પ્રાચીન ભારતની સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન જરૂર હતી. અધ્યાત્મ એના કેન્દ્રમાં પણ હતું છતાં વિવિધ વિજ્ઞાનોમાં પણ એણે ગણનાપાત્ર પ્રગતિ કરી હતી. નગરરચના, ગૃહનિર્માણ, અવકાશ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, ગણિત, આયુર્વેદ, સૈનિકશિક્ષણ, ખનિજ-ધાતુ ઉદ્યોગ, પશુરોગ-ચિકિત્સા, પ્રાણીવિદ્યા વગેરે અનેક વિજ્ઞાનક્ષેત્રે જે પ્રગતિ કરી હતી તે દાદ માગી લે તેવી છે. ભારતીય ઋષિઓએ ધર્મને વિજ્ઞાનવિરોધી માન્યો જ નથી. એમને મન વિજ્ઞાન અને ધર્મ બન્ને એક જ જીવનમુદ્રાની બે બાજુઓ જ છે. એક બહારનું સત્ય ખોળે છે અને બીજું ભીતરનું સત્ય ખોળે છે. એક જ વિજ્ઞાનની પરા અને અપરા બન્ને શાખાઓ છે.

‘ઋષિ’ શબ્દનો અર્થ જ ‘જ્ઞાનધારક માનવ’ એવો થાય છે. પછી એ જ્ઞાન કેવા પ્રકારનું-ભીતરનું કે બહારનું છે, એની કોઈ પરવા નથી. (ઋષ્=જાણવું). એટલે વ્યાસ અને વશિષ્ઠ જો આધ્યાત્મિક ઋષિ હતા, તો ધન્વંતરિ, વરાહમિહિર અને ભાસ્ક્ર આયુર્વેદ, અવકાશવિજ્ઞાન અને ગણિતના ઋષિઓ હતા.

આ બન્ને પ્રકારના ઋષિઓના જીવનની પાયાની વાત એ હતી કે એમનું એ જ્ઞાન ધર્મની મર્યાદામાં જ રહીને સમગ્ર માનવજાતિનું ભલું કરવામાં ઉપયોગી નીવડવું જોઈએ, એને ઉપયોગ અન્યથા ન થવો જોઈએ. એક બીજી સૌથી મહત્ત્વની વાત એ હતી કે બાહ્ય જગતના પાયામાં તેમણે ચૈતન્યની તથા માણસના ભીતરના પાયા તરીકે આત્મચૈતન્યની શોધ કરી હતી અને પછી એ બંને ચૈતન્યો (પરમચૈતન્ય અને આત્મચૈતન્ય)ની એકતાની શોધ કરી હતી. આ શોધને લીધે બહાર-ભીતરની ભીંતો એમની ભાંગી ગઈ હતી, બહાર-ભીતરના વિજ્ઞાનનો ભેદ ભૂંસાઈ ગયો હતો.

હવે આપણે પ્રાચીન કાળમાં અને મધ્યયુગમાં વિજ્ઞાનનો વિવિધ ક્ષેત્રોમાં કેટલી અને કેવી પ્રગતિ કરી હતી એની આછી રેખા નિહાળીએ.

વાસ્તુવિદ્યા અને નગર રચનાઃ-

હરપ્પા અને મોહન જો દડોમાં (ઈ.પૂ. ૩૦૦૦) અને પ્રાચીન મંદિરો (ઈ.સ. ૩૨૫) ગુફામંદિરો સાથેનાં દર્શનો તે ગાળામાં થયેલા આ પ્રકારની ઊંચા વિકાસની સાક્ષી પૂરે છે. આ વિષયનું તે સમયે લખાયેલું વિપુલ સાહિત્ય પણ સાંપડે છેઃ માનસાર, મયમત, માનસોલ્લાસ, સનત્કુમાર વાસ્તુશાસ્ત્ર વગેરે ગ્રંથો આ વિષયની સારી રીતે અર્થે છે.

આ વિજ્ઞાન માટે ‘વાસ્તુશિલ્પ’ એવો શબ્દ પહેલાં વપરાતો. આ શબ્દ વધુ વ્યાપક અર્થવાળો હોઈ ગમે તે ગૃહનિર્માણની વિદ્યા માટે વપરાતો હતો. કિલ્લાઓ, સૈનિકોના આવાસો, નગરરચના બધા માટે આ શબ્દ છે. બળેલી ઈંટો, લક્કડકામ, ઘરો-કૂવાઓ, તળાવો, સરોવરો, સ્નાનાગરો, નહેર પદ્ધતિ, બાગબગીચાઓ આ બધુ હડપ્પાના ખોદકામમાંથી મળી આવ્યું છે. એ વિકસિત વાસ્તુશિલ્પની પ્રચીનતાની સાખ પૂરે છે.

ઈ.સ. ૩૦૦ વરસ પહેલાં મેગેસ્થનિત્રે ચન્દ્રગુપ્તના મહેલનું અને અન્ય તત્કાલીન બાંધકામનું વર્ણન આલેખ્યું છે. અશોકના સ્તૂતો અને સ્તંભો, બુદ્ધની વિવિધ મૂર્તિઓ, ગુફાઓની કોતરણીકલાઓ વગેરે મૌર્યયુગનાં શિલ્પો (ઈ.પૂ. ૩૦૦ આશરે) આ બધું પણ તત્કાલીન વાસ્તુવિદ્યાની ખૂબ વિકસિત સ્થિતિનો ખ્યાલ આપી જાય છે.

મકાનો સિવાય કિલ્લાઓ જેવાં સંરક્ષણનાં બાંધકામો વગેરે પણ આર્યરાજાઓની શક્તિ અને પ્રેરણાનાં પ્રદર્શક છે એટલે સદીઓ સુધી આ મંદિરોની સંખ્યા અને એની શિલ્પકલાનો મક્કમ વિકાસ થતો જ રહ્યો. ગુપ્તકાલીન મંદિરો (ઈ. ચોથી થી સાતમી સદી સુધી), ભુવનેશ્વર પુરી અને કોણાર્કનાં ઓરિસાનાં મંદિરો (ઈ. આઠમીથી તેરમી સદી સુધી) ધ્યાનાર્હ છે. દક્ષિણ ભારતમાં પલ્લવ અને અન્ય વંશના રાજાઓએ બંધાવેલાં વિશાળ મંદિરો સાતમીથી દસમી સદી સુધીમાં રચાયેલાં છે. દસમીથી બારમી સદીના કૌલો, ચૌદમીથી સોળમી સદી સુધીના વિજયનગરના રાજાઓ અને સત્તરમી સદીના મદુરાઈના નાયકોએ બંધાવેલા અદ્‌ભુત મહેલો, ભવ્ય ગુફાઓ દર્શનીય છે. છઠ્ઠી સદીમાં કર્ણાટકના ગુફામંદિરમાં એક જ ગ્રેનાઈટના ખડકમાંથી કોતરીને રચાયેલ ગોમતેશ્વરની ૨૦ મિટર ઊંચી અને ૫૭ ફૂટ પહોળી મૂર્તિ (ઈ. ૯૬૩)અમૂલ્ય વારસો છે. આ સિવાય પણ કર્ણાટકનાં બૈલુર, હલાબીડ, સોમંથપુર વગેરેના હયસળોએ બંધાવેલાં મંદિરો પોતાની અનોખી શિલ્પકળાથી સુવિખ્યાત બન્યાં છે.

ખગોળવિદ્યા- વૈદિક યજ્ઞયાજ્ઞના જમાનાની શરૂઆતથી જ એ વિધિ કરવાના યોગ્ય સમય નક્કી કરવાનું મુખ્યકામ આ નવી વિજ્ઞાનશાખાએ કર્યું હતું. એને જ્યોતિષ કહેવામાં આવતું અને એનું મહત્ત્વ વેદના એક મહત્ત્વના અંગ તરીકે અંકાયું. એમાંથી વિકસતું વિકસતું આ ખગોળ વિજ્ઞાન ઈ.પૂ. ૧૪૦૦થી માંડીને ઉત્તરોત્તર વિકસતું રહ્યું છે. આ સમયના ઋષિમુનિઓ ખગોળશાસ્ત્રની આ નીચે આપેલી વાતોથી તો અવશ્ય વાકેફ હતા જઃ-

૧. પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી પર તથા સૂર્યની આસપાસ ઘૂમ્યા કરે છે.
૨. સૂર્યના સાત રંગો છે, આલંકારિક રીતે એ સાત ઘોડાઓ રૂપે કલ્પાયા છે.
૩. બાર રાશિઓ છે.
૪. વરસના ૩૬૬ દિવસ થાય છે.
૫. દરેક માસના ૨૯૧૬/૨૧ અથવા ૨૯.૭૬૨ દિવસો છે.

આમાં સૂર્ય સિદ્ધાંત બહુ પ્રકાશક ગ્રંથ ગણાય છે. અત્યારે મળતા પ્રાચીન ભારતીય ખગોળ શાસ્ત્રનો એ જૂનામાં જૂનો ગ્રંથ છે. એ ગ્રંથનો વારાહમિહિરે છઠ્ઠી સદીમાં પૂરેપૂરો નવો અવતાર કર્યાે. વારાહમિહિરના આ ગ્રંથ સિવાયના ગ્રંથોમાં બૃહજજાતક, લઘુજાતક, પંચસૈદ્ધાંતિકા અને બૃહત્સંહિતા છે. આ ક્ષેત્રના અન્ય મહાન લેખકોમાં આર્યભટ્ટ (ઈ.સ. ૪૭૬) બ્રહ્મગુપ્ત (સાતમી સદી) અને ભાસ્કર (બારમી સદી) ઉલ્લેખનીય છે.
વનસ્પતિ શાસ્ત્રઃ- આ વિજ્ઞાનશાખામાં પણ આ કાળમાં ગણના પાત્ર વિકાસ થયો હતો. કેવળ વૈદિકોત્તરકાળમાં જ નહીં, વૈદિકકાળમાં પણ આ વિજ્ઞાન વિકસ્યું હતું. આજે જેને આપણે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કહીએ છીએ, તેને તેઓ જાણતા હતા. ઈ.સ. પૂર્વે ૩૦૦નું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગુલ્મવૃક્ષ આયુર્વેદનો ઉલ્લેખ કરે છે. તદુપરાંત ભૂમિ, બીજપરીક્ષા, વાવેતર, અંકુરવિદ્યા, કલમ ચડાવવી, વૃક્ષકર્તન, પાકની ફેરબદલી, છોડનું વર્ગીકરણ, વગેરે કેટકેટલીય વસ્તુઓ

અગ્નિપુરાણ (ઈ.સ. ૮૦૦)માં જોવા મળે છે.

ઋગ્વેદ, અથર્વવેદ, તૈત્તરીય સંહિતા અને વાજસનેયી સંહિતામાં કેટલાંય વિવિધ વૃક્ષોનાં ડાળી, પાન, મૂળ, થડ, ફળ, ફૂલ, અંકુર વગેરેનાં વર્ણનોથી મળી આવે છે.

વૈદિકોત્તર કાળના (ઈ.પૂ ૬૦૦ થી ઈ.સ. ૬૦૦ સુધીના) ભારતીય વાંગ્મયમાં ઝેરનો ઔષધીય ઉપયોગ, સ્વાસ્થ્ય-આરોગ્ય શાસ્ત્ર, પર્યાવરણ વગેરે વાતોનો ઉલ્લેખ આપણને આશ્ચર્ય પમાડે છે.

સંસ્કૃતનો સુપ્રસિદ્ધ શબ્દકોશ અમરસિંહનો અમરકોશ (ઈ.સ ૪૦૦) વૃક્ષોના ૩૦૦થી વધુ પ્રકારો ગણાવે છે. એમાં આયુર્વેદ સાથે સંબંધ ધરાવતા છોડો અને વનસ્પતિઓ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. કેટલાક છોડો તો શસ્ત્રક્રિયા માટે પણ ઉપયોગી છે. ઉત્પાદનવૃદ્ધિની અત્યારે જાણીતી બધી જ પદ્ધતિઓ ત્યારે જાણીતી હતી- જેમ કે બીજ, મૂળ, કાપણી, કલમ વગેરે. આ બધાનો ઉલ્લેખ અર્થશાસ્ત્ર, બૃહત્સંહિતા અને મનુસંહિતામાં કરવામાં આવેલો છે.

ઝાડ-છોડને વૈદિકકાળથી જ જીવતાં-સજીવ માનવામાં આવ્યાં છે. ઝાડોનાં નામકરણમાં પણ બૌદ્ધિક અને વૈજ્ઞાનિક અભિગમ રખાયો છે. એ અત્યારની પદ્ધતિથી જરાય ઊતરતો નથી.

ઈ.સ. ૬૦૦ થી ૧૫૦૦ સુધીના મધ્યકાળમાં વનસ્પતિના નવા જ નમૂનાઓ ઉત્પન્ન કરવાનું સંશોધન અને તે ઉપરાંત અન્ય સંશોધન ઝડપથી વિકાસ પામ્યાં. શારઙધર પદ્ધતિ (૧૪મી સદીમાં શાઙર્ગ ધરે શોધેલી) એનો જીવતો જાગતો દાખલો છે. (ક્રમશઃ)

Total Views: 151
By Published On: August 1, 2012Categories: Keshavlal V Shastri0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram