ગતાંકથી આગળ….

પછીના શ્લોકમાં એક ગહન વિચાર રજૂ થાય છે.’

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ।।28।।

‘બધા જીવો અવ્યક્તમાંથી આવે છે, વચ્ચેના કાળમાં વ્યક્ત રૂપ ધારણ કરે છે અને પાછા અવ્યક્તમાં લય પામે છે; પછી ચિંતાનું, શોકનું કારણ શું છે ?’

આરંભમાં બધાં પ્રાણીઓ અવ્યક્ત હોય છે. પછી વચ્ચેના સમયમાં સૌ વ્યક્ત સ્વરૂપ ધારણ કરે છે અને અંતે પાછાં અવ્યક્તમાં ભળી જાય છે. આ ખૂબ જાણીતું કથન છે.

મહાભારતમાં શાન્તિપર્વમાંના सनत्सुजातीय વિભાગમાં આ જ સત્યને સુંદર રૂપે વ્યક્ત કરવામાં આવ્યું છે : अदर्शनात् आपतितः पुनश्च अदर्शनं गतः- ‘આપણે અદર્શન (નથી દેખાતું તે)માંથી આવ્યાં છીએ અને અદર્શનમાં જ પાછા જઈએ છીએ.’ આ આપણો રોજનો અનુભવ છે. સત્ય ભલે પ્રગટ થાય. ભૂત છે, ભવિષ્ય છે અને એ બેની વચ્ચે વર્તમાન છે. એ વર્તમાન દશામાં થઈ શકે તેટલું સત્કૃત્ય આપણે કરીએ. આ વિષય ખૂબ કઠિન છે પરંતુ, એ ગહન સત્ય છે. એને થોડો પણ સમજવા માટે ખૂબ સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે. પછીના શ્લોકમાં એ કહેવાયું છે :

आश्चर्यवत्पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः श्रृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ।।29।।

‘કેટલાક લોકો આ (સત્ય)ને આશ્ચર્ય તરીકે જુએ છે; બીજા કેટલાક એની વાત આશ્ચર્ય તરીકે કરે છે; કેટલાક એને આશ્ચર્ય તરીકે સાંભળે છે; બીજા કેટલાક એને સાંભળ્યા પછી પણ જરાય સમજતા નથી.’

કેટલાકને આ સત્ય આશ્ચર્ય તરીકે દેખાય છે; એ જ રીતે બીજા કેટલાક એની વાત આશ્ચર્ય તરીકે કરે છે કે સાંભળે છે, પણ બહુ જ થોડા એને સમજી શકે છે. આ આત્મા એક મહાન રહસ્ય છે. એ છે જ પરંતુ, બધો સમય એ પોતાની જાતને કળાવા દેતું નથી. આ ગોપિત સત્ય છે. વેદાંત ચિંતનથી ખૂબ અભિભૂત થયેલા, ઓગણીસમી સદીના એક અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગે ‘પેરાસેલ્સસ’ નામનું એક કાવ્ય લખ્યું છે. આત્માનો ઉલ્લેખ તેમાં એ ‘કેદી ભવ્યતા’ તરીકે કરે છે. આપણી દરેકની અંદર ગહન ભવ્યતા નિવસી રહી છે પણ, દેહમન સંકુલની અંદર એ કેદ પડેલી છે. એ કેદી ભવ્યતાને તમારે મુક્ત કરવાની છે. એ આધ્યાત્મિક જીવન છે, अेष सर्वेषु भूतेषु गूढो आत्मा न प्रकाशते, એમ કઠોપનિષદ કહે છે, આ આત્મા સૌમાં વસે છે પણ, ગૂઢ રીતે સંતાયેલો છે, ખૂબ, ખૂબ રહસ્યમય છે. न प्रकाशते, ‘એ પ્રકટ થતો નથી.’ એ સાચું છે પણ, આપણે એનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. એની કેદમાંથી ભવ્યતાને આપણે મુક્ત કરી શકીએ છીએ. આપણા આધ્યાત્મિક જીવનમાં આપણે તેમ કરીએ છીએ. આત્મજ્યોતિ આપણા રોજિંદા જીવનને અને માનવ સંબંધોને થોડી પણ પ્રકાશિત કરશે ત્યારે, બધો દ્વેષ, બધી હિંસા, બધું શોષણ અશ્ય થઈ જશે. આમ આ ‘કેદી ભવ્યતા’નો વિચાર અતિ સુંદર વિચાર છે.

આત્મા સતત રહસ્ય જ રહે છે. પણ એ રહસ્ય ઉકેલી શકાય છે. યોગ્ય પદ્ધતિઓ વડે એનો સાક્ષાત્કાર કરી શકાય છે. આધ્યાત્મિક જીવનની અને સાક્ષાત્કારની એ વેદાંતી રીત છે. કઠ ઉપનિષદ (૧.૨.૭)માં આ જ વાત કહેવાઈ છે : आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा, आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः, ‘આત્માનો બોધ દેનાર આશ્ચર્યકારી પુરુષ હશે અને, આત્માનો શિષ્ય પણ આશ્ચર્યકારી હશે,’ જ્યારે આ બંને ભેગા થાય, એટલે કે ‘નિષ્ણાત ગુરુ પાસેથી શીખીને જે શિષ્ય આત્મસાક્ષાત્કાર પામે છે તે પણ આશ્ચર્ય છે. આમ, આ રહસ્ય સામે આપણે આશ્ચર્ય પામતા ઊભા છીએ ને એની પૂજા કરીએ છીએ. આપણાથી બીજું થઈ પણ શું શકે ? આપણે શાંતિથી એનું ધ્યાન ધરી શકીએ, એનું પૂજન કરી શકીએ. આપણા ચિત્તથી કે વિચાર વડે આપણે એને પકડી શકતા નથી. પરમ સત્યનું આ સ્વરૂપ છે; એ આપણી આટલું નિકટ હોવા છતાં આટલું દૂર છે, આપણી સમજશક્તિની પકડની બહાર છે. ઉપનિષદો આ વિચારને દોહરાવે છે. એ તમારી ખૂબ નિકટ છે ને છતાં ખૂબ દૂર છે, અજ્ઞાની માટે દૂર, જ્ઞાની માટે નિકટ. માનવમુક્તિનું સમગ્ર કેન્દ્ર એ વિશિષ્ટ રહસ્યમાં છે. એનો સાક્ષાત્કાર કરો એટલે, તમે મુક્ત. બીજા પ્રકારની મુક્તિઓ જરૂરની છે પણ, આ મુક્તિ બધી મુક્તિઓની મુક્તિ છે. તમે સમૃદ્ધિને અને સત્તાને શિખરે હો પરંતુ, તમે તદ્દન અમુક્ત હો. પણ તમારા સાચા સ્વરૂપના આ જ્ઞાન વડે, ભલે તમારી પાસે ઐહિક સુખસામગ્રીઓ ન હોય તો પણ, તમે સાચા અર્થમાં મુક્ત થશો.

