સ્વામી વિવેકાનંદની ‘વૈશ્વિક પ્રતિભા’ અને ‘રાષ્ટ્રિય પ્રતિભા’ એટલી ઊંચાઈએ છે કે તેને નિરખવા આકાશભણી જોવું પડે. આ એ જ વિશ્વમાનવ છે કે જે પરિવ્રાજક અવસ્થામાં ગુજરાત, કચ્છ, કાઠિયાવાડની ધરા પર ફર્યા હતા. આદરણીય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામીજીની આ યાત્રાના અંકોડા મેળવીને કડીબદ્ધ ઇતિહાસ આપવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યાે. માણસની ચેતના દૃશ્યો સાથે જોડાયેલી છે, જે દૃશ્યો જુએ છે તે તેના માનસપટ પર અંકાઈ જાય છે.

રાજકોટ – મુંજકા સ્થિત ‘સંપદા’ (સેન્ટર ચોર આર્ટ્સ ક્રાફ્ટ્સ એન્ડ કલ્ચર) દ્વારા શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેક હાૅલમાં ‘સ્વામી વિવેકાનંદ અને ગુજરાત’ એક દર્શનીય પ્રદર્શનનું સફળ આયોજન થયું. સ્વામીજીના ગુજરાત ભ્રમણયુગને તાજો કર્યાે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સ દ્વારા. ૧૮૯૧ થી ૧૮૯૨ના મધ્ય સુધી સ્વામીજી ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં રહ્યા. તે દરમિયાન સંપર્કમાં આવેલ રાજવીઓ, દીવાનો, સાહિત્યકારો અને વિવિધ સ્થળો આ બધાનું પ્રતિબિંબ ઝીલાયું સ્ટીલ ફોટોગ્રાફ્સમાં. શક્ય ત્યાં સુધી જે તે સમયની તસવીરોનો ઉપયોગ થયો. જે દર્શકોના અજાગ્રત મનને દોરી જતો હતો તે યુગમાં. સ્વામીજીના ગુજરાત પ્રવેશથી લઈને વિદાય સુધીનાં સ્થળોનો ક્રમ જાળવવાની તકેદારી આ પ્રદર્શનમાં લેવાઈ હતી. ગુજરાતની ધરતીએ જ વાત માંડીને કરીઃ

‘હા, હું ગુર્જરધરા ગુજરાત, મારી ચારે તરફ ઘૂઘવતા સમુદ્રના અફાટ જળરાશિ, છવાયેલ વનરાજી, અડાબીડ જંગલો અને ડણક દેતા સાવજો, આભને ટેકા દેતા ગિરનાર અને આરાસુર, મારી કાયાને પોષતી જલધારાઓનો અભિષેક કરતી નર્મદા, સાબર, મહી, તાપી અને ભાદર સમી લોકમાતાઓ, ભગવાન સોમનાથના મેરુપ્રાસાદને ભલકારા દેતી જગત્ મંદિર દ્વારિકાની બાવનગજની ધજા અને ખળખળ વહેતા ગોમતીના પાણી, આનર્ત પ્રદેશ કૃષ્ણને ગમી ગયો અને ‘અઠ્ઠે દ્વારિકા’ કરી.

વેદકાલ, ભાગવત, પુરાણો અને સંહિતાઓ સાક્ષી પૂરે છે કે મારું અસ્તિત્વ પુરાતન છે. હું ધન્ય બની અનેક પુનિત પગલાઓથી, પરિવ્રાજકોથી, પયગંબરોથી. દંડકારણ્યે (ડાંગ) સ્પર્શ્યા હતા સીતાનાં ચરણો, નૈમિષારણ્યે ભગવાન વેદવ્યાસ અને શુકદેવજીની વાણી સાંભળી છે, યાજ્ઞવલ્ક્યની સંહિતા રચાતા મેં જોઈ છે, મહાભારતનો કાળખંડ, હણહણતા અશ્વો અને રથોનાં પૈડાં, દ્વારિકાથી કુરુક્ષેત્ર તરફ કૂચ કરતી નારાયણી સેનાને નિરખતી રહી.

તથાગત બુદ્ધ, નેમિનાથ, શંકરાચાર્ય અને નાનક, ‘અપ્પો દિપો ભવ’, ‘અહિંસા’, ‘અહમ્ બ્રહ્માસ્મિ’ અને ગુરુબાનીના શબદ મારે કાળજે કોતરાઈ ગયા.

આદિ શંકરાચાર્ય પછી અનેક વર્ષાે સુધી રાહ જોતી રહી કોઈ મહામાનવની અને એક દિવસ એ સુવર્ણ સૂરજની સવાર પડી. ઈ.સ. ૧૮૯૧ના અંતમાં એક દૈદીપ્યમાન અંદર અને બહારથી ભગવા રંગમાં ઝબોળાયેલ તેજસ્વી સંન્યાસી મારા કર્ણાવતીનગરના (અમદાવાદ) આંગણે પ્રથમ ચરણ માંડે છે.

આમ તો બંગાળની શશ્યશ્યામલા ધરતીનું એ સંતાન, પણ મારો સ્નેહ એને ખેંચી લાવ્યો. નરેન્દ્રનાથ દત્તને દિગ્વિજયી સ્વામી વિેવેકાનંદ સુધી પહોંચાડવાની પ્રચ્છન્ન વૈચારિક ભૂમિકા પૂરી પાડવા હું બડભાગી બની.’

અમદાવાદ પ્રવેશ, વઢવાણ, લીંબડી, ભાવનગર, સિહોર, જૂનાગઢ, સોમનાથ, દ્વારિકા, કચ્છ-ભૂજ-માંડવી, પોરબંદર, જામનગર, પાલિતાણા, નડિયાદ અને વડોદરા, બધાં શહેરોની વાત, સ્થળો અને સમયનું સંકલન દાદ માગી લે તેવું રહ્યું.

ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીની આગ્રહભરી ભાવના ઘનશ્યામ ગઢવીએ સાકાર કરી. નિષ્ઠાપૂર્વક નિયત સમયે પ્રદર્શન રજૂ કર્યું. તા. ૯ના રોજ સમગ્ર ગુજરાતમાંથી ભાવપ્રચાર પરિષદના સદસ્યો ઉપસ્થિત હતા. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના કો-ઓર્ડીનેટર બેલુરમઠના સ્વામી વિશ્વાત્માનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી, પોરબંદર અને વડોદરા આશ્રમના અધ્યક્ષશ્રીઓ અનુક્રમે સ્વામી આદિભવાનંદજી, સ્વામી અવ્યયાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં તે જ દિવસે સાંજે ૬ વાગ્યે દીપપ્રાગટ્ય કરીને પ્રદર્શન ખુલ્લું મૂકાયું. ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ બહાર ગામથી આવેલ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ રસપૂર્વક આ પ્રદર્શન બધાએ માણ્યું. ઘનશ્યામ ગઢવીએ લખેલી પ્રદર્શનની લેખનશૈલી દર્શકોની આંગળી ઝાલીને સ્થળોની મુલાકાત કરાવતી રહી. પ્રદર્શનનો પ્રતિભાવ આપતા સ્વામી વિશ્વાત્માનંદજીએ લખ્યું છેઃ

‘સ્વામી વિવેકાનંદની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે પૂરા ભારતવર્ષમાં ભારતની જનતાને અને વિશેષ કરીને યુવાઓમાં નવચેતના જાગ્રત કરવા માટે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. શ્રીઘનશ્યામ ગઢવીએ સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને સ્થાનોનાં ચિત્રોના સંગ્રહનું પ્રદર્શન તૈયાર કરીને અતિ સુંદર રીતે રજૂઆત કરી છે. ગુજરાતના યુવાનો જ્યારે ચિત્રાત્મક પ્રદર્શનમાં જાણશે કે સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં આટલા લાંબા સમય સુધી રોકાયા હતા અને ગુજરાતના મનીષીઓ અને રાજવીઓ ઉપર સ્વામીજીનો બહુ ગહન પ્રભાવ પડ્યો હતો, ત્યારે તેઓ પણ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લેવા પ્રેરાશે.’

‘સંપદા’ના ઘનશ્યામ ગઢવી અને ઓમકાર ગઢવી આ પ્રદર્શનને પ્રથમ સ્વામી વિવેકાનંદે લીધેલી મુલાકાતનાં શહેરોમાં પ્રદર્શિત કરશે, ત્યારબાદ જ્યાંથી આમંત્રણ મળશે ત્યાં આ પ્રદર્શન જશે. દરેક શહેરમાં આ પ્રદર્શન ત્રણ દિવસ રહેશે. તે દરમિયાન યુવાનો સાથે સંવાદ અને સ્વામીજી વિશે પ્રવચનો થશે. પુસ્તકોના સેટ પણ વેચાણાર્થે મૂકાશે.

પ્રદર્શનની પરિકલ્પના ઘનશ્યામ ગઢવીની અને સંયોજન ઓમકાર ગઢવીએ કર્યું. તા. ૯ થી ૧૨ સુધી રાજકોટના તમામ વર્ગાેના લોકોએ આ પ્રદર્શન જોયું અને આ રહ્યા પ્રતિભાવના થોડા નમૂના.

૧. સ્વામી વિવેકાનંદનું ગુજરાત પરિભ્રમણનું આ પ્રદર્શન અતિ અદ્‌ભુત છે. આ પ્રેરણાદાયી પ્રદર્શન દ્વારા સ્વામીજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ અનેકગણી વધે છે.
– ચિરાગ માંડવિયા

૨. સ્વામીજીના જીવનના મહત્ત્વપૂર્ણ સમય અખંડ ભારતયાત્રાના ભાગરૂપે જ્યારે સ્વામીજી ગુજરાતની ધરતીની મુલાકાતે આવ્યા હતા, તેનું જે આ સચિત્ર પ્રદર્શન છે તે જોતાં ખૂબ જ હર્ષ અને ધન્યતાની લાગણી અનુભવું છું. આ પ્રદર્શનીમાં સ્વામીજી જે જે લોકોને મળ્યા અને જે જે સ્થળે ગયા હતા તેની માહિતી ખૂબ જ રસપ્રદ રીતે આવરી લેવામાં આવી છે, જે નિહાળીને આપણા ગરવા ઇતિહાસની ઝાંખી થાય છે અને આપણા ભારતનું ભાવિ ચોક્કસપણે આપણા ઇતિહાસની જેમ ફરીથી ગૌરવવંત થશે, તે લાગણી સાથે ખૂબ ખૂબ અભિનંદન. – નિખિલ બી. પંડ્યા

૩. ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીનું પરિભ્રમણ ઘણું સુંદર છે. સ્વામીજીનું આખું ગુજરાત પરિભ્રમણ થોડા સમયમાં જ તૈયાર થઈ જાય! આ વિચાર રજૂ કરનાર અને પ્રદર્શન આયોજકો બંને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. – રતિભાઈ પુરોહિત (ભાગવતાચાર્ય)

Total Views: 617

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.