કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫)

આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું આંતરિક છે. આપણે જ્યારે એમ કહીએ કે માણસ ‘જાણે છે’, ત્યારે ખરી રીતે શુદ્ધ માનસશાસ્ત્રીની ભાષામાં એનો અર્થ, માણસને ‘જડ્યું’ કે એ ‘ઉઘાડે છે’, એવો થાય. માણસ જે ‘શીખે’ છે તે ખરી રીતે એને ‘જડ્યું’ છે – જ્ઞાનની અનંત ખાણ જેવા પોતાના આત્મા પરના આવરણને દૂર કરીને જે ‘જડે’ છે તે છે. આપણે કહીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. આ ગુરુત્વાકર્ષણનો નિયમ જગતના કોઈ ખૂણામાં શું એની રાહ જોતો બેઠો હતો ? એ નિયમ ન્યૂટનના મનમાં જ હતો; સમય પાક્યો ત્યારે એ ન્યૂટનને જડ્યો. જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે, જે તમને તમારા મનનો અભ્યાસ કરવા પ્રેરે છે; પણ તમારા અભ્યાસનો વિષય હંમેશાં તમારું મન જ હોય છે. સફરજનના પડવાથી ન્યૂટનને સૂચન મળ્યું, અને ન્યૂટને પોતાના મનનો અભ્યાસ કર્યો; એણે પોતાના મનમાં વિચારોની સર્વ પૂર્વકડીઓને ફરી વાર ગોઠવી, અને એમાંથી એને વિચારની એક નવી કડી મળી. આ નવી કડી એટલે આપણે જેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ તે છે. આ ગુરુત્વાકર્ષણનો નિયમ સફરજનમાં છુપાયો ન હતો, એ પૃથ્વીના કોઈ મધ્યબિંદુમાં છુપાયો ન હતો. એટલે સમગ્ર જ્ઞાન, આધ્યાત્મિક કે પાર્થિવ, માનવમનમાં રહેલું છે. ઘણા દાખલાઓમાં એ ‘જડતું’ નથી પણ આવરણથી ઢંકાયેલું રહે છે; પરંતુ જ્યારે એ આવરણ ધીમે ધીમે દૂર થાય, ત્યારે આપણે કહીએ છીએ કે, ‘આપણે જ્ઞાન મેળવીએ છીએ.’ આવરણ દૂર કરવાની ક્રિયા જેટલી પ્રગતિ સાધે તેટલી જ્ઞાન મેળવવામાં આપણી પ્રગતિ થાય. જેનું આ આવરણ દૂર થતું જાય તે વધારે જ્ઞાની, જેનું આ આવરણ ગાઢ થતું જાય તે અજ્ઞાની, અને જેનું આ આવરણ સાવ દૂર થયું છે એ પૂર્ણ જ્ઞાની, સર્વજ્ઞ… કાષ્ઠમાં જેમ અગ્નિ રહે છે, તેમ મનમાં જ્ઞાન રહે છે. ઘર્ષણથી અગ્નિ પ્રગટે છે તેમ સૂચનથી જ્ઞાન પ્રગટે છે. (૧.૨૨-૨૩)

બીજા કોઈની પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો શિક્ષક માત્ર સૂચન કરે છે, કે જે આંતરિક શિક્ષકને જાગ્રત કરે છે, અને એ વસ્તુને સમજવા કાર્ય કરે છે. પછી આપણી પોતાની ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે, અને આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું. (૧.૭૪)

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.