ઈશ્વરે મનુષ્યના સ્વભાવનું નિર્માણ બે પ્રકારનું કર્યું છે. (૧) લઘુતાગ્રંથિવાળો સ્વભાવ અને (૨) ગુરુતાગ્રંથિવાળો સ્વભાવ.

લઘુતાગ્રંથિવાળા લોકો હંમેશાં પોતાની અંદર કાંઈક ખૂટે છે, એવી ગ્રંથિ, માન્યતાથી પીડાતા હોય છે. એમને હંમેશાં બીજા લોકો પોતાના કરતાં ચડિયાતા છે, એવું લાગ્યા કરે છે. ગુરુતાગ્રંથિવાળા લોકોની સમસ્યા વિરુદ્ધ પ્રકારની છે. તેમને પોતાના વિષે ઉચ્ચ અભિપ્રાય હોવાને લીધે તેઓ બીજા લોકોને પોતા કરતાં ઊતરતા ગણે છે અને તેને લીધે હંમેશાં સંઘર્ષ ચાલ્યા કરે છે.

અંગ્રેજી સાહિત્યના એક ચિન્તક કવિ એડગર એ ગેસ્ટ એક કાવ્યમાં લઘુતાગ્રંથીવાળા લોકોનાં મનોવલણોનો આલેખ રજૂ કરે છે અને તેમને આશ્વાસન આપે છે કે તમે આજે જેમને મહાન ગણો છો, તે લોકો પણ એક દિવસ તમારા જેવા જ હતા. તમે જેને સફળ ગણો છો, તે લોકોએ પણ અનેકાનેક નિષ્ફળતાઓ વહોરી લીધી હતી. તેઓ જન્મથી જ સાફલ્ય સાથે જન્મ્યા ન હતા.

આ મનીષીની પ્રથમ પંક્તિ જ ધીરજ બંધાવવા માટે પૂરતી છેઃ

The great were once like you.

મહાન પુરુષો પણ એક વખત તમારા જેવા હતા.

મહાપુરુષોમાંથી મહાન જન્મેલા જ હોય તેવા બહુ ઓછા હોય છે. કેટલીકવાર મહાનપણું કેળવવું પડતું હોય છે. આ મથામણ લાંબી ચાલતી હોય છે. ક્રમશઃ વિકાસની યાત્રાનાં શિખરો સર કરનારા લોકોની આ વાત છે. આજે લઘુતાગ્રંથિથી પીડાતા આપણે એમને મહાન ગણી લઈને હિજરાયા કરતા હોઈએ છીએ. પરંતુ તેઓએ જ્યારે પોતાની જીવન યાત્રાનો આરંભ કર્યાે ત્યારે તેઓ આપણા જેવા જ સામાન્ય માણસો હતા.

આવા મહાન માણસોના જીવનનો આલેખ રજૂ કરતાં, તેમની સામાન્યતા તરફ આંગળી ચીંધતાં કવિ કહે છે-

They whom men magnify to day Once groped and blundered on life’s way.

– જે લોકોને માણસો મોટા બનાવે છે, તેઓ પણ એક દિવસ જીવનયાત્રા દરમિયાન ફાંફાં મારતા હતા અને મોટી મોટી ભૂલો કરતા હતા.

જીવનયાત્રા ભલભલાની કસોટી કરી લે તેવી કપરી હોય છે. આપણે એમ માની લઈએ છીએ કે મહાપુરુષોએ કદી ભૂલ નહીં જ કરી હોય.

પરંતુ કવિને રસ છે આ મહાન મનુષ્યોની સામાન્યતા દર્શાવવામાં. આથી તેઓ કહે છે કે આ મહાનુભાવો પણ એક દિવસ અંધકારમાં અથડાતા હતા અને આજે તમે જે પ્રકારની ભૂલો કરો છો, તે જ પ્રકારની મોટી મોટી ભૂલો કરતા હતા. ગાંધીજીએ પોતાની એક ભૂલને ‘હિમાલય જેવડી ભૂલ’કહી છે. તે અહીં નોંધવા જેવું છે.

(HIMALAYAN BLUNDER)

આ પ્રકારની તેમની મનોવૃત્તિનો ખ્યાલ આપતાં કવિ કહે છે.

Were fearful of themselves, and thought By magic was man’s greatness wraught.

-તેમને તેમની પોતાની ભીતિ લાગતી હતી અને તેઓ માનતા હતા કે મનુષ્યનું મહાનપણું જાદુથી મેળવી શકાય છે.

તેઓ પોતાથી જ ડરતા હતા. ‘હું કાંઈક ખોટું કરી બેસીશ તો?’ અથવા ‘આવાં કાર્યો કરવાની શક્તિ મારામાં છે ખરી?’ કવિને આવા વિચારો માન્ય નથી. તેથી તેઓ તેની ‘પોતાની જાતની જ બીક’એવું નામ આપી તેને નિંદાપાત્રતા દર્શાવે છે.

કવિ માને છે કે આવા વિચારો ઘાતક છે અને માણસને કોઈ નક્કર નિર્ણય લેવા દેતા નથી. આવા વિચારોનું સેવન કરનારા લોકો માની લે છે કે મહત્તાના પાયામાં જાદુ રહેલ હોય છે, પુરુષાર્થ કે શ્રમ નહીં. આજે આપણે જેમને મહાપુરુષો તરીકે ઓળખીએ છીએ તેઓ પણ એક દિવસ આવી વિચારસૃષ્ટિ ધરાવતા હતા. તેઓ પોતાનાથી ચડિયાતા માણસો વિષે શું ધારતા હતા, તેની વાત કવિએ સચોટ રીતે અહીં કરી દીધી છે. આવા વિચારોથી પીડાતા લોકોનો જીવન ક્રમ કેવો હોય છે, કાર્ય પદ્ધતિ કેવી હોય છે, તેની ઝાંખી કરાવતાં કવિ નિર્દેશ કરે છેઃ

They feared to try what they could do.

-તેઓ જે વસ્તુ કરી શકે એમ હતા, તેને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરતાં પણ તેમને બીક લાગતી હતી.

લઘુતાગ્રંથિથી પીડાતા લોકોમાં પોતાનાં જ્ઞાનને અમલમાં મૂકવાની એક નાનકડી કડી જ ખૂટતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક માણસ પાસે પોતાનું આગવું સામર્થ્ય હોય છે. પણ તેને તેની ખબર હોતી નથી. આથી તે જે વસ્તુ કરી શકે એમ હોય તે કરતાં જ ડરતો હોય છે. આ પરિસ્થિતિ આજે જ છે એવું નથી. આજે આપણે જેને મહાન ગણીએ છીએ તેમના તે વખતના વર્તમાનમાં, એટલે કે આપણા માટે દૂરના ભૂતકાળમાં પણ હતી.

આપણા આ પુરોગામીઓ અને આપણા વચ્ચે આજે આપણને આટલો મોટો તફાવત લાગે છે. પરંતુ જોવાની વાત તો એ છે કે-

Yet fame-hath crowned with her success
The self-same gifts that you possess

-તે છતાંય કીર્તિએ તમને તમારી પાસે ઈશ્વરે બક્ષેલી જે ક્ષમતાઓ છે, તે બક્ષીને તેમને સફળતા પ્રદાન કરી છે.

ઈશ્વરે આપણને ઘણીબધી બક્ષિસો આપી છે. પરંતુ આપણી સ્થિતિ પેલા કસ્તૂરી શોધતા મૃગ જેવી હોય છે. આપણી પાસે રહેલી આપણી ક્ષમતાથી આપણે અજ્ઞાત હોઈએ છીએ. આપણે એ વસ્તુ યાદ રાખીએ કે ઈશ્વર બધાને ક્ષમતા પ્રદાન કરે છે.

કેટલાક લોકો તેને સભાન રીતે કેળવે છે, ત્યારે કેટલાક લોકોને જીવનના અંત સુધી તેનું ભાન જ થતું નથી.

મહાપુરુષોને કુદરતે આપણા જેવી અને જેટલી જ ક્ષમતા બક્ષી હતી. તેમણે તેનો વિનિયોગ કરીને મોટાં પરિણામો હાંસલ કર્યા. આપણે પણ તેમને પગલે ચાલીએ તો સફળ થઈએ જ. લઘુતાગં્રથિથી પીડાતા લોકોને આશ્વાસન આપતાં કવિ મહાપુરુષોનાં ભૂતકાલીન અન્ય લક્ષણો ઉપર પ્રકાશ ફેંકે છેઃ

The great were young as you,
Dreaming the very dreams you hold.
Longing, yet fearing, to be bold.

-આજના મહામાનવો તમારા જેવા જ જુવાનિયા હતા, આજે તમે જે સ્વપ્નો સેવો છો, તેવાં જ સ્વપ્નો તે લોકો પણ સેવતા હતા. તેઓ સફળતા માટે ઝંખના સેવતા હતા, પરંતુ કોઈપણ બાબતમાં હિંમત બતાવતાં તેઓ ડરતા હતા.
સ્વપ્નોની બાબતમાં જુવાન લોકોની વચ્ચે બહુ ફરક હોતો નથી. મહાપુરુષો પણ આપણા જેવાં જ સ્વપ્નો સેવતા હતા. આજે આપણને કશુંક નક્કર પગલું લેતાં ડર લાગે છે, તેમ જ તેમને પણ ડર લાગતો હતો.
ઝંખના હોય પણ નિર્ણયશક્તિ ન હોય તો માણસ માણસ વચ્ચે કોઈ ફેર પડતો નથી. નિર્ણાયક શક્તિ જ માનવને મહામાનવ બનાવે છે! વ્યક્તિને વિભૂતિ બનાવે છે!

Total Views: 649

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.