ગતાંકથી આગળ…

શાસ્ત્રો કહે છે:

તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો
વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ:
(મુંડ. ૨.૨.૫)

– એ અદ્વિતીય આત્માને જાણો અને બાકીની બીજી બાબતોનો ત્યાગ કરો. અમૃતત્વની પ્રાપ્તિનો આ જ એક માત્ર માર્ગ છે.

ઉપનિષદના નારદ-સનત્કુમાર સંવાદમાં પણ આ જ વાત જોવા મળે છે. નારદજી જે જે વિષયોથી પરિચિત છે તેની યાદી આપે છે-

ઋગ્વેદં ભગવોઽધ્યેમિ યજુર્વેદં સામવેદમાથર્વણં
ચતુર્થમિતિહાસપુરાણં પઞ્ચમં વેદાનાં વેદં પિત્ર્યં
રાશિં દૈવં નિધિં વાકોવાક્યમેકાયનં દેવવિદ્યાં
બ્રહ્મવિદ્યાં ભૂતવિદ્યાં ક્ષત્રવિદ્યાં નક્ષત્રવિદ્યાં
સર્પદેવજન-વિદ્યામેતદ્-ભગવોધ્યેમિ—।। (છાંદો. ૭.૧.૨)

આ યાદી જોઈને એ જ સમજાય છે કે તેઓ એ સમયની પ્રચલિત બધી વિદ્યાઓમાં પારંગત હતા. આમ છતાં પણ તેઓ કહે છે, ‘હું કેવળ મંત્રવિદ છું, આત્મવિદ નહીં.’ સાંભળ્યું છે કે આત્મવિદ લોકો શોકથી પર હોય છે. તરતિ શોકં આત્મવિત્। અનાત્મવિદ છું એટલે હું શોક કરું છું. સોઽહં ભગવ: શોચામિ—। તમે મને આત્મજ્ઞાન આપીને એ શોકથી પર બનાવો. તં મા ભગવાન શોકસ્ય પારં તારયતુ—। (છાંદોગ્ય ઉપનિષદ- ૭.૧.૩)

જગતની બધી વિદ્યાઓ પ્રાપ્ત થઈ જાય પછી પણ આત્માને જાણ્યા વિના શોકને પાર કરીને આનંદ અમૃતના અધિકારી બની શકાતું નથી. હવે આ આત્મજ્ઞાનના વિવિધ ઉપાયો વિશે શ્રી ઠાકુર કહે છે, ‘વિચારનો પથ, જ્ઞાનયોગનો પથ કઠિન છે.’ કારણ કે એને માટે પૂર્વપ્રસ્તુતિની આવશ્યકતા છે. મનની એટલી તૈયારી હોય કે વિચાર દ્વારા, બુદ્ધિ દ્વારા આપણે સત્યની પ્રાપ્તિ કરીએ અને મન એને પૂરેપૂરી રીતે સ્વીકારી લે. સાધારણ રીતે વિચાર દ્વારા આપણે જે સિદ્ધાંત સુધી પહોંચીએ છીએ અંત:કરણ બરાબર એનાથી ઊલટેપથે ચાલવાનો પ્રયત્ન કરે છે. એટલે એ વિચાર આપણને કોઈ ઉપયોગમાં આવતો નથી.

શ્રી ઠાકુર કહે છે, ‘જે લોકો શતરંજ રમે છે તેઓ પોતાની ચાલને સારી રીતે સમજતા નથી. પરંતુ જે લોકો એ રમતા નથી એ તટસ્થ રહીને ચાલ બતાવી દે છે. જોનારની ચાલ ખેલનારની ચાલથી મોટે ભાગે સારી હોય છે.’ આ જે ચાલમાં ભૂલો થાય છે તે થોડો વિચાર કરવાથી સમજાઈ જાય છે. વાત તો સમજમાં આવી જાય છે પણ એને જીવનમાં પરિણત કરી શકાતી નથી. સંસારી મનુષ્ય સત્યની પ્રશંસા કરતાં અથવા શાસ્ત્ર વાક્યનું ઉદાહરણ ટાંકતાં કહે છે- ‘સત્યાન્ન પ્રમદિતવ્યમ્’ -સત્યથી વિમુખ ન થવું જોઈએ.

પરંતુ કસોટીની પળ આવે એટલે સત્ય પરની પકડ ઢીલી થઈ જાય છે. વિષયાસક્તિને કારણે ધન, સુખ, તથા યશ માટે જરૂરત પડે તો ડગલે ને પગલે ખોટું બોલીએ છીએ. વિષયાસક્તિનો ત્યાગ કર્યા વિના સત્ય કે નીતિના પથ પર સ્થિર રહેવું કઠિન છે. બુદ્ધિ વિભ્રાંત થઈ જાય છે. જેનામાં આવી વિષયાસક્તિ છે તે જ સંસારી છે. સંસારનો અર્થ થાય જે ચાલ્યો જાય છે અથવા નશ્વર છે. અને એ નશ્વર વસ્તુમાં જેમને અનુરાગ છે તેઓ સંસારી છે. બહારથી ભલે ને ગમે તેવી વાતો કરે પણ ભીતરથી તેઓ વિષયાસક્ત છે. તેઓ- સ્વયંધીરા: પંડિતમ્મન્યમાના: તેઓ પોતાની જાતને બુદ્ધિમાન કે જ્ઞાની માને છે. શ્રીઠાકુર સ્પષ્ટ રૂપે સમજાવી દે છે કે એ લોકો પોતે રમી રહ્યા છે એ કારણે ભૂલ ક્યાં થાય છે એ સમજી શકતા નથી. એમની ચાલમાં ભૂલ થઈ જાય છે, અને તેઓ લક્ષ્યથી દૂર જાય છે. તેઓ જીવનમાં જે પરમ ધન અર્જિત કરી શકે તેમ હતા તેનો સુયોગ ચાલ્યો ગયો. કાલિદાસે કહ્યું છે- અલ્પસ્ય હેતોર્બહુ હાર્તુમિચ્છન્ વિચારમૂઢ: પ્રતિભાસિ મે ત્વમ્ – થોડા માટે ઘણું ગુમાવો એટલે તમે વિચારની બાબતમાં મોહગ્રસ્ત છો. આટલી નિર્બુદ્ધિતા હોવા છતાં પણ મનુષ્ય પોતાની જાતને બુદ્ધિમાન માને છે.

ડૉ. સરકારે દાર્શનિક દૃષ્ટિએ વિચાર કરીને કહ્યું, ‘પુસ્તકો વાંચવાથી એમને (શ્રીરામકૃષ્ણને) આટલું જ્ઞાન ન મળત.’ એ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું, ‘પંચવટીમાં જમીન પર આળોટતાં આળોટતાં હું મા ને પોકારતો હતો. એ વખતે માને મેં કહ્યું, ‘હે મા! કર્મયોગીઓએ કર્મ દ્વારા જે મેળવ્યું છે, યોગીઓએ યોગ દ્વારા જે જોયું છે, જ્ઞાનીઓએ વિચાર દ્વારા જે જાણ્યું છે, તે બધું મને બતાવી દે!’ મા દ્વારા આ બધું  દેખાડી દેવું એ બુદ્ધિથી વિચાર કરીને મેળવવા જેવું નથી, પરંતુ મનની શુદ્ધ અવસ્થામાં થયેલી તત્ત્વની અભિવ્યક્તિ છે.’ શ્રીઠાકુરનો ‘મા’નો અર્થ એની સાથે સંબંધિત છે જેના આલોકથી જગત આલોકિત છે. એનું નામ છે શુદ્ધ બુદ્ધિ- યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરુપેણ સંસ્થિતા- જે સર્વપ્રાણીઓમાં બુદ્ધિરૂપે વિરાજી રહ્યાં છે.

મોહનિદ્રા

શાસ્ત્ર કહે છે, બુદ્ધિનો સ્વભાવ છે- તત્ત્વપક્ષપાત-તત્વપક્ષપાતો હિ સ્વભાવો ધિયામ્- તત્ત્વના સ્વરૂપને ઉદ્ઘાટિત કરવું એ બુદ્ધિનો સ્વભાવ છે. પરંતુ ટિનના ઢાંકણાથી ઢંકાયેલા પ્રકાશની જેમ આ બુદ્ધિ રાગદ્વેષ જેવા મલિન આવરણથી આવૃત હોવાને લીધે કોઈ પણ વસ્તુને જરાય પ્રકાશિત કરી શકતી નથી. એટલે સત્યને મિથ્યા, મિથ્યાને સત્ય, નિત્યને અનિત્ય, અનિત્યને નિત્ય, સત્ને અસત્, અસત્ને સત્ બતાવીને ભ્રમ ઉત્પન્ન કરે છે. આ અજ્ઞાન તત્ત્વને ન જાણવું કે એને વિપરિત રૂપે જાણવું એનું નામ છે મોહનિદ્રા. આપણું સમગ્ર જીવન જ નિરવચ્છિન્ન નિદ્રા છે. દેવીમાહાત્મ્યમાં લખ્યું છે- યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા- મહામાયાની માયાએ બધાંને સુવડાવી દીધાં છે. જેમ બાળકોને મા સુવાડીને ઘરનાં કે જગતનાં કાર્યો કરતી રહે છે, નહિ તો સંસારની લીલા ન ચાલે. બધાંની ઊંઘ ઊડે તો જગન્માતાનો ખેલ ચાલે નહીં. જ્યાં સુધી તેઓ મોહજાળમાંથી આપણને મુક્ત ન કરી દે ત્યાં સુધી આપણે એમનો ખેલ સમજી શકવાના નથી. એટલે જ દુર્ગાસપ્તશતી-૧૩.૪.૫માં ઋષિ સુરથ રાજાને કહે છે-

તામુપૈહિ મહારાજ શરણં પરમેશ્વરીમ્—।
આરાધિતા સૈવ નૃણાં ભોગસ્વર્ગાપવર્ગદા—।।

હે રાજા! એ પરમેશ્વરીના શરણાગત થાઓ, ભક્તિપૂર્વક એમની આરાધના કરવાથી આ લોકના અભ્યુદય કે પરલોકના સ્વર્ગસુખ અથવા મુક્તિ એમાંથી તમે જે ચાહશો તે બધુ તેઓ આપશે.

ત્યારપછી શ્રી ઠાકુર કહે છે, ‘મેં તો પુસ્તક વધારે વાંચ્યાં નથી, પરંતુ જુઓ છો ને કે માનું નામ લઉં છું, એટલે જ બધા લોકો મને માને છે. શંભુ મલ્લિકે મને કહ્યું,‘ન ઢાલ, ન તલવાર અને બન્યા છો શાંતિરામ સિંહ!’ મનુષ્ય વિદ્યા, બુદ્ધિ અને પાંડિત્ય વગેરે જે ગુણોથી સંસારીક દૃષ્ટિથી મહાન બનવાનું વિચારે છે એમાંથી એકેય ઠાકુરમાં નથી. એમનું કેવળ એક જ અસ્ત્ર છે- શિશુના જેવી ‘મા’ ના ઉપર અનન્ય નિર્ભરતા. આ નિર્ભરતાને લીધે જ યોગ દ્વારા યોગીઓને જે સિદ્ધિ મળે છે, જ્ઞાન દ્વારા જ્ઞાનીઓને જે ફળ મળે છે, વેદવેદાંતમાં જે કંઈ પણ છે તે બધંુ ‘મા’એ એમને બતાવી દીધું છે. એમને પોતાને કંઈ કરવાની આવશ્યકતા ન પડી. મા એમની ભીતર રહીને બધા વિષયોમાં એમને ચલાવી રહી છે. જગન્માતાની સંપૂર્ણ શક્તિ, વિશ્વની કલ્યાણકારિણી શક્તિ, એમની ભીતરથી નિર્બાધ રૂપે અભિવ્યક્ત થઈ રહી છે. અંદર અને બહાર સર્વત્ર ‘મા’ બિરાજી રહી છે. જગન્માતા જેમની મૂઠીમાં છે એમને વળી ચિંતા શેની? જ્યારે જેની જરૂર પડે, અને એ માગતાં જ મળી રહે, તો પછી બીજા કોઈ અસ્ત્ર-શસ્ત્રની શી જરૂર? આમ છતાં પણ મા શક્તિરૂપે બધાંમાં રહેલાં છે. આવું હોવા છતાં આપણે યુદ્ધમાં હારી જઈએ છીએ કારણ કે અવિદ્યાના આવરણને કારણે આપણે ‘મા’ની ઉપસ્થિતિનો અનુભવ કરી શકતા નથી.

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.