ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં.
સ્વામી અભેદાનંદ
સ્વામી અભેદાનંદ સ્વામી વિવેકાનંદના ગુરુબંધુ હતા. તેઓ ‘કાલી વેદાંતી’ના નામે જાણીતા હતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી થોડા દિવસો બાદ બધા શિષ્યો એકઠા થયા. વરાહનગર મઠમાં પોતપોતાની ઉપાસના-સાધના ચાલુ રાખી. દરરોજનાં કાર્યોની પણ વહંેચણી કરી લીધી હતી. ક્યારેક એવંુ બનતંુ કે સ્વામી અભેદાનંદ એમના અભ્યાસ કે સ્વાધ્યાયમાં રત થઇ જતા ત્યારે એકવાર કોઈકે ફરિયાદ કરી કે કાલી કામમાં મદદ કરતા નથી. સ્વામીજીએ આવી કચકચ સાંભળી. તેઓ નિયમ પાલનમાં ચુસ્ત હતા. એમણે કહ્યું, ‘અરેરે, એટલું જ છે ને! આપણો એકાદ ભાઈ ભણીગણીને મોટો પંડિત થાય તો એને થવા દો. એના- કાલીના ભાગનાં વાસણ હું માંજી દઈશ!’
સ્વામી વિવેકાનંદે સ્વામી અભેદાનંદને પરદેશમાં શરૂ કરેલા પોતાના કાર્યને આગળ વધારવા લંડન બોલાવી લીધા. એમણે પરદેશના રીતિરિવાજ શિખડાવ્યા. બધા લોકો સાથે એમનો પરિચય પણ કરાવ્યો. અહીં ભાષણ કેમ આપવંુ એ પણ શીખવી દીધું. અમુક ચોક્કસ દિવસે સ્વામી અભેદાનંદે ભાષણ આપવું, એમ સ્વામીજીએ નક્કી કર્યું. સ્વામી અભેદાનંદે પોતાનું પ્રથમ વક્તવ્ય આપવા પ્રયત્ન કર્યો. એમણે સ્વામીજીને કહ્યું, ‘નરેન, આજ બપોરે હું બોલી શકીશ એવું મને લાગતું નથી. ફરી કોઈકવાર બોલીશ.’ આ સાંભળીને સ્વામીજીએ આકરા શબ્દોમાં કહ્યું, ‘કાલી, આજે તારે બોલવું જ પડશે, જો નહીં બોલે તો હું બારીમાંથી બહાર ફંેકી દઇશ.’ એટલે સ્વામી અભેદાનંદે પોતાનું વક્તવ્ય આપવું પડ્યું. અલબત્ત વક્તવ્ય ઘણું પ્રભાવક અને રસપ્રદ રહ્યું. સ્વામીજીને એનાથી ખૂબ આનંદ થયો. પોતાનો પુત્ર પોતાની જ હોશિયારીથી વિજય મેળવે ત્યારે પિતાને કેવું અભિમાન કે કેવો ગર્વ થાય એવો જ ગર્વ સ્વામીજીને થયો.
(ગોડ લીવ્ડ વિથ ધેમ- સ્વામી ચેતનાનંદ, પાના નં-૪૨૮, સ્વામી વિવેકાનંદ ઇન અમેરિકા : અ ન્યૂ ડિસ્કવરી-મેરી લૂઇ બર્ક, વો.૩, પાના નં-૩૮૭)
સ્વામી અખંડાનંદ
૧૮૯૮માં કોલકાતામાં પ્લેગના રોગે હાહાકાર મચાવ્યો હતો. લોકો ગભરાઈને શહેર છોડીને ભાગવા માંડ્યા. સરકારે રોગ નિવારણ માટે સારવાર અને યોજનાઓ શરૂ કરી. લોકોમાં રોગ વિશે ગેરસમજ હતી એટલે સરકારને કાર્યમાં સહકાર ન મળતો. આ જોઇને સ્વામીજી થોડા અકળાયા. એમણે નીલાંબર મુખર્જીના બગીચામાં એક સભા બોલાવી. મઠના અંતેવાસીઓ અને ભક્તોને એમણે કહ્યું, ‘આપણે અહીં ઈશ્વરનું પવિત્રનામ લઈને ભેગા થયા છીએ. મૃત્યુના ડરને ખંખેરીને પ્લેગના રોગીઓની સેવા આપણે કરીશું. જરૂર પડે તો મઠ માટે ખરીદેલી જમીન પણ વેચી નાખીશું. રોગીઓની સેવા માટે જીવન અર્પણ કરવાની આપણી તૈયારી છે. લોકોની સેવાચાકરી, કાળજી અને સારવાર વૈદ્યકીય દૃષ્ટિએ કરીશું.’
લોકોને આ રોગની અને તેના સારવારની સાચી આરોગ્ય દૃષ્ટિ અને માહિતી પહોંચાડવી જરૂરી હતી. એ માટે બંગાળી અને હિંદીમાં ચોપાનિયાં છપાવ્યાં. હિંદુ અને મુસલમાન બંને સમાજના અભણ લોકોમાં રહેલી ગેરસમજણને દૂર કરવા આ પત્રિકાઓ ઘરેઘરે વહેંચવાની જવાબદારી સ્વામી અખંડાનંદે લીધી.
આવી પત્રિકાઓ લઇને તેઓ આવતા દેખાતા ત્યારે લોકો એમની આસપાસ ટોળે વળતા. ક્યારેક તો અકળાઈ જવાય એટલી ભીડ જામતી. એક વખત તેઓ એક ભક્તના ઘરે મહામુસીબતે પહેલા માળે પહાંેચ્યા. ત્યાં ચારપાંચ લોકોએ એમને ઘેરી લીધા અને પૂછવા માંડ્યા, ‘તમે કોણ છો અને આ સરકારને કેમ મદદ કરો છો?’ એ સાંભળીને સ્વામી અખંડાનંદે એનું સ્પષ્ટીકરણ આપવાનો પ્રયત્ન કર્યો ત્યાં તેમના ઓળખીતા ગૃહસ્થે તેમને રોક્યા અને કહ્યું, ‘સ્વામીજી, આ લોકોને આ સમજાવવું એટલે તમારી શક્તિનો નિરર્થક વ્યય કરવા જેવું છે. તમારાં ચોપાનિયાં મને આપી દો અને તમે ઘરની અંદર ચાલ્યા જાઓ. નહિતર તમારો જીવ જોખમમાં મુકાશે.’
એ દિવસે એમના મિત્રે એમને પેલા ગુંડાઓથી બચાવ્યા. બીજે અને ત્રીજે દિવસે ફરીવાર તેઓ ચોપાનિયાં લઈને કાલીઘાટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં ગયા. ત્યાં પણ લોકોની ભીડ જામી. એકઠા થયેલા લોકોએ સ્વામી અખંડાનંદને ટોણો મારતાં પૂછ્યું, ‘સરકારે તમને આ કામ કરવા માટે કેટલા પૈસા આપ્યા છે? ભાઈ, જીવન આટલું સસ્તું છે!’ સ્વામી અખંડાનંદે એ બધાને પ્લેગના ફેલાવા વિશે અને એને વધતો રોકવાના ઉપાય અને સારવાર વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ એમની વાત સાંભળે કોણ? લોકો તો એમને સાધુના વેશમાં આવેલા સરકારી જાસુસ ગણતા હતા.
તન અને મનથી થાકીને તેઓ પાછા આવ્યા. લોકોના આવા આત્મઘાતી સ્વભાવથી એમને ઘણું આશ્ચર્ય થયું. પણ ત્યારપછી જ્યારે બધા લોકોએ જોયંુ કે મઠના સંન્યાસીઓ અને ભગિની નિવેદિતા પ્લેગથી પીડાતા લોકોની મન, પ્રાણથી સેવા કરે છે ત્યારે લોકોના મનમાં રહેલ શંકાનાં વાદળ ધીમેધીમે દૂર થવા લાગ્યાં. બીજા કેટલાક જુવાનિયાઓ પણ શહેરની સ્વચ્છતા જાળવવા માટે આગળ આવ્યા અને આપમેળે લોકોને મદદ કરવા લાગ્યા. (સ્વામી અખંડાનંદ- સ્વામી અન્નદાનંદ, પાના નં-૧૬૦ )
Your Content Goes Here