સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી તેઓ એમની છબીની પૂજા કરતા. એમની પૂજામાં માત્ર કર્મકાંડ કે ખોટા આડંબર ન હતા. શ્રીરામકૃષ્ણ દેવ જાણે સાક્ષાત સામે જ હોય એવી અટલ શ્રદ્ધા અને વિશ્વાસથી એમની સેવાપૂજા કરતા.

૧૮૯૭ના માર્ચમાં સ્વામી રામકૃષ્ણાનંદજી સ્વામી સદાનંદને લઈને કોલકાતાથી મદ્રાસ આવ્યા. એમણે અહીં કાર્ય શરૂ કર્યું. શ્રીરામકૃષ્ણ દેવના સંદેશના પ્રચાર પ્રસાર માટે એમણે વ્યાખ્યાન આપવાનું ચાલુ કર્યુ. શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈને ભગવદ્ગીતા શ્રીમદ્ ભાગવત અને ઉપનિષદ વગેરે પર વર્ગાે પણ શરૂ કર્યા. એ સમયે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જવું ઘણું કઠિન. ચારપાંચ માઈલ દૂર વર્ગાે લેવા જવુ પડતું. દોઢેક માઈલ ચાલ્યા પછી ઘોડાગાડી મળતી. ઘણી વખત એક જ દિવસે જુદી જુદી દિશામાં વર્ગ હોય ત્યારે ઘરે પાછા ફરીને પોતે જ રાંધીને ખાવું પડતું.

સ્વામી રામકૃષ્ણાનંદની કાર્યનિષ્ઠા, એકતાનતા પ્રશંસનીય હતી. એમના કેટલાક વર્ગાેમાં ભાવિકોની હાજરી ઘણી મોટી રહેતી. કોઈક વાર વર્ગમાં પોતે એકલા જ હોય એવુ પણ બનતું. આમછતાં પણ તેઓ વિચલિત કે હતાશ ન થયા. જ્યારે વર્ગમાં એકલા જ હોય ત્યારે તેઓ શાંતિથી એક કલાક ધ્યાન ધરતા અને પછી પાછા આવતા. કોઈ સમદર્શી વેદાંતી માનવને જ આવું ફાવી શકે.

(સ્વામી રામકૃષ્ણાનંદ – ધ એફોસલ ધ શ્રીરામકૃષ્ણ ટુ ધ સાઉથ, લે- સ્વામી તપસ્યાનંદ)

સ્વામી રામકૃષ્ણાનંદમાં માતાના જેવી મમતા હતી. તેઓ માની જેમ બધાંની કાળજી લેતા. કોઈવાર કોઈકની ભૂલ થાય તો ઠીક ઠીક ઠપકો આપતા જ. મૂરખની જેમ કોઈ ભૂલ કરે એ એમને ન ગમતું. તેઓ માનતા કે સંન્યાસીઓએ વધારે જાગૃત અને સજાગ રહેવું જોઈએ.

એક વખત તેઓ સ્વામી સર્વાનંદજીને કોઈક કારણે ઘણું વઢ્યા. સ્વામી સર્વાનંદને ગુસ્સાના આવા સખત શબ્દો સાંભળવાની જરાય ટેવ ન હતી. એટલે તેઓ રડી પડ્યા. એમને રડતા જોઈને સ્વામી રામકૃષ્ણાનંદજી એની નજીક ગયા અને પ્રેમથી કહ્યું, ‘તું જાણે છે કે શ્રીરામકૃષ્ણ અમને શું કહેતા? લુહાર જ્યારે લોંખંડને આગની ભઠ્ઠીમાં નાખે ત્યારે તે લાલચોળ થઈ જાય છે. પછી એને એરણ પર મૂકીને હથોડા ઠોકીને એને ઈચ્છેલો આકાર આપે છે. આવું થાય તો જ લોખંડમાંથી કંઈક ઉપયોગી વસ્તુ નિપજે. તમે બધા પણ એ કાચા લોખંડના ગોળા જેવા છો. તમારા દોષ દૂર થાય એટલે જ હું તમને વઢું છું ને? કાચા માટલા પર ઉપરથી થાપટ મારતી વખતે કુંભાર અંદરથી હાથનો આધાર આપીને માટલાં ઘડે છે. આવું કામ સારા ગુરુ કરે છે ને?’

ગોડ લીવ્ડ વીથ ધેમ- લે. સ્વામી ચેતનાનંદ (પે. ૨૮૭-૮૮)

Total Views: 602

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.