શ્રીકૃષ્ણનું મહાન કાર્ય હતું આપણી આંખો ઉઘાડવાનું અને માનવજાતિની આગેકૂચ તરફ વિશાળ દ્દષ્ટિથી જોતાં શીખવાનું. સર્વમાં સત્ય જોવા જેટલું વિશાળ હૃદય સહુ પ્રથમ એમનું જ બન્યું હતું; દરેકેદરેકને માટે સુંદર શબ્દો ઉચ્ચારનાર સહુ પ્રથમ તેઓ જ હતા.

શ્રીકૃષ્ણના સંદેશામાં આપણને બે વિચારો… મુખ્યત્વે જણાય છે. એક છે ભિન્ન ભિન્ન વિચારોનો સમન્વય અને બીજો છે અનાસક્તિ. સિંહાસનારૂઢ રહીને કે સૈન્યનું સંચાલન કરતાં કરતાં અને પ્રજાઓ માટે મોટી યોજનાઓ ઘડતાં ઘડતાં પણ મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, ઉચ્ચતમ ઘ્યેયે પહોંચી શકે છે. હકીકતે શ્રીકૃષ્ણનો મહાન ઉપદેશ યુદ્ધના મેદાનમાં જ આપવામાં આવ્યો હતો.

શ્રીકૃષ્ણ પ્રાચીન પુરોહિતોની દાંભિકતા અને અર્થહીન અનુષ્ઠાનોને બરાબર પારખી ગયા; અને છતાં એમાં પણ એમને કંઈક શુભ જણાયું છે.

તમે જો બળવાન માનવી હો તો સારી વાત છે; પરંતુ તમારી દ્દષ્ટિએ પૂરતો શક્તિશાળી ન હોય તેવા અન્યને શાપ આપો નહીં… દરેક જણ એમ બોલે છેઃ ‘ધિક્કાર છે તમને લોકોને !’ પણ કોઈ એમ કહે છે ખરું કે ‘હું તમને સહાય નથી કરી શકતો તેથી મને ધિક્કાર હો ?’ લોકો પોતાની શક્તિ, સ્થિતિ અને જ્ઞાન પ્રમાણે જે કાંઈ કરે છે તે બરાબર છે. હું જે સ્થિતિએ છું તે સ્થિતિએ તેમને લાવી શકતા નથી તે માટે મને ધિક્કાર હો !

એટલે શ્રીકૃષ્ણ કહે છે કે ધાર્મિક અનુષ્ઠાનો, દેવોની ઉપાસના અને પુરાણ કથાઓ, એ બધું બરાબર છે… શા માટે ? કેમ કે એ બધાં એક જ લક્ષ્યે લઈ જાય છે. અનુષ્ઠાનો, શાસ્ત્રો અને મૂર્તિઓઃ આ બધાં અખંડ સાંકળની કડીઓ જેવાં છે. તેમને પકડી લેવાં એ પ્રથમ બાબત છે. જો તમે નિખાલસ હો અને તમારા હાથમાં જો ખરેખર જ એક કડી આવી ગઈ હોય, તો તેને છોડશો નહીં; અન્ય કડીઓ અવશ્ય હાથમાં આવશે જ. પણ લોકો તેને પકડતા નથી. પોતે શું પકડવું જોઈએ એ વિશે નિર્ણય કરવામાં અંદરોઅંદર ઝઘડવામાં તેઓ સમયનો વ્યય કરે છે, અને અંતે કાંઈ પકડતા નથી… આપણે હંમેશા સત્યની શોધમાં રહીએ છીએ પણ તેને પહોંચવા કદી ઇચ્છતા નથી. આપણે માત્ર અહીંતહીં ફરવાની અને પૂછપરછ કરવાની મજા માણવા માગીએ છીએ. આપણામાં શક્તિ તો ઠીકઠીક પ્રમાણમાં છે. પણ આપણે તેનો એ રીતે વ્યય કરીએ છીએ. તેથી શ્રીકૃષ્ણ કહે છેઃ મુખ્ય કેન્દ્રમાંથી નીકળતી આ અનેક સાંકળો પૈકીની ગમે તે એકને પકડો. કોઈ એક માર્ગ અન્ય કરતાં વધારે મહત્ત્વનો નથી… ધર્મ અંગેના કોઈ પણ નિખાલસ મતની નિંદા કરશો નહીં. આ કડીઓમાંની એકને તમે પકડી રાખો; એ તમને મઘ્ય કેન્દ્રે અવશ્ય ખેંચીને લઈ જશે. તમારું પોતાનું હૃદય જ તમને બીજું બધું શીખવશે. તમારા અંતરમાં રહેલો શિક્ષક તમને તમામ મતવાદો અને તમામ ફિલસૂફીઓ શીખવશે…

ઈશુની જેમ શ્રીકૃષ્ણ પણ કહે છે કે પોતે ઈશ્વર છે. પોતામાં એ ઈશ્વરને જુએ છે અને કહે છેઃ ‘મારા માર્ગમાંથી કોઈ પણ માનવી એક દિવસને માટે પણ દૂર જઈ શકતો નથી; તમામને મારી પાસે આવવું જ પડે છે. જે કોઈ વ્યક્તિ જે કાંઈ રૂપમાં મારી ઉપાસના કરે છે, તેને હું તે રૂપમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવું છું, અને તેના દ્વારા હું તેને મળું છું… (ગીતા, ૪ઃ ૧૨) એનું હૃદય સંપૂર્ણ રીતે સામાન્ય જન માટે જ છે. (૫.૨-૩)

Total Views: 149
By Published On: August 1, 2012Categories: Vivekananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram