ગતાંકથી આગળ…

અહિંસાની અભિવ્યક્તિ

યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે છે. ભારતીય સંસ્કૃત સાહિત્યનાં કાવ્યોમાં આશ્રમોનાં વર્ણન આપણે વાંચીએ છીએ. વાઘ અને હરણ એ આશ્રમમાં એક સાથે નિર્ભય અને સ્વચ્છંદ ભાવે વિચરણ કરતાં હતાં. એમ આ માત્ર એક કાવ્યાત્મક અત્યુક્તિ નથી પણ એક નર્યું સત્ય છે.

અહિંસાનો અર્થ વિચારો અને કાર્યો દ્વારા બીજા કોઈને હાનિ પહોંચાડવાથી દૂર રહેવું એટલું જ નથી; એમાં તો બધાં પ્રત્યે વિશુદ્ધ પ્રેમભાવ પણ આવી જાય છે. પ્રેમ, મૈત્રી અને દયા અહિંસાનાં બીજાં પાસાં છે. જ્યારે સાધુસંત અહિંસાની સાધના કરે છે ત્યારે એમના હૃદયમાંથી પવિત્રપ્રેમની ધારાઓ વહેવા માંડે છે. ધ્યાનપ્રાર્થના જેવી સાધના ન કરનારા લોકો પણ આવા મહાપુરુષોના સાંનિધ્યમાં શાંતિ અને સંતુષ્ટિનો અનુભવ કરે છે, એવાં ઉદાહરણો જોવા મળે છે. જેમાં આવા મહાત્માઓના સાંનિધ્યમાં પશુપંખીઓ પણ અત્યંત સુખ અને નિર્ભયતા અનુભવે છે એવાં ઉદાહરણ પણ જોવા મળે છે.

જ્યારે રમણમહર્ષિ પોતાના આશ્રમમાં રહેતા હતા ત્યારે જંગલી પશુપક્ષી નિર્ભય બનીને એમના હાથેથી ખાવાની ચીજવસ્તુઓ લઇને ખાતાં. પશુપક્ષીઓ પ્રત્યે એમનો પ્રેમ અનન્ય હતો. પશુઓ માટે તેઓ ઉભયનિષ્ટ નપુંસકલિંગનો પ્રયોગ ન કરતા. એને બદલે પુલ્લિંગ કે સ્ત્રીલિંગ વાચક સર્વનામનો ઉપયોગ કરતા. તેઓ પૂછતા, ‘શું બાળકોએ ભોજન લઇ લીધું?’ એનો અર્થ ‘શું કૂતરાઓએ ખાઇ લીધું?’ એવો થતો. જ્યારે તેઓ પૂછતા, ‘શું લક્ષ્મીએ ભોજન લઇ લીધું?’ ત્યારે એનો અર્થ થતો, ‘શું લક્ષ્મી નામની ગાયને નીરણ નાખી?’ તેઓ મોરના અવાજની નકલ કરીને મોરને બોલાવતા અને મોરલાઓ પણ પાસે આવીને દાળ, ચોખા, કે કેરી લઇને જંગલમાં પાછા ચાલ્યા જતા. ચકલી અને ગોરૈયા એમના હાથ પર બેસીને હથેળીમાંથી ચણ ચણતાં. પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં જ્યારે તેઓ તીવ્ર પીડાથી ગ્રસ્ત હતા ત્યારે મોરનો કેકારવ સાંભળીને તેમણે પૂછ્યું, ‘શું એમને પોતાનું રોજનું ખાવાનું મળી ગયું છે કે કેમ?’

તેઓ આશ્રમના પરિસરમાં ક્યારેય સાપને મારવાની રજા ન આપતા. તેઓ કહેતા, ‘આપણે અહીં એમના રાજ્યમાં આવ્યા છીએ. એટલે એમને હાનિ પહોંચાડવી ઉચિત નથી. તેઓ પણ આપણને હાનિ પહોંચાડવા ઇચ્છતા નથી.’ જ્યારે એકવાર તેઓ એક ટેકરી પર બેઠા હતા ત્યારે એક નાગ એમના પગ પર ચડીને ત્યાં થોડી વાર આળોટીને ચૂપચાપ ચાલ્યો ગયો. તેઓ અવિચલિત અને નિર્ભય થઇને બેઠા રહ્યા. પછીથી જ્યારે એમને પૂછવામાં આવ્યું કે નાગ તમારા પગ પર સરકતો હતો ત્યારે તમને કેવો અનુભવ થયો? ત્યારે એમણે કહ્યું, ‘શીતળ અને મુલાયમ!’

આશ્રમમાં કમલા નામની એક ચપળ કૂતરી હતી. મહર્ષિ એને આશ્રમના ભક્તો અને અતિથિઓને ટેકરીઓની ચારે બાજુ ટહેલવા લઇ જવાનું કહેતા. એ કૂતરી પણ લોકોને આશ્રમની આસપાસની મૂર્તિઓ, સરોવરો અને મંદિરોનું દર્શન કરાવી લાવતી.

રમણ મહર્ષિ પરમ જ્ઞાનીમાં હોય એવા સહજ સદ્ગુણોનો ભંડાર હતા. તેઓ જ્ઞાન, નિર્ભયતા, પ્રેમ, દયા અને સહાનુભૂતિથી પરિપૂર્ણ હતા. એમણે પશુઓનાં વ્યવહાર, અવાજ અને એમના આચારોનું ઘણી ગહનતાથી નિરીક્ષણ કર્યું હતું. વાનરોની વચ્ચે કોઈ ઝઘડો થાય તો એનું સમાધાન કરી આપતા. સામાન્યત : જંગલોમાંથી ભાગીને ગામમાં કે શહેરમાં આવનાર વાનરને પકડી લેવામાં આવે છે અને લોકો એને પાળે પોષે પણ છે. વળી ક્યારેક ક્યારેક એ વાનરો જંગલમાં પાછા ફરે ત્યારે જંગલના વાનરો એમનો સ્વીકાર ન કરતા અને એમનો બહિષ્કાર કરતા. પરંતુ રમણ મહર્ષિના સંગમાં આવેલા વાનર આવા નિર્વાસનથી મુક્ત હતા. જંગલના વાનર આવા વાનરોનું પોતાની જાતિમાં પ્રેમથી સ્વાગત કરીને એમને સ્વીકારી લેતા. એકવાર રમણ મહર્ષિ જંગલમાં ફરવા ગયા. જ્યારે એમને ભૂખ લાગી ત્યારે કોણ જાણે ક્યાંકથી વાનરોનું એક ઝુંડ આવી ગયું. એ બધા વાંદરા એક ફળવાળા વૃક્ષ પર ચડી ગયા અને કેટલાંક ફળ નીચે પાડ્યાં. એ ફળ લીધા વિના જ એ બધા વાંદરા ત્યાંથી ચાલ્યા ગયા.

પ્રેમની શક્તિ અસીમ છે. રમણ મહર્ષિ બધાંના મિત્ર હતા. એમણે વિશ્વ સમક્ષ પશુપક્ષીઓને પરમ સ્નેહની દૃષ્ટિએ જોવાનો આદર્શ આપણી સમક્ષ મૂક્યો છે.

સાપ સાથે રમત ન કરો

એ વાત સાચી કે રમણ મહર્ષિ અવિચલિત અને નિર્ભય બનીને બેઠા રહ્યા અને નાગ એમના પર સરકતો, એમને કોઈ હાનિ કર્યા વિના પગ પરથી ચાલ્યો ગયો. પણ આનો અર્થ એવો નથી થતો કે વન્ય પશુઓ હંમેશાં માનવીય દયા અને ઉદારતાનો આવો જ પ્રતિભાવ આપે. એક પ્રૌઢ વ્યક્તિએ એક ઘટના સંભળાવી હતી :

પૂરના દિવસોમાં એકવાર એક આખું ગામ પાણીથી ભરાઇ ગયું. એ વખતે એક માણસ અને નાગ એક ઝાડ પર રહેવા લાગ્યા. પૂર ઊતર્યું ત્યારે એ વ્યક્તિને શોધનાર તેનો ભાઇ તેને ઝાડ પર ચડેલો જોઇને બચાવવા આવ્યો. ત્યાંથી નીકળતી વખતે એ વ્યક્તિએ પૂરના સમયે એને કોઈ હાનિ ન પહોંચાડનાર નાગ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરીને પ્રેમ અને સ્નેહભાવે નાગને પંપાળવાની ઇચ્છા કરી. પણ પેલો નાગ તો ક્રોધે ભરાયો એને તો ફૂંફાડો મારીને ફેંણ ઉઠાવી, ભોડું લંબાવીને જોેરથી દંશ દીધો. તે માણસ તત્કાળ મરી ગયો.

દ્વેષભાવનો દોષ

વેરભાવનો બોધક શબ્દ ‘દ્વેષ્’ સંસ્કૃતના ‘દ્વિષ્’ ધાતુ પરથી બન્યો છે. એનો અર્થ થાય છે બમણું ઝેરીલું. મનમાં ઘૃણાભાવને પોષનારા પોતાને તો જલાવતા રહે છે અને જે લોકો એમની ઘૃણાને પાત્ર હોય છે એમને પણ જલાવે છે. દ્વેષ કે ઘૃણા મનુષ્યને વિષનો ભંડાર બનાવી દે છેે. દ્વેષવાળો મનુષ્ય પોતે તો નાશ પામે છે પણ બીજાનેય ભેગો લઇ જાય છે. ઘૃણા એક એવી નકારાત્મક શક્તિ છે કે જે બધું બરબાદ કરી દે છે.

પ્રેમ પરસ્પરની સંવેદના, અરસપરસની સહમતિ અને સ્વીકૃતિ, પરસ્પરનાં સમજણ અને સૌહાર્દ ઉત્પન્ન કરે છે. જ્યારે ઘૃણા પરસ્પરનાં દ્વેષ, દુર્વ્યવહાર, સંઘર્ષ, ગેરસમજણ, ઉદાસીનતા અને ઇર્ષ્યાને વધારી દે છે. આ ઘૃણા માનવને વિનાશની ખીણની ટોચે પહોંચાડીને તેનો સર્વનાશ કરી દે છે. જો આ જગત ઇર્ષ્યા અને ઘૃણાથી મુક્ત બની જાય તો તે સ્વર્ગ જ બની જાય. આજકાલ સંસારમાં દરેક વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં કેવળ ઘૃણાની આગને જ હવા દેતો રહે છે. એ એક કેવી વિચિત્ર વાત છે. સંતો કહે છે કે ઘૃણા ભક્તિનો શત્રુ છે. જ્યાં સુધી હૃદયમાં ઘૃણાને આશ્રય મળે છે ત્યાં સુધી હૃદયમાં ભક્તિને માટે કોઈ સ્થાન નથી હોતું. જો આપ સાચી રીતે ધાર્મિક હો, જો આપ ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિ અને સાચી શ્રદ્ધા રાખતા હો તો આપ કોઈની સાથે ઘૃણા નહીં કરો. નિ :સ્વાર્થ પ્રેમથી પરિપૂર્ણ હૃદયવાળા સાધુસંત બધાંની ઉપર સમાન ભાવે પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહે છે અને સમગ્ર માનવસમાજને મદદરૂપ બને છે. દુષ્ટ લોકો જ ઘૃણાનું ઝેર ફેલાવીને સમાજનું સ્વાસ્થ્ય બગાડે છે. (ક્રમશ 🙂

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.