આ દરમિયાન સ્વામીજી થાકીને થોડા પાછળ રહી ગયા હતા. નિવેદિતાને પહેલાંથી જ આનો અંદાજ હતો. આથી તેઓ પથ્થરના ટેકરાની નીચે બેસીને એમની પ્રતીક્ષા કરવા લાગ્યાં. યાત્રાળુઓનાં ટોળે ટોળાં ગુફા તરફ જઈ રહ્યાં હતાં અને નિવેદિતા ત્યાં રાહ જોતાં બેસી રહ્યાં હતાં. ઘણીવાર પછી સ્વામીજી ત્યાં આવી પહોંચ્યા અને કહ્યુંઃ ‘હું સ્નાન કરવા જાઉં છું. તમે આગળ જાઓ.’ આમ તેમણે નિવેદિતાને આગળ જવા આજ્ઞા આપી. અર્ધા કલાક પછી ઠંડીથી ઘ્રૂજતાં ઘ્રૂજતાં તેમણે ગુફામાં પ્રવેશ કર્યાે. આ વિશાળ ગુફામાં સૂર્યનાં કિરણો જ્યાં પ્રવેશી શકતાં નથી એવા તેના એક ભાગમાં વિશાળ હિમલિંગની સન્મુખ ઊભા રહેતા તેમને એવું લાગ્યું કે જાણે તેઓ સાક્ષાત્ મહાદેવની સન્મુખ ઊભા છે. આ દર્શન કરીને તેમણે ધન્યતાનો અનુભવ કર્યાે. એ સમયે એમનું શરીર ભસ્મથી આચ્છાદિત હતું. કૌપીન સિવાય તેમણે બીજું કંઈ વસ્ત્ર પહેર્યું ન હતું. એ સમયે ગુફા મહાદેવનાં સ્તુતિ સ્તોત્રોનાં ગાન અને ‘હર હર બમ્ બમ્’ના નાદથી ગુંજી ઊઠી હતી. સ્વામીજીએ ભક્તિથી વ્યાકુળ બનીને, બીજાની નજરે ચઢ્યા વગર જ કેટલીયે વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના ભાવાવેગને સંયમિત કરવા માટે જલદીથી બહાર નીકળી ગયા. એ સમયે એમનું મુખમંડળ રક્તવર્ણ થઈ ગયું હતું – એમનાં નેત્રોની સમક્ષ જાણે શિવલોકનાં સમસ્ત દ્વારો ખુલ્લાં થઈ ગયાં હતાં. – એમણે દેવાધિદેવનાં શ્રીચરણોનો સ્પર્શ કરી લીધો હતો. પાછળથી એમણે જણાવ્યું હતું કે ‘ક્યાંક તેઓ બાહ્યભાન ગુમાવી ન બેસે’ તે માટે તેમને પોતાની જાતનું કઠોરતાપૂર્વક નિયંત્રણ કરવું પડ્યું હતું. એ સમયે તેમનો શારીરિક થાક પણ એટલો બધો હતો કે એક ડાµક્ટરે પાછળથી જણાવ્યું હતું કે એ સમયે તેમના હૃદયની ગતિ બંધ પડી જવાની શક્યતા હતી પણ તેને સ્થાને હંમેશ માટે તેનું કદ મોટું થઈ ગયું.’

અર્ધા કલાક પછી નિવેદિતા અને એક સહૃદયી નાગા સાધુની સાથે નાસ્તો કરતી વખતે સ્વામીજીએ નિવેદિતાને કહ્યું હતું કે, ‘મેં ખૂબ આનંદથી દર્શન કર્યાં. મને લાગે છે કે હિમલિંગ સાક્ષાત્ શિવ જ છે. ત્યાં કોઈ લોભી પુરોહિત (પંડા), કોઈ વ્યવસાય કે કંઈ પણ ખરાબ ન હતું. હતો તો ફક્ત અખંડ પૂજાનો જ ભાવ! બીજા કોઈપણ તીર્થસ્થાનમાં મને આટલો આનંદ નથી મળ્યો.’ એ પછી જ વાતચીતમાં તેમણે અમરનાથ વિષે ઘણું બધું કહ્યું હતું. તેઓ કહ્યા કરતા હતા કે ચિત્તને વ્યાકુળ કરી દેનારું એ દર્શન જાણે એવું લાગતું હતું કે તે તેમને ચક્રવાતની જેમ કેન્દ્રમાં ખેંચી જશે. અહીં એ યાદ રાખવું ઘટે કે શ્રીરામકૃષ્ણે એક દિવસ કહ્યાું હતું કે ‘જ્યારે તે પોતાને જાણી લેશે ત્યારે પછી તે તેના શરીરને ટકાવી નહીં શકે.’ તેઓ એ શ્વેત હિમલિંગની સુંદર કવિત્વપૂર્ણ બાજુને પણ બતાવવાનું ભૂલ્યા નહોતા. તેઓ કલ્પના કરતા હતા કે કોઈ દૂર સુદૂરના અતીતમાં ભરવાડોનું એક ટોળું પોતાનાં ઘેટાં-બકરાંની શોધમાં ભટકતું ભટકતું સંયોગવશાત્ અહીં આવીે પહોંચ્યું હશે અને ગુફામાં પ્રવેશ કરતાં જ હિમલિંગનાં દર્શન કર્યાં હશે. એ વખતે જ એ સરળહૃદયી લોકોના મનમાં ખાતરી થઈ ગઈ હશે કે આ તો સાક્ષાત્ મહાદેવ જ છે. સ્વામીજીએ વધારે પણ જણાવ્યું હતું કે ભગવાન અમરનાથે તેમને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. તેમણે નિવેદિતાને પણ આશ્વાસન આપ્યું હતું કે આ તીર્થયાત્રાનાં ફળની પ્રાપ્તિ ભલે તેમને તત્કાળ ન મળી હોય છતાં એક દિવસ તે જરૂર મળશે, કેમકે કારણ હોવાથી કાર્ય જરૂર થાય છે જ. આ રીતે અન્ય પ્રસંગો દરમિયાન આ અનુભૂતિઓની વાતો પ્રગટ થવા છતાં પણ તેઓ તત્કાલીન પ્રાપ્તિની વાત મોટેભાગે ટાળી દેતા હતા. તો પણ એ દર્શનનો એમના ઉપર એટલો ઊંડો પ્રભાવ પડ્યો હતો તે તેમના આચરણ દ્વારા જાણી શકાતું હતું. એ દિવસોમાં તેઓ હંમેશાં શિવ-ભાવમાં જ મગ્ન રહેતા હતા. એમના મુખમાંથી પ્રત્યેક ક્ષણે શિવના મહિમાનું ગાન જ નીકળતું રહેતું. ચિરકાળથી જ મહાદેવ એમના આરાધ્ય હતા. એ ભાવપ્રવાહમાં અમરનાથે પૂર લાવી દીધું હતું.

રક્ષાબંધનની પૂર્ણિમાને દિવસે આ પવિત્ર તહેવારનું અનુષ્ઠાન થયું હતું. અનેક લોકોએ સ્વામીજીના હાથમાં લાલ અને પીળા રંગની રાખડીઓ બાંધી દીધી હતી. એ પછી નદી કિનારે થોડો આરામ અને ભોજન કરીને તેઓ તંબુઓમાં પાછા આવી ગયા.

એ પછી એ લોકોની વળતાંની યાત્રા શરૂ થઈ. પાછા ફરતી વખતે રસ્તો ટૂંકો કરવા તેઓ ‘હતિયાર તળાવ’ (કે મૃત્યુ સરોવર)ના ઉપરના ભાગના રસ્તેથી આવવા નીકળ્યા. કેટલાંક વર્ષાે પહેલાં આ સ્થળેથી ચાળીસ યાત્રાળુઓ સ્તોત્ર પાઠ કરતાં કરતાં જઈ રહ્યા હતા. તેમના અવાજનાં સ્પન્દનોથી હિમશિલા ખસીને પ્રવાહની જેમ ધસી આવી અને યાત્રાળુઓ એની નીચે દબાઈ ગયા. અહીં આગળ એક પગદંડી ઊભા પહાડ ઉપરથી નીચે ઊતરી ગઈ છે. ઘૂંટણિયાભેર ચાલીને, ઘણી જ મુશ્કેલીથી તેને પાર કરીને સ્વામીજી અને બધા નીચે ઉતર્યા અને ધીમે ધીમે પહેલગામ પહોંચ્યા. રસ્તામાં એક જગ્યાએ તેમણે એક કુલી દ્વારા પહેલગામ પહોંચવાના સમાચાર પહેલેથી જ મોકલાવી દીધા હતા. પરંતુ બપોરે પહેલગામ પહોંચ્યા બાદ તેમને જણાયું કે તે મોકલવાની જરૂર નહોતી કેમકે સહયાત્રીઓની સાથે એમને જે આત્મીય પ્રેમસંબંધ સ્થપાઈ ગયો હતો તેને લઈને અગાઉ આવી પહોંચેલા યાત્રાળુઓએ પોતાની મેળે જ આ સમાચાર આપી દીધા હતા. પહેલગામથી અનંતનાગ, બાવન અને (૭મી ઓગસ્ટે) પાન્ડ્રેસ્થાન થઈને ૮મી ઓગસ્ટની રાત્રે તેઓ શ્રીનગર પહોંચી ગયાં.

શ્રીનગરમાં સ્વામીજીનો વૈરાગ્યભાવ જાણે વધુ પ્રમાણમાં વધવા લાગ્યો. તેઓ નિવેદિતા તેમ જ અન્યને વારંવાર કહેતા હતા કે તેઓ તેમની વિદાય લઈને એકાંતવાસમાં ચાલ્યા જશે. તેઓ વધુમાં એમ પણ કહેતા ‘રમતા સાધુ, બહતા પાની, ઈસમેં કભી ન મૈલ લખાની.’ વળી ક્યારેક કહેતા, જ્યારે પણ હું મુશ્કેલીમાં હોઉં અને ભિક્ષા ઉપર આધાર રાખવો પડતો હોય, ત્યારે હું ખૂબ સારી રીતે રહું છું.’ આવા વૈરાગ્યસભર ઉદ્ગારો, સ્વાધીનતાની આકાંક્ષા, સામાન્ય લોકોની સાથે હળવા ભળવાનો આગ્રહ, પરિવ્રાજક રૂપે પરિભ્રમણની સ્મૃતિઓનું જાગરણ વગેરે મળીને, બાકીના લોકોને એ સહજપણે જ સ્પષ્ટ કરી દેતું હતું કે તે સમયે એમનું મન કોઈક અલૌકિક ભૂમિ પર વિચરણ કરી રહ્યું હતું. મહાપુરુષોના ચિત્તનો ભાવ એમના ભક્તજનોમાં પણ સંક્રમિત થઈ જતો હોય છે. સ્મશાનવાસી મહાદેવના ચિંતનમાં મગ્ન સ્વામીજીના વૈરાગ્ય ભરેલા મનના સંપર્કમાં આવીને વિદેશી મહિલાઓએ પણ અનુભૂતિજન્ય હિન્દુધર્મની ગંભીરતા અને વિશિષ્ટતાનો અનુભવ કર્યાે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં શિષ્યોએ સ્વામીજીની અનુમતિ લઈને અચ્છાબલમાં તંબુ લગાવ્યો અને ત્યાં તપશ્ચર્યા કરી. ૩૦મી સપ્ટેમ્બરે તેઓ એકલા જ ક્ષીરભવાનીનાં દર્શન કરવા ગયા. ૧૨મી ઓકટોબરે કાશ્મીરથી પાછા ફરવા માટે બધા સાથે બારામૂલા આવ્યા અને એમની વિદાય લીધી. એમના કાશ્મીર વસવાટનું આ સંક્ષિપ્ત વર્ણન થયું. તો પણ એ સમય દરમિયાન સર્જાયેલી કેટલીક ઘટનાઓનું આપણે વધુ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવું પડશે.

સ્વામીજીની હોડીના જે નાવિકો, આટલા દિવસ સુધી એમની સાથે સ્વજનની જેમ રહ્યા હતા અને એમની પાસેથી દરેક પ્રકારની મદદ વગેરે મેળવી રહ્યા હતા, એમણે પણ ૯મી ઓગસ્ટે વિદાય લીધી. પાછળથી એમની વાત કરતાં સ્વામીજી કહેતા કે પ્રેમ અને ધૈર્યની બાબતમાં પણ ક્યારેક ક્યારેક અતિરેક થઈ જતો હોય છે. અમે અગાઉ જણાવી જ દીધું છે કે એક દિવસ સ્વામીજીએ ખેતરોમાં ફરતાં ફરતાં નિવેદિતાની સાથે નારી-શિક્ષણ વગેરે વિષય પર અર્ધા કલાક સુધી વાત કરી હતી. ૧૦મી ઓગસ્ટની સ્મૃતિનું નિવેદિતાએ જે રીતે આલેખન કર્યું છે, તેમાં ઉપરોક્ત પ્રસંગનું વર્ણન જ આવેલું છે. તે દિવસની બધી જ વાતચીત નારીશિક્ષણ અને આ વિષયમાં એમના પોતાના મંતવ્ય અંગેની જ હતી. સ્વદેશ અને તેના ધર્માે વિષેની તેમની વિચારધારા જે સમન્વય પર આધારિત હતી તેમાં એમની પોતાની વિશેષતા ફક્ત એટલી જ હતી કે તેઓ ઇચ્છતા હતા કે હિન્દુધર્મ નિષ્ક્રિય ન રહેતાં સક્રિય બને અને તે બીજાઓ ઉપર પોતાનો પ્રભાવ પાડીને તેમને પણ પોતાના ઉદાર મતમાં લઈ આવવાનું સામર્થ્ય દાખવે; અસ્પૃશ્યતાને તો તેઓ તદ્દન દૂર કરી દેવા ઇચ્છતા હતા; આ બધા વિષયો ઉપર તેમણે વાત કહી. જેઓ અત્યંત પુરાતનવાદી છે, તેમાંના અનેક લોકોના અસાધારણ ધર્મભાવ વિષે તેમણે આવેશપૂર્વક કહ્યુંઃ ‘ભારતમાં અભાવ છે કાર્યકુશળતાનો. પરંતુ એના માટે તેણે પોતાની પ્રાચીન ચિંતનશીલ જીવનધારાની ક્યારેય ઉપેક્ષા કરવી ન જોઈએ.’

૧૨મી ઓગસ્ટે સ્વામીજીની દિનચર્યામાં થોડું પરિવર્તન આવેલું જણાયું – એમણે એક બ્રાહ્મણ રસોયો રાખી લીધો હતો. અમરનાથના યાત્રાળુઓએ ભારે વિરોધ કર્યાે હતો કે મુસલમાન રસોયાના હાથનું બનાવેલું ભોજન લેવું એમના માટે બિલકુલ સારું નથી, ‘ઓછામાં ઓછું શીખોના દેશમાં તો સ્વામીજી તમે આવું ન કરો.’ આપણે પહેલાં પણ જોયું કે સ્વામીજી જ્યારે જે પ્રદેશમાં હોય ત્યારે ત્યાંના આચાર-વિચાર સ્વીકારીને ચાલતા. તેઓ તેવું શા માટે કરતા એની પણ થોડી ચર્ચા આપણે કરી છે. પરંતુ તેઓ આ બધું હંમેશાં પસંદ કરતા હતા કે તેનો હંમેશ માટે સ્વીકાર કરી લેતા હતા, એવું માનવું એ નર્યાે ભ્રમ ગણાશે. આ યાત્રા દરમિયાન એક દિવસ તેમણે કહ્યું હતું કે ગોરા શિષ્યોને જો રાખવાનું થયું તો તેઓ પંજાબમાં નહીં પણ બંગાળમાં તેની વ્યવસ્થા કરશે કે જે બંગાળ અન્યની સરખામણીમાં વધારે ઉદાર છે. એ સમયમાં એમના એક બીજા કાર્યથી એમના સાચા મનોભાવનું એક નક્કર પ્રમાણ મળે છે. એમણે બ્રાહ્મણ રસોયો રાખ્યો હતો એ સમયમાં જ તેમણે ‘પોતાના મુસલમાન નાવિકની નાનકડી કન્યાનું ઉમા સ્વરૂપે પૂજન પણ કર્યું હતું.’ એ ચાર વર્ષની બાળકી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે એ બાલિકાએ નદીના કિનારેથી નીલ રંગના એક ફૂલને કેવી રીતે તોડ્યું અને પછી તે લગભગ અર્ધા કલાક સુધી એની સાથે કેવી રીતે રમતી રહી.

Total Views: 455

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.