‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા મેળવે છે. પણ અતિ મમતાના રોગથી પીડાતા લોકો સ્વાર્થના અત્યંત સાંકડા વર્તુળમાં ઘેરાઈ જાય છે અને તે સંકુચિત, અનુદાર અને પક્ષપાતી બની જાય છે. એક ન્યાયાધીશની ઘટના યાદ આવે છે. એણે કેટલાય અપરાધીઓને ફાંસીની સજા આપી હતી. પણ એક દિવસ જ્યારે એનો પોતાનો છોકરો કોઈની હત્યાના અપરાધમાં એની જ કોર્ટમાં હાજર થયો ત્યારે આ ન્યાયાધીશનો સ્વર બદલાઈ ગયો. તેઓ એવી દલીલ કરવા લાગ્યા કે ફાંસીની સજા અમાનવીય છે. માણસને આવી સજા દેવી યોગ્ય નથી એનાથી અપરાધીની સુધરી જવાની આશા મરી જાય છે. ખૂન કરનાર લાગણીના આવેશમાં અને ઉશ્કેરણીથી ખૂન કરી નાખે છે. જ્યારે એની ઉત્તેજના દૂર થઈ જાય છે ત્યારે એને પોતાના કરેલા કુકર્મ માટે દુઃખ થાય છે. એટલે આવી વ્યક્તિને ફાંસીને માચડે ચડાવીને એના પસ્તાવાનો માર્ગ બંધ ન કરી દેવો જોઈએ. હવે આ ન્યાયાધીશની સામે પોતાના છોકરાને બદલે જો બીજો કોઈક હોત તો અચકાયા વગર એણે ફાંસીની સજા આપી દીધી હોત. પણ અહીં પોતાના છોકરા પ્રત્યેની મમતા એના કર્તવ્યપાલનમાં નડતરરૂપ બની ગઈ.

આપણે આ સંસારને ‘પદાર્થનિષ્ઠ’ દૃષ્ટિકોણથી જોઈ શકતા નથી. એ આ મમતાનું કારણ છે. સંસારને અને જગતને જોવાની બે રીત છે, એક છે આત્મલક્ષી અને બીજી છે વસ્તુલક્ષી. પદાર્થને પોતાના કેટલાક વિશેષ ગુણો છે. એ ગુણો એક પદાર્થના સંદર્ભમાં અપરિવર્તનશીલ છે પણ વ્યક્તિભેદને લીધે એનાં મહત્ત્વ અને ઉપાદેયતામાં ભિન્નતા ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે આપણે એક સોનાની લગડી લઈએ. સોનાની દૃષ્ટિએ સોનાના જે ગુણ છે તે પરિવર્તિત થતા નથી. પણ ભિન્નભિન્ન વ્યક્તિ એને અલગ દૃષ્ટિએ જોવાની. કોઈ એમાં હાર જોશે તો કોઈ વળી બંગડી. જેને કાનની કડી જોઈતી હોય તેઓ એ જોવાના. આ રીતે વ્યક્તિભેદને લીધે, સોનાની સાથેના રાગાત્મક સંબંધમાં ભિન્નતા દેખાય છે. જો આપણે આ રાગાત્મક સંબંધ હટાવી લઈએ તો વ્યક્તિ નિરપેક્ષ દૃષ્ટિએ સોનાને જોવા સમર્થ બની શકીએ. પછી એને સોનું સોનું જ દેખાશે. આપણે આ વાતને જરા વધારે સ્પષ્ટ કરીએ.

એક માણસ જરૂર પડતાં સોનાનું ઘરેણું વેચવા દુકાન પર આવે છે. આવી વ્યક્તિ માટે ઘરેણાનું રૂપ સાચંુ હોય છે અને લેનાર દુકાનદાર માટે તો એમાં રહેલું સોનું જ સાચું. એને એના રૂપની જરાય પડી નથી. ઘરેણું હાથમાંથી નીચે પડી જાય તો વેચનાર જલદી એને ઉપાડી લે અને ક્યાંય તૂટ્યું તો નથી ને એ પણ જોઈ લે. પણ દુકાનદાર તો જરાય ચલિત થતો નથી. ઘરેણું તૂટે એની એના પર જરાય અસર નથી. ઘરેણું તૂટેલું હોય કે અખંડિત હોય એને માટે તો બંને સરખું, કારણ કે તેને એમાં સોનું જ દેખાય છે.

મમતાના આ રોગે આપણને એટલા ઘેરી લીધા છે કે એને લીધે આપણું રાષ્ટ્રિય ચારિત્ર્ય પણ ખંડિત થયું છે. મમતાના રોગમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય એ છે કે આપણે પોતાના દૃષ્ટિકોણને વધારે ને વધારે વસ્તુલક્ષી બનાવીએ.

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ મમતાને ‘ચેતનાનો દૃષ્ટિગત ભ્રમ’ કહે છે. તેમણે પોતાના એક મિત્રને આત્મીયજનના મૃત્યુ પ્રસંગે સાંત્વના આપતા પત્રમાં આમ લખ્યું છેઃ ‘આ સમગ્રને જેને આપણે જગત કહીએ છીએ તે દેશ અને કાળમાં બંધાયેલ એક અંશ છે. માનવ પોતાને, પોતાના વિચારોને અને ભાવનાઓને બીજા બધાથી અલગ માનીને અનુભવે છે. આ એની ચેતનાનો એક રીતે દૃષ્ટિગત ભ્રમ છે. આ ભ્રમ આપણા માટે કેદખાના જેવો છે અને એ ભ્રમ આપણી પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ અને ગણ્યાંગાંઠ્યાં નજીકના લોકો પ્રત્યે ચાહનાના કેદખાનામાં પૂરી દે છે. એટલે આપણે આપણા પોતાના સહાનુભૂતિના વર્તુળને એટલું વિસ્તૃત કરવું જોઈએ કે જેનાથી બધાં પ્રાણીઓ અને સમગ્ર પ્રકૃતિ પોતાના સૌંદર્ય સાથે આવીને એમાં સમાઈ જાય. આવી રીતે આપણે આપણી જાતને આ કેદખાનામાંથી મુક્ત કરી શકીએ. જો કે પૂરેપૂરી રીતે કોઈ વ્યક્તિ એને સાધી ન શકે છતાં પણ એને સાધવા માટેનો પ્રયાસ કરવો એ પણ મુક્તિનું એક અંગ છે અને આંતરિક સુરક્ષાનો આધાર છે.’

(વિવેકજ્યોતિ વર્ષ ૪૫, અંક ૧માં બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

Total Views: 663

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.