું સમજવામાં કદાચ તકલીફ પડશે… પણ વાત સહેલી છે. તમે દુન્વયી સુખ-સગવડનો ત્યાગ કરી દો પછી તમારી યાત્રા શરૂ થાય છે. દસ વર્ષ બ્રહ્મચારી તરીકે ગાળ્યા પછી તમે સાધુજીવનમાં પ્રવેશીને ભગવાં કપડાં ધારણ કરી શકો છો. આ પ્રમાણે જાતને ભૂલીને, સમાજની સેવા કરીને તમે મુક્તિ માટે પ્રાર્થના કરો છો. આ જન્મ-મરણની ઘટમાળામાંથી તમે મુક્તિની ચાહના કરો છો.
તમે પુનર્જન્મમાં માનો છો? હું વારંવાર એ બાબતનો ઉલ્લેખ કરું છું તેનું ખાસ કારણ છે. ભારતીય ફિલસૂફીનો એ પ્રાણ છે, મધ્યબિંદુ છે. તમને જો પુનર્જન્મ ન મળવાનો હોય તો સંસ્કારની કે સદ્વર્તનની જરૂર જ શી છે? બસ, ખાઓ, પીઓ ને મજા કરો.
સંસ્કૃતનો ખૂબ જ જાણીતો શ્લોક છેઃ
યાવત્ જિવેત્ સુખમ્ જિવેત્, ઋણં કૃત્વા ઘૃતં પિબેત્ ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનઃ કુતઃ
અર્થ એવો છે કે જીવ્યા એટલું જીવી જાણો. દેવું કરીને ય ઘી પીઓ. કેમ કે, જ્યારે મૃત્યુ થશે ત્યારે આ શરીર તો ભસ્મીભૂત(આગમાં) થઈ જવાનું અને એ પાછું ખોળિયામાં નથી આવવાનું.
ભારતીય સંસ્કૃતિ મુજબ આ ફિલસૂફી આપણી સંસ્કૃતિની નથી, પશ્ચિમની છે. આને જ આપણે ભૌતિકવાદ કહી શકીએ. નિઃસ્વાર્થપણે જે અન્યની સેવા કરે છે, તે ખરેખર તો પોતાના આત્માનું જ કલ્યાણ કરે છે. કેમ કે તે બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે અને આત્માને શરીરરૂપી પાંજરાંમાંથી મુક્ત કરે છે. અંતે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે. સંન્યાસીઓએ આ સમાજ માટે સાધનાનો અને સત્યનો માર્ગ પ્રજ્વલિત કરવાનો છે. માયાના અંધકારમાં ગોથાં ખાતી પ્રજાને પોતાનાં ઉદાહરણોથી જ માર્ગ ચીંધવાનો છે. બધાંએ સંન્યાસી બની જવું જોઈએ એવું કહેવા નથી માગતો. પરંતુ જો સમાજનો થોડો વર્ગ આ રસ્તે નહીં જાય તો આ દેશ ભૌતિકતા અને ઉપભોક્તાવાદનો શિકાર બનશે. તમારે સારું ભણવું હોય તો ટી.વી., ઈંટરનેટ અને ફિલ્મોથી દૂર રહેવું જ પડે ને? એ પણ એક જાતનો ત્યાગ જ છે. રોજ સાંજે ગલીમાં ક્રિકેટ ટીચ્યા કરીએ તો રિઝલ્ટ પર અસર તો પડવાની જ!
અરે, સચીન તેન્ડુલકરે પણ કેટકેટલો ત્યાગ કરવો પડે છે? એને મોજમજા કરવાની ઇચ્છા નહીં થતી હોય? રોજના કલાકો સુધી એ પ્રૅક્ટિસ અને તાલિમ પાછળ પરસેવો પાડે છે! તેથી જ હું કહું છું, કે ઊર્ધ્વગમન માટે ત્યાગ અનિવાર્ય છે. તમે જો ધ્યેય ઊંચું નહીં રાખો તો આ સમાજ સ્થગિત થઈ જશે.
સ્વામી વિવેકાનંદના મત મુજબ ત્યાગનો અંતિમ ધ્યેય શો હોવો જોઈએ? આત્મનોમોક્ષાર્થમ્ અને જગદ્ધિતાય ચ. અર્થાત્ આત્માનું કલ્યાણ અને જગતનું હિત. તમને આ બે બાબતો પરસ્પર વિરોધી લાગશે, પણ તમે અન્યનું કલ્યાણ કરશો તો જ તમારું હિત થશે, તે નક્કી છે. ઊંડાણપૂર્વક સમજાવું તો આત્મા સર્વવ્યાપી છે. તમારામાં ય આત્મા છે અને મારામાં ય આત્મા છે. એ તત્ત્વ તો બધાંમાં એક જ સરખું છે. તો હું તમારા આત્માની અવગણના કરીને ફક્ત મારા વિષે વિચારું તો મને મુક્તિ નહીં મળે.
હું જે મુક્તિની વાત કરું છું તે ‘નિર્વાણ’ નથી. આ બધું સમજવા કરતાં એક વાત સમજવા જેવી છે- અને એ વાતને ગંભીરતાપૂર્વક ધ્યાન પર લેવા જેવી છે. આપવાનો આનંદ- The joy of giving એની પ્રત્યેક વ્યક્તિએ સ્વયં અનુભૂતિ કરવી રહી.
બેલૂરમઠ રામકૃષ્ણ મિશનનું હેડક્વાર્ટર છે. (www.belurmath.org) રામકૃષ્ણ મિશનના મુખ્યત્વે ચાર ધ્યેય છે. અન્નદાન, જ્ઞાનદાન, પ્રાણદાન, મોક્ષદાન. ‘અન્નદાન’ એટલે તો ધાન્યની સેવા. ‘જ્ઞાનદાન’ એટલે કેળવણી દ્વારા સમાજની સેવા. ‘પ્રાણદાન’ એટલે મેડિકલ સર્વિસ અને ‘મોક્ષદાન’ એટલે ધાર્મિક સેવા.
રામકૃષ્ણ મિશનમાં જોડાનાર પ્રત્યેક વ્યક્તિ માટે આ ચારમાંથી કોઈપણ પ્રવૃત્તિમાં જોડાવું ફરજિયાત છે. હું પી.એચ.ડી. હોવાથી મને સ્વાભાવિકપણે જ્ઞાનદાનમાં મૂકવામાં આવ્યો. અહીં માર્કશીટો, ડિગ્રીઓ અને ઠાલી હુંસાતુંસીથી વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવે છે. તેમની પ્રત્યેક આંતરિક શક્તિ ખીલે તેવી કેળવણી પર ભાર મૂકાય છે.
સ્વામી વિવેકાનંદને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ‘વાૅટ ડુ યુ થિંક અબાઉટ ધ પ્રાૅબ્લેમ્સ આૅફ વિમેન?’ સ્વામીજીનો જવાબ ખૂબ જાણીતો છે- ‘હું સ્ત્રી નથી. તમે મને એમના પ્રશ્નો વિષે શા માટે પૂછો છો? તમને ખરેખર એમના પ્રશ્નોની ફિકર હોય તો એમને શિક્ષિત કરો. કેળવણી દ્વારા સ્ત્રીઓ સ્વનિર્ભરતા પ્રાપ્ત કરશે. ધે વિલ બી એબલ ટુ સોલ્વ ધેર ઓન પ્રોબ્લેમ્સ.’
અહીં બેલૂરમઠમાં અમે આ જ સ્પિરિટથી જ્ઞાનદાન આપીએ છીએ. દલિતોનાં, ગરીબોનાં અને સમાજના તરછોડાયેલા વર્ગાેના લોકોને શિક્ષિત કરો, તો એમને નોકરી-ધંધા મળશે, તેમનામાં આત્મવિશ્વાસ વધશે. એમના પ્રોબ્લેમ એ જ સોલ્વ કરશે. મારા મતે તો સબ રોગોં કી એક દવા – કેળવણી છે.
