સ્વામી વિવેકાનંદે લખ્યુંઃ

‘‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા ન હતા કે ભૂખ્યે પેટે ધર્મ આચરી શકાય નહિ? પેલા દરિદ્ર લોકો પશુ જેવું જીવન જીવી રહ્યા છે એનુું કારણ કેવળ અજ્ઞાન છે. આપણે યુગોથી તેમનું શોષણ કરતા આવ્યા છીએ અને તેઓને પગ તળે કચડતા આવ્યા છીએ.’’ રોગ તો પારખ્યો, પણ ઔષધ ક્યાં? સ્વામીજીને ઔષધ સૂઝયુંઃ

‘‘ભારતવર્ષે ત્યાગ અને સેવાનો બેવડો આદર્શ અપનાવવો જોઈએ. આ અધઃપતન માટે જવાબદાર આપણે જ છીએ, ધર્મ નથી.’’

દેશભક્તિના માપદંડ તરીકે ગણી શકાય એવા ઉદ્ગાર કાઢતાં એમણે કહેલું, ‘‘દેશભક્ત થવાનું પહેલું પગલું એ છે કે ભૂખે મરતા લાખો દેશબંધુઓ માટે લાગણી ધરાવવી.’’ એ માટે યુવાનોને એમણે અનુરોધ કર્યાે કે ‘‘કોઈને માટે ખાસ હક્કની વાત કરવી નહીં. સૌને સમાન તક આપવી. યુવાનોએ સમાજના ઉદ્ધારનો, સમાજની સમાનતાનો સંદેશ આપવો જોઈએ.’’ ભારતવર્ષના તત્કાલીન પ્રશ્નોનો એમણે સર્વગ્રાહી અભ્યાસ કર્યાે હતો. એમને લાગ્યું હતું કે ‘‘આપણે એક રાષ્ટ્ર તરીકે આપણું વ્યક્તિત્વ ખોઈ બેઠા છીએ. ભારતવર્ષની દુર્દશાનું કારણ એ જ છે. આપણે રાષ્ટ્રને એનું લુપ્ત થયેલું વ્યક્તિત્વ પાછું આપવાનું છે અને જનતાનો ઉદ્ધાર કરવાનો છે.’’

સ્વામી વિવેકાનંદ સમગ્ર જગતમાં ફરીને એ જોઈ શક્યા હતા કે નવી માનવતા કેટલી ઉજ્જ્વળ અને બળવાન છે. તેની સરખામણીમાં ભારતના લોકો નિરાશામય, દુર્બળ અને બીમાર લાગ્યા. તેથી તેઓએ શારીરિક ઉન્નતિ, સાહસ, સેવા અને કર્મની મહત્તા ભારતના લોકોને બતાવી. ભારતવર્ષને તેઓ ગુફાબદ્ધ સંન્યાસીઓનો દેશ બનાવવા નહોતા માગતા. સ્વામીજી વારંવાર કહેતા કે ભારતનું કલ્યાણ શક્તિની સાધનામાં છે. વ્યક્તિ-વ્યક્તિમાં જે શક્તિ છુપાયેલી પડી છે તે બહાર લાવવાની જરૂર છે. લોકોમાં વીરતા, નિર્ભયતા અને બલિદાનની ભાવના જાગૃત કરવા તરફ સ્વામીજીએ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ માટે દેશવિદેશમાં વ્યાપક પ્રવાસ કર્યા. યુરોપ-અમેરિકાનો પ્રવાસ કરી હિંદુધર્મનું હાર્દ પશ્ચિમની પ્રજાને સમજાવ્યું અને વેદાન્તનું સર્વગ્રાહ્ય અર્થઘટન કરી ધર્મની વ્યાપક દૃષ્ટિનો ખ્યાલ આપ્યો.

ભારતીય સમાજવાદનો યુગ સ્વામી વિવેકાનંદના સમયથી શરૂ થાય છે. તેમણે પશ્ચિમના ભૌતિક સમાજવાદનો અભ્યાસ કર્યાે અને ભારતમાં આવી એ સમાજવાદને આધ્યાત્મિક ઓપ આપી ભારતીય સમાજવાદનું ઘડતર કર્યું. તેઓ પ્રથમ એવા સાધુ હતા કે જેમણે પોકારી-પોકારીને કહ્યું કે ઘોર તમસમાં પડેલી પ્રજાનો પ્રથમ રાજકીય અને આર્થિક ઉદ્ધાર કરો તો જ પછી સત્ત્વમાં લઈ જઈ શકશો. એટલા માટે જ તેમણે આમજનતા પ્રત્યે ફક્ત કુમળું હૃદય ન રાખ્યું પરંતુ તેના અધિકારની વાત પણ કહી. સાથોસાથ એમણે એ પણ બતાવ્યું કે ફક્ત ભૌતિક સુખોથી સાચો સમાજવાદ નહીં આવે. ભૌતિક સંપત્તિની સમાન વહેંચણીની સાથોસાથ આધ્યાત્મિક મૂલ્યાંકનોનો પણ જનસમાજમાં પ્રચાર કરવો પડશે. સ્વામીજી આ રીતે આર્ષદ્રષ્ટા હતા. તેમણે જોયું કે માત્ર સાધનસંપત્તિ વધે તે પૂરતું નથી. ફક્ત ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરીને યુરોપની પ્રજાને જે વિરાટ પ્રશ્નો સહન કરવા પડ્યા છે તે ભારતીય પ્રજાને સહન ન કરવા પડે તે માટે તેમણે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ બતાવ્યો. આમ, યુરોપના ભૌતિકવાદ અને પૂર્વના અધ્યાત્મવાદનો સુભગ સમન્વય સ્થાપનાર તેઓ બની ગયા.

તેમણે એ પણ જોયું કે આધ્યાત્મિક ક્ષેત્રની ઇજારાશાહી પણ તોડવી પડશે. તેઓએ આ માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. રામકૃષ્ણ મિશનનું ધ્યેય માત્ર ભારતને નહીં, પરંતુ સમગ્ર મનુષ્યજાતિના કલ્યાણને આવરી લે છે, જેમાં મનુષ્યની ભૌતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિનો સમન્વય થઈ શકે એવું સત્ય પ્રબોધવાનો એમણે આદર્શ રાખ્યો. રામકૃષ્ણ મિશન એ ભારતીય સંસ્કૃતિનું આધ્યાત્મિક સંદેશ ફેલાવવાનું કેન્દ્ર બની ગયું છે. ભારતીય સાધુપ્રથાને નવા સ્વરૂપે સેવાકાર્ય માટે પ્રયોજી સ્વામીજીએ સાધુપ્રથાને સમાજના શ્રેય માટે પુનઃજીવિત કરી છે. તેઓ આધ્યાત્મિક ઉન્નતિ અને જનસેવાના સમીકરણ દ્વારા ભારતનું પુનરુત્થાન કરવા માગતા હતા. સમગ્ર ભારતનું પરિભ્રમણ કરી જ્યારે કન્યાકુમારીના એ ખડક પર બેસી ધ્યાન કર્યું ત્યારે એકાએક એમને પ્રકાશ થયો કે ફક્ત પરિભ્રમણ કરી આધ્યાત્મિક ઉન્નતિ સાધવી એ તો અંગત સ્વાર્થ થયો. ભારતના કરોડો દરિદ્રનારાયણો માટે સાધુએ સેવા આપવી પડશે. કરુણામય પ્રભુનું સાચું દર્શન તેમણે આ દરિદ્રનારાયણમાં કર્યું અને પછીના તેમના કાર્યનો ઇતિહાસ તો જાણીતો છે. સાધુસમાજરૂપી ગ્રંથનો પૂર્વાર્ધ આપણે આદિ શંકરાચાર્યને ગણીએ, તો ઉત્તરાર્ધ સ્વામી વિવેકાનંદ છે.

ધર્મમાં ઇતિહાસ-દૃષ્ટિનું આકલન કરનાર આવા વિશાળહૃદયી ધર્માેપદેશકો જગતે કેટલા જોયા છે? સંન્યસ્તના ભગવા રંગ પર પણ તેજસ્વી અને ઉદાર રાષ્ટ્રીયતાનો રંગ શોભી શકે છે, એ સત્યની સ્વામીજીએ જગતને પ્રતીતિ કરાવી છે.

ભગિની નિવેદિતાએ એમના એ જીવંત ભારતપ્રેમને ભવ્ય અંજલિ આપતાં લખ્યું છેઃ ‘‘Throughout these years in which I saw him almost daily, the thought of India was to him like the air he breathed.’’

‘‘હું એમને દરરોજ મળતી. એ વર્ષાે દરમિયાન ભારતનો વિચાર એમના માટે શ્વાસોચ્છ્વાસ સમો થઈ પડ્યો હતો.’’

આવા રાષ્ટ્રપ્રેમી સંન્યાસીનું ધર્મનું અર્થઘટન પણ એટલું જ ઉદાર અને વિશાળ હતું.

પશ્ચિમમાં મહાસંમેલનને સંબોધતાં સ્વામીજીએ કહ્યું, ‘‘અમે હિન્દુઓ ધર્મસહિષ્ણુ છીએ, એટલું જ નહીં, અમે દરેક ધર્મ સાથે જોડાઈએ છીએ. મુસલમાનની મસ્જિદમાં અમે નમાજ પઢીએ છીએ, જરથોસ્તીઓની અગિયારીમાં અમે અગ્નિની ઉપાસના કરીએ છીએ અને ખ્રિસ્તીઓના ક્રાૅસ સમક્ષ ઘૂંટણે પડીએ છીએ. અમે જાણીએ છીએ કે હલકામાં હલકા પ્રકારની ભૂતપ્રેતાદિની પૂજાથી માંડીને સર્વાેચ્ચ અદ્વૈતવાદ સુધીના તમામ ધર્માે એકસરખી રીતે માનવ-આત્માના અનંતને સમજવાના અને સાક્ષાત્કાર કરવાના પ્રયાસો-માત્ર છે. તેથી આ તમામ ધર્માેરૂપી પુષ્પોનો સંગ્રહ કરીને તેમને પ્રેમસૂત્રથી ગૂંથી, ઉપાસનાનો સુંદર ગજરો બનાવીએ.’’ આ વાક્યો ઉચ્ચારનારને મન કોઈ પરદેશી કે પરાયું ન હતું. એને માટે માત્ર માનવતા અને સત્યનું જ અસ્તિત્વ હતું.

Total Views: 205
By Published On: August 1, 2012Categories: Gulababhai Jani0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram