અમારા ગામમાં બહારથી આવેલ સાધુ મહાત્મા તેઓ જ્યારે પ્રવચન આપતા, એક વૃદ્ધ નિયમિતરૂપે સૌથી પહેલાં પહોંચી જતા અને બધાંય ચાલ્યાં જાય પછી ઊઠતા. લોકોનાં બૂટચપ્પલ પાસે બેસીને હાથમાં માળા લઈને જપ કરતા ઉંમર ૬૦ થી ઉપરની હશે. પણ શરીરની કાઠી જોઈને એવું અનુમાન થઈ શકતું કે કોઈક સમયે તે વૃદ્ધ ઘણા સુંદર અને બળવાન હોવા જોઈએ. ગોળ ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. આંખોનું તેજ તો એવું ને અવું હતું. તેઓ બાળકોને બહુ ચાહતા અને આખો દિવસ બાળકો એમની આસપાસ વીંટળાઈ રહેતાં. કોઈક એની દાઢી ખેંચે તો કોઈ એમના માથામાં ટપલી પણ મારી દે. આમછતાં એ બાળકોને પ્રેમથી રાખે.

ઘર પત્ની, પુત્રવધૂઓ અને પૌત્રપૌત્રીઓથી ભર્યું પૂર્યું હતું. બે યુવાન છોકરા લશ્કરમાં હતા. ગામની નજીકના ખેતરમાંથી સારી એવી કમાણી થતી હતી. લોકો કહેતા કે એક સમયે મોતીકાકા એક નામી ડાકુ હતા. એમણે સેંકડો લૂંટફાટ કરી હતી. બ્રાહ્મણ કે ગામની બહેનદીકરીઓને લૂંટી ન હતી. બ્રાહ્મણની દીકરીઓને લગ્ન કરવા પોતાના માણસો દ્વારા પૈસા પણ મોકલતા.

શરૂઆતમાં તો અમારાં જેવાં નાનાં બાળકો એનાથી ડરતાં, પણ થોડા સમય પછી એમની સાથે એવા તો હળીમળી ગયા કે ક્યારેક એમને ખંભે ચડી નાચતા પણ ખરા! એ વખતે ડાકુ કોને કહેવાય એનો સ્પષ્ટ ખ્યાલ જ ન હતો. એ કોઈ ખરાબ માણસ હશે એવો ખ્યાલ હતો. કાકાને પૂછતા તો તેઓ ટાળી દેતા. ક્યારેક વળી બે હાથે આંખોને પહોળી કરીને ડરાવતા પણ ખરા. એ વખતે વર્ષાે સુધી પોતાના દેશમાં રહેવા, ગામડામાં આવ્યો હતો. મોતીકાકા ૭૫-૮૦ વર્ષના હતા. હાલીચાલી ન શકતા. હાથપગ કાંપતા હતા. આંખ અને કાન તંદુરસ્ત. બાળપણમાં એમની પાસેથી વાર્તાઓ સાંભળતા ત્યારે અમે કહેતા કે મોટા થઈશું ત્યારે તમારા માટે એક સરસ મજાની શાલ લાવીશું. આ વાત મને યાદ રહી ગઈ હતી, એટલે એમના માટે ધારીવાલની શાલ લાવ્યો હતો.

વાતો કરતી વખતે મેં જોયું તો એમની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં. તેઓ કહેવા લાગ્યા, ‘સાંભળ્યું છે કે તારો મહિનાનો પગાર ૧૦ હજાર રૂપિયા છે. હું એ માટે હંમેશાં ભગવાનને પ્રાર્થના કરતો. એમણે મારી પ્રાર્થના સાંભળી.’ એ દિવસોમાં મોતીકાકાને ગાંધીજીને જોવાની પ્રબળ ઇચ્છા થઈ. અમારી બાજુ રાજસ્થાનનાં ગામડાંમાં- ‘ગાંધીજીએ ભગવાનના સાક્ષાત્ દર્શન થાય છે, જેલના બારણાં એની મેળે ખૂલી જાય છે, ચોર ડાકુ પણ એમની સામે જઈને સાચી વાત કરે તો પાપમાંથી મુક્ત થઈ જાય’ જેવી કેટલીય દંતકથાઓ વહેતી. મોતીકાકાનું શરીર અસ્વસ્થ રહેવા લાગ્યું. હવે એમની ગાંધીજીને જોવાની ઇચ્છા પૂરી નહીં થાય એવું લાગ્યું. એ દરમિયાન હરિદ્વારથી એક મોટા મહાત્મા પોતાના કેટલાક શિષ્યો સાથે આવ્યા. મોતીકાકાએ આગ્રહપૂર્વક એમને આમંત્રણ આપ્યું અને ગામના બીજા પ્રતિષ્ઠિત લોકોને પણ બોલાવ્યા.

ભોજન પહેલાં મોતીકાકાએ સેંકડો લોકોને હાથ જોડીને કહ્યું કે મારો અંતસમય હવે નજીક છે. જીવનમાં મેં કેટલાંય જઘન્ય પાપ કર્યાં છે. મને કાલ રાત્રે સ્વપ્નું આવ્યું કે મહાત્માજી અને ગામડાનાં લોકોની સામે હું પાપનો સ્વીકાર કરું. એનાથી મને શાંતિ મળશે. એમણે પોતાના જીવનની બધી ઘટનાઓ કહી. એ સાંભળીને કોઈ નિર્ણય ન કરી શક્યા કે તેઓ પાપી છે કે ધર્માત્મા.

મોતીકાકાની જીવનકથા આવી હતીઃ

‘હું મારા માબાપનો એકનો એક દીકરો. લગ્ન પછી જાન ઘરે પાછી આવી. હજી સાજશણગાર એમ ને એમ હતા. એવામાં ગામના મહાજને આવી અને પોતાના લેણાનો તકાજો કર્યોં. એ જમાનામાં દેણું ન ચૂકવીએ તો સજા પણ થતી. કેટલાંય સગાંસંબંધીઓની વચ્ચે મારા પિતાને પોલીસ હાથકડી નાખીને લઈ ગયા. એ દિવસ પછી શરમને લીધે મારું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું.

મેં પ્રતિજ્ઞા લીધી કે ગમે તેમ કરીને આ દેણુ ચૂકવીને પિતાને જેલમાંથી છોડાવીશ. પ્રયત્ન તો ઘણા કર્યા પણ કામધંધો કે નોકરી ન મળ્યાં. સંજોગવશાત્ મારે એ વખતના જાણીતા ડાકુ રામસિંહના સાથીઓ સાથે ઓળખાણ થઈ. હું ટોળીમાં ભળી ગયો. હિંમત, સૂઝ, અને શારીરિકબળને કારણે રામસિંહના મર્યા પછી હું એ ટોળીનો મુખી બન્યો. દેણા કરતાં બમણા રૂપિયા લઈને એક રાતે શેઠને ઘેર ગયો. એ વખતે મને એના પ્રત્યે એવો તો તિરસ્કાર જાગ્યો કે દેણાની ચૂકવણી કરીને એની પાવતી મેળવીને ત્યાંથી નીકળતાં પહેલાં એનાં નાકકાન કાપી લેવાં. ત્યારપછી તો મેં કેટલીય લૂંટફાટ કરી. ભગવાન જાણે છે કે મેં ક્યારેય બ્રાહ્મણ કે કોઈ ગામની બેનદીકરીઓને સતાવી નથી. ગરીબ અને નીચલા વર્ગાેને પણ હેરાન નથી કર્યાં.

મને અવાર-નવાર સમાચાર મળતા કે મારાં માબાપને અનેક પ્રકારની યાતનાઓ દેવાતી. એક દિવસ એવું પણ સાંભળવા મળ્યું કે મારી પત્નીને થાણાની જેલમાં પૂરી દીધી અને એની સાથે ઘણાં અમાનુષી વર્તન પણ થયાં હતાં. એક અંધારી રાતે દસબાર સાથીઓ સાથે મેં એ પોલીસથાણા પર હુમલો કર્યાે. આઠદસ સિપાહી અને ઓફિસર માર્યા ગયા. અમારા ત્રણચાર સાથી પણ મર્યા. મારી પત્ની પીડાથી કરાંજતી હતી. એની હાલત જોઈને મને શરમ અને દુઃખ થયાં. નજીકના થાણામાંથી પોલીસની મદદ આવી પહોંચશે એ અંદેશા સાથે અમારે ભાગીને જંગલમાં જતું રહેવું પડ્યું. માબાપ અને પત્નીની દુર્દશાના સમાચારો સાંભળીને હું રાતદિવસ બેચેન રહેતો. આ બાજુ પોલીસની શોધ પણ વધી ગઈ. મને મરેલો કે જીવતો પકડવા માટે સરકારે ૧૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યંુ હતું.

ગામમાં એક બ્રાહ્મણની દીકરીનાં લગ્ન હતાં. પૈસાને કારણે અટકતાં હતાં. એ સમયે મારી પાસે પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. સમય ઓછો હતો. આ ગરીબ બ્રાહ્મણને મદદ કેમ કરવી એના વિચારમાં પડી ગયો. મને સરકારે કરેલી ઘોષણાની વાત યાદ આવી. પણ મારા સાથીઓ એ માટે તૈયાર ન હતા. અંતે હું એકલો એ બ્રાહ્મણ પાસે ગયો અને એને સમજાવ્યો કે મને થાણામાં હાજર કરવાથી રૂપિયા ૧૦ હજાર મળશે. પહેલાં તો એ તૈયાર ન થયો. પરંતુ ખૂબ સમજાવ્યો ત્યારે માંડમાંડ માન્યો.

અનેક અપરાધોને લીધે મને ૧૫ વર્ષની સખત કેદની સજા થઈ. પણ મારી સારી ચાલગતને કારણે મને દસવર્ષમાં છોડી દીધો.

આ બધી વાતોને ૨૫-૩૦ વર્ષ વીતી ગયાં છે. મારા મનમાં મારા એ પાપોની યાદને લીધે દુઃખ અને શરમ આવે છે. કહેવાય છે કે પરમાત્માના ભક્તોની સેવા કરવાથી જઘન્ય પાપ પણ દૂર થાય છે. એટલે જ આવી કથાવાર્તાઓમાં આવનારા લોકોનાં બૂટચપ્પલનું હું ધ્યાન રાખું છું. બહેનદીકરીઓનાં બાળકોને આવી રીતે રમાડું છું.’

મોતીકાકાની વાતો સાંભળીને પેલા મહાત્માજી હર્ષથી ગદ્ગદ્ થઈ ગયા. તેઓ ઊઠીને એમને ભેટી પડ્યા.

Total Views: 658

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.