ગતાંકથી ચાલું…

બીજા એક વરિષ્ઠ સંન્યાસીએ એમની સ્મૃતિરૂપે આવું લખ્યું છે.

‘હું જ્યારે પૂજનીય શુદ્ધાનંદ મહારાજનો વિચાર કરું છું ત્યારે ‘પ્રેમ’ એ એક જ શબ્દ મારા મનમાં આવે છે. બીજાનું ભલું કરવાની એક માત્ર ઇચ્છા એમનામાં જીવંત થઈને પ્રગટતી. જેમને તેઓ મળતા તેમને થોડા જ સમયમાં પોતાના સ્વજન બનાવી દેતા, તેવો એમનામાં એક દુર્લભ ગુણ હતો. તેઓ વિશેષ કરીને યુવાનો અને તરુણોને વધુ ચાહતા. ‘સત્યનો પથ ક્યારેય ન છોડવો. હમેશાં સત્યને વળગી રહેજો. બ્રહ્મચર્યનું પાલન કરજો અને અટલ શ્રદ્ધાથી આધ્યાત્મિક સાધના કરતા રહેજો’, એવી શીખામણ તેમને આપતા… તેઓ બ્રાહ્મણોને પોતાનાં વિધિવિધાનો અને પ્રભુપૂજાનાં ક્રિયાકર્મોનો નિયમિત અભ્યાસ કરવાની સલાહ આપતા.’

આ ઉપરાંત તેમણે બીજા કેટલાંયનાં હૃદયને જીતી લીધાં હતાં એ કોણ કહી શકે? તેઓ ક્યારેય માન-આદરની અપેક્ષા ન રાખતા અને પોતાનાથી વરિષ્ઠ હોય કે પોતાનાથી નાનો હોય તે બધાંની સાથે મુક્તપણે ભળી જતા. એમને મળનારા બધા એમના સંગાથમાં એટલી નિકટતા અને સહજતા અનુભવતા કે કોઈપણ જાતના પૂર્વગ્રહ કે ખચકાટ વિના પોતાના હૃદયની વાત તેમની સમક્ષ કરતા. એમની ઉપસ્થિતિમાં યુવાનો કે વૃદ્ધો જાણે કે ઘરના જ હોય એવો ભાવ અનુભવતા. તેમની પાસે કાંઈ ખાનગી જેવું હતું નહીં. તેઓ તો એક બાળકના જેવા સહજ-સરળ અને સ્પષ્ટ વક્તા હતા. પોતાના કરતાં દરેક રીતે નાનેરા હોય તેમની સમક્ષ પણ તેઓ પોતાની ખામીઓ અને ભૂલોને સ્વીકારતા. કોઈની પીડા કે માંદગીના સમાચાર સાંભળતા ત્યારે તેઓ ખૂબ બેચેન બની જતા અને જ્યાં સુધી એની માંદગી અને પીડા દૂર ન થાય ત્યાં સુધી એમના મનને જંપ ન વળતો. જાણે કે એમના હૃદયમાં પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદની અસીમ કરુણા પ્રવેશી ગઈ હતી.

આ સમય દરમિયાન રામકૃષ્ણ સંઘના વિસ્તાર અને વિકાસના મૂળમાં સ્વામી શુદ્ધાનંદના અથાક પ્રયત્નો રહ્યા હતા. ઢાકા(આજના બાંગ્લાદેશનું પાટનગર)નું કેન્દ્ર એમના યોગ્ય પ્રયત્નોથી રામકૃષ્ણ સંઘ સાથે જોડાયું. આ ઉપરાંત બીજાં અનેક નાનાં મોટાં કેન્દ્રો એમના પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રયત્નોથી સ્થપાયાં. એમણે રામકૃષ્ણ મિશનને શ્રીરામકૃષ્ણ સાથે અભિન્ન સંબંધે જોડ્યાં અને તેમની દૃષ્ટિએ એમના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવો એ સંઘનું મુખ્ય કાર્ય હતું. મિશનના બધાં સેવાકીય કાર્યોનું એમની દૃષ્ટિએ એકમાત્ર ધ્યેય હતું, શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશનો ઉપદેશ. તેઓ કહેતા કે જે કોઈપણ કાર્ય આ ભાવ સાથે ન થાય તો તે બંધનનું કારણ બને છે અને એના દ્વારા વ્યક્તિને મુક્તિ મળતી નથી. તેમણે નાનાંમોટાં બધાં કાર્યોને શ્રીરામકૃષ્ણની સાથે અભિન્ન અંગ રીતે જોડ્યાં અને તેમની આ ઇચ્છાની અનોખી ગુણવત્તા હમેશાં શ્રીરામકૃષ્ણ સંઘના સભ્યો માટે એક માર્ગદર્શકરૂપે રહેશે.

એક વખત સ્વામી શુદ્ધાનંદ રંગૂનના રામકૃષ્ણ મિશનના કેન્દ્રની મુલાકાતે ગયા. અહીં એક મોટી સાર્વજનિક હોસ્પિટલ ચાલતી હતી. ત્યાં ચાલતી દરેક પ્રવૃત્તિ એમણે જોઈ પણ એમણે કોઈ ટીકાટિપ્પણી ન કરી. આને લીધે આ કેન્દ્રના એક અંતેવાસી થોડા અધીર બન્યા અને તેમને આ પ્રશ્ન પૂછવાની હિંમત કરી, ‘મહારાજ, આપણી આ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓ તમને કેવી લાગી એ વિષયે અમે જાણવા માગીએ છીએ.’ સ્વામી શુદ્ધાનંદે લાગણીભર્યા સ્વરે કહ્યું, ‘કાર્ય તો ખરેખર ઘણું અદ્‌ભુત છે, જો તમે જે કરો છો એ બધાં કાર્યનો અર્થ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની યશોગાથાને કાયમને માટે ઉજ્જવળ બનવાનો હોય તો તમારા સૌને માટે એનાથી વધારે ફળદાયી બીજું કયું કાર્ય હોઈ શકે?’ થોડીવાર થોભીને એમણે ફરીથી કહ્યું, ‘જુઓ, સ્વામીજીની કૃપાથી મને એમના નિકટ સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય મળ્યું અને હું જે કંઈપણ એમની નિકટ આવીને સમજ્યો છું તે એ છે કે રાહત-સેવાકાર્ય, શાળાસંચાલન કે હોસ્પિટલનાં કાર્યો, ઉપદેશ અને શિક્ષણ આપવાનાં કાર્યો- આપણાં આ બધાં સેવાકીય કાર્યો એ એમની એક પૂજા છે અને એમનાં મહિમાગાનનું પ્રગટીકરણ છે. રામકૃષ્ણ મિશન જે પણ કંઈ કાર્ય હાથમાં લેશે તે દરેક કાર્યની પાછળનો હેતુ શ્રીરામકૃષ્ણદેવના મહિમાગાનને પ્રગટ કરવાનો છે. આપણાં કાર્યો જોઈને આપણા તરફ નહીં પરંતુ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજી તરફ આકર્ષાવા જોઈએ. એમના મહિમાને પ્રગટ કરવો કે વ્યક્ત કરવો એ આપણા જીવનનો હેતુ છે અને રામકૃષ્ણ મિશનનો પણ. જો આવું ન બને તો કામ ગમે તેટલું મહાન ભલે હોય પણ તે કાર્ય નથી તો સ્વામીજીનું કે નથી ઠાકુરના મિશનનું.’

સ્વામી શુદ્ધાનંદજીનું નેતૃત્વ અને એના ગુણો રામકૃષ્ણ સંઘના ભાવિ વડાઓ માટે એક ઉદાહરણરૂપ બની રહેશે. તેઓ રામકૃષ્ણ સંઘના સભ્યો માટે તેમજ આ જ આદર્શ સાથે ચાલતી બીજી ધાર્મિક સંસ્થાઓના સભ્યો માટે સામર્થ્ય અને પ્રેરણાના સ્રોત હતા. એમણે આવી સંસ્થાઓના વડાઓને જે કંઈ લખ્યું છે તે તેમના નેતૃત્વના ઉદાત્ત ગુણો, વિશ્લેષણાત્મક મન અને દીર્ઘદૃષ્ટિનું ઉદાહરણ હતા. એક પત્રમાં આવું લખાણ હતું ‘પાયાની હકીકત એ છે કે જ્યારે જ્યારે ધાર્મિક સંસ્થાઓ પરસ્પરના પ્રેમ અને લાગણીનાં બંધનોની ઉણપ અનુભવે ત્યારે ઔપચારિક પસંદગી કે મતનો પ્રશ્ન ઊભો થાય છે. કોઈ પણ ધાર્મિક સમાજના સભ્ય બનવાનો મુખ્ય હેતુ છે, ‘આત્માનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’. પરંતુ લોકો સામાન્ય રીતે આ ભૂલી જાય છે. આપણા ગુરુદેવ શ્રીઠાકુર આપણને સદ્બુદ્ધિ આપે અને આવા લોભ, મોહ, અને આસક્તિની શક્તિના બંધનમાંથી આપણને બચાવે.’ સ્વામી શુદ્ધાનંદની ચેતવણીના આ શબ્દો વર્તમાનની અને ભૂતકાળની બધી ધાર્મિક સંસ્થાઓ માટે સાચા છે.

સ્વામી શુદ્ધાનંદજીની નાદુરસ્ત તબિયતથી એમને ઘણું સહન કરવું પડ્યું. ધીમે ધીમે સખત અને સુદીર્ઘ કાળના કાર્યે એમને સંપૂર્ણપણે થકવી દીધા. માર્ચ ૧૯૩૪માં સ્વામી વિરજાનંદે એમને આમંત્રણ આપ્યું અને તેઓ હિમાલયની ગોદમાં આવેલા શ્યામલાતાલના શાંત અને નિરાંતના કેન્દ્રમાં એકાંત, ધ્યાન, અને આધ્યાત્મિક સાધનામાં પોતાનો સમય ગાળવા ગયા. આ બંને બંધુઓ ઘણા લાંબા સમય પછી એકીસાથે મળ્યા એનો એમને ઘણો આનંદ હતો. એમણે કેટલાંય સંસ્મરણો મમળાવ્યાં. વ્યસ્ત દુનિયાથી દૂર શુદ્ધાનંદનું મન વધુ ને વધુ અંતર્મુખી બન્યું. આ રીતે છ મહિના વીતી ગયા.

૧૯૩૫ના અંતે સ્વામી શુદ્ધાનંદ હિમાલયમાંથી કનખલમાં પોતાના બીજા સંન્યાસી બંધુ સ્વામી કલ્યાણાનંદ સાથે વિતાવવા થોડા દિવસ આવ્યા. સ્વામીજીના આ મહાન સપૂતના સ્વાગત માટે સ્વામી કલ્યાણાનંદે સુયોગ્ય વ્યવસ્થા ગોઠવી. આ કાર્યક્રમના એક ભાગરૂપે સ્વામી શુદ્ધાનંદ માટે લખેલા કાવ્યથી એમનું અભિવાદન થયું. આ સમારંભમાં ઉપસ્થિત રહેનાર એક સંન્યાસીને આ કાવ્યની થોડી પંક્તિઓ યાદ હતી

હૃદયથી નિર્મળ, જ્ઞાનથી ઉજ્જવળ
અરે ઓ સંન્યાસી, તું કોણ છે?
સ્વામીજીની અસીમ કૃપાએ અને
તવ અનન્ય મેધાએ એમના સંદેશને
લાવી મૂક્યો બંગાળીમાં બંગબંધુ સમક્ષ
જ્યાં જ્યાં તમે વસો ત્યાં જ્ઞાન વહે સાગરસમું
તમારી પ્રકૃતિ તો છે વિવેકથી પૂર્ણ સંપૂર્ણ.

એ જ સંન્યાસી પાસેથી અમને જાણવા મળ્યું કે સ્વામી કલ્યાણાનંદે પણ એમના અભિવાદનનું વક્તવ્ય લખી રાખ્યું હતું. આ વક્તવ્ય કનખલના એક અંતરંગ સંન્યાસીએ સ્વામી શુદ્ધાનંદની ઉપસ્થિતિમાં વાંચ્યું હતું. આ પ્રસંગે પોતાનું વક્તવ્ય આપતાં સ્વામી કલ્યાણાનંદે સ્વામી શુદ્ધાનંદ વિશે હૃદયપૂર્વક કહ્યું, ‘તેઓ આપણા સર્વશ્રેષ્ઠ રત્ન સમા છે.’ સ્વામી વિવેકાનંદના ગળામાં રહેલ અદ્‌ભુત રત્નમણિવાળી માળામાંના તેઓ એક સૌથી વધારે મૂલ્યવાન રત્નસમા હતા.

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram