સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જળી જાય.’
એક ભક્ત – ત્યારે હવે ઉપાય ?
શ્રીરામકૃષ્ણ – ઉપાય સાધુસંગ અને પ્રાર્થના.
વૈદ્યની પાસે ગયા વિના રોગ મટે નહિ. સાધુસંગ એક દિવસ કર્યે વળે નહિ. હંમેશાં, તેની જરૂર; કારણ કે રોગ તો લાગેલો જ છે. તેમજ વૈદ્યની પાસે રહ્યા વિના નાડીજ્ઞાન થાય નહિ, તેથી સાથે સાથે ફરવું જોઈએ. ત્યારે કઈ કફની નાડી, કઈ પિત્તની નાડી એ બધું સમજાય.
ભક્ત – સાધુસંગનો શો ફાયદો થાય ?
શ્રીરામકૃષ્ણ – ઈશ્વરમાં અનુરાગ થાય, તેની ઉપર પ્રેમ આવે. ઈશ્વર માટે આતુરતા આવ્યા વિના કાંઈ ન વળે. સાધુસંગ કરતાં કરતાં ઈશ્વરને માટે પ્રાણ આકુળવ્યાકુળ થાય. જેમ કે ઘરમાં કોઈ બીમાર હોય તો મન હંમેશાં વ્યગ્ર રહ્યા કરે, કે કેમ કર્યે એ સાજું થાય. તેમ જો કોઈની નોકરી તૂટી ગઈ હોય, તો એ વ્યક્તિ જેમ ઓફિસે ઓફિસે ધક્કા ખાધા કરે, તેવી આતુરતા ઈશ્વરને માટે આવવી જોઈએ. જો કોઈ ઓફિસેથી જવાબ મળે કે જગા ખાલી નથી, તો ય પાછો બીજે દિવસે આવીને પૂછે કે ‘આજે એકે જગા ખાલી પડી છે ?’
‘બીજો એક ઉપાય છે : આતુર થઈને ઈશ્વરની પ્રાર્થના. ઈશ્વર તો આપણો પોતાનો, તેને પ્રાર્થના કરવી જોઈએ કે તમે કેવા છો ? દર્શન આપો, દર્શન દેવાં જ પડશે, તમે મને ઉત્પન્ન શા માટે કર્યો?
શીખ સિપાઈઓએ કહેલું કે ઈશ્વર દયાળુ છે. મેં તેમને કહ્યાું કે ‘એને દયાળુ કહેવો શા માટે ? તેણે આપણને પેદા કર્યા છે, તેથી જેનાથી આપણું ભલું થાય એવું જો એ કરે, તો એમાં શી નવાઈ ? માબાપ છોકરાંનું પાલન કરે, તેમાં વળી દયા શેની ? એ તો એણે કરવું જ પડે. એટલે ઈશ્વરની પાસે હઠપૂર્વક પ્રાર્થના કરવી જાઈએ. ઈશ્વર તો આપણી મા, આપણો બાપ. છોકરો જો અન્ન ખાવાનો ત્યાગ કરે તો બાપ મા ત્રણ વરસ અગાઉથી જ તેનો ભાગ કાઢી આપે. વળી જ્યારે છોકરું પૈસો માગે, અને વારેવારે કહ્યા કરે, ‘બા પૈસો આપ ને,’ તો પછી મા તેની હઠ જોઈને કંટાળીને પૈસા ફેંકી દે. ‘સાધુસંગથી બીજો એક લાભ થાય. સત્-અસત્નો વિચાર આવે. સત્ – એટલે નિત્ય પદાર્થ, એટલે કે ઈશ્વર; અસત્ એટલે કે અનિત્ય. અસત્ માર્ગે મન જાય તેની સાથે જ વિચાર કરવાનો. હાથી બીજાની કેળનું થડિયું ખાવા સારું સૂંઢ લાંબી કરે કે તરત મહાવત અંકુશ મારે.
પાડોશી – મહાશય, પાપની ઇચ્છા શા માટે થતી હશે ?
શ્રીરામકૃષ્ણ – ઈશ્વરના આ જગતમાં બધા પ્રકાર છે. સત્પુરુષોને પણ તેમણે કર્યા છે, દુષ્ટ લોકોનેય તેમણે કર્યા છે. સદ્બુદ્ધિ ભગવાન જ આપે છે, અસદ્બુદ્ધિ પણ એ જ આપે છે. શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૧, પા. ૪૦)
Your Content Goes Here