૧૯૪૨ના ઉનાળામાં જેવી ગાંધીજીએ ‘હિન્દ છોડો’ ચળવળ શરૂ કરી કે તરત બ્રિટિશ સરકારે તેમને ફરીથી જેલમાં પૂર્યા. તેમણે ત્રણ અઠવાડિયાંના ઉપવાસ શરૂ કર્યા જેનાથી તેમની તબિયત એકદમ લથડી.
બ્રિટિશરો આ નિર્વિવાદ નેતાને ચૂપચાપ પતાવી શકે તેમ નહોતા અને જો તેમના નિરીક્ષણ નીચે ઉપવાસથી મૃત્યુ પામે તો જે જુવાળ ઊઠે તેનું જોખમ લેવા માગતા નહોતા. તેથી ગાંધીજીને જેલ છોડી જવા વિનંતી કરી. પરંતુ ગાંધીજી એકના બે ન થયા અને જ્યાં સુધી સ્વશાસન (સ્થાનિક સ્વરાજ્ય)ની દિશામાં આગળનું પગલું ન લેવાય ત્યાં સુધી નમતું ન મૂક્યું.
ત્રણ દાયકાથી વધુ સમય ચાલેલી ચળવળમાં ગાંધીજીએ બધું મળી લગભગ ૨૦૮૯ દિવસ એટલે કે છ વર્ષ ભારતીય જેલોમાં ગાળ્યાં. દક્ષિણ આફ્રિકાની જેલમાં ગાળેલા ૨૪૯ દિવસ તો જુદા. તેમના આત્માને કેદ કરી શકે તેવી કોઈ જેલ ન હતી, ન કોઈ જુલમ તેમના દૃઢ નિશ્ચયને ડગમગાવી શક્યો.
માતંગિની હાઝરા પણ ન્યાય માટે લડતાં વાઘણ હતાં અને ‘હિન્દ છોડો’ ચળવળમાં તામલુકમાં તેમની સેવા નાટ્યાત્મક અને નિર્ણાયક હતી. જો કે ક્રાંતિના આ ખળભળાટ વચ્ચે પણ તેઓ મને ભૂલતાં નહિ. એક સાંજે વરસાદ રહી ગયો હતો અને વાતાવરણ સ્વચ્છ પણ ભેજવાળું હતું ત્યારે તેઓ થાળીમાં પીઠા (એક બંગાળી મીઠાઈ) લઈને આવ્યાં. તેમને ખબર હતી કે તે મારી ભાવતી વાનગી હતી તેથી તેમણે ખાસ મારે માટે બનાવી હતી. લીંપેલી ભોંય પર મારી બાજુમાં બેસી હું નાનો હતો ત્યારે જેમ કરતાં તેમ એક પછી એક બટકું મારા મોઢામાં મૂકતાં ગયાં.
નિરાશાભર્યા સ્થિર અવાજે બોલ્યાં, ‘ગાંધીજી ફરી જેલમાં છે.’
મેં ખાવાનું બંધ કરી તેમની સામે જોયું. મારી આંખોમાં મારો ભય ડોકાયો હશે તેથી તેમણે મારા બાવડા પર હાથ રાખી મને ખાવા નિશાની કરી.
‘આત્મસમર્પણ વિના કશું થતું નથી અને ક્યારેક મૃત્યુ પણ આવે, પરંતુ આપણો અંત દેખાતો હોય છતાં આપણે નમતું જોખવું ન જોઈએ’ – તેમણે કહ્યું.
તેમણે મને આશીર્વાદ આપ્યા અને યાદ આપ્યું કે જો હું સાચું કામ કરતો હોઉં તો મારે ક્યારેય કોઈનાથી ડરવાની જરૂર નથી. તેમણે ખાત્રી આપવા છતાં તે દિવસે તેમના વર્તનમાં એવું કંઈક હતું જે મને અસ્વસ્થ કરતું હતું. તે રાત્રે કોઈક અજ્ઞાત ભયથી હું જાગતો પડી રહ્યો. મારું પેટ ભરેલું હતું પણ હૃદયમાં વેદના હતી.
બીજે દિવસે હજારો નિઃશસ્ત્ર સૈનિકો સાથે માતંગિની કૂચમાં જોડાયાં. તામલુકમાંના બ્રિટિશ સૈનિકોનો તેઓએ સામનો કર્યાે. સેલ્મા-આલાબામામાંના નાગરિક સ્વાતંત્ર્ય માટેના કાર્યકરો અને ૧૯૬૦ના યુદ્ધવિરોધીઓની જેમ તેઓએ બંદૂકોનો સામનો તેમની દૃઢ માન્યતાની ઢાલથી કર્યાે. માતંગિનીએ ગાંધીજીની ચળવળનો ધ્વજ ઊંચક્યો હતો અને શંખ એનું રણશિંગું હતું. મને ખાતરી છે કે આવનાર અનિષ્ટનો અણસાર હોવા છતાં તેમણે આગલી હરોળમાં સ્થાન લીધું અને જેવા મિજાજી સૈનિકોની સામે પહોંચ્યાં કે પોકાર કર્યાે- વંદે માતરમ્! સૈનિકો પોતાના ઉપરીઓથી તેમજ ટોળાંના જુવાળથી ગભરાયેલા હશે.
અને જેમ હંમેશાં બને છે તેમ જ બન્યું. એક ગભરાયેલા યુવાન સૈનિકે ગોળી છોડી અને બીજા બધા પણ ગોળીબારમાં જોડાયા. માતંગિનીની આજુબાજુના માણસો હાર તોડીને ભાગી ગયા, પરંતુ માતંગિની તો ગોળીની રમઝટમાં પણ સ્વસ્થપણે આગળ વધતાં રહ્યાં.
પહેલી ગોળી તેમના ડાબા હાથમાં વાગી અને શંખ નીચે પડીને પછડાઈને તૂટી ગયો. જરા પણ ચલિત થયા વગર લોહીલુહાણ આંગળીઓ ધ્વજની લાકડી પર વીંટી. હવે તો બંને હાથે ધ્વજને વધુ ઊંચો કર્યાે. બીજી ગોળી તેમના પગમાં વાગી- માતંગિની જરા લથડીને નીચે પડ્યાં પણ તરત જ ઊભાં થયાં અને મશાલની જેમ ધ્વજ હલાવતાં પોકાર કર્યાે, ‘વંદે માતરમ્!’
ત્રીજી ગોળી તેમના કપાળમાં વાગી અને ખોપરીની પાછળથી બહાર નીકળી અને મારાં વ્હાલાં માતંગિનીના આત્માએ શરીરનો ત્યાગ કર્યાે હતો, છતાં તેઓ ત્રણ ડગલાં ચાલ્યાં અને ઢગલો થઈ પડ્યાં. છતાં ગીધની જેમ તેમની આસપાસ વીંટળાઈ વળેલા સૈનિકો તેમનામાં કંઈ જીવ બચ્યો હોય તેમ તેનાથી ડરતા હતા અને તેમનાં આંગળાં ધ્વજની લાકડી પરથી ઉખેડીને છોડાવવાં પડ્યાં. રખે ગોળીના ધુમાડામાં ફરફરતો ધ્વજ બીજાઓને શહીદી વહોરવા પ્રોત્સાહિત કરે!
બે અઠવાડિયાં પછી બાઈબલના જૂના ટેસ્ટામેન્ટમાં વર્ણવ્યા જેવું સંકટ આવ્યું. ભારત હજુ પરદેશીઓના શાસનના શાપમાંથી મુક્ત થઈ શુદ્ધ થયું નહોતું ત્યાં પ્રકૃતિના ક્રોધરૂપે બંગાળ પર ઘાતક વાવાઝોડું ત્રાટક્યું. ૧૯૪૨ના ઓક્ટોબરમાં ત્રાટકેલા વાવાઝોડાએ કેટલાંયે ગામડાંનો નાશ કર્યાે; લોકો પોતે જે કંઈ ઉગાડતા હોય અને તેના પર જ નભતા હોય તે આખાયે વર્ષના પાકનો નાશ કર્યાે.
ચક્રવાતના જોરથી કેટલાયે ભાગોમાં ઊખડી ગયેલાં વૃક્ષો મકાનો પર ઝીંકાયાં અને હજારો લોકો મરી ગયા. પૂરનાં પાણી ચઢતાં ગયાં તેમ અંતે અમારા કુટુંબને પણ અમારા ઝૂંપડાના છાપરા પર ચડી જવું પડ્યું. કશું જ કરવા અસહાય અમે પાણી ઊતરે તેની પ્રાર્થના કરતા રાહ જોતા બેસી રહ્યા.
ચડી રહેલા પાણીથી એક ફૂટ જ ઊંચે જે દિવસે અમે પથારી કરી તે રાત્રે હું ભયભીત બની ગયો. અત્યાર સુધી દાદીમાની વાર્તાઓમાંના મહિષાસુરની જેમ બીક લાગતી તેવો જ ભય અનુભવ્યો. તે રાત્રે બંગાળના અખાતમાં ઊઠેલું દરિયાનું પ્રચંડ મોજું કાંઠાને તોડી અંદર ધસી આવ્યું અને તેના માર્ગમાં આવતું બધું જ તેની સાથે તણાઈ ગયું. તે રાત્રે બધી દિશાઓથી થતી મેઘગર્જનાઓ હું ક્યારેય ભૂલી શકીશ નહિ. અશક્ત પ્રાણીઓની જેમ અમારા કેટલાય પાડોશીઓ જેમનાં મકાનો તણાઈ ગયેલાં તેઓના બચવાની કોઈ જ આશા નહોતી.
પાણી ધસમસતું હતું પરંતુ ગમે તે રીતે અમારું સાદું છાપરું ટકી રહ્યું અને એટલે અમે પણ બચી ગયા. પરંતુ જ્યારે વાદળછાયું સવાર પડ્યું ત્યારે જે કંઈ બચ્યું હતું તેમાં અમારા જીવતા રહેવા સામે પ્રશ્નાર્થ હતો. ક્યાંય ખાવાનું ન હતું; ન અમારા ગામમાં, ન બાજુનાં ગામોમાં. આગલા વર્ષનું બચેલું તો ખવાઈ ગયું હતું. કોઈ અમારી મદદે આવે તેવું નહોતું. ખાસ કરીને શાસકો તો નહિ જ. તેમને તો એમ જ લાગ્યું હશે કે આ સંકટ તો તેમના રાજાનું રાજ્ય બચાવવા આવેલું સ્વર્ગીય તોફાન હશે, અમે બધા પણ થોડા જ સમયમાં મરી જઈશું.
પાણી ઓસરી ગયાં પરંતુ એવો કાદવ પાછળ મૂકતાં ગયાં કે ચોખા કે બીજો કોઈ પાક ઊગી શકે નહિ. એક દિવસ હું ઘર તરફ જતો હતો ત્યારે ઝાડના થડ જેવું કંઈ દેખાયું એટલે હું તેને ઠેકી ગયો. પરંતુ એ ફરી પાણી ઉપર આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એ મારા જેવડા જ કોઈ છોકરાનું મડદું હતું જે અડધું કૂતરાં ખાઈ ગયાં હતાં. તે જોઈ મારી રાડ ફાટી ગઈ. મને વિચાર આવ્યો કે મારું ભાગ્ય પણ આવું જ હશે, સિવાય કે અમે શહેરમાં જતા રહીએ. મેં સાંભળ્યું હતું કે શહેરોમાં ખાવાનું મળતું હતું; મને સમજાતું નહિ કે તો અમને જ કેમ મળતું ન હતું. કોઈપણ બાળકનું મન માનવની ક્રૂરતા આચરવાની ક્ષમતા સમજી શકતું નથી, બંગાળના લોકો પ્રત્યે જેવી ક્રૂરતા બ્રિટિશ શાસન આચરી રહ્યું હતું. એવું એક પણ બાળક નહિ જેણે પોતાના કુટુંબ પર વારંવાર જુલમ થતો જોયો ન હતો.
સાદી હકીકત એ હતી કે અમને બળવો કરવા બદલ સજા કરવામાં આવી રહી હતી અને મારા પિતાજી જેવા તાબે થયા વગર જે દબાણ ‘રાજ’ પર કરી રહ્યા હતા તેની ચર્ચા મને ઈંડા અને માછલીનો નાસ્તો કરતા ઓફિસરોના મેસમાં થતી જાણે કે સંભળાય છે.
‘આ મીદનાપુરનું શું કરવાનું છે સાહેબ?’
જવાબ મળે છે,‘મીદનાપુરમાં પ્રકૃતિ જે કરે તે થવા દેવાનું.’
૧૯૪૩નો બંગાળનો દુકાળ સામાજિક રીતે ઉત્પન્ન થયેલ હતો. આજે પણ તમે આંખનું મટકુંયે માર્યા વગર પૃથ્વી પર સર્વેક્ષણ કરશો તો જાણી શકશો કે મોટાભાગના દુકાળ રાજકારણને કારણે હોય છે; જે રાજકારણ ભૂખે મરતાં બાળકની આંખોનાં ખાલી ઊંડાણ જોઈ શકતું નથી. (ક્રમશઃ)
Your Content Goes Here