જો કે આજે તો શિક્ષણની સાચી વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. સા વિદ્યા યા વિમુક્તયે – વિદ્યા એ જ કે જે મુક્તિ અપાવે – સ્વામીજી ચારિત્ર્યનું ઘડતર થાય તેવા શિક્ષણની વાત કરતા હતા. આજે શિક્ષણ નોટો છાપવાનું મશીન બની ગયું છે. ‘તો શું તમે નાસીપાસ થઈ ગયા છો? શ્રીસ’.
‘ના…ના! અરે, લોકોએ શિક્ષણ વિષે વિચારવાનું શરૂ કર્યું છે. એ જ મહત્ત્વની બાબત છે. જેમણે શિક્ષણના ‘ધંધા’માં પુષ્કળ રૂપિયા બનાવી લીધા છે એમને પણ હવે રહી રહીને સમજાયું છે કે પૈસો સર્વસ્વ નથી. હવે એવા લોકો પણ સાત્ત્વિક શિક્ષણ તથા કેળવણી અંગે હકારાત્મક સૂચનો આવકારે છે.’
ખરેખર સ્વામીજી, તમે તો બહુ આશાવાદી છો! તમારામાં ધીરજના ય ભંડાર ભરેલા છે. તમે બીજ રોપી રહ્યા છો, બાગમાં નિંદામણ કરો છો તથા જ્ઞાનરૂપી ખાતર-પાણીથી એને નંદનવન બનાવી રહ્યા છો. ફૂલો તો એ જ છે, પરંતુ સુવાસ અલગ છે. શાંતિની અને ધ્યેય પ્રત્યેની સમર્પિતતાની સુવાસ!
‘રામકૃષ્ણ મિશનની શાળાઓ અન્ય શાળાઓ કરતાં જુદી કે ચડિયાતી છે એવો મારો દાવો નથી, પરંતુ શાળાઓ ખરેખર જેવી હોવી જોઈએ તેવી આ સ્કૂલો છે. બધી જ નિશાળોમાં શિક્ષકોની હાજરી નિયમિત હોવી જોઈએ, શિક્ષકો ટ્યૂશનો ન કરતા હોવા જોઈએ, સરકારના વિવિધ કાર્યક્રમોના ઓઠા હેઠળ શિક્ષણ ઠેબે ન ચડવું જોઈએ. અહીં બંગાળમાં તો શિક્ષકો ‘પાર્ટી વર્ક’ (રાજકીય પાર્ટીના દબાણ હેઠળ) માટે દિવસો સુધી શાળાઓમાં ગેરહાજર રહે છે. બંગાળની શાળાઓને ‘શાળા’ કહેવી કે નહીં તે સવાલનો જવાબ અટપટો છે. અહીં ગરીબ-તવંગર બધાંનાં બાળકો ટ્યૂશન લે છે.’
અમારી શાળાઓમાં નિયમિત ભણાવાય છે. અમારા શિક્ષકોને પોતાના વિદ્યાર્થીઓનું ટ્યૂશન કરવા પર પાબંદી છે. તેથી જ અહીં પ્રવેશ માટે પડાપડી થાય છે. વિદ્યાર્થીઓ ઘણીવાર અમારી કડક શિસ્તથી કંટાળે છે. સવાર-સાંજ પ્રાર્થના કરવાની, નિયમિત અભ્યાસ કરવાનો… આ બધું એમને આકરું લાગે છે. પરંતુ એ જ વિદ્યાર્થીઓ જ્યારે માતા-પિતા બને ત્યારે એમનાં બાળકોને આંગળી પકડીને અહીં જ લાવે છે! મારે કેટલી શાળાઓનું નિર્માણ કરવું છે, તે જવાબ આપવો અઘરો છે, કેમ કે છેલ્લાં વીસ વર્ષમાં અમારા સાધુઓની સંખ્યામાં સાવ સામાન્ય વધારો થયો છે- ૧૨૦૦માંથી ૧૪૦૦.
કામ કરવા માટે મેનપાવર જોઈએ. હું તો સમાજને ફક્ત સાચો રસ્તો ચીંધી શકું. ફાનસ લઈને અંધારામાં રસ્તો કરી રહ્યો છું. વેદાંતમાં કહ્યું જ છે કે સમાજ જ સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમર્થ છે. (ક્રમશઃ)
Your Content Goes Here