‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી

‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે જેવો દેખાય છે, એવો જ નથી, કારણ કે માણસ એવી અભીપ્સાઓ અને ઉત્કટ ઊર્મિઓનું પ્રતિનિધિત્વ કરે છે; જે ધારણ કરવાની ક્ષમતા માણસ અને માત્ર માણસ પાસે જ છે.’

આ ઉદ્ગારો હતા ઓગણીસમી સદીના અંત સુધીમાં માત્ર ભારતની ભૂમિમાં જ નહીં પરંતુ વૈશ્વિક ફલક પર સિતારાની જેમ ઝળહળી ઊઠેલા ભારતીય તત્ત્વચિંતક સ્વામી વિવેકાનંદજીના, જેમની ૧૫૦મી જન્મજયંતી આગામી ત્રણ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ઊજવાઈ રહી છે. તો આવો તેમના કેળવણી-દર્શન અંગે થોડું જાણીએ.

સ્વામી વિવેકાનંદજી કેળવણીની સંકલ્પના આપતાં જણાવે છે કે, ‘મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી’. આ સંકલ્પના સ્પષ્ટ કરતાં સ્વામીજી કહે છેઃ ‘મનુષ્યમાં જ્ઞાન અંતર્નિહિત છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે માણસ‘જાણે છે’ ત્યારે તેનો મનોવૈજ્ઞાનિક અર્થ એ થાય છે કે તે કશુંક શોધે છે, અનાવૃત (Discover) કરે છે. જ્યારે માણસ કશુંક શોધે છે ત્યારે તે પોતાના અનંત જ્ઞાનકોશરૂપી આત્મા પર પડેલાં આવરણો દૂર કરી કશુંક શોધી કાઢે છે.’

સ્વામીજી કહે છેઃ ‘આ વિશ્વનું અનંત વિસ્તારવાળું સમગ્ર પુસ્તકાલય તમારા પોતાના ચિત્તમાં જ છે.’ બાહ્ય જગતની કોઈક ઘટના સાથેના એકાદ ક્ષણના ગાઢ અનુસંધાનથી મગજમાં એકાએક પ્રકાશ થઈ જાય છે જે આપણા મનને ‘શોધ’ની તક પૂરી પાડે છે.

ન્યૂટને આવી જ કોઈ ક્ષણમાં સફરજનને વૃક્ષ પરથી નીચે પડતાં જોયું, તેના મનમાં પ્રકાશ થયો અને તેણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધી કાઢ્યો!

જ્યારે જ્યારે જે મનુષ્ય એ આવરણો ધીમે ધીમે હટાવતો જાય છે ત્યારે તે કશુંક શીખતો જતો હોય તેવું લાગે છે. હવે પ્રશ્ન એ થાય, કે આ આવરણો શાનાં હશે?

આ આવરણો છે, આપણી માન્યતાઓ અને ધારણાઓનાં. જેમકે, નટ-બજાણિયાની નાની બાળકી લાકડાના બાંબુના બંને છેડે બાંધેલી દોરી પર સરળતાથી ચાલી બતાવે છે. કારણ કે તેની માન્યતા છે કે ‘હું એ કરી શકીશ’.

જ્યારે આપણને એ ખેલ કરવાનું કહેવામાં આવે તો આપણી માન્યતા એ હશે કે ‘એ મારાથી થોડું થાય?’ મન પરનું આ માન્યતાનું આવરણ જ આપણામાં એ કૌશલ્ય કેળવવામાં બાધારૂપ બને છે.

જે માણસ આવી માન્યતાઓ અને ધારણાઓનાં આવરણો પોતાના મન પરથી દૂર કરતો જાય છે તે જ્ઞાની બનતો જાય છે.

સ્વામીજી કહે છે કે ‘શિક્ષણની પ્રક્રિયામાં બહારથી કશુંક અંદર દાખલ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી’ કારણ કે સઘળું જ્ઞાન આપણાં ચિત્તમાં પડેલું જ છે. તેથી કોઈ કોઈને કશું શીખવી શકે એ વાત જ તદ્ન વાહિયાત છે. તેઓ કહે છે કે ‘આપણે આપણી જાતને જાતે જ શિક્ષિત કરવાની છે.’ બહારનો શિક્ષક તો માત્ર સૂચનો કરે છે. હા, એ સૂચનો એવાં અસરકારક હોય કે જેથી એ વ્યક્તિની અંદર રહેલો શિક્ષક પ્રવૃત્ત થવા ઉત્તેજિત થાય. એ પછી તો તે વ્યક્તિ પોતાની જ પ્રત્યક્ષીકરણની અને વિચારની ક્ષમતા દ્વારા અધ્યયન કરતો જાય છે. જેવી રીતે સેંકડો એકર જમીનમાં પથરાયેલું વટવૃક્ષ એ આમ તો એક નાનકડા બીજમાં સમાયેલું હતું તેવી જ રીતે પ્રચંડ બુદ્ધિક્ષમતા એક નાનકડા જીવકોષમાં વીંટળાયેલી પડી હોય છે. એ સત્યથી સભાન થવામાં જ તે બુદ્ધિક્ષમતાના પ્રગટીકરણની શક્યતા રહેલી છે.

સ્વામીજીએ કેળવણીના ઉદ્દેશ્યો વિશે અલગથી ઉલ્લેખ કર્યાે નથી પરંતુ તેઓ તત્કાલીન શિક્ષણપ્રથાની મર્યાદાઓ તરફ અંગુલીનિર્દેશ કરી વિદ્યાર્થીઓને પૂછે છેઃ

‘શું તમે બીજાઓના વિચારોને હૃદયપૂર્વક ગ્રહણ કરી, તે સમજવાની માથાફોડ કરી, તમારી જાતને શિક્ષિત માનો છો? વિશ્વવિદ્યાલયની આવી રીતે લમણાઝીક કરીને પ્રાપ્ત કરેલી પદવીઓને શું તમે કેળવણી ગણો છો?’

તેઓ કહે છે કે, ‘જે શિક્ષણ જનસામાન્યને તેની મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરવામાં, જીવન-સંઘર્ષ માટે સુસજ્જ થવામાં સહાયક ન બને; ચારિત્ર્યનું બળ વિકસાવવામાં મદદરૂપ ન થાય તે શિક્ષણનો શો અર્થ?’ આપણને તો એવા શિક્ષણની જરૂર છે; જે ચારિત્ર્યનો વિકાસ કરે, મનનું સામર્થ્ય પ્રગટાવે, ઈન્દ્રિયોની શક્તિઓનો વિકાસ કરે જેથી શિક્ષિત મનુષ્ય પોતાના પગ ઉપર ઊભા રહી શકે.

શરીર અને મન ઉપરાંત સ્વામીજી હૃદયની કેળવણી પર ખૂબ ભાર મૂકે છે. તેઓ કહે છે કે હૃદય જ મનુષ્યને મનુષ્યતાની ઉચ્ચતમ ભૂમિકાએ લઈ જઈ શકે.

સ્વામીજીના મતે જ્ઞાનપ્રાપ્તિની એક માત્ર પદ્ધતિ છે મનની એકાગ્રતા. ભીતરના ગહનમાં પડેલું સામર્થ્ય અને જુસ્સો મનની એકાગ્રતા દ્વારા જ સપાટી પર લાવી શકાય છે.

મનની આ એકાગ્રતા કેળવવા સ્વામીજી મનની સબળતા, ધીરતા, પ્રબળ સંકલ્પશક્તિ તથા બ્રહ્મચર્યના સમજપૂર્વકના પાલનનો આગ્રહ રાખે છે. તેઓ કહે છે કે કામઊર્જાનો અપવ્યય ન થાય તથા વિચાર-ક્ષમતા બિનઉપયોગી પ્રવૃત્તિઓ તરફ ન વળે તો જ મનની એકાગ્રતા કેળવાય છે.

અંગ્રેજ શાસન દરમિયાન પ્રસ્થાપિત કરવામાં આવેલી માત્ર કારકૂનો જ તૈયાર કરતી શિક્ષણ પ્રણાલીની વિરુદ્ધ વેદોના આધાર પર રચાયેલી તર્ક અને શોધયુક્ત અધ્યયનને તથા ઈન્દ્રિયોની કેળવણીને અનુમોદન આપતી શિક્ષણ તરાહ ચિંધનાર સ્વામી વિવેકાનંદજીએ પોતાની યુવાનીનાં વીસેક જેટલાં વર્ષાે માનવ નિર્માણકારી શિક્ષણ અંગેના ચિંતન અને પ્રસારમાં ગાળ્યાં. તેમનું કેળવણી દર્શન ઓજવાન, તેજવાન, શ્રદ્ધાવાન માનવનું નિર્માણ કરવા અંગેનું હતું. સ્વામીજીએ ભગવદ્ગીતાના સત્ય ‘આત્માનો ઉદ્ધરેત આત્મનમ્’ અર્થાત્ ‘સ્વ દ્વારા સ્વનો ઉદ્ધાર’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્ર ઉત્થાનનું જે કાર્ય કર્યું તે સદાય અવિસ્મરણીય રહેશે.

Total Views: 151
By Published On: July 1, 2012Categories: Mita H. Thanki0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram