સ્વામી તુરિયાનંદ દ્વારા કથિતઃ
* એક વખત અમેરિકામાં સ્વામીજી આત્માના અજરત્વ અને અમરત્વ વિશે ઉપદેશ આપતા હતા, ‘હું આત્મા છું, મારો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. મને ભય શાનો?’ કેટલાક ગોવાળિયાઓએ સ્વામીજીની પરીક્ષા કરવા એમને સંબોધન કરવા આમંત્રણ આપ્યું. જ્યારે સ્વામીજી પોતાનું ભાષણ આપતા હતા ત્યારે એ લોકોએ સ્વામીજીના મોં અને કાન પાસેથી પસાર થાય એ રીતે આડેધડ ગોળીઓ છોડવાનું શરૂ કર્યું. આમ છતાંપણ સ્વામીજી નિર્ભીક અને અચલ રહ્યા. એમના ભાષણમાં ક્યાંય અડચણ ન આવી. એ જોઈને એ યુવાનો આશ્ચર્યચકિત થયા અને એમની પાસે દોડી આવ્યા. તેમણે કહ્યું, ‘આ છે આપણા હીરો-વીરનાયક’.
* એક દિવસની મેરઠની એક ઘટના હમેશાંના માટે મારા હૃદયમાં અંકિત થઈ ગઈ છે. એ દિવસે સ્વામીજીએ પુલાવ વગેરે બનાવ્યાં. એ બધું એટલું તો સ્વાદિષ્ટ બન્યું હતું કે હું એની શી વાત કરું! અમે ઘણાં વખાણ કર્યાં અને એમણે અમને બધું જ ખવડાવી દીધું. પોતે કંઈ ચાખ્યુંય નહીં. અમે જમવા માટે કહ્યું તો એમણે કહ્યું, ‘મેં આવું બધું ઘણું ખાધું છે; તમને ખવડાવવાથી મને ઘણો આનંદ થાય છે. તમે જ બધું ખાઈ જાઓ.’ આમ તો આ ઘટના સામાન્ય લાગે, પરંતુ હમેશાંના માટે એ ઘટના મારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. કેટલી બધી કાળજી, કેવો પ્રેમ! કેટકેટલી વાતો, કેટકેટલું સહભ્રમણ! આ બધું સ્મૃતિપટ પર ઉજ્જ્વળ બનીને તરી આવે છે.
* સ્વામીજી કહેતા, ‘૩૯ વર્ષ સુધીમાં જ મેં બધું પૂરું કરી લીધું છે.’ અને આપણે આજે શું કરીએ છીએ? આપણે કહીએ છીએ- ઘરડા થઈ ગયા છીએ, ડાયાબીટીસ થયો છે, નોન્સેન્સ (કેવી મૂર્ખામીભરી વાત), કારણ વિનાનાં બહાનાં. સ્વામીજી પોતાના જીવનના અંતિમ દિવસ સુધી કામ કરતા રહ્યા. છેલ્લી બીમારી વખતે જોયું તો છાતી પર ઓશીકું રાખીને હાંફે છે, પણ સાથે ને સાથે મોટેથી બોલે છેઃ ‘ઊઠો, જાગો, કરો છો શું?’ સ્વામીજી કહેતા, ‘મનને તો સાવ કાદવ-ગારા જેવું કરી નાખવું જોઈએ.’ કાદવ કે ગારાને જ્યાં અને જેવી રીતે લગાવીએ એ ત્યાં જ તેવી રીતે લાગી જાય છે. મનને પણ જે વિષય-કાર્યમાં લગાડો તે વિષય-કાર્યમાં લાગી રહે.
* સ્વામીજી જ્યારે બીજી વખત વિદેશમાં ગયા ત્યારે કાલી મહારાજે કહ્યું, ‘આ તારી જગ્યા છે. તું એ પાછી લઈ લે’ આવી રીતે એક વખત કહ્યું, બીજી વખત કહ્યું પણ સ્વામીજીએ એ વાત સાંભળી જ નહીં. કાલી મહારાજે ફરી એ વાત દોહરાવી. એટલે સ્વામીજીએ કહ્યું, ‘તને એ આપી દીધી છે. મારા માટે તો આખી દુનિયા પડી છે.’
* સ્વામીજીનો કેવો અદ્ભુત ત્યાગ! બધું ગુરુભાઈઓને આપી દીધું, પોતાના શિષ્યોને નહીં. પ્રથમવારના ટ્રસ્ટીઓમાં બધા જ ગુરુભાઈ! એક પણ (એમનો) સંન્યાસી શિષ્ય નહીં. મને એક વખત લખ્યું હતું, ‘તમને બધું જ સોંપીને-આપીને હું નિશ્ચિંત થયો છું.’
* પોતાના દેહત્યાગ પહેલાં થોડા દિવસો અગાઉ સ્વામીજીએ અમને કહ્યું, ‘અરે, એ છોકરીને જોઈ શકતો નથી. મારી બેટી, એણે મારો હાથ છોડી દીધો.’ ત્યારે મેં એમને કહ્યું, ‘આ શું સ્વામીજી, એવું ક્યારેય થઈ શકે ખરું? મા હમેશાં તમારો હાથ પકડીને રહી છે.’ એ દિવસથી મને સમજાયું કે સ્વામીજીના દેહ દ્વારા શ્રીમાનું જે કાર્ય થવાનું હતું એ પૂરું થયું છે.
સ્વામી અખંડાનંદ દ્વારા કથિતઃ
* એક દિવસ બેલુડમઠમાં રાત બાકી હતી ત્યાં જ હું જાગી ગયો. ઊઠીને સ્વામીજીને જોવાની ઇચ્છા થઈ. સ્વામીજીના ઓરડા પાસે જઈને ધીમેથી બારણું ખખડાવું છું, મનમાં એવું વિચાર્યું હતું કે સ્વામીજી સૂઈ ગયા છે અને જો જવાબ ન મળે તો એમને જગાડવા નથી. પરંતુ સ્વામીજી તો જાગતા જ હતા. થોડુંક ખખડાવ્યું ત્યાં તો પ્રત્યુત્તર સાંપડ્યો અને એ પણ ગાનના સ્વરમાં,
Knocking knocking who is there?
Waiting waiting, oh brother dear!
બારણું ખખડે છે, ખખડે છે, કોણ છે બારણે?
વ્હાલા, થોડી રાહ જો, થોડી વાર થંભી જા!
(ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના)
* સ્વામીજી વિશે તો શું કહું? એમની સામે તો હું સાવ આવડોક! (સાવ નાનો). મઠમાં એવો દિવસ પણ પસાર થયો છે કે જ્યારે ચર્ચા-ચિંતન કરતાં કરતાં રાતના બે વાગી ગયા હોય. સ્વામીજી પથારીમાં તો સૂતા જ નહીં, ખુરશી પર બેઠાંબેઠાં જ રાત વિતાવી દીધી. અમારા બધાથી વહેલા ઊઠીને પ્રાતઃકર્મ પૂરું કરીને, ઝભ્ભો પહેરીને ગંગા કિનારે પૂર્વ દિશાની ઓશરીમાં ટહેલે છે. હું હમેશાં પરોઢે ઊઠું છું, વહેલી પરોઢે ઊઠીને જોઉં છું તો સ્વામીજી આવી જ રીતે ટહેલે છે.
સ્વામીજીનાં માતાને મોંએથી પણ સાંભળ્યું છે કે નાના હતા ત્યારે અને મોટા થઈને પણ (શ્રી ઠાકુરની પાસે આવતાં પહેલાં) મોડે સુધી ક્યારેય સૂતા નહીં. ખૂબ વહેલી પરોઢે ઊઠતા.
* બીજા એક દિવસની વાત છે. ત્યારે મઠ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં હતો. એક દિવસ રાતના બે વાગ્યા સુધી વેદવેદાંતની ચર્ચા ચાલી; પુનર્જન્મ છે કે નહીં, માનવ આત્માની અધોગતિ થાય કે નહીં વગેરે. સ્વામીજી તર્ક લડાવીને મધ્યસ્થી બનીને શાંતિથી હસે છે અને જે પક્ષ નબળો પડી જાય એને નવી યુક્તિ આપીને ઉત્તેજે છે. બે વાગ્યા પછી આ વાદવિવાદ અટકાવી દીધો. ત્યાર પછી ઊંઘી ગયા. હજુ ચાર વાગ્યા ન વાગ્યા ત્યાં જ સ્વામીજીએ મને ઉઠાડ્યો. પહેલેથી જ બધું (પ્રાતઃકર્મ) પતાવીને તેઓ ટહેલે છે. મને કહ્યું, ‘ડંકો વગાડ ને બધા ઊઠે, હું મોડે સુધી સૂઈ રહેનારને જોઈ શકતો નહીં.’ આમ છતાં પણ મેં એકવાર કહી જોયું, ‘હમણાં જ બે વાગે બધા સૂતા છે, ભલે ને થોડો વધુ આરામ કરે.’ (એ સાંભળીને) સ્વામીજીએ કઠોર સ્વરે કહ્યું, ‘શું? બે વાગે સૂતા છે એટલે છ વાગે ઊઠવું પડે, એમ! મને ઘંટ આપ, હું જ વગાડું છું, મારી હયાતીમાં જ આવું! સૂવા માટે આ મઠ થયો છે કે શું?’ એટલે મેં ખૂબ જોરથી ઘંટ વગાડ્યો. બધા ભડકી ગયા અને ઊઠીને મોટેથી બોલવા માંડ્યા, ‘આ કોણ છે? કોણ છે?’ એ બધા તો મને મારી જ નાખત, પણ એમણે જોયું કે મારી પાછળ ઊભા ઊભા સ્વામીજી હસે છે. એટલે બધા ઊઠી ગયા.
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્રહ્મ.બોધિ ચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. – સં.
Your Content Goes Here