ગતાંકથી આગળ…
એક વખત સ્વામી વિવેકાનંદ બેલુરમઠમાં હતા. રાતના એક વાગ્યો હશે. તેઓ પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવના એક બીજા સંન્યાસી અને સ્વામીજીના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદ ત્યાં આવ્યા અને એમને પૂછ્યું, ‘સ્વામીજી અત્યાર સુધી તમે સૂતા નથી?’ સ્વામીજીએ કહ્યું, ‘હું તો સૂઈ ગયો હતો પરંતુ થોડી વાર પછી અનેક લોકોના દારુણ વિલાપ સાંભળીને હું જાગી ગયો.’ સ્વામી વિજ્ઞાનાનંદજી આ વાતનો મર્મ સમજી ન શક્યા અને સંદેહ સાથે પોતાના ઓરડામાં પાછા ફર્યા. પછીના દિવસે વર્તમાનપત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે હજારો માઈલ દૂર ભૂમધ્યસાગરની પાસે એક ભયંકર ભૂકંપ આવ્યો અને એમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. એ લોકોના મૃત્યુના પળના હૃદયવિદારક ચિત્કારના સ્વરથી સ્વામી વિવેકાનંદનું માતા જેવું સરળસહજ હૃદય કંપી ઊઠ્યું. સામાન્યત : એક માતા જ પોતાની દૃષ્ટિથી દૂર રહેનાર સંતાનો કે પ્રિયજનોની પીડા અનુભવી શકે છે. પણ તે એવી જ રીતે બીજાની પીડાનો અનુભવ કરી શકતી નથી. આત્મ-સાક્ષાત્કાર કરનાર મહાપુરુષ હરપળે બીજાની પીડાને અનુભવતા હોય છે. તેઓ કોઈ આશા અપેક્ષા રાખ્યા વિના દિવસરાત લોકોની પીડા દૂર કરવા પ્રયત્ન કરતા રહે છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી કે સંસારથી પર રહેનાર આ મહાપુરુષ નિ :સ્વાર્થ ભાવે બીજાને દુ :ખ કષ્ટથી બચાવતા રહે છે. આ એક મહાન સત્ય છે.
પર દુ :ખે દુ :ખી થતું હૃદય
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘નેતા બનવાની ઇચ્છા રાખનારની પાસે સંવેદનશીલ હૃદય હોવું જોઈએ.’ એમના મત પ્રમાણે, ‘મહાન કાર્યો માટે ત્રણ વસ્તુની આવશ્યકતા છે. પહેલી છે, હૃદયથી અનુભવવાની શક્તિ. શું તમે અનુભવી શકો છો? દેવતાઓ અને ઋષિઓનાં કરોડો સંતાનો આજે પશુતુલ્ય બની ગયાં છે. એનો તમે હૃદયથી અનુભવ કરો છો? શું તમે એ અનુભવી શકો છો કે આજે લાખો લોકો ભૂખે મરે છે અને લાખો લોકો સદીઓથી ભૂખે મરતા આવ્યા છે? આ બધંુ વિચારીને તમે આકુળ વ્યાકુળ થઈ જાઓ છો? શું આનાથી તમારી ઊંઘ હરામ થઈ જાય છે? શું આ બધી ચિંતા તમારા લોહીની સાથે ભળીને તમારી રક્તવાહિનીઓમાં વહે છે? શું એ તમારા હૃદયના સ્પંદન સાથે હળીમળી ગઈ છે? શું એણે તમને પાગલ જેવા બનાવી દીધા છે? શું આ દેશની દુર્દશાની ચિંતા જ તમારા ધ્યાનનો એક માત્ર વિષય બની ગયો છે? અને શું આ ચિંતામાં વિભોર બનીને તમે પોતાનાં નામ, યશ, પુત્ર-પત્ની, ધનસંપત્તિ અરે પોતાના દેહની સુધબુધ ભૂલી ચૂક્યા છો? શું તમારી આવી અવસ્થા થઈ છે? જો ‘હા’ હોય તો તમે દેશભક્ત બનવાની પહેલી સીડી પર પગ રાખ્યો છે, કેવળ પહેલી સીડી પર જ!…
શું તમે આ દુર્દશાના નિવારણ માટે યથાર્થ કર્તર્વ્ય પથ નક્કી કર્યો છે? શું લોકોની નિંદા ન કરીને એમની સહાય કરવાનો કોઈ ઉપાય વિચાર્યો છે ખરો? શું તમે દેશવાસીઓની આ જીવતાં મરેલી અવસ્થામાંથી બહાર લાવવાનો કોઈ માર્ગ બરાબર તૈયાર કર્યો છે ખરો? શું એમના દુ :ખોને ઓછાં કરવા બે સાંત્વનાના શબ્દો ખોળ્યા છે ખરા?… પરંતુ આટલાથી જ કામ પૂરું નહીં થાય. શું તમે પર્વતના આકાર જેવાં વિઘ્નોને પાર કરીને કાર્ય કરવા તૈયાર છો? અરે આખી દુનિયા હાથમાં ઊઘાડી તલવાર લઈને તમારો વિરોધ કરવા ઊભી થઈ જાય તો પણ જેને તમે સત્ય માનો છો એને પૂર્ણ કરવાનું સાહસ કરી શકશો?… આમ છતાં પણ શું તમે એમાં જ મંડ્યા રહીને પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહેશો? શું તમારામાં આવી દૃઢતા છે? આ ત્રણ બાબતો જો તમારામાં છે તો તમારામાંથી દરેક અદ્ભુત કાર્ય કરી શકશે.’
કરુણાને વિકસાવો
મહાભારતમાં લખ્યું છે કે ચોતરફ રહેનારા જીવો પ્રત્યે કરુણા, સમસંવેદન અને પ્રેમ રાખવો એ સર્વોચ્ચ ધાર્મિક સાધના છે.
યુધિષ્ઠિર પોતાના પ્રિય કૂતરાને મૃત્યુલોકમાં છોડીને સ્વર્ગમાં જવા ઈચ્છતા ન હતા. તેઓ ચરિત્ર્યની આ અંતિમ પરીક્ષામાં સફળ થઈને સદાચાર-પરાયણતાનું એક આદર્શ ઉદાહરણ બન્યા. જો કે એ કૂતરો એમનો ન હતો તો પણ યુધિષ્ઠિર એને ત્યજીને એકલા સ્વર્ગે જવા તૈયાર ન થયા. આ ઘટના એમના કરુણા, સહાનુભૂતિ અને પારકાના દુ :ખે દુ :ખી થવાની ભાવના પ્રગટ કરે છે. એમની આ કરુણાદૃષ્ટિએ જ એમને મહાપુરુષ બનાવી દીધા.
આપણે પરમ કરુણામય ઈશ્વર પાસે સદૈવ પોતાના પર દયા કરુણા રાખવા, કૃપા કરવા અને રક્ષણ કરવા વિનંતી કે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આપણે ઈશ્વરનાં સંતાનો, પોતાની આસપાસ રહેલ બધાં પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, એ વિશે આપણે સચેત કે ચિંતિત છીએ ખરા? જો આપણે એમની પરવા ન કરીએ તો આપણી પ્રાર્થના નિર્માલ્ય અને સ્વાર્થપૂર્ણ છે, એવો એનો અર્થ થતો નથી? શું આ વર્ષે એકવાર ગાયની પૂજા કરીને એમનું પૂણ્ય મેળવવા અને બાકીના બીજા બધા સમયે એમની અવગણના કરવા જેવું નથી? દાર્શનિક શોપનહાૅવરે કહ્યું છે કે પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવનારા લોકો ક્યારેય સજ્જન ન બની શકે.
પશુ પોતાના પ્રત્યે દાખવેલા સદ્વર્તન કે સદાચારને ક્યારેય ભૂલતા નથી અને પોતાનું હિત કરનાર પ્રત્યે કૃતઘ્નતા બતાવતાં નથી, એ દર્શાવતાં અનેક ઉદાહરણો મળી રહે છે. એક વાર ગોવામાં એક બજારને રસ્તે એક ગાંડો હાથી હાહાકાર મચાવતો હતો અને પોતાની સામે આવનાર બધી ચીજવસ્તુઓનો વિનાશ કરતો હતો. એવામાં રસ્તામાં એને એક નાનું બાળક મળ્યું. હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરીને એને ઉપાડી લીધું અને કોઈ ઈજા-હાનિ કર્યા વિના નજીકની એક દુકાનની ઓસરીમાં મૂકી દીધું. પછી વળી પાછું વિનાશનું કાર્ય શરૂ કર્યું. કેટલાય વર્ષો પહેલાં આ હાથી જ્યારે સડક પર નીકળતો ત્યારે આ બાળકની મા એને કંઈક ને કંઈક ખવડાવતી. હાથી મદોન્મત્ત હતો પણ બાળકની માતાએ કરેલા ઉપકારને ભૂલી ન શક્યો.
ચિત્રકૂટમાં પયોષ્ણી નદીના કિનારે એક બીજી ઘટના ઘટી. એક બાળક લપસીને નદીમાં પડ્યો અને નદીના પ્રવાહમાં તણાવા લાગ્યો. બાળકની મા એને નદીમાં પડતો જોઈને મદદ કરવા બૂમો પાડતી હતી. એકાએક એ માતાએ કોઈકને નદીમાં ખાબકતો હતો એનો અવાજ સાંભળ્યો અને એ એ દિશામાં જ જોવા લાગી. એક મોટો વાંદરો નદીમાં કૂદી પડ્યો હતો! એણે બાળકને પ્રવાહમાંથી ખેંચ્યો અને ઉપાડીને એની મા પાસે મૂક્યો અને પછી તરત અદૃશ્ય થઈ ગયો.
એવી ઘટનાઓ સાંભળવા મળે છે કે બીજા વિશ્વયુદ્ધમાં કૂતરાઓએ સૈનિકોને કેટલી બધી સહાય કરી હતી. બેલ્જિયમની પોલીસના એક કૂતરાએ એક વર્ષમાં બે હજાર લોકોના જીવ બચાવીને ચમત્કાર સર્જ્યાે હતો. મૂક પશુ પણ નિશ્ચિત રૂપે પ્રેમને ઓળખી સમજીને તેનું આદાન પ્રદાન કરી શકે છે. એટલે જ પશુઓ પ્રત્યે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવો અનુચિત છે. આમ છતાં પણ સ્વાર્થી લોકો પોતાને મદદ કરતાં પશુઓ પ્રત્યે પણ આવો કૃતઘ્ન વ્યવહાર કરે છે. ઈંગ્લેન્ડમાં પશુઓ પ્રત્યે દુર્વ્યવહાર કરનારને દંડની સજા થાય છે. જો કે ઈંગ્લેન્ડની વસ્તી આપણા દેશ કરતાં દસગણી ઓછી છે. છતાં પણ ત્યાં ૬૩ પક્ષીઘર, ૭૯ પશુચિકિત્સાલય અને ૧૮૦ પશુકલ્યાણ કેન્દ્ર છે. ત્યાં એવાં અનેક પક્ષીઘર છે કે જે સરકારની સહાય વિના ચલાવાય છે. માંદાં પશુઓની ચિકિત્સામાં ૨, ૯૦,૦૦૦ પશુઓની ચિકિત્સા થાય છે. વસ્તુત : યુરોપ વાસીઓનો પ્રકૃતિપ્રેમ અનુસરવા જેવો છે. ગૌતમબુદ્ધે કહ્યું છે, ‘પૃથ્વી પર જન્મેલું દરેક પ્રાણી સુખ ઈચ્છે છે, બધાં પ્રત્યે દયા રાખો.’ સંત બસવન્નાએ ‘દયા વિના ધર્મ ન હોય’ કહીને બધા લોકોને દયાળુ અને સહાનુભૂતિશીલ બનવાનું આહ્વાન કર્યું છે. (ક્રમશ 🙂
Your Content Goes Here