ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો હાનિ પહોંચાડે છે અને સાથોસાથ બીજાના ધર્મને ખોટી રીતે સમજે છે.’ (અશોકનો બારમો શિલાલેખ) વળી, એ જ શિલાલેખમાં આગળ લખે છેઃ ‘બધાં જ ધર્મનાં શાસ્ત્રોને મારું રક્ષણ મળશે.’

આવી ઉમદા ભાવનાઓ ઉપર વિવેચન કરતાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને યોગ્ય જ કહ્યું છે કે ‘ભારતના હિન્દુ અને બૌદ્ધ ધર્મના શાસકોએ ધર્મસંવાદિતાના આ સિદ્ધાંત અનુસાર રાજ્ય કર્યું એનું પરિણામ એ આવ્યું કે બીજા બધા જ મહાન ધર્માેના પીડિતો અને નિર્વાસિતોને અહીં ભારતમાં આશરો મળતો રહ્યો છે. યહૂદીઓ, ખ્રિસ્તીઓ, પારસીઓ વગેરે બધાએ અહીં પૂર્ણ સ્વતંત્રતા ભોગવી અને પોતપોતાની ધાર્મિક શ્રદ્ધાનો વિકાસ કર્યાે. યુન યાંગ (હ્યુ યેન સંગ) પોતાના અહેવાલમાં લખે છે કે ‘હર્ષવર્ધને’ પ્રયાગના દાન મહોત્સવમાં પહેલે દિવસે બુદ્ધ પ્રતિમા પ્રસ્થાપિત કરી, બીજે દિવસે પોતાના પિતાના ઈષ્ટદેવ સૂર્યની મૂર્તિનું પ્રતિષ્ઠાપન કર્યું અને ત્રીજે દિવસે શિવનું પ્રતિષ્ઠાપન કર્યું. કોટ્ટાયમની સુવિખ્યાત તકતીઓ (૯મી સદી) અને કોચીનની વિજયરાજદેવની તકતીઓ તો સ્પષ્ટ કહે છે કે હિન્દુ રાજાઓ કેવળ ખ્રિસ્તીધર્મ પ્રત્યે સહિષ્ણુતા દાખવનારા જ નહિ, પરંતુ સાથોસાથ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને માટે ખાસ આર્થિક ફાળો પણ આપનારા હતા. હજુ હમણાં જ મૈસૂરના હિન્દુ રાજાએ પોતાના રાજ્યનાં એક ખ્રિસ્તી દેવળના પુનરુદ્ધાર માટે આર્થિક મદદ કરી છે.’ (હિન્દુ વ્યૂ આૅફ લાઈફ).

શીખ ધર્મના સ્થાપક નાનક કહે છેઃ ‘એ જ સાચો હિન્દુ છે કે જેનું હૃદય ન્યાયપૂર્ણ છે અને તે જ સાચો મુસલમાન છે કે જેનું જીવન પવિત્ર છે. સાચા બનો તો તમે મુક્ત થશો… ભગવાન માણસને એ નહિ પૂછે કે એ ક્યા વંશનો છે! એ તો એવું પૂછશે કે તેં જીવનમાં શું કર્યું છે? બધા ધર્મના સંતોનો આદર કરો, તમારા અભિમાનને દૂર કરો… એ યાદ રાખો કે ધર્મનું સારતત્ત્વ તો સહાનુભૂતિ અને નમ્રતા છે. જેને હૃદય નથી એને મોહ થાય છે… હિન્દુ અને મુસલમાન તો સમાન જ છે.’

જરથુષ્ટનો ધર્મ માનવની ઉદાત્તતાને આ શબ્દોમાં અભિવ્યક્ત કરે છેઃ ‘શું ધર્માે એ માનવજાતિ સમસ્તની સમાનતાની ભૂમિકા નથી? શું સર્વત્ર એક સમાન જ આનંદદાયક સૌંદર્ય નથી? ઈશ્વરે પાથરેલ આ ગાલીચો ખરેખર વિશાળ છે! અને એ ગાલીચાને એણે ઘણા અવનવા રંગો આપ્યા છે! હું ગમે તે માર્ગ પકડીશ તોયે મારો માર્ગ રાજમાર્ગ સાથે મળી જાય છે! એ રાજમાર્ગ દિવ્યતા તરફ લઈ જનારો છે.’

યહૂદી ધર્મ પણ એ જ પ્રકારના ઔદાર્યની શીખ આપે છે; તે આમ કહે છેઃ ‘શું આપણો બધાનો એક જ પિતા નથી? શું આપણને સૌને એક જ ઈશ્વરે સર્જ્યા નથી?’ (ખફહ.ઈંઈં, ૧૦) ‘અજાણ્યા પરદેશીને સંતાપીશ નહિ, એને તું દુઃખ ન દેતો કારણ કે ઈજિપ્તની ભૂમિમાં તું પણ અજાણ્યો – અપરિચિત જ હતો.’ (ઊુજ્ઞમ, ડઈંઈં, ૨૧) વળી ઈઝરાઈલીઓ પ્રત્યે નિર્દયતાભર્યું વર્તન કરનારા ઈજિપ્શ્યનોને પણ છેવટે તો સદ્ભાવપૂર્વકનો સંયમ રાખીને રહેવું પડ્યું હતું. કારણ કે કાનૂનને ‘જ્યૂ અને જેન્ટાઈલ’ વચ્ચે ભેદભાવ નથી!

ખ્રિસ્તી શાસ્ત્રોમાં આમ લખ્યું છેઃ ‘ઈશ્વર કંઈ કેવળ માણસને જ માન આપતો નથી પરંતુ એ એવા માણસને આદર કરે છે કે જે દરેકે દરેક રાષ્ટ્રમાં ઈશ્વરને માન આપે છે અને સચ્ચાઈપૂર્વક જીવન જીવે છે. એનો જ ઈશ્વર સ્વીકાર કરે છે.’

ધર્માેની વિવિધતાના વિષયમાં કુરાન કહે છેઃ ‘દરેકે દરેકને કાનૂન અને માર્ગ બતાવ્યા છે. અને જો ઈશ્વરની મરજી હોત તો એણે તમને બધાને એક જ ધર્મ પાળવા બનાવ્યા હોત. પણ એણે તો આનાથી ઊલટું જ વિચાર્યું. એણે તમને જે કંઈ અલગ કર્યું છે તે દ્વારા એ તમારી કસોટી કરવા માગે છે કે જેથી એ અલગ માર્ગે આગળ વધતાં તમે સારાં કાર્યો કરી શકો.’ (કુરાન, ૨/૨૫૮) ઈસ્લામના પયગમ્બર કહે છેઃ ‘ધર્મમાં કશું ફરજિયાતપણું નથી. સાચો માર્ગ તો પોતાની મેળે જ ખોટા માર્ગથી અલગ થઈ જાય છે.’ (કુરાન, ૧/૬) ‘તેઓ જેને ઈશ્વર માને છે તેની નિંદા ન કરો નહિતર તેઓ પણ અજ્ઞાનથી ઉઘાડે છોગે તમારા ઈશ્વરની નિંદા કરશે.’ (કુરાન, ૬/૧૦૮)

વાસ્તવિક રીતે જ વિશ્વના સર્વ પયગમ્બરો અને ધર્માેપદેશકોના ઉપદેશોની આવી વૈચારિક સમાનતાઓની બાબતો જોતાં ગમે તે માણસને એ વિચાર આવ્યા વિના નહિ જ રહે કે જો એ બધા જ લોકો આજેય આપણને હળેલા મળેલા દેખાય છે તો એક દિવસ તો એવો અવશ્ય આવશે કે તે બધાય એક બીજાને ભેટી જ પડશે અને અરસપરસ માન અને પ્રેમ પાથરતા બનશે, દિવ્ય ઈશ્વર પ્રેમમાં મદમાતા બની જશે. તેઓ અવશ્ય જ પોતાના અસંખ્ય અનુયાયીઓના પારંપારિક ધાર્મિક વેરઝેર અને ઝનૂન ભાળીને આઘાતથી છળી ઊઠશે. એટલે ઊડીને આંખે વળગતી સમાનતાની એવી કેટલીક બાબતો છે કે જે વિવિધ ધર્માેએ જાણે એકબીજાનું અનુસરણ જ કર્યું હોય એવી લાગે! અનેક પયગમ્બરો અને ધર્માચાર્યાેએ કરેલી અતિચેતનની અનુભૂતિઓ જ બધા ધર્માેનું મૂળ છે. અને એથી જ એના ઉપદેશો આપણને ઉચ્ચત્તમ આધ્યાત્મિક સ્તર સુધી લઈ જઈ શકે છે. ભલે ને એમની રાષ્ટ્રોની ભાષા, એના રીતરિવાજો, એમની જીવનપદ્ધતિઓ વગેરે બધું જુદું જુદું હોય! પણ એ બધા દ્વારા બોલાતી આત્માની ભાષાની અભિવ્યક્તિ તો એક જ છે! ધર્માેની વિવિધતા એ તો માત્ર અભિવ્યક્તિની જ વિવિધતા છે. બાકી એનું તત્ત્વ અને સવ તો એકસરખું જ છે!

વિવિધ ધર્માે તો માત્ર એક જ તત્ત્વની જુદી જુદી વાચનરીતિ જ છે. એ બધી તે જ તત્ત્વના સાક્ષાત્કારના વિવિધ માર્ગાે બતાવે છે. આધુનિક યુગના મહાન વેદાંતોપદેશક અને પ્રખર વક્તા સ્વામી વિવેકાનંદ સાચું જ કહે છે કે ‘આપણે બધા એક જ સત્યને જુદે જુદે પરિવેષથી જોઈ રહ્યા છીએ. એટલે એ આપણાં જન્મ, શિક્ષણ, પર્યાવરણ વગેરેને લીધે જુદું જુદું રૂપ ધારણ કરેલું હોય એવું દેખાય છે. આપણા સંજોગો આપણને જે રીત બતાવે તે જ રીતે આપણે સત્યને નીરખીએ છીએ. સંયોગોને રંગે એ સત્ય રંગાય છે એટલે કે આપણા મન અને હૃદયથી સત્ય રંગાયેલું હોય છે. માણસની અરસપરસની જુદાઈનું એ જ કારણ છે. કેટલીક વખત આવા સંયોગો વિરોધનું વાતાવરણ સર્જે છે. પરંતુ સત્ય તો એક જ અને વૈશ્વિક છે અને આપણે બધા એ વૈશ્વિક સત્યને જ તો ઝંખીએ છીએ! ઈશ્વર તો એક જ છે અને શાશ્વત છે. અને એટલા જ માટે ધર્મ પણ એક જ છે અને શાશ્વત છે. આ એક અને શાશ્વત ધર્મ જ અનંતકાળથી આજ સુધી ચાલ્યો આવ્યો છે અને અનંતકાળ સુધી ચાલતો જ રહેશે! વિશ્વમાં હસ્તી ધરાવતો દરેકે દરેક ધર્મ આ એક અને શાશ્વત ધર્મની જ અભિવ્યક્તિઓ છે, એક જ સત્યનાં જુદા જુદા દૃષ્ટિકોણથી લીધેલાં ચિત્રો જ છે!

વાસ્તવિક રીતે તેઓ કંઈ પરસ્પર વિરોધી નથી. વિવિધ વંશોએ, વિવિધ માનવોએ, વિવિધ માનસ સ્તરોએ જે પ્રાગૈતિહાસિક કાળથી આ દિવ્ય સત્યના વિવિધ દૃષ્ટિકોણથી ફોટા પાડયે રાખ્યા છે અને સમગ્ર માનવજાતિમાં એનો ફેલાવો કર્યે રાખ્યો છે અને વળી આપણી પાસે અત્યારે છે એના કરતાં વધારે સંખ્યામાં જો ધર્માે હોત, વધારે પેગમ્બરો હોત, વધારે અવતારો યે હોત તો પણ એના મૂળ એક સત્યના સ્રોત વિશે ચિંતા કરવાની જરૂર છે જ નહિ! કારણ કે એ દરેકેદરેક ઈશ્વર પાસે દોરી જનાર એક નવો માર્ગ કંડારી આપે છે! આમ, દરેક પેગમ્બર કે ધર્મસંસ્થાપક શક્તિ અને પ્રભુત્વનો નવો સ્રોત બને છે.

એટલા માટે ધર્માેનું તુલનાત્મક અધ્યયન કરવાનાં પરિણામો અતિ શુભ આવ્યાં છે. તે બતાવે છે કે બધા જ ધર્માે આધ્યાત્મિક જીવનના જુદા જુદા માર્ગાે છે, દરેકનું લક્ષ્યસ્થાન ઈશ્વર અથવા તો મુક્તિ છે. અર્થાત્ શાંતિ અને પૂર્ણતા છે. ભલે ને પછી એ લક્ષ્યની વિભાવનાઓ જુદી જુદી હોય! ભલેને એનાં સાધનો અને પદ્ધતિઓ અલગ અલગ હોય! જો આ તારણો આજના ધર્મશીલ લોકો માન્ય કરે, સ્વીકારે, અથવા તો એનો સહાનુભૂતિપૂર્વક વિચાર કરે, તો અવશ્ય જ કેટલાય ધર્મપંથો વચ્ચે મંગલકારી અને પ્રભાવક સંબંધો બંધાઈ જાય! અને ધર્માે વચ્ચે સંવાદિતાનો માર્ગ બંધાઈ જાય!

ગમે તેમ પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ તારણ તો માત્ર બૌદ્ધિક ખોજનું જ પરિણામ છે. અને એ તો વધારેમાં વધારે માત્ર બૌદ્ધિક સ્વીકાર જ પામી શકે. એનો આધ્યાત્મિક કસોટી દ્વારા નિશ્ચય કરી લેવો જરૂરી છે અને એ આઘ્યાત્મિક કસોટી એટલે એનો જીવનમાં વિનિયોગ – અમલ – કરવો, એ છે. એ વિવિધ ધર્માેની સાધનાની અપેક્ષા રાખે છે. આવી સાધના જ ઉપરની બૌદ્ધિક વિભાવનાને નિશ્ચયરૂપ બક્ષી શકે. અમલ કર્યા વગરનો બૌદ્ધિક ખ્યાલ ગમે તેટલો તર્કપૂત કે વાજબી હોય તો પણ અધૂરો જ છે. વિશ્વ અનુભવહીન વિભાવનાઓને સ્વીકારતું નથી.

પણ પોતાનો ધર્મ સફળતાપૂર્વક આચરીને ઈશ્વર પ્રાપ્તિ કરવાનું યે કઠણ છે. ત્યાં વળી અન્ય ધર્માેની સાધના કેવી રીતે થાય? આ તો ભારે મજબૂરી મુસીબત છે! પણ ભારતની તો વાત જ નિરાળી છે! ઘણા મહાન ધર્માેનું એ ઘર રહ્યું છે. છેલ્લી સદીમાં એવા સર્વધર્મ સાધકની વિશ્વને જરૂર પડી અને ભારતમાં એવો મહાપુરુષ જાગી ઊઠયો! પ્રયોગશાળામાં જેમ કોઈ વૈજ્ઞાનિક કઠિન પ્રયોગોની હારમાળા સર્જે તેમ તે વિભૂતિએ-શ્રીરામકૃષ્ણે બધા જ ધર્માેનું ઊંડાણપૂર્વક અવગાહન કર્યું, દરેકનું લક્ષ્ય સિદ્ધ કર્યું, બધાની સંવાદિતા સાધી, અને વિશ્વના ઇતિહાસમાં એક ભવ્ય આધ્યાત્મિક મહેલ ખડો કરી દીધો!!

સંદર્ભાે – (1) Meeting of Religions – Dr. Shri Radhakrishnan (2) Essential Unity of all Religions – Dr. Bhagvandas (3) Shri Ramakrishna and His Unique massage – Swami Ghanananda

Total Views: 144
By Published On: July 1, 2012Categories: Keshavlal V Shastri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram