૨૩૦૦ વર્ષ પહેલાંની વાત છે. ગ્રીસના વિજેતા સિકંદર તુર્કસ્તાન વગેરે દેશોને પોતાના આક્રમણથી ખૂંદતા પંજાબ અને સિંધ પ્રાંતમાં પહોંચી ગયા. એમની પાસે ૬૦ હજારનું લશ્કર હતું. એ સૈન્યમાં તાલીમી ઘોડેસવાર, તીરંદાજ અને પાયદળ સૈનિકો હતા. એમની પાસે ઉત્તમ કક્ષાનાં તીરધનુષ, ભાલા, અને નવા હથિયાર હતાં. વર્ષાે પહેલાં ગ્રીસમાંથી નીકળ્યા બાદ એણે ક્યાંય પરાજયનો સ્વાદ ચાખ્યો ન હતો. એટલે એનું મનોબળ ઘણું ઉચ્ચ હતું.

પંજાબમાં એ સમયે પુરુ નામે પરાક્રમી અને વીર રાજા હતા. પુરુને બીજા રાજાઓની જેમ સરળતાથી હરાવી ન શક્યા. અનેક પ્રકારનાં છળકપટ, અને દેશદ્રોહી સૈનિકના અધિકારીઓને ફોડીને સિકંદરે તેના રાજ્યને જીતી લીધું. ત્યાં વ્યવસ્થા કર્યા પછી, તે પાટલીપુત્ર-મગધ અને વૈશાલી તરફ આગળ વધવા ઈચ્છતો હતો. એ યુગમાં આ સૌથી સમૃદ્ધ રાજ્યો હતાં. એ દરમિયાન એના કાને વાત આવી કે રાવીનદીના કિનારે એક ત્રિકાળદર્શી મહાત્મા રહે છે. સિકંદરના મનમાં એમને મળવાની ઇચ્છા થઈ. બીજે દિવસે પોતાના કેટલાક અધિકારીઓને એમને બોલાવી લાવવા એક સુસજ્જ રથ સાથે મોકલ્યા. સાધુના આશ્રમે પહોંચીને એમણે સિકંદરનો સંદેશો કહ્યો. એ સાંભળીને મહાત્માજીએ કહ્યુંઃ ‘ભાઈ, હું અહીં વનમાં રહીને જેટલું બને તેટલું પરમાત્માનું ચિંતન કરતો રહું છું. રાજા મહારાજાઓને મારા જેવી વ્યક્તિ સાથે વળી શું કામ હોય?’ એ સાંભળીને પેલા સેનાના અધિકારીઓ મૂંઝવણમાં પડી ગયા. સમ્રાટ સિકંદરના નિમંત્રણનો અસ્વીકાર કરવાનું આજ સુધી કોઈએ સાહસ કર્યું ન હતું. હવે સમ્રાટને શું જવાબ આપવો એની ચિંતા થઈ. સિકંદરે ચાલતી વખતે એમ પણ કહ્યું હતું કે સંન્યાસી સાથે કોઈ જોરજુલમ ન કરવાં. એમણે સંન્યાસીને ઘણી વિનંતી કરી પણ તેઓ પોતાના નિર્ણયમાં અટલ રહ્યા.

ભય સાથે સૈનિક અધિકારીઓ સિકંદરની છાવણીમાં આવ્યા. સમ્રાટે જ્યારે સાંભળ્યું કે એના આદેશની અવગણના થઈ છે ત્યારે એના નાકનાં ટેરવાં ચડી ગયાં. સંન્યાસીને હાજર કરવા કડક આદેશ આપવા જતો હતો ત્યાં જ તેને પોતાના ગુરુ એરિસ્ટોટલની વાત યાદ આવી. વિશ્વવિજયનું અભિયાન શરૂ કરતાં પહેલાં એમણે કહ્યું હતું કે ભારત એક અનોખો વિચિત્ર દેશ છે. ધનધાન્ય અને શૌર્યથી ભરપૂર દેશ છે. આમ છતાં પણ ત્યાં ત્યાગને જ વૈભવ માનવામાં આવે છે, ભોગને નહીં. તને ત્યાં જોવા મળશે કે ત્યાંના લોકો અધ્યાત્મચિંતનમાં અનુપમ છે.

