રાતના નવ વાગ્યા હતા. જમ્યા પછી હું કંઈક વાંચતો હતો ત્યાં જ મકાનના દરવાજા પાસે કોલાહલ સંભળાયો. થોડીવાર તો ધ્યાન ન આપ્યું પણ રડવા અને ઘોંઘાટ સાંભળીને નીચે ઊતર્યાે. જોયું તો ૨૦-૩૦ લોકો એક બાર-તેર વર્ષના દુબળા પાતળા છોકરાની આસપાસ ટોળે વળ્યા હતા. છોકરાનાં આંખ-મોઢામાંથી લોહી વહેતું હતું. વચ્ચે-વચ્ચે લોકો બેએક ધોલ મારી દેતા હતા. પૂછતાં જાણવા મળ્યું કે થિયેટરની બહાર ચણા-મમરાની દુકાનમાંથી માલિકની નજર ચુકાવીને એ છોકરો મમરા ચોરીને લઈ જતાં પકડાઈ ગયો હતો. એ વિસ્તારના તોફાની છોકરાઓને આવો સરસ મજાનો મોકો મળી ગયો. મોટેરાં અને છોકરાઓએ પોતાનો હાથ અજમાવીને એની આવી દશા કરી નાખી હતી.
એ નાના બાળકના ચહેરા પર કરુણાભરી યાચના જોઈને દુકાનદારે બે રૂપિયા દઈને એને રવાના કરી દીધો. બીજા લોકોને પણ સમજાવીને ત્યાંથી ભગાડી મૂક્યા. મેં દરવાનને છોકરાને અંદર લાવવા કહ્યું. છોકરો હજીયે ભયથી કાંપતો હતો. અને અંદર આવવામાં અચકાતો હતો. વળી પાછો વધારે માર ખાવો ન પડે કે બીજી નવી આપત્તિ ન આવી પડે એનો ભય એને સતાવતો હતો. ગમે તેમ કરીને ધકેલતાં ધકેલતાં એને અંદર લાવ્યો. મેં પ્રેમથી એના માથા પર હાથ ફેરવતાં પૂછ્યું કે તેણે આવું ચોરીનું ખોટું કામ કેમ કર્યું? એ સાંભળીને એ ધ્રૂસકે-ધૂ્રસકે રડવા માંડ્યો. થોડીવાર તો તે કંઈ ન બોલી શક્યો. માર અને ભૂખથી તે ખૂબ દુઃખી-દુઃખી છે એમ મને લાગ્યું.
એ બેભાન જેવો થતો જતો હતો. ખાવાની સાથે એને થોડું ગરમ દૂધ આપ્યું એટલે સ્વસ્થતા આવી. મેં બીજા દિવસની સવાર સુધી ત્યાં જ રોકાવા માટે કહ્યું, એટલે તે રડતાં રડતાં કહેવા લાગ્યો, ‘મારી મા માંદી છે અને ઘરે એકલી છે. ગઈકાલથી કંઈ ખાધું નથી. તે મારી રાહ જોતી હશે. આટલી રાત સુધી મને ન જોઈને તે ખૂબ ચિંતા કરતી હશે એટલે મને અત્યારે જ ઘરે જવા દો.’ ખાવા-પીવાની ચીજવસ્તુઓ આપીને બીજે દિવસે પાછો આવજે એમ કહીને મેં એને ઘરે મોકલી દીધો.
બે-ત્રણ દિવસ વીતી ગયા. એ છોકરાનો ભોળો નિર્દોષ ચહેરો હું ભૂલી ન શક્યો. દરવાનને તેને બોલાવવા મોકલ્યો. જોયું તો એ કિશોરના માથે તેમજ હાથે પાટા-પિંડી હતા અને એની સાથે એક યુવાન પરંતુ દૂબળી પાતળી-માંદી સ્ત્રી પણ હતી. સાડીમાં ઠેક-ઠેકાણે થીંગડાં હતાં. મુખ પર દીનતા અને બીમારી સ્પષ્ટ દેખાતાં હતાં. આમછતાં પણ એનો દેખાવ અને દેહ સુઘડ હતાં. કદાચ કોઈક સમયે તે સ્ત્રી રૂપાળી હશે એવું લાગ્યું. તે કહેવા લાગી કે એ દિવસે મારને લીધે છોકરાને તાવ આવી ગયો, અને ક્યાંક ક્યાંક સોજો પણ ચડ્યો. સ્ત્રીની બોલીની રીતભાત જોઈને હું સમજી ગયો કે તે પૂર્વબંગાળની છે. જે કરમ-કથની એણે મને સંભળાવી તે આટલા દિવસો પછી પણ ભૂલી શક્યો નથી. જ્યારે જ્યારે હું દુબળાં-પાતળાં બાળકોને ભીખ માગતાં જોઉં છું તો એ માસૂમ બાળકની તસવીર મારી આંખ સામે આવી જાય છે. એની કરમ-કથની કંઈક આવી છેઃ
ખુલના (પૂર્વબંગાળ) પાસે કોઈ ગામમાં એને સારી એવી ખેતીની જમીન હતી. નાનું તળાવ પણ હતું. બધી રીતે સુખી-સંસાર હતો. દેશના વિભાજન પછી એ બધાં ત્યાંજ રહી ગયાં, જો કે અનેક પ્રકારનાં દુઃખ-કષ્ટ અને અપમાન સહન કરવા પડ્યાં. આમ છતાંપણ બીજે ક્યાંય આશરો તો હતો જ નહીં, વળી પૂર્વજોનાં ઘર અને જમીન પ્રત્યે મોહ-મમતાય ખરાં, એટલે ગામ છોડીને ક્યાંય જઈ ન શક્યાં. ૧૯૫૮માં એક દિવસ અચાનક ગામના હિંદુઓ પર હુમલા થયા. એમાંથી જે મુસલમાન બની ગયા એમના જાનમાલ બચી ગયાં. જેમને સામનો કર્યાે એ બધાં કતલ થઈ ગયાં.
તેનો પતિ કંઠીધારી વૈષ્ણવ કાયસ્થ હતો. કોઈ સમયે ગામનો મુખી પણ હતો. સવારસાંજ ઘરના ઠાકુરજીની પૂજા-અર્ચના પણ થતી. તે કોઈ રીતે વટલાવા તૈયાર ન થયો. એને કહેવાતા ખુદાના બંદાઓએ કાપીને નજીકના તળાવમાં નાખી દીધો. પાડોશીઓ વચ્ચે પડ્યા, એટલે ગમે તેમ કરીને આ બિચારી વિધવા સ્ત્રી પોતાના આઠ વર્ષના નાના બાળકને સાથે લઈને સીમા પાર કરીને ભારતના ‘વનગામ’માં આવીને રહેવા લાગી. પાસે જે થોડોઘણો સામાન હતો એ બધો તો રસ્તામાં લોકોએ લૂંટી લીધો.
એણે જોયું કે ત્યાં પહેલેથી જ પૂર્વ પાકિસ્તાનમાંથી આવેલ શરણાર્થીઓની મોટી સંખ્યા છે અને સરકારી છાવણીમાં રહીને પોતાનું પેટ ભરે છે. વળી, પ્રભુકૃપાથી આમાંથી ઘણા લોકો અનેક પ્રકારની માંદગીઓથી ઝડપથી મરવા લાગ્યા અને રોજ-રોજની યાતનાઓમાંથી મુક્તિ મેળવતાં થયાં.
૨૬-૨૭ વર્ષની ઉંમર, સુગઠિત દેહ, અને ચહેરા પર લાવણ્યનું સ્પષ્ટ તેજ. આવી વિપત્તિમાં સૌંદર્ય પણ અભિષાપ બની જાય છે. કેમ્પ માટે નામ-નોંધણી કરનાર ઈન્સપેક્ટર રાતે આવીને તેની છાવણીમાં સૂઈ ગયો.
શરણાર્થીઓના પુનર્વસન અને એની દેખભાળ માટે રાખેલા લોકો એટલા બેશરમ-નિર્દયી બની ગયા હતા કે એમને નિંદાનોય ડર ન હતો અને માનઆદરની કોઈ જરૂર પણ ન લાગતી.
શરણાર્થીઓમાંથી કોઈ યુવાન છોકરી કે સ્ત્રીની સાથે તેઓ પોતાના મનનું ધાર્યું વર્તન કરતા. એમને આમાં પોતાનો અબાધ અધિકાર લાગતો હતો. આપદાની મારી બિચારી શરણાર્થી સ્ત્રીઓ ભૂખ્યા પેટે અને થાકેલા દેહે એનો વિરોધેય કેવી રીતે કરી શકે? આવા કેમ્પમાં જગ્યા અને સરકારી સહાય ન મળે તો સંતાન સહિત સ્ત્રીઓએ તડપી-તડપીને મરવું પડતું. જીવતા રહેવા માટે આ અપમાનને સહન કરવું અનિવાર્ય બની ગયું હતું.
પણ આ વીરનારી એવી હલકી માટીની ન હતી. તે પોતાનો દેહ ધરી ન શકી, અને જોરજોરથી બરાડા પાડવા લાગી. અલબત્ત એ સમયે તો પેલો ઈન્સપેક્ટર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો, પરંતુ બીજે દિવસે વળી પાછો દરખાસ્ત લઈને એની પાસે જ જવાનું હતું. આ વીરાંગનાને એ સ્વીકાર્ય ન હતું. એટલે રજીસ્ટ્રી ઓફિસમાં જવાને બદલે તેને પોતાના બાળકને સાથે લીધો અને માર્ગમાં અનેક દુઃખ-કષ્ટ સહન કરીને કોલકાતા આવી ગઈ. અહીં એને ઘરમાં દાઈનું કામ મળી ગયું, અને રહેવા માટે એક નાની કોટડી પણ મળી. રૂપવતી વિધવા યુવતી મહોલ્લાના યુવકો માટે એક આકર્ષણ બની ગઈ. કોઈપણ પ્રકારના કામ વિના તેઓ એમના ઘરની આસપાસ ફરતા રહેતા. ક્યારેક સીટી વગાડતા તો ક્યારેક ગાળોય સંભળાવતા. આને લીધે એને એ આશરો પણ છોડવો પડ્યો. મનમાં એવું હતું કે ભારતમાં સહધર્મીબંધુઓ સાથે જીવનના બાકીના દિવસો સુખ-ચેનથી પસાર કરી શકશે. પોતાના બાળકની પણ ગમેતેમ કરીને સારસંભાળ લઈ શકશે. પરંતુ એને ક્યાં ખબર હતી કે પાકિસ્તાનની જેમ અહીં પણ માનવના રૂપ ભૂખ્યાં વરુની ખોટ નથી.
તેજાબ મોં પર છાંટીને ચહેરાને કદરૂપો કરી લેવાનો પણ વિચાર આવ્યો. એની પીડાના ભયથી અને આ બાળકના ઉછેરનો વિચાર કરીને તે એવું કરી ન શકી. કેટલાંય સ્થળે ભટકીને તેણે ઢાકુરિયા તળાવની પાસે એક શરણાર્થી પરિવાર સાથે રહેવાનો આશરો મળી ગયો. માત્ર આશરાથી પેટનો ખાડો પૂરાતો નથી. પહેલવહેલાં તો ભીખ માગતાં શરમ આવી, પણ પછી ટેવ પડી ગઈ અને આ રીતે ગમે તેમ કરીને બે ટાણાંનું ભોજન મળી જતું. છોકરો દેખાવે સુંદર અને વાતચીત કરવામાં ચતુર હતો. સવારસાંજ જે યાત્રિકો તળાવ પર આવતા એમની મોટરની સફાઈ અને સંભાળ રાખતો. બેચાર આના ભેટમાં મળી જતા, અને ક્યારેક તો આ સજ્જનો ધમકાવીને ભગાડી પણ મૂકતા.
એક દિવસ માને તાવ આવ્યો હતો. ખાટલા વિના જમીન પર સૂવાથી અને ભૂખને કારણે આવેલી નબળાઈથી તેનું શરીર દુર્બળ બની ગયું. ડાµક્ટરની પાસે જવાનો તો પ્રશ્ન જ નહતો. પાડોશની એક વૃદ્ધ સ્ત્રીએ ક્વીનાઈનની બે ગોળી લાવી દીધી અને એ લઈને ખાવાનું કહ્યું. બિચારો છોકરો કંઈ ખાવાનું માગી લાવવા નીકળ્યો. આખો દિવસ ઊભો રહ્યો પણ કંઈ મળ્યું નહીં, માની ભૂખનો વિચાર કરીને રસ્તા ઉપરના ખૂમચામાંથી એણે કેટલીક પૂરી ચોરી લીધી. ભાગતાં ભાગતાં પકડાઈ ગયો. આ હતી એની રામકહાની.
છોકરાનું ભણતર તો કંઈ ન હતું. છતાંય એને મારી ઓફિસમાં નોકર તરીકે રાખી લીધો. આ વાતને તો કેટલાંય વર્ષાે વીતી ગયાં. એ નાનો સુરેન હવે મોટો થઈ ગયો છે. થોડુંઘણું હિન્દી-અંગ્રેજી પણ ભણ્યો છે. મારે ત્યાં જેટલા કર્મચારી છે એ બધાંમાં એ સૌથી વધારે મહેનતુ અને પ્રામાણિક છે. ગરીબ બંગાળીઓમાં છોકરીઓની ઊણપ નથી. કદાચ થોડાં વર્ષાેમાં એનાં લગ્ન પણ થઈ જશે. એ વખતે પેલી દુઃખી માને કેટલાંય વર્ષાે પછી ગૃહસ્થ જીવનનું થોડુંઘણું સુખ જોવા મળશે.
આજે પણ ક્યારેક મારા મનમાં વિચાર આવે છે કે શું ખરેખર એ દિવસે સુરેને ચોરી કરી હતી? ત્યાર પછી તો મેં એના વિશે આવી કોઈ ફરિયાદ સાંભળી નથી. વાસ્તવિક રીતે તો માણસ સ્વભાવથી ચોર હોતો નથી, પણ પરિસ્થિતિઓને કારણે એ કયારેક ચોરી કરવા લલચાય છે.
Your Content Goes Here