ગતાંકથી ચાલું…
સુસ્પષ્ટ વિરોધાભાસ
કન્નડ ભાષામાં શ્રીકોટાવાસુદેવ કારંથે લખેલ ‘દાન કરો’ પુસ્તકમાં દર્શાવ્યું છે, કેવી રીતે પાશ્ચાત્ય દેશના ધનપીપાસુઓએ સદ્ગુણના આ ઉચ્ચ આદર્શને મિથ્યાચાર બનાવી દીધો:
‘પાશ્ચાત્યદેશોના સમુદાયે પોતાની નૌસેના, તોપો તથા બંદૂકોની સહાયતાથી સંપૂર્ણ સંસાર પર વિજય મેળવવાનું અને એમણે જે દેશની ધરતી પર પગ મૂક્યો એના પર આધિપત્ય મેળવવા ઈચ્છયું.’ એમની એવી માન્યતા હતી કે એમના રાજાને એમણે જીતેલા બધા દેશો પર શાસન કરવાનો અધિકાર હતો. એમણે આ દેશોના સ્થાનિક નિવાસીઓને ક્યારેય પોતપોતાના દેશના યોગ્ય માલિક ગણ્યા નહીં. એમનું માનવું એવું હતું કે વિજેતાઓ માટે જીતેલા સંસ્થાનોની પ્રજાની લૂંટફાટ કરવી, એમને ગુલામ બનાવવા, એમની પાસેથી બધા કાર્યો કરાવવા અને જે તે ઉપનિવેશમાંથી બધી સંપત્તિ બળપૂર્વક પોતાના દેશમાં લઈ જવી, એ સર્વથા સ્વાભાવિક અને ઉચિત છે એમ તે માનતા.
આવી જ દુર્ભાવનાથી ઉત્તર અમેરિકા પર વિજય મેળવ્યો. ત્યાંના આદિવાસી રેડઈન્ડિયન લોકો વ્યાપક લંૂટફાટ અને શોષણનો શિકાર બન્યા. તેઓ પોતાના જ દેશમાં અલ્પસંખ્યક પ્રજા બની રહી. ધોળા લોકો ઓસ્ટ્રેલિયા તથા આફ્રિકાના સર્વોત્તમ ભૂખંડો પર કબજો કરીને ત્યાં જ વસી ગયા. ધોળા માલિકો માટે દાસના જેવું કાર્ય કરવું એ જ ત્યાંના કાળા લોકોનું હિતકારી કાર્ય ગણાતું. જ્યારે પશ્ચિમના લોકો સમગ્ર જગતનાં વિભિન્ન ક્ષેત્રોમાં લૂંટફાટ કરી રહ્યા હતા ત્યારે એમના પાદરીઓ કે ધર્મગુરુઓએ આ ઉપનિવેશની પ્રજાને સુસભ્ય બનાવવા પોતાના કહેવાતા હેતુ સાથે એમનું બળપૂર્વક ધર્મપરિવર્તન કરવાનું શરૂ કર્યું. એમણે લૂંટના માલનો એક ભાગ શાળાઓ તથા ઈસ્પિતાલોને દાનમાં દીધો. એ પણ સેવાભાવથી નહીં, પરંતુ પોતાના ધર્મને સર્વોત્તમ સિદ્ધ કરવા તેમજ એ મતને પ્રબળ બનાવવા માટે ઉપયોગ કર્યો.’
આ સંદર્ભમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તેમજ સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક પી. સોરોકિનનું પુસ્તક ‘ધ રિકંસ્ટ્રક્શન ઓફ હ્યુમાનિટિ-માનવતાનું પુનર્નિર્માણ’માંથી એક ઉદ્ધરણ અહીં આપી શકાય: ‘કેટલી ગતકાલીન સદીઓ દરમિયાન વસ્તુત: પશ્ચિમનું જગત જ સર્વાધિક યુદ્ધોન્મત્ત, આક્રમક, લોભી અને માનવતાના સૌથી વધારે અધિકારોન્મત્ત વર્ગ રહ્યો છે. આ સદીઓમાં પશ્ચિમની ધર્માંધતાએ બીજા બધા મહાદ્વીપો પર આક્રમણ કર્યું. એમના પાદરીઓ અને વેપારીઓએ એની સેનાનું અનુકરણ કરીને આદિજાતિઓથી માંડીને વિજાતિ દેશોમાં વધારે લોકોને પોતાને અધીન કર્યા અને એમની નિરંતર વ્યાપક પ્રમાણે લૂંટફાટ પણ કરી. આ વિચિત્ર પ્રકારના ઈશુધર્મ‘પ્રેમ’ દ્વારા અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તેમજ એશિયાની પ્રજાને પરાધીન બનાવી. ક્રૂર હત્યા, ગુલામ બનાવવાની પ્રથા, ઉત્પીડન, પરાજીત જાતિઓનાં સાંસ્કૃતિક મૂલ્યો, સંસ્થાઓ તેમજ જીવનપ્રણાલિનો મહાવિનાશ કર્યો. સાથે ને સાથે મદ્યપાનની સંસ્કૃતિનો વિસ્તાર, યૌનરોગ, વ્યાવસાયિક નાદુરસ્ત હરીફાઇ અને આવી બીજી પ્રવૃત્તિઓ દ્વારા જ સામાન્યત: આવા કહેવાતા ‘પ્રેમ’ને અભિવ્યક્તિ મળી.’ આમ જોઈએ તો પશ્ચિમના લોકોએ એમને હોસ્પિટલ અને ચિકિત્સાસેવાના રૂપે સહાયતા અને સંરક્ષણ, પ્રેમ અને સહાનુભૂતિ, શિક્ષણ, સ્વાધીનતા અને લોકતંત્રના રૂપે સાચું ખ્રિસ્તીપણું પણ જે તે પ્રજાને આપ્યું છે. પણ એમનું આ પ્રદાન કે વરદાન જાણે કે ઘડામાંના પાણીના એક ટીપા જેટલું છે.
જૂનાં ઠૂંઠાં પર નવી કૂંપળો
આપણી સંસ્કૃતિના મૂળિયાં હજી પણ મજબૂત છે. આ વાત એ તથ્યથી સિદ્ધ થાય છે કે ગત બે શતાબ્દીઓની પ્રતિકૂળ સ્થિતિ હોવા છતાં પણ એને પોતાની ચારેબાજુની અડચણોને દૂર કરીને સ્વસ્થ ફળ આપ્યાં છે. ભયંકર સંકટને સમયે લોકોને સન્માર્ગે ચલાવવા એક આધ્યાત્મિક વિભૂતિ અવતરી છે. આ કોઈ પગમાથા વિનાની વાત નથી અને મહાકાવ્યોના યુગ સુધી જ સિમિત હોય એવી ઘટનાઓ માત્ર પણ નથી.
જ્યારે અંગ્રેજોનું આધિપત્ય બરાબર સ્થપાઈ ગયું હતું, ભારતીયોની શૌર્યશક્તિ કે પરાક્રમો ક્ષીણ થયાં હતાં, આર્થિકદશા અવનત થઈ રહી હતી, આધ્યાત્મિક મૂલ્યોને નકામાં ગણીને એની નિંદા થઈ રહી હતી અને ભારતવાસીઓ વિદેશીઓના રંગઢંગની આંધળી નકલ કરી રહ્યા હતા. આવા સંક્રમણકાળમાં દક્ષિણેશ્વરના દેવમાનવ શ્રીરામકૃષ્ણ આધ્યાત્મિક જગતની ક્ષિતિજ પર પ્રગટ થયા. તેઓ ઓગણીસમી સદીમાં બ્રિટિશ ભારતની રાજધાની કોલકાતાની નજીક કામારપુકુર નામના ગામમાં અવતર્યા. એમણે વિશ્વવિદ્યાલયોના આધુનિક શિક્ષણ મેળવેલ સંશયવાદીઓને પડકાર ફંેક્યો. સાથે ને સાથે એમણે એ બધાને તાલીમબદ્ધ કરીને સત્યના આલોકમાં વિભિન્ન ધર્મોના મહત્ત્વને સમજાવ્યું. એમણે કેવળ ઉપદેશ નથી આપ્યા, પરંતુ પોતાના અંગત અનુભવોથી એ બતાવી દીધું કે ઋષિઓ દ્વારા પ્રતિપાદિત પ્રાચીન ભારતીય પરંપરામાં આધુનિક વિજ્ઞાન દ્વારા ઊભા થયેલા બધા પ્રશ્નોના ઉત્તર મળી શકે છે. એમણે ધર્મોના કેવળ સારતત્ત્વનું જ શિક્ષણ આપ્યું.
શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્ય અને પ્રાચીન ભારતીય પરંપરાની ભાવમૂર્તિ સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં આ પરંપરાના ઓજસ્પૂર્ણ પ્રવક્તા બની ગયા. એમણે ત્યાં પ્રાચીન ભારતના અધ્યાત્મ અને ચિંતનનો ઝંડો ફરકાવી દીધો. આ રીતે એમણે ભારતીયોના સ્વાભિમાનની પુન:પ્રતિષ્ઠા કરી. આ એક એવી મહાન ઘટના હતી કે જેણે ભારતવાસીઓને પોતાની વિશિષ્ટતાને સુરક્ષિત જાળવી રાખીને વિદેશી શાસનમાંથી મુક્તિની કામના અને ઉત્કટ રાષ્ટ્રિયભાવનાને વિકસાવવા માટે પ્રેરિત કર્યાં. આ એવી એક ઘટના હતી કે જેણે લોકોની ભીતર સુદૃઢ દેશભક્તિની ભાવના જગાડી અને બધા દેશવાસીઓના હિતાર્થે ત્યાગ-બલિદાન અને સેવાનો સંદેશ આપ્યો. પછીથી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ભારતે એક અનોખા આંદોલનથી સ્વાધીનતા પ્રાપ્ત કરી. આવી સ્વાધીનતા વિશ્વના બીજા કોઈપણ દેશે ક્યારેય પ્રાપ્ત કરી નહતી. વિશ્વના બધા મહાન લોકો ગાંધીજીની નૈતિક નિષ્ઠા, આધ્યાત્મિક ઉત્કૃષ્ઠતા અને ત્યાગ-બલિદાન તેમજ સેવા-ભાવનાને ઘણા આદરની દૃષ્ટિએ જોતા હતા. પશ્ચિમના દાર્શનિકોએ કહ્યું હતું, ‘કેવળ ભારત જ આવી મહાન વ્યક્તિને પેદા કરી શકે.’
સાચું આધ્યાત્મિક જીવન જીવનાર રમણ મહર્ષિ તેમજ શ્રીઅરવિંદે અનેક સાધકોને પ્રેરણા આપી છે. એ બંને વીસમી શતાબ્દીના પાંચમા દશક સુધી જીવતા રહ્યા. ભણેલા લોકોને યાદ હશે કે બીજા દેશોના સત્તા પર બેઠેલા રાજનૈતિક નેતાઓ સાથે તેઓ કેવી રીતે વર્તતા હતા. એ પણ ભૂલી ન શકાય કે સ્ટેલિન, મુસોલિની અને હિટલર જેવા સરમુખત્યારશાહી શાસનકર્ત્તાઓએ પોતાના શાસનકાળમાં હજારો નરનારીઓને પીડ્યાં હતાં અને એમનો નાશ પણ કર્યો હતો. બીજી બાજુએ ઘણા લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેનાર જવાહરલાલ નહેરુ ભારતમાં લોકતંત્રની રક્ષા કરવા અને વિશ્વશાંતિ સ્થાપવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા. શું આવું બધું આપણી પ્રાચીન સંસ્કૃતિની પરંપરાને કારણે નથી થયું? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તાર્કિકતા કે આધુનિકતા ભલે ગમે તેટલી પ્રબળ બની રહી હોય,પણ આપણી સંસ્કૃતિનું આ વટવૃક્ષ અટલ-અચળ રહીને નવી-નવી કૂંપળો પ્રસ્ફૂટિત કરી રહી છે. આપણા ઈતિહાસે આ વાતને વારંવાર સિદ્ધ કરી દીધી છે.
પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની શક્તિથી પરિચિત થયા વિના આપણે પોતાના ઊજ્જવળ ભવિષ્યની આશા ન કરી શકીએ. આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાએ જ રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા આપણને એકતાને તાંતણે બાંધીને પ્રેરિત કર્યા છે.
આધ્યાત્મિકતા: પ્રેમનું ઝરણું
પ્રેમની મહત્તાઓ પર ચર્ચા કરતી વખતે આપણને અપ્રત્યક્ષ રૂપે એનું ઉદ્ગમ સ્થાન ધર્મમાં મળે છે. દરેક વ્યક્તિને એવો અનુભવ થવો જોઈએ કે આધ્યાત્મિકતા વિના માનવતાનું કોઈ ભાવિ નથી. એ સર્વવિદિત વાત છે કે નિ:સ્વાર્થ દિવ્યપ્રેમ આત્મજ્ઞાની પુરુષોના હૃદયમાં જ વિશેષ રૂપે પ્રગટ થાય છે. આપણા દેશમાં અસંખ્ય મહાપુરુષોનો આવિર્ભાવ થયો છે. છતાં પણ આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે દરેક દેશમાં આવા મહાપુરુષો અવતર્યા છે; એમણે લોકોને આધ્યાત્મિકરૂપે સન્માર્ગે ચાલતા કર્યા છે. પ્રત્યેક વ્યક્તિએ આ દિવ્ય અને નિ:સ્વાર્થ આચરણ કરવું જોઈએ. દરેક વ્યકિત આવું કરી શકે છે. આધ્યાત્મિક શિક્ષણનો અભાવ જગતને વિનાશને આરે પહોંચાડી રહ્યો છે.
લાખો માતાઓના પ્રેમથી યુક્ત એક હૃદય
મહાપુરુષોનું હૃદય હજારો માતાઓના પ્રેમ તથા તેમની કોમળતાથી ભરેલું હોય છે. સ્વામી વિવેકાનંદ એનું એક ગૌરવશાળી ઉદાહરણ છે. એમનો પ્રેમ કેટલો ગહન અને વ્યાપક હતો? શિકાગોની ધર્મપરિષદમાં પોતાના આોજસપૂર્ણ ભાષણ પછી જે દિવસે તેઓ પ્રસિદ્ધિના શિખર પર હતા અને ત્યાંના ધનવાનોએ એમના સ્વાગતાર્થે પોતાનાં ઘરનાં બારણાં ખોલી દીધાં. એ સુખ-સુવિધાવાળા ખંડમાં એ રાતે એમની આંખોમાંથી ઊંઘ ઊડી ગઈ. એ રાતે તેઓ પોતાની ખ્યાતિ કે અભૂતપૂર્વ વક્તૃત્વકળા વિશે વિચારતા ન હતા. એને બદલે જેમને ભોજનનો કોળિયો પણ મળવો મુશ્કેલ હતો એવા પોતાના દેશવાસીઓ માટે તેઓ રડતા હતા. તેઓ પોતાના એ દુ:ખી દેશવાસીઓની મદદ કરવા ઈચ્છતા હતા. એમનું હૃદય કરુણા અને સહાનુભૂતિનું મહાસાગર હતું.
એમણે કઠોર પરિશ્રમ દ્વારા બેલુરમઠની સ્થાપના કરી. એક વખત કોલકાતામાં પ્લેગનો મહારોગ ફેલાયો. સ્વામીજી લોકોના દુ:ખકષ્ટથી એટલા વ્યાકુળ અને વિચલીત થઈ ગયા કે તત્કાળ તેમણે રાહતકાર્યમાં ઝંપલાવ્યું. એમણે ઉદઘોષણા કરી, ‘લોકોની સહાયતા કરવા હું આ મઠને પણ વેચી દઈશ. આપણે લોકો તો વૃક્ષ નીચે પણ રહી શકીશું.’ દુ:ખ કષ્ટથી પીડિત સંતાનના વિલાપથી કે કણસવાથી માતા પોતાના હૃદયમાં કલ્પી ન શકાય એટલી પીડા અનુભવે છે. હજારો માતાઓના પ્રેમની તીવ્રતા ધારણ કરનાર મહાપુરુષો દ્વારા અનુભવાયેલ પીડાની તીવ્રતાની કોઈ ભાગ્યે જ કલ્પના કરી શકે છે.
Your Content Goes Here