એપ્રિલ ૧૯૨૬માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની પ્રથમ કોન્ફરન્સ બેલુરમઠમાં સાત દિવસ સુધી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં આ સંસ્થાના હાલના અને ભવિષ્યનાં કાર્ય માટે ઘણા મહત્ત્વના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક સંમેલનની સફળતા અને તેના આયોજન માટે સ્વામી શુદ્ધાનંદની દુરંદેશી તેમજ અનન્ય પ્રતિભાને યશ જાય છે. આ સંમેલનના અહેવાલમાં કહ્યું છે, ‘સ્વામી શુદ્ધાનંદનાં અમૂલ્ય પરિશ્રમ અને અસીમ ઉત્સાહને લીધે જ સંમેલનનો વિચાર સાકાર થઈ શક્યો.’

૧૯૨૭ની ૧૯ ઓગસ્ટે સંઘને એક મોટો આઘાત લાગ્યો અને જાણે કે એની આધારભૂમિકા હચમચી ઊઠી હોય એવું લાગ્યું. આ સંસ્થાના સેક્રેટરી તરીકે જેમણે ૨૮ વર્ષ સુધી સંઘની દુષ્કર જવાબદારીઓ પોતાને ખભે ઉપાડીને સતત કામ કર્યું હતું એવા સ્વામી સારદાનંદજી મહાસમાધીમાં લીન થયા. એમના જવાથી જે ઊણપ સર્જાઈ તે પૂરવી શક્ય ન હતી. એમના કર્મનિષ્ઠ-મદદનિષ્ઠ સ્વામી શુદ્ધાનંદને સર્વાનુમતે સ્વામી સારદાનંદના અનુગામી રૂપે નિયુક્ત કર્યા. ૧૯૩૪ સુધી તેઓએ પોતાના આ જવાબદારી ભર્યા સ્થાનને સંભાળ્યું. અલબત્ત માર્ચ ૧૯૩૦-૩૧ સુધી પોતાની માંદગીને કારણે આરામ લેવાની ફરજ પડતાં એમણે આ પદભાર સંભાળ્યો ન હતો. આ સમય દરમિયાન એમની જગ્યા સ્વામી વિરજાનંદે સંભાળી.

સંઘના ઈતિહાસમાં એક કુશળ વહીવટકાર તરીકે સ્વામી શુદ્ધાનંદનો કાર્યકાળ એક સ્મરણીય પ્રકરણ બની ગયો છે. આ સમય દરમિયાન મિશનને અનેક મૂંઝવતી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એમણે પોતાની આગવી નેતૃત્વની સ્વાભાવિક અભિરુચિ અને વ્યવસ્થાપનની ક્ષમતા દ્વારા આ બધી સમસ્યાઓનો ઉકેલ તેઓ લાવી શક્યા. એમાંય વિશેષ કરીને ૧૯૨૯ની નાણાંકીય બાબત કે જેણે એક અણધારી આપત્તિ લાવી દીધી. આ આપત્તિને સ્વામી શુદ્ધાનંદે પોતાના નિર્મળ અને સ્વચ્છ વ્યક્તિત્વથી, શાણપણ અને કાર્યનિષ્ઠાથી સુવ્યવસ્થિત રીતે ઉકેલીને એમણે રામકૃષ્ણ મિશનના ગૌરવને પુનઃસ્થાપિત કર્યું.

આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાભાવના એમના વ્યક્તિગત જીવનની કરોડરજ્જુ બની રહ્યાં. સંસ્થાકીય કાર્યોના ભારે બોજ હેઠળ પણ તેઓ હમેશાં અભ્યાસ અને આધ્યાત્મિક સાધના માટે સમય કાઢી લેતા. આ ઉપરાંત બીજી અનેક ફરજો હોવા છતાં સવારે ને સાંજે એક-એક કલાક સંન્યાસી બંધુઓ માટે શાસ્ત્ર ગ્રંથોના વર્ગાે માટે સમય ફાળવતા. ભગવદ્ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર વિશેના શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીના જીવનના અનુસંધાને આપેલાં એમનાં મંતવ્યો સાંભળવાનું જેમને જેમને સદ્ભાગ્ય સાંપડ્યું હતું તેઓ તેમાંથી તરોતાજા આધ્યાત્મિક પ્રેરણા મેળવતા. દરેકે દરેક સંન્યાસીએ શાસ્ત્રના અભ્યાસ, આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાભાવના પ્રત્યે એકસરખું ધ્યાન રાખવું જોઈએ એમ તેઓ ઈચ્છતા હતા. સંન્યાસીઓમાં ઉપનિષદ પ્રત્યેનો ભાવ સંવૃદ્ધ થાય એ માટે એમણે બૃહદારણ્યકમાં આવતા યાજ્ઞવલ્ક્યના એક પ્રસંગનું સરળ સંસ્કૃતમાં એક નાટક લખ્યું, અને અનેક પ્રસંગે મઠમાં સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ એ નાટક ભજવે એ માટે પ્રોત્સાહન પણ આપ્યું. સ્વામી શુદ્ધાનંદના પ્રયત્નો અને ઉત્કટતાને કારણે જેના દ્વારા સંન્યાસીઓને શાસ્ત્રગ્રંથો શીખવી શકાય એ હેતુથી સ્વામી પ્રેમાનંદજીએ બેલુડમઠમાં એક અભ્યાસ વર્તુળની સ્થાપના કરી હતી.

જો કે સ્વામી શુદ્ધાનંદ સંઘમાં ઘણો મહત્ત્વનો અને મોભાનો દરજ્જો ધરાવતા હતા છતાં પણ એમનાથી નાના અને નવા સંન્યાસીઓ સાથે મુક્ત મને હળતા મળતા. એમનાં વિનમ્રતા અને સહજ સરળ સાદગીએ એમના વ્યક્તિત્વમાં એક અનન્ય માધુર્ય લાવી દીધું. તેઓ નવા બ્રહ્મચારીઓ સાથેે પોતાના એક મિત્રની જેમ કે સ્વજનની જેમ વર્તતા અને ‘ચાલો, ભાઈઓ આપણે થોડી ચર્ચા કરીએ’એ શબ્દોથી સંબોધતા. ‘ચર્ચા’એ શબ્દ એમણે સ્વામીજી પાસેથી મેળવ્યો હતો. સ્વામીજી આ શબ્દ આધ્યાત્મિક બાબતો વિશેની પરિચર્ચાના અર્થમાં વાપરતા. સ્વામી શુદ્ધાનંદ યુવાન સંન્યાસીઓ સાથે આવી ચર્ચામાં કલાકો વીતાવી દેતા. જેમને જેમને એમની આવી ચર્ચાઓમાં જોડાવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન આ મહાન સંન્યાસીની બાળક જેવી સરળ અને મધુર પ્રકૃતિને યાદ કરતા. આવા કેટલાક સંન્યાસીઓનાં સંસ્મરણોમાંથી મળતી હકીકતથી આ વસ્તુ સમજવી આપણા માટે સરળ બની જશે. એક વરિષ્ઠ સંન્યાસીએ પોતાના એક પત્રમાં એ વાતનો આ રીતે ઉલ્લેખ કર્યાે છેઃ

‘સંન્યાસી હોય, ભક્ત હોય કે ગૃહસ્થ હોય- જે સ્વામી શુદ્ધાનંદજીના પ્રેરક, સહજ-સરળ અને નિર્મળ, પવિત્ર, અને સ્વામીજીના જીવનના પ્રતિબિંબ સમા વ્યક્તિત્વના સંપર્કમાં આવવા સદ્ભાગી બન્યા હોય અને એમને ત્યાગભાવના ન મળી હોય, એવી હું કોઈ વ્યક્તિને જાણતો નથી.

તેઓ ગમે ત્યાં હોય પણ હમેશાં વૃદ્ધો અને યુવાનો બંને માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. આપણા શાસ્ત્રગ્રંથોને શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીના ઉપદેશના અનુસંધાને આટલી સરળ અને પ્રવાહી રીતે સમજાવવાનું સામર્થ્ય ધરાવનાર બીજા કોઈને મેં જોયો નથી. વરિષ્ઠ સંન્યાસીઓ પણ એમને પોતાના માટે ‘સંદર્ભગ્રંથ’ માનતા. તેઓ વિધિવિધાન પૂર્વકની સેવાપૂજાને વરેલા હતા, પણ એમની પૂજામાં ક્યાંય દંભ ન હતો. એમાં પૂર્ણ ભક્તિભાવનો મુખ્ય આધાર રહેતો.

મઠમાં તેઓ મારા (સ્વામી અબ્જજાનંદ) આકર્ષણ, પ્રેમ અને ભક્તિભાવનાનું પાત્ર હતા. જ્યારે જ્યારે હું એમને મળતો ત્યારે ત્યારે તેઓ મને એના પવિત્ર સંગાથે થોડો સમય ગાળવાનું કહેતા. આ સિવાય સંઘમાંની મારી મુલાકાત વ્યર્થ લાગતી. જેઓ એમના સંપર્કમાં આવતા તેમને આવી જ લાગણી થતી. એમનું પોતાનું વ્યક્તિત્વ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીના આદર્શાેનું પ્રગટીકરણ સિવાય બીજું કંઈ ન હતું. એમણે પોતાનું અંગત વ્યક્તિત્વ સ્વામીજીએ સર્જેલ સંઘમાં ઓગાળી દીધું. અને આ બધું એમણે પોતાનાં કાર્યો અને ઉદાહરણરૂપ ગણી શકાય એવું જીવન જીવીને કર્યું. એમના માટે હું આવું અનુભવું છું. મારી એમના માટેની લાગણીઓને શબ્દમાં વર્ણવવી મુશ્કેલ છે, એ તો માત્ર અનુભવી શકાય છે… મારા માટે તો તેઓ એક આદર્શરૂપ હતા.’ (ક્રમશઃ)

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram