ગામમાં એક ગોવાળિયો હતો. રઘુ એનું નામ. રઘુનું ઝૂંપડું અને વાડો ગામને છેવાડે હતાં. વગડો નજીક હતો. રઘુ પાસે દસ ગાય હતી. ગાયોને એ વાડામાં ખીલે બાંધતો. રઘુ સવારે ઊઠે, ગાયો દોહે, ગામમાં દૂધ વેચી આવે અને પછી જમી-કરીને ગાયોને વગડામાં ચરાવવા લઈ જાય. સાંજે આવી ફરી ગાયો દોહે, દૂધ વેચી આવે અને મંદિરમાં દર્શન કરી, મંદિરના મહારાજ પાસે બે શબ્દ સાંભળી ઘરે પાછો આવી જાય. રાતે બધી ગાયોને એક વાડામાં ખીલે બાંધી દેતો જેથી કોઈ ગાય બહાર જતી ન રહે. બહાર વગડામાં હિંસક પ્રાણીઓ ગાયને મારી નાખે એવો ભય રહેતો.
એક રાતે રઘુએ નવ ગાયોને ખીલે બાંધી, પણ દસમી ગાયને બાંધવા ગયો તો ત્યાં દોરડું જ ન મળે. કૂતરું દોરડું તાણી ગયું હોય કે પછી વાંદરું દોરડું ઉપાડી ગયું હોય. જે હોય તે, પણ દોરડા વગર ગાયને બાંધવી કેવી રીતે? રાત પડી ગઈ હતી. દુકાનો બધી બંધ હોય. ગામમાંય સૌ જંપી ગયા હોય. રઘુ તો મૂંઝાયો. મંદિરના મહારાજ મોડી રાત સુધી ભજનો ગાતા. તેથી રઘુએ મંદિરમાં મહારાજ પાસે જવાનું નક્કી કર્યું. એને ખાતરી હતી કે મહારાજ જરૂર સાચી સલાહ આપશે ને કંઈક માર્ગ કાઢશે.
રઘુ મહારાજ પાસે પહોંચ્યો. બધી વાત કરી અને સલાહ માગી. મહારાજે થોડી વાર વિચાર કર્યાે, પછી કહ્યું, ‘રઘુ, એક રસ્તો છે- જાણે તું ગાયને રોજની જેમ દોરડાથી બાંધતો હોય એવી રીતે હાથની ચેષ્ટાઓ કરજે. એટલે કે ગાયને બાંધતો હોય તેવો દેખાવ કરવાનો. પછી ગાય એની જગાએથી નહીં હલે.’
ઘરે જઈ રઘુએ પહેલાં તો ગાયને ગળે દોરડું નાખતો હોય, પછી બેસીને ખીલે દોરડું બાંધતો હોય એવો અભિનય કર્યાે. સવારે ઊઠીને જોયું તો પૂંછડી ઉછાળી માખો ઉડાડતી ગાય તેના સ્થાને જ ઊભી હતી! રોજની જેમ ગાયોને દોહી, દૂધ વેચી, જમી-કરી રઘુએ નવે ગાયોને છોડી અને ગાયો ચરાવવા જવા માંડ્યું. દસમી ગાયને છોડવાપણું હતું નહીં, કારણ કે એને તો દોરડેથી બાંધી જ નહોતી. બધી ગાયો ચાલવા માંડી, પણ દસમી ગાય એના ખીલે જ ઊભી રહી, ટસ કે મસ થઈ જ નહીં. હવે રઘુને સમજાયું. એણે દસમી ગાય પાસે જઈ જાણે એને ખીલેથી છોડતો હોય એવો દેખાવ કર્યાે. તે પછી જ એ દસમી ગાય બીજી ગાયો પાછળ ચાલવા માંડી.
અબુધ પ્રાણી જ નહીં મનુષ્ય પણ ટેવવશ ભરમાય છે. ભ્રમને સત્ય માની વર્તે છે. માણસનું શરીર અને આત્મા જુદા છે, જીવ અને આત્મા એકબીજાથી મુક્ત છે, પણ જીવ અને શરીર સાથે આત્મા બંધાયેલો છે એવો ભ્રમ સેવી તેમને વળગેલી માયા સત્ય છે એમ માની માણસ આત્માને બંધાયેલો માને છે. યોગ્ય ગુરુની સાચી સલાહ અને આચાર થકી આત્માને મુક્ત ગણવાનો છે.
Your Content Goes Here