‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો નથી. શિષ્ય ગુરુ પાસે હઠયોગની ક્રિયાઓ શીખતો. એટલે તેના ગુરુએ તેને અમુક ક્રિયા બતાવી દીધી; અને તે એક દિવસ મડદા જેવો થઈ ગયો. ઘરમાં બૈરીએ તો રડારોળ કરી મૂકી. આડોશપાડોશનાં માણસો આવીને જુએ છે તો એ હઠયોગી ઓરડીમાં આસન વાળીને બેઠો છે. વાંકોચૂંકો ને ઠંડો થઈને. બધાય સમજી ગયા કે તેનો પ્રાણવાયુ નીકળી ગયો છે. બૈરી તો માંડી પછડાટો ખાવા ને રડવા: ‘અરે રે, તમે તો મને ભરદરિયે એકલી મૂકી ગયા રે ! હવે મારાથી કેમ જીવાશે રે ! આવું થશે એવું તો સ્વપ્નેય ધાર્યું નહોતું રે !’ આ બાજુ સમય થયો એટલે સગાંવહાલાં એ હઠયોગીને ઓરડીમાંથી બહાર કાઢવા સારુ ભેગાં થયાં.

‘પણ ત્યાં એક નવી આફત ઊભી થઈ ! વાંકોચૂંકો અને ઠરડો થઈ જવાને લીધે એ યોગી બારણામાંથી નીકળી શકે નહિ. એટલે એક જણ દોડતો જઈને પાડોશીને ત્યાંથી એક કુહાડી લઈ આવ્યો ને બારણાનું ચોકઠું કાપવા માંડ્યો. આ બાજુ બૈરી પછડાટો ખાતી ખાતી રોતી હતી, તે આ ધડ ધડ અવાજ સાંભળી દોડી આવીને રોતી રોતી પૂછવા લાગી કે ‘અરે ભાઈ ! તમે આ શું કરો છો ?’ પેલા માણસોએ કહ્યું કે ‘ભાઈ બારણામાંથી નીકળી શકતા નથી, એટલે ચોકઠું કાપીએ છીએ.’ એ સાંભળીને તેને અટકાવીને સ્ત્રી કહે કે ‘અરે બાપુ ! એવું કરો મા. હું તો હવે રાંડીરાંડ થઈ; સંભાળ લેનારું તો કોઈ રહ્યું નહિ; મારે હવે આ ત્રણ ચાર નાનાં કચ્ચાંબચ્ચાંને મોટાં કરવાનું માથે પડ્યું ! એ બારણું એક વાર ભાંગ્યું તો પછી નવું તો હવે થવાનું નથી. શું કરીએ ? એમનું તો જે થવાનું હતું તે થઈ ગયું. એટલે હવે બારણાને બદલે એમના જ વાંકા હાથપગ જુદા પાડી નાખો ને?’

એ સાંભળતાં જ પેલા હઠયોગીનો દવાનો નશો ઊતરી ગયો ! અને તે ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે ‘સાલી ! મારા હાથપગ કાપવા આવી છો, કેમ ?’ એમ કહીને ઘરનો ત્યાગ કરીને ગુરુની સાથે ચાલ્યો ગયો.

Total Views: 197
By Published On: September 1, 2012Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram