આપણા શિક્ષણશાસ્ત્રીઓ આપણા છોકરાઓને પઢાવીને પોપટ બનાવી મૂકે છે, અને તેમનાં ભેજાંમાં અનેક વિષયો ઠાંસી ઠાંસીને મગજ ખરાબ કરી નાખે છે… આ ઉચ્ચ કેળવણી રહે કે જાય, તો પણ એમાં થઈ શું ગયું? એ કરતાં તો લોકોને જો સહેજ પણ હુન્નર-ઉદ્યોગનું શિક્ષણ મળે તો વધારે સારું, જેથી નોકરી માટે દોડાદોડી અને બૂમબરાડા પાડવાને બદલે તેમને કામ મળે અને તેઓ રોટલો કમાઈ શકે. (૯.૧૮૧)

જેમ તમે એક છોડને (તમારી મરજી મુજબ) મોટો કરી શકો નહિ, તેવું જ બાળકનું પણ છે. (૮.૧૭૮) પ્રતિકૂળ જમીનમાં કોઈ છોડને રાખીને તેનો વિકાસ તમે ન કરી શકો. બાળક પોતે જ પોતાને શીખવે છે; તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહિ પણ આડકતરી રીતે સહાય કરી શકો. તમે અંતરાયો દૂર કરી શકો; પણ જ્ઞાન તો સ્વભાવથી આપોઆપ આવે છે. માટીને થોડી પોચી કરો કે જેથી છોડ સહેલાઈથી બહાર આવે; તેની આજુબાજુ વાડ કરો, તેનો નાશ ન થાય તેની કાળજી રાખો. (૨.૩૫૫) ઊગતા બીજને માટે જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરી શકો. (૨.૧૨૪) એટલે તમારું કામ પૂરું થાય છે.(૨.૩૫૫) તેમાંથી તેને જોઈએ તેટલું એ પોતાની મેળે સ્વાભાવિક રીતે જ લઈ લેશે; એને પોતાનામાં સમાવીને તે પોતાની મેળે, સ્વભાવિક રીતે જ વધશે. (૨.૧૨૪) તે જ પ્રમાણે બાળકેળવણી વિશે છે; બાળક પોતે પોતાને કેળવે છે. (૨.૩૫૫) બધું જ્ઞાન મનુષ્યની અંદર રહેલું છે … માત્ર તેને જાગ્રત કરવાની જરૂર છે. શિક્ષકનું કામ પણ આટલું જ છે. આપણે વિદ્યાર્થીઓ માટે એટલું જ કરવાનું છે કે તેઓ પોતાનાં હાથ, પગ, આંખ, કાન વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં પોતાની બુદ્ધિને વાપરતાં શીખે. (૯.૧૮૧) બીજી બાજુ માબાપોના ગેરવાજબી દબાણને કારણે આપણા છોકરાઓને વિકાસનો પૂરો અવકાશ મળતો નથી… દરેક વ્યક્તિમાં અસંખ્ય વૃત્તિઓ પડી હોય છે, જે સંતોષવા માટે યોગ્ય અવકાશની શોધમાં હોય છે. (૯.૧૨૬)

વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને બહલાવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે? સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે. જે કેળવણી હાલમાં તમે શાળાઓ અને મહાવિદ્યાલયોમાં લો છો તે તો તમને માંદલા બનાવે છે. કેવળ યંત્રની માફક તમે કામ કરો છો અને અળશિયાનું જીવન જીવો છો. (૯.૭)

આધુનિક કેળવણીએ તમારું જીવનધોરણ ફેરવી નાખ્યું છે, પણ સંશોધક પ્રતિભાના અભાવે સંપત્તિના નવા માર્ગાે હજુ વણશોધ્યા પડ્યા છે. આ સહનશીલ જનતાને તમે આજ સુધી કચડી છે; હવે તેનો બદલો લેવાનો તેમનો વારો આવ્યો છે. તમે નોકરીને તમારું જીવન સર્વસ્વ બનાવીને તેની મિથ્યા શોધમાં જ નાશ પામવાના છો. (૯.૮)

Total Views: 127
By Published On: July 1, 2012Categories: Vivekananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram