ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ વિમાનમાં ચડી જાવા હૈયે હૈયું દળાઈ એવા સત્પુરૂષો રાહ જોઈને ઊભા છે, ત્યારે મે’તો નરસી ઉંહકારે જઈને ના પાડે અને કહેઃ
મારું વનરાવન છે રૂડું રે વૈંકુંઠ નહીં રે આવું…
મધ્યકાલીન ભક્તિ સાહિત્યના આકાશનો તેજસ્વી તારો, જેની સુરતાના તાર કૃષ્ણ સંગીતના સૂરે સા… મેળવતા રહ્યા. નાગરી નાતના બહુશ્રુત વિદ્વાન, સાક્ષાત્કારની અનુભૂતિ અંકે કરીને ભાવજગતમાં વિહરતા નરસિંહ મહેતાની માંડીને વાત કરું તો વર્ષાે લાગે, મે’તો તો સૌરાષ્ટ્રની કૃષ્ણભક્તિના માંડવાનો માણેકથંભ, એને અડીને આગળ પગલું મંડાય.
કહેવતો, ઘંટીગીતો, રાસ, દુહા, છંદ, રાસડા, ભજનો, કૃષ્ણ ક્યાં નથી? લોકજીવને એને લાડ લડાવ્યા, કામ ચિંધ્યા, ગાયો ભળાવી, ઉપાલંભ આપ્યા, રાવ કરી, આવભગત કરી અરે! પંડ્યનું માણસ હોય એમ એને વઢવાનુંયે કીધું પરંતુ એ વઢવામાં કાળજે કરવત મૂકાઈ જાય એવી કાકલૂદી ભળી ગઈ, સંસ્કૃત સાહિત્યની વિરહી, ઉપભોક્તા નાયિકાની દારૂણ કરૂણા કંડારાઈ ગઈ.
વા’લાની મરજીમાં રેશું, માંગે ઈ લાવી દેશું
કૂબ્જાને પટરાણી કે’શું… મારા વાલાનેે વઢીને કહેજો…
માને તો મનાવી લેજો.. મારા વાલાને…
હે કૃષ્ણ! ભલા માણહ એમ મથુરાના રાજા થાવ એટલે ગોબરા, ગમાર ગોવાળને ભૂલી જાવાના? એ કઠોર! અક્રૂર જે’દી રથ લઈને વૃૃંદાવનમાંથી ગયા તે’દિની જશોદાની આંખો એ ચીલે ચોંટી ગઈ છે. પ્રાણ વગરનું ખોળિયું ભાષા ખોઈ બેઠું છે, ગાયોના હાડ ગળી ગયા છે… અમે તો ઠીક પણ
એક વાર ગોકુળ આવો
માતાજીને મોઢે થાવો
ગાયુંને સંભાળી જાઓ… મારા વાલાને વઢીને કે’જો
ભજન કે રચના જો શબ્દશઃ વાંચી જઈએ તો પત્યું. જો રૂઢ પ્રયોગોની જાણકારી હોય તો રચનાની ઊંડાઈ પામી શકાય. સૌરાષ્ટ્રમાં ‘મોઢે થાવંુ’ બોલાય છે. અહીં વૃંદાવનમાં કોઈ મૃત્યું નથી થયું. પણ એક માની મમતા મરી ગઈ છે. એનો ખરખરો છે.
માતાજીને મોઢે થાવો…
ભગા ચારણ નામના ભક્તની આ રચના એક બળકટ ભાવદૃશ્યોમાં ઝબોળાયેલ સંઘેડા ઉતાર સૌરાષ્ટ્રીયન સુક્ત. ભગા ચારણ વિષે બહુ લખાયું નથી, તેમજ એમની અન્ય કૃતિઓની ભાળ મેળવવી બાકી છે. આ એક રચના રચીને ભગા ચારણ આપણા પોતીકા બની ગયા.
એવું જ બીજું નામ પાલરવનું. આ પાલરવભા પાલિયાએ શામળાને સંબોધીને દુહાઓ લખ્યા. આ જગતમાં માણસ જન્મે, ત્રિવિધના તાપથી શેકાતો, કુટુંબ વહેવારના બે છેડા માંડ ભેગા કરતો, અથડાતો, કૂટાતો જીવ કોને રાવ કરે? સંઘર્ષમય જીવન અને આકાશી આવક, ભગવાનના ઘરના ન સમજી શકાય એવા વ્યવહારથી કંટાળીને આ ચારણ કવિએ કહ્યુંઃ
ધિંગાને દીધાં ધાન, રાંકાથી રૂઠ્યો ફરસ
તારી પાંહે નહીં પરધાન, તને કોણ સમજાવે શામળા!
(જ્યાં સંપત્તિ છે ત્યાં જરૂરત કરતાં પણ વધારે ધન આપ્યું છે. સાચી જરૂરીયાતવાળાથી રિસાઈને મોઢું ફેરવ્યું છે, તારે ત્યાં વ્યવસ્થા કરનાર પ્રધાન કે મંત્રી નથી, હોત તો આવું અંધેર ન હોત.)
જીવનની ગાંસડીને દિવસ અને રાતરૂપી ચોર અવિરત લૂંટતા રહે. આ અજંપો જીવને કોરી ખાતો હોય. પરસેવો પાડતાંય પરિણામ મળતું ન હોય ત્યારે થાકીને પાલરવભા કહે છે કેઃ
ખીલો ખોદતાં ખાણ, હોય ઝવેરાત હેમની
નિરાંતે નારા’ણ, સુખે ભજીશું શામળા.
આમ તો ઐહિક સુખોથી આઘે રહેવાનું સંતો કહેતા હોય છે. પણ માણસને રહેવા માટે કંઈક તો અવલંબન જોઈએ. બીજી આળપંપાળ ઓછી હોય તો નિરાંતે નારાયણનું નામ લઈ શકાય.
અને કાયારૂપી આ સંચાની વાત પાલરવભા કંઈક આમ કહે છેઃ
બે ત્રણ વીસું બરડવા, સો બસો સાંધા
માઈ પોલ માધા, કેમ સંતાણો શામળા…
(દેહરૂપી માળખામાં, હાડકાનાં સાઈઠેક જોડાણ, વિવિધ નાડીઓના સેંકડો સાંધા અને આમ જુઓ તો પાંસળીઓના પોલાણમાં સંતાવું અઘરું છે. છતાં પણ ચૈતન્ય શક્તિ એમાં કાર્યરત છે. હે માધવ આથી મોટી અચરજ શું હોય?)
આધ્યાત્મિક જગત અને જીવાતા જગતને ત્રાજવે તોળાતા આ જીવો, એનો અંતર્દ્વંદ્વ બહાર આવી જાય છે.
શ્રીમદ્ ભાગવતમાં કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું. કારણ કે દુઃખમાં ઈશ્વર વધારે યાદ આવે છે. પરંતુ અહીં હપુનાદે નામની ચારણ કવિયત્રીએ શુષ્ક જીવનને બદલે ભર્યુંભાદર્યું જીવન માંગ્યું.
લોકજીવને જરૂરિયાત કરતાં ઈશ્વર પાસે કંઈ વધુ નથી માગ્યું. જીવન સરળતાથી જીવ્યે જવાય, કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે.
જીવ રખ તો લાજ રખ,
લાજ વિણ જીવ ન રખ.
હે નાથ! અમારો પરિવાર, ભર્યુંભાદર્યું કુટુંબ અને સૌને નરવા રાખજે, ‘સર્વે સુખિનઃ સન્તુ’ એને નથી આવડતું, આકાશની છાતી ચીરીને ઊગતી અષાઢી બીજ પાસે પણ શું માગ્યું?
હે બીજ માવડી! ચૂલે તાવડી
બે બળદ ને એક ગાવડી.
સાત્ત્વિક જીવન જીવવાની પ્રાથમિક જરૂરિયાતો. આવી જ કંઈક આરદાશ પુનાદે નામની ચારણ ભક્ત કવિયત્રીએ તુલસીશ્યામના ઉંબરે કરી. તુલસીશ્યામના મેઘાના નેસમાં જન્મેલી, ઊછરેલી આ ચારણ કન્યાએ મનમાં, જીવનમાં ઠરીઠામ થઈને ગૃહસ્થાશ્રમની મર્યાદાઓ બાંધીને, ઈશ્વરપરાયણ જીવન જીવવા પવિત્ર સંપદા કૃષ્ણ પાસે માગી. કૃષ્ણના પાડોશી બનીને રહેવા એણે ગોમતીજીના કાંઠે ગામડું માગ્યું.
પુનાદેની કૃષ્ણ પાસે આરદાશ
ભણતી સાં કાનડ કાળા, માવા મીઠી મોરલીવાળા
વા’લી વાંહળીયું વાળા… રે… ભણતી સાં..
પાંચસો તો પોઠીયા દે’જે, પાંચ સેય ગુણાળા
લાંબી બાવડીયાળો ચારણ દે’જે,
ગાયુના ગોવાળા રે… ભણતી સાં..
પાંચ તો મને પુતર દે’જે, પાંચેય છોગાળા
જેની ભેઠ ભઝહેળુ ભળે રે, ભમર ભાલાળા
રે… ભણતી સાં..
કાળિયું મને કૂંઢિયું દે’જે, ગાયુના ટોળા
વાંકડે નેણે મને વહુવારુ દે’જે, ઘૂમરડે ગોળા
રે… ભણતી સાં..
સરખી સાહેલીનું બેહણું દે’જે, વાતંુના હિલોળા
ઉગમણે બારે છ ઓરડા દે’જે, છ એ ચુનાળા
રે… ભણતી સાં..
ગોમતી કાંઠે ગામ અમાણું, બરડો મારો દેશ
પુના દે ચારણ્ય એમ ભણે,
વા’લા રાખજે લીલો નેહ
રે… ભણતી સાં..
સૌરાષ્ટ્રની કૃષ્ણભક્તિમાં કલ્પનોના કૂંડાળા કરતાં સાચૂકા જીવનના સાથિયા પૂર્યા છે. જેવું હૈયે હતું એવું હોઠે આવ્યું.
જન્માષ્ટમી પર્વે દ્વારિકાધીશને ચરણે કાલાવાલા..
Your Content Goes Here