મહાસમુદ્ર ગર્જન કરતો રેતાળ પટ તરફ આગળ ધપે છે, વળી પાછો ફરે છે. ખલાસીઓ એની વચ્ચે માછલીઓ પકડવા નૌકાઓ તરતી મૂકે છે. પેલી બાજુએ ભીની રેતી ઉપર એક સ્તબ્ધ મૂર્તિ; બંને પગ સુગઠિત, ગેરુઆ વસ્ત્રો પહેર્યાં છે, મુખે દાઢી વધી છે; માથા પર કાળા ભમર જેવા વાળ, હવામાં વાળ અને ચાદર આમ તેમ ઝૂલે છે. હાથમાં કમંડળુ છે. બંને આંખો સાગરના ઊંચા તરંગે તરંગે ડૂબે છે અંતરની ખોજમાં. સૂર્યોદય પછી મધ્યાહ્નનો તાપ વધ્યો છે. સ્નિગ્ધ રેતી ગરમ થઈ છે. ધીમે ધીમે મહાત્મા ઊભા થયા. મુખ પર પ્રસન્ન સ્મિત છે, લાંબો રેતાળ પથ કાપવાનો છે. આગળ નીલાચલની નીલાન્બુદ્ધિ દર્શન, ત્યારબાદ જગન્નાથ મંદિર, ત્યાંથી જગન્નાથનું નિવાસ સ્થાન – ત્યાં ચૈતન્ય મહાપ્રભુએ દીર્ઘ બાર વર્ષ ભગવદ્ ભાવમાં વિભોર થઈને વિતાવ્યાં હતાં.

સાધુ ચાલ્યા જાય છે. માથા પર ગેરુઆ કપડું વીંટયું છે. ક્રમશ: તાપ વધતો જાય છે. સ્તવપાઠ ગણગણે છે. જગન્નાથદેવને ગીત સંભળાવે છે. એ જ તો કેવળ સંપત્તિ છે. સવાર – સાંજ સાધન – ભજન – બધું એ જ નામકીર્તનમાં – સ્વર સૂરમાં વાતો કરવી. સમુદ્રના તટે એક નાનકડી ઝૂંપડી, આશ્રમ પણ કહી શકાય. સાધના કુટિયા કહો તો પણ ચાલે. અહીં દર્શનાદિ પછી પાછા ફરે છે. બંને પગ પસારીને વરંડાની છાયામાં માધવી લતા પાસે બેઠા છે. ઘણા દિવસો પહેલાંની પુરી નગરીની શકલ જ કંઈક જુદી હતી. આટલી બધી હોટલો અને આશ્રમો ચારે તરફ હતા નહિ. મહાપ્રભુની સ્મૃતિ અને નામ-કીર્તનના પ્રવાહમાં નરનારીઓ નિત્ય તરબોળ રહે. તે સિવાય સર્વનું આકર્ષણ એક માત્ર જગન્નાથ વિગ્રહ છે. નિત્ય તેમની વિવિધ પ્રકારે સેવા, ભોગ આરતી, વિરાટ નૈવેદ્યની વ્યવસ્થા કરવામાં આવે છે. શતાબ્દી જાણે ત્યાં જ અટકી ગઈ છે. કાળનો પ્રવાહ જાણે સ્તબ્ધ. કેટલા દીર્ઘકાળથી તે અદ્‌ભુત વિગ્રહની સેવામાં કેટલાય માણસો દિવસ રાત ભક્તિભાવથી પરિશ્રમ કરે છે. જગન્નાથને લઈને આખું વરસ ઉત્સવ-પર્વ ચાલ્યા જ કરે છે. આ એક ભારત વર્ષની પરંપરા. તે પથ્થરનું વિશાળ મંદિર, બહુ દેવ – દેવીઓથી શોભિત વિશાળ પ્રાંગણ, બહાર રથયાત્રા માટે તૈયાર રાજમાર્ગ છે. બીજી તરફ તરંગોથી ચંચળ દૂધિયો સાગર ઊછળે છે. તેની વિશાળ રેતાળ પટ છે. કેટલા શત સહસ્ર સાધુભક્તના સમાગમમાં મંદિર નિત્ય ભરપૂર. મંગલ આરતીના સમયથી જ જયદેવ રચિત‘દશાવતાર સ્તોત્ર’ સુરીલા સ્વરથી ભક્તો નિત્ય ગાન કરે. તે ભક્તચિત્તને મુગ્ધ કરે છે. સાધુઓ વચ્ચે વચ્ચે આરતી દર્શન કરવા ચાલ્યા આવે છે, બધા સાથે ભજન કરે.

તે પૂર્ણિમાનો દિવસ હતો. તોફાની સમુદ્ર; રેતાળ પટ પર એક આસન બિછાવીને સાધુ બેઠા છે. પુરીનું ભજન – કીર્તન શ્રવણ – શ્રીચૈતન્યના ભાવમય નૃત્ય ગીતની ધારા હજુ ય માણસનાં અંતરને રસસભર અને સ્નિગ્ધ કરે છે. સાધુના ચિંતનનો વિષય ગંભીરતર લીલા. જ્યાં પ્રભુના ભાવ પ્રમાણે તેમના સંગી પરમ ભક્ત સ્વરૂપ ગોસ્વામી ઉપયુક્ત પદનું ગાન શરૂ કરતા તે સંગીત શ્રી ચૈતન્યના ભાવસમુદ્રને ઉછાળતું.

‘ભાવ થશે કે ભાવનિધિ ગૌરાંગનો !’ સાધુ કેવળ સાધક નથી – ગાયક પણ છે. ગૌરાંગના નામની સાધના તેમની સૂર-સાધનામાં ભળી ગઈ છે. કેટલાય વૈરાગી સાધુઓ ધીમે ધીમે આવીને બેસે છે. તેમની સાથે હંમેશાં વાતચીત, કીર્તન, ભજન થશે. ગળામાં જયદેવનું ગીતગોવિંદ ગણે ગણે છે.

– ‘ધીર સમીરમાં યમુના તીરે વસે છે વનમાં વનમાલી’

– તે નીલ યમુનાની કુંજમાં મંદ પવનમાં વનમાલી વાસ કરે છે – વૃંદાવન તેમની નિત્યલીલાની ભૂમિ છે.

ખોલ-કરતાલ સૂર્યાસ્ત પહેલાં વાગે છે. નીલા સમુદ્રની જળરાશિ ધીમે ધીમે સૂર્યનાં અસ્તગામી કિરણોમાં ઝગમગે છે. ધીમે ધીમે અંધારું છવાય છે. સમુદ્રના જળમાં જાણે કોઈએ ઘાટો કાળો રંગ રંગ્યો છે. તે દિવસે કીર્તનમાં પ્રથમથી જ કોઈકે કેદારો ગાયો હતો. સાધુએ બંને હાથ ઊંચકીને અટકાવતાં કહ્યાું: ના, તે રાગ નહિ – કેદારામાં – સાધક વારંવાર ઈશ્વરમાં મન એકાગ્ર કરવા ઇચ્છે છે પરંતુ તે ધ્યાન વારંવાર ભાંગી જાય છે – એકાગ્ર થતું નથી. અમર રાગમાં ગીત શરૂ કર્યું: કેટલાય રાગ સંધ્યા સમયના છે જેવા કે પૂરવી, ખમાજ, ગમે તે એક પકડો એમ કહેતાં કહેતાં પોતે જ કીર્તનનું પદ શરૂ કર્યું…

અબ હમ સમજે અનુમાન સે
સખિ રે વ્રજ નાગર, છોડ ગયો વ્રજ રે…

ઉચ્ચ સ્વરનું ગીત જાણે અંધકારને ભેદીને પ્રકાશની રેખાની માફક ચાલે છે – બધા સ્તબ્ધ થઈ ગયા. આ તે કેવું ગીત ?

હમ ગ્રામ્ય કુલબાલિકા સહજ પશુપાલિકા
હમ કિયે શ્યામ – ઉપભોગ્યા – રે સખિ.

રાધારાણીની વિરહ વેદના જાણે અશ્રુબિંદુ થઈને ગીતના સૂરમાં ઝરે છે. કેટલો દુર્લભ એ કૃષ્ણ પ્રેમધન ! વ્રજગોપીઓની આંખનાં જળ નિત્ય સ્નિગ્ધ તે રસાળ પ્રેમમાં.

જેટલા દિવસ લિંબોળી ચાખી
તેટલા દિવસ અમૃતફળ ન પામી

સખી, જ્યાં સુધી અમૃતમય કૃષ્ણફળ ન મળે, ત્યાં સુધી કડવી લિંબોળી ખાઈને જ જીવન ટકાવ્યું છે.

સમસ્ત વાતાવરણ સૂર, તાલ, લયમાં કંઠ માધુર્યમાં ભાવધન થઈ ઊઠયું. એક એક કરીને બધા વિહ્વળ અને નીરવ ગાયકને છોડીને ચૂપચાપ ચાલ્યા ગયા. સાધકની આંખમાં છલોછલ જળ ભર્યાં છે. અંદરનો વિરહ તરંગ જાણે સમુદ્રનું રૂપ ધારણ કરે છે. સાગરના ગર્જનની આડશમાં જાણે સંભળાય છે. પિતા સમુદ્રની અવિરામ રુદન – પ્રાણની પૂતળી લક્ષ્મીને સમુદ્રની છાતીએથી દેવતાઓએ છીનવી લીધી અને તે કદી પાછી ફરી નહિ ! સાધકના દિવસો શેષ થવામાં છે. રાધા ભાવદ્યુતિએ ચૈતન્યચંદ્રના ગોપીભાવમાં કેટલો દીર્ઘકાળ વિતાવ્યો છે ! રાતની નીંદર તો કયારની ઊડી ગઈ છે. હવે તો માત્ર શબરીની પ્રતીક્ષા, પળે પળે આશાદીપ જલાવીને બેસી રહેવાનું છે. સમસ્ત ઇંદ્રિયોને સજાગ રાખીને મનને પ્રહરી કરીને બેસવાનું છે. ઉપનિષદના અરૂપ, અરસ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ તત્ત્વને રુપ, રસ, ગંધ, શબ્દમય અનુભવ આ પૃથ્વી પર કરાવે છે. ભક્ત પાસે ભગવાનની ચિન્મય સાકાર આકૃતિ છે. તેથી ધ્યાન કરો, જાગતા રહો-કોઈ પણ રૂપે ભગવાન આવશે – ત્યારે સૂઈ રહેશો નહિ. સાધુના કંઠમાં ગીત ગણગણે છે – આટલો પોકારું, આટલો જાગું તો ય ઊંઘ કયાં ઊડી ?’ (ક્રમશ:)

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.