આ પછી તરત જ ડિસેમ્બર, ૧૯૦૨માં સ્વામી ત્રિગુણાતીતાનંદ સાન્ફ્રાન્સિસ્કોના વેદાંત સેન્ટરનો હવાલો સંભાળવા નીકળ્યા. આની સાથે જ ‘ઉદ્‌બોધન’ના નવા તંત્રીની પસંદગીનો પ્રશ્ન ઊભો થયો. આ બધા સમય દરમિયાન સ્વામી ત્રિગુણાતીતાનંદના ભવ્યખંત અને કઠોર પુરુષાર્થથી ‘ઉદ્‌બોધન’ પત્રિકા પ્રકાશિત થતી રહી. આ પત્રિકાને સતત ચાલુ રાખવા માટે એમણે વાસ્તવિક રીતે ઘરે ઘરે જઈને ભીખ માગી હતી. સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી શારદાનંદ હવે આ પત્રિકા બંધ કરવી પડશે એવી ચિંતામાં હતા. આમ છતાં પણ આ પત્રિકા શરૂ થઈ ત્યારથી જ સ્વામી શુદ્ધાનંદે સ્વામી ત્રિગુણાતીતાનંદને એમના કાર્યમાં મદદ કરી હતી એટલે આવા મુશ્કેલીના સમયે તેઓ જ આ જવાબદારી ઉપાડી શકશે એવું નક્કી થયું. આ કામમાં અલબત્ત સ્વામી શારદાનંદે પણ શુદ્ધાનંદને ઘણી મદદ કરી. પછીના દસ વર્ષ સુધી ઘણી સારી કાર્યનિષ્ઠા સાથે શુદ્ધાનંદે આ પત્રિકાનું પ્રકાશન ચાલુ રાખ્યું. અત્યારના બાગબાજારમાંના આ પત્રિકાના કાર્યાલય પહેલાં એને બે વખત સ્થળાંતર કરવામાં આવ્યું. સ્વામી શારદાનંદજીના પ્રયત્નોને લીધે ‘શ્રીમાનું ઘર’ (માયેર વાડી) બાંધવામાં આવ્યું અને ત્યાં જ ‘ઉદ્‌બોધન’ને કાયમી કાર્યાલય મળ્યું. શ્રી શ્રીમા શારદાદેવી ૨૩ મે, ૧૯૦૯ના રોજ પોતાના આ નવા ઘરમાં રહેવા ગયાં. શ્રીમાના ઘર માટે આ દિવસ વાસ્તવિક રીતે સુવર્ણાક્ષર જેવો હતો.

હવે સ્વામી શુદ્ધાનંદે સ્વામીજીની દિવ્યવાણી અને બીજાં લખાણોનો બંગાળીમાં અનુવાદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આવા અનુવાદો ઉપરાંત તેમણે ‘ઉદ્‌બોધન’માં અનેક મૂલ્યવાન લેખો લખ્યા. સ્વામી શારદાનંદજીએ પણ શ્રી શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (શ્રી રામકૃષ્ણઃ ધ ગ્રેટ માસ્ટર)નામનો અમરગ્રંથ લખવાનો પ્રારંભ કર્યાે. એ સમયે એમના આ ગ્રંથના અંશો ‘ઉદ્‌બોધન’માં ક્રમશઃ પ્રકાશિત થતા રહ્યા. ‘ઉદ્‌બોધન’ના પ્રકાશનમુકુટનું એક વધારાનું પીંછું શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે લખેલ શ્રી શ્રીરામકૃષ્ણ કથામૃત પણ હપ્તાવાર પ્રગટ થવા લાગ્યું. આને લીધે શ્રી રામકૃષ્ણ દેવનો સંદેશ બંગાળના ઘરે ઘરે પહોંચ્યો. શુદ્ધાનંદે ‘ઉદ્‌બોધન’(બંગાળીમાં ‘ઉદ્‌બોધન’નો અર્થ જાગરણ થાય છે)માં નવા પ્રાણ ફૂંક્યા, અને એના નામને સાર્થક કરીને આ સામયિકે બંગાળની સાંસ્કૃતિક ઉત્ક્રાંતિમાં ઘણો મોટો ભાગ ભજવ્યો હતો. આ સામયિકના ઈતિહાસમાં આ એક ખરેખર ભવ્ય પ્રકરણ હતું. સ્વામીજીનાં લખાણોનું ‘ઉદ્‌બોધન’માંથી સંકલન કરીને તેમને ગ્રંથરૂપે પ્રકાશિત કરવાનો યશ પણ સ્વામી શુદ્ધાનંદને જાય છે.

૧૯૦૩માં સ્વામી શુદ્ધાનંદ રામકૃષ્ણ સંઘના એક ટ્રસ્ટીરૂપે નિયુક્ત થયા, પણ એમનું કાર્ય આ સંસ્થા પૂરતું સીમિત ન બન્યું. તેમણે સ્વામીજીના વિચારોને બંગાળના યુવાનોમાં રેડવા માટે ઘણું ઘણું કર્યું. એમના પોતાના પ્રયત્નો અને સ્વામી શારદાનંદજીના માર્ગદર્શન હેઠળ કોલકાતાના યુવાનોના એક વૃંદે સ્વામીજીના વિચારો અને આદર્શાેનો પ્રચાર પ્રસાર કરવા ‘વિવેકાનંદ સોસાયટી’ની રચના કરી. પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદના આદર્શાેનો પ્રચાર પ્રસાર કરવા પ્રયત્ન કરતી આ સોસાયટીના વિકાસ માટે તેઓ ખૂબ જ ઉત્કટ અને આતુર હતા. ભલેને ગમે તેટલી અગવડતાઓ આવે તો પણ તેઓ કોલકાતા આવતા રહેતા અને આ સંસ્થાને વધુ સંગઠિત બનાવતા. તેઓ યુવાનોમાં સ્વામીજીના સંદેશ અને આદર્શાેને ભરી દેવા માટે પ્રયત્ન કરતા. આ માટે તેઓ એમની સાથે મુક્ત મને હળતા-મળતા, એમને માટે અભ્યાસ વર્તુળ રચતા અને એમની ચર્ચામાં જોડાતા પણ ખરા. આ સોસાયટી દ્વારા એમના સંપર્કમાં આવેલા કેટલાય યુવાનોએ રામકૃષ્ણ-વિવેકાનંદના નેજા હેઠળ ગૃહત્યાગ કરીને આશરો લીધો હતો, અને જે લોકો આ રીતે ગૃહત્યાગ ન કરી શક્યા તેવા યુવાનો સ્વામી શુદ્ધાનંદના પવિત્ર સંગાથને લીધે પોતપોતાના સંસારનાં દુઃખ-કષ્ટો મહદ્અંશે દૂર કરી શક્યા હતા.

કલાકોના કલાકો સુધી તેઓ પોતાના આ યુવાન સંગાથીઓ સાથે શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની વાતો કરતાં કરતાં એ ચર્ચામાં પોતે સાવ ઓગળી જતા. ઉપનિષદના અતિગૂઢ અને ઉન્નત કરતા વિચારોને અત્યંત સહજ-સરળ અને પ્રવાહી રીતે રજૂ કરવાની અદ્‌ભુત કળા એમનામાં હતી. પોતાની નોંધનીય સ્મૃતિશક્તિને કારણે તેઓ ‘બુદ્ધદેવ’, ‘પૂર્ણચંદ્ર’ જેવાં ગિરીશચંદ્ર ઘોષનાં ભક્તિમય નાટકોમાંથી સુદીર્ઘ ઉદ્ધરણો ટાંકતા અને કલાકોના કલાકો સુધી પોતાના શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દેતા. આવા અભ્યાસ વર્તુળનો કોઈપણ સભ્ય સંયોગવશાત્ ગેરહાજર રહે તો જેમણે આ સંસારનો ત્યાગ કર્યાે છે અને સંસારના બધા સંબંધો કાપી નાખ્યા છે એવા આ સંન્યાસી પોતે ગેરહાજર રહેનારને ઘરે ચાલીને જતા અને એના ખબરઅંતર પૂછતા.

સોસાયટીના આવા એક સભ્યે પોતાના જીવનના પછીના ભાગમાં એ સ્મૃતિ તાજી કરતાં કહ્યું છે, ‘તેઓ અમને બધાને પોતાના સ્વજન બનાવી દેતા. એમના વ્યક્તિત્વમાં એવું તો આકર્ષણ હતું કે એમના સંગાથે રહેવાની ઇચ્છાનો અને દરરોજ સાંજે એમની વાતો સાંભળવાનો પ્રતિરોધ કરી ન શકતા. અમારામાંથી મોટા ભાગના વિનમ્ર એવા મધ્યમ વર્ગનાં કુટુંબોમાંથી આવતા હતા અને આ સંસારની ચિંતાઓ અને મુસીબતોનાં હતાશાનાં વાદળાં અમારા પર મંડરાતાં રહેતાં, આવી પળોમાં આ અત્યંત ઉષ્માવાળા પ્રેમાળ સંતનો સંગાથ અમારામાં નવો પ્રાણ ફૂંકતો. તેમણે અમારા અસ્તિત્વને નવો અર્થ આપ્યો. એમના સંગાથનું આકર્ષણ એટલું બધું મહાન હતું કે અમારામાંના ઘણા બધા એ સોસાયટીમાં રાતવાસો પણ કરતા.’

જેમના નામે રચાયેલ અને એમના આદર્શને સંપૂર્ણ પણે વરેલ સ્વામી શુદ્ધાનંદના આ સોસાયટી માટેના પ્રેમની ગહનતાને માપવી મુશ્કેલ છે. એમણે લખેલા કેટલાક પત્રોના અંશમાંથી એમના પ્રેમનો ખ્યાલ આપણને આવી શકે છે. મધુપુરથી એમણે આ સમાજના કાર્યકરોને લખ્યું હતુંઃ

‘આ સમાજમાં એવા આધ્યાત્મિકતાના તરંગો નીપજાવજો કે તે સોસાયટી સાથે જોડાયેલ વિવેકાનંદના નામને સૌથી વધારે યોગ્ય બને. આ સોસાયટીના સંપર્કમાં આવીને થોડીઘણી વ્યક્તિઓ પણ સાચા માનવ બને તો એ ખરેખર ઘણું ઉપયોગી નીવડશે.’ એક બીજા પત્રમાં એમણે આમ લખ્યું હતુંઃ

‘ભગવાન શ્રીરામકૃષ્ણનું નામ લઈને સાર્વત્રિક ઉત્સાહ સાથે કામ કરતા રહેજો. ક્યારેય હતાશ-નિરાશ ન થતા. ભગવાન શ્રીકૃષ્ણે પોતે ગીતા (૭.૪૦)માં કહેલ આ શબ્દો યાદ રાખજોઃ ‘ન હિ કલ્યાણ કૃત્ કશ્ચિદ્ દુર્ગતિં તાત્ ગચ્છતિ – અર્થાત્ હે અર્જુન, કલ્યાણ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી’. કોઈક સમયે હું તમારી અને તમારા કામની ટીકા કરું તો એને મનમાં ન લાવશો.

જ્યારે હું કહું છું કે હું તમને અને સોસાયટી સાથે સંલગ્ન સૌને ચાહું છું, એના પર વિશ્વાસ રાખજો. મને લાગે છે કે જે કોઈ પણ આ સોસાયટી માટે થોડું ઘણું કરવાનો પ્રયત્ન કરે છે, પછી ભલે એ સાવ નજીવું હોય તો પણ આ ધરતી પર અવતાર લીધો હતો એવા શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીના મહાન કાર્યમાં તેઓ સહાય કરી રહ્યા છે, અને આનાથી હું ઘણો આનંદ અનુભવું છું.’

આ જ સમયે સ્વામી શુદ્ધાનંદના બાળપણના મિત્ર અને પોતાના ગુરુબંધુ સ્વામી વિરજાનંદજી માયાવતીથી સ્વામી વિવેકાનંદનું જીવન અને એનાં સંપૂર્ણ લખાણો અંગ્રેજીમાં ગ્રંથમાળારૂપે પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરતા હતા. એમનાં અચળ ભક્તિ અને અથાક પ્રયત્નોને લીધે સ્વામીજીના ‘કમ્પ્લીટ વર્કસ્’ અને એમનું ‘વિસ્તૃત જીવન’એક પછી એક ગ્રંથરૂપે બહાર પડતાં હતાં. જ્યારે સ્વામી શુદ્ધાનંદે સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રની હસ્તપ્રત વાંચી ત્યારે તેઓ હર્ષાેન્મિત થઈ ગયા, સાથે ને સાથે એમને પોતાના પત્રો દ્વારા સ્વામી વિરજાનંદને ઘણાં પ્રોત્સાહન અને સલાહ સૂચન પણ આપ્યાં. આવા એક પત્રમાં એમણે લખ્યું હતું, ‘આ વિસ્તૃત જીવન ચરિત્ર પ્રકાશિત કરવામાં તમે જે અથાક પરિશ્રમ ઉઠાવ્યો છે તેની જોડે બીજો કોઈ નહીં આવી શકે તેમ હું માનું છું.’

Total Views: 466

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.