સિકંદરે વિચાર્યું કે પોતાના ગુરુની આ વાતની પરીક્ષા કરવાનો સારો મોકો મળ્યો છે. સમ્રાટના આદેશની રાહ જોતા અધિકારીઓને ગંભીરતાપૂર્વક એણે એટલું જ કહ્યું કે તે પોતે જ ત્યાં જશે. બીજે દિવસે સેંકડો ઘોડા-હાથી અને સૈન્ય સાથે સિકંદર તો પહોંચી ગયો પેલા સંન્યાસીની પર્ણકુટિએ.

શિયાળાનો સમય હતો, ઠંડી તેજ હવા વહેતી હતી, આમ તો પંજાબમાં ઠંડી ઘણી કડક હોય છે. એણે જોયું તો એ સંન્યાસી માત્ર એક લંગોટી પહેરીને ધ્યાનમાં લીન છે. તે આગળ વધ્યો અને પોતાના સેનાપતિઓ સાથે એ સંન્યાસીની સાવ નજીક આવીને ઊભો રહ્યો. આમ છતાં પણ સંન્યાસીનું ધ્યાન ન તૂટ્યું. એમના મુખમંડળ પર એવી આભા દેખાઈ કે વિશ્વવિજેતા સિકંદર પોતાની જાતને ભૂલી જઈને એમને જોતો જ રહ્યો. થોડીવાર પછી સંન્યાસી સમાધિ અવસ્થામાંથી બહાર આવ્યા. એમની સામે ફળફૂલ, શાલ, રત્નને સોનાના થાળમાં સજાવીને મૂક્યાં.

એ જોઈને સંન્યાસીએ કહ્યુંઃ ‘ભાઈ, ઈશ્વરનાં દીધેલ ફળફૂલ તો વૃક્ષોમાંથી દરરોજ મળી રહે છે. માતા સમી રાવી નદી દૂધ જેવું સ્વચ્છ જળ પીવા માટે આપે છે. દિવસે ભગવાન સૂર્યની ગરમી આપી દે છે ને રાતે કુટિરમાં જઈને વલ્કલ ઓઢીને પડ્યો રહું છું. તો પછી ભાઈ, મારે આ બધી ચીજવસ્તુની શી જરૂર છે?’

એ સાંભળીને સિકંદરે કહ્યુંઃ ‘શિયાળાની આટલી કડકડતી ઠંડી અને આપના શરીર પર એક વસ્ત્ર પણ નહીં! અમે પાંચ પાંચ ગરમ વસ્ત્ર પહેરીએ છીએ છતાંય ઠંડી લાગી જાય છે!’

સંન્યાસીએ કહ્યુંઃ ‘હે રાજન્! આ બધી તો અભ્યાસની વાત છે. જેવી રીતે તમારાં નાક અને મોંને ઠંડી સહન કરવાની ટેવ પડી ગઈ છે, એ જ વાત મારા દેહને પણ લાગુ પડે છે.’

સિકંદર ઘૂંટણિયે પડીને એમની પાસે બેસી ગયો. તેણે કહ્યુંઃ ‘મહારાજ, મેં એટલા બધા દેશ જીત્યા, મારી પાસે અપાર ધનરાશિ છે, અસંખ્ય દાસદાસીઓ છે, આમ છતાં પણ કોણ જાણે કેમ મારા મનમાં અશાંતિ જ રહે છે અને વધુ ને વધુ મેળવવાની લાલસા મટતી નથી.’

સંન્યાસીએ તેના લલાટ તરફ નજર નાખીને કહ્યુંઃ ‘હે યુવાન સમ્રાટ! જેની તૃષ્ણા ગઈ નથી, તે ભલે ગમે તેટલો ધનવાન હોય પણ મનથી તો ભિખારી જ રહે છે, આ વાત તારા માટે પણ સાચી જ છે. તારી પોતાની મહત્ત્વાકાંક્ષાના આવેશમાં તેં તારી નાની ઉંમરમાં કેટલીય નારીઓને વિધવા બનાવી, કેટલાંય બાળકોને અનાથ બનાવ્યાં, કેટકેટલાંય ગામ-ખેતરો ઉજ્જ્ડ બનાવી દીધાં! આમ છતાંય તું તો અતૃપ્ત જ રહ્યો! હજીયે તારા મનમાં આવી ભૂલ કરવાની પ્રબળ ઇચ્છા છે. પણ આ બધું શા માટે? આ બધી ધનદોલત, આટલું મોટું સૈન્ય, તારે કામ આવવાનાં નથી. તારા જીવનની ઘડીમાં એક પળનો પણ ઊમેરો ન થઈ શકે!’

સિકંદરના સાથી મિત્રો આશ્ચર્ય સાથે વિચારી રહ્યા હતા કે જેની સામે મોટામાં મોટા પરાક્રમી યોદ્ધા, રાજા અને સમ્રાટો પણ પોતાનાં શિર ઝુકાવે છે; અને આજે એક મામુલી ફકીર જેવા સંત સામે હાથ જોડીને કહી રહ્યો છેઃ ‘મહારાજ, મારું ભવિષ્ય કેવું છે? એ બતાવવા હું તમને વિનંતી કરું છું.’ થોડીવાર પેલા સંન્યાસી મૌન રહ્યા પછી એમણે કહ્યુંઃ ‘ભાઈ, મને તો એવું લાગે છે કે જીવનની ઉપલબ્ધિઓની સીમાએ તું આવી પહોંચ્યો છે. આ સમયે તું ૩૩ વર્ષનો છો. આજથી ૧૨૦ દિવસ પછી તારું ઐહિક જીવન સમાપ્ત થઈ જશે. દુર્ભાગ્યે તું તારા પોતાના પરિવારજનોને પણ નહીં મળી શકે. એનું કારણ એ છે કે તારું મૃત્યુ રસ્તામાં જ એક ગામડામાં થશે. જીવનના આ થોડા દિવસોને જો તું ભગવાનનાં ભજન અને સારાં કામ કરવામાં ગાળીશ તો તને શાંતિ મળશે. આજ સુધી તેં જોરજુલમથી ઘણાં પાસેથી લૂંટી લીધું. હવે જરૂરતવાળાને, દીનદુઃખિયાંને આપી દેવાની વ્યવસ્થા કર, એમાં જ તારું કલ્યાણ છે. એ શાશ્વત સત્ય છે કે ધન અને ધરતી કોઈની સાથે જતાં નથી. જેવી રીતે મનુષ્ય ખાલી હાથે આવ્યો છે, એવી જ રીતે ખાલી હાથે સંસારમાંથી ચાલ્યો જાય છે.’

સંન્યાસીના સદુપદેશનો એટલો પ્રભાવ પડ્યો કે સિકંદરે પોતાના મહાન વિજયના અભિયાનમાં પૂર્વ તરફ આગળ ન વધતાં ત્યાંથી જ પાછો ફર્યાે. સંન્યાસીએ કહેલા દિવસે એનું મૃત્યુ થશે એનો ભય એના મન પર છવાઈ ગયો. એમ કહેવાય છે કે અંતિમ દિવસોમાં એના મનોભાવોમાં પરિવર્તન આવી ગયું. જેની ભ્રુકુટિથી જ મોટા મોટા સેનાપતિઓ અને રાજાઓ થરથરી ઊઠતા એવું હવે એનામાં રહ્યું ન હતું.

ઇતિહાસમાં આ વાત પ્રસિદ્ધ છે કે બેબિલોનના એક ગામમાં મૃત્યુના દિવસે સમ્રાટે બધા મુખ્ય દરબારીઓ અને સેનાપતિઓને બોલાવ્યા અને એમને આદેશ આપ્યો કે મારાં બધાં જરઝવેરાત, આભૂષણ, હાથી, ઘોડા, રથ અને મારી પોતાની અંગત તલવારને મારા મૃત્યુ પછી મારા મૃતદેહ પાસે રાખજો. એટલું ધ્યાનમાં રાખજો કે મારા બંને હાથ કફનની બહાર ખુલ્લા રહે. એટલે લોકો પોતાની નજરે જોશે કે વિશ્વવિજેતા સમ્રાટ સિકંદર પોતાનો સમસ્ત વૈભવ પૃથ્વી પર છોડીને ખાલી હાથે પાછો જઈ રહ્યો છે!

Total Views: 693

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.