તો, આ ૨૯મા શ્લોકે આ મહાન રહસ્યને, આ કેદખાનામાં પડેલી ભવ્યતાને આપણી સમક્ષ મૂકેલ છે અને તમારે, મારે તથા આપણે સૌને માટે પડકાર એ છે કે, આ જન્મમરણના કારાગારમાંથી મુક્ત શી રીતે થવું. એને બહાર આવવા દો. એને પ્રકટ થવા દો. એટલે તો, એક શાસ્ત્રીય વાકયમાં વિવેકાનંદ ધર્મની વ્યાખ્યા આપે છે.’ ‘મનુષ્યમાં અનુસ્યૂત દિવ્યતાનું પ્રાકટ્ય એ જ ધર્મ.’ એ અનુસ્યૂત છે, એને પ્રકટ થવા દો. આપણા જીવનમાં થોડીક પણ આ દિવ્યતા પ્રકટ થશે તો મનુષ્ય જીવનમાં અને પારસ્પરિક સંબંધોમાં કેવું પરિવર્તન આવશે ? ગીતા આ મહાબોધ આપે છે. આપણે હજી આરંભમાં જ છીએ. અઢારેય અધ્યાયોમાં, આ મહાન વિષયવસ્તુની વચ્ચે આપણે હોઈશું. ને આજે આખું જગત ગીતાનું શ્રોતામંડળ છે. અગાઉ, ભારતના થોડાક જ લોકોને તે લાભ મળતો હતો, એનો સંદેશ આપણા દેશની બહુમતીએ ઝીલ્યો ન હતો. આજે ગીતાની નકલ મેળવવાને આખું જગત ઝંખી રહ્યું છે. તાજેતરમાં, બલ્ગેરિયાના પાટનગર સોફિયાથી એક સાધકનો પત્ર હતો, ‘અમે કશું જાણતા નથી, અમારી પાસે માત્ર એકબે ગ્રંથો છે. થોડાં પુસ્તકો મોકલવા કૃપા કરો. અમે આ વિચારોના ભૂખ્યા છીએ.’ આજે જગતની આ પરિસ્થિતિ છે.

ભૌતિક વિજ્ઞાનમાં પણ એક નાનો જીવંત કોષ વૈજ્ઞાનિક માટે આશ્ચર્ય છે. રચનાતંત્રનું આશ્ચર્ય છે, સર્જન, લય, આકૃતિ ઘડન, પ્રજનન વ. એની પ્રત્યેક પ્રવૃત્તિ આશ્ચર્ય છે. પદાર્થનો નાનો કકડો પોતાનામાં પ્રચંડ શક્તિ ધારણ કરી રહ્યો છે તે, ભૌતિકશાસ્ત્રમાં પણ આશ્ચર્ય છે; એ પરમાણુવિજ્ઞાન છે. आश्चर्यवत् पश्यति, એને વિશે પણ આપણે કહી શકીએ છીએ. પ્રકૃતિમાં તમે જેમ ઊંડા ઊતરો તેમ, બહારથી દેખાતાં આશ્ચર્યો ઘટી જાય અને, પ્રકૃતિમાંનાં બૃહત્તર આશ્ચર્યો તમારી સમક્ષ પ્રગટ થાય. એ જ રીતે, મનુષ્યના અવલોકનનું અધ્યયન પશ્ચિમમાં હમણાં જ આરંભાયું છે. સર જુલિયન હકસ્લીના કહ્યા પ્રમાણે, ‘મનનો અભ્યાસ હમણાં જ આરંભાયો છે. એક અદ્‌ભુત વાક્યમાં શેક્સપિયરે કહ્યું છે, ‘માનવી કેવી તો અદ્‌ભુત ચીજ છે ! આ માનવી જગતને વશ કરી શકે, સમજી શકે, એની પાર જઈ શકે, એનામાં એવું આશ્ચર્યકારક શું છે ?’ બ્રિટિશ કવિ રોબર્ટ બ્રાઉનિંગે કરેલા શબ્દપ્રયોગ, ‘કેદી ભવ્યતા’નો ઉલ્લેખ મેં અગાઉ કર્યો હતો. અર્વાચીન વિજ્ઞાનનાં માનસશાસ્ત્ર અને જ્ઞાનતંતુશાસ્ત્ર માનવીમાં ઊંડાં ઊતરશે ત્યારે, આ આશ્ચર્ય વધારે પ્રકટ થશે. મગજનો અભ્યાસ પોતે જ મહાન આશ્ચર્ય છે. મગજ કેવી રીતે કાર્ય કરે છે, એના બધા કોષો કેવા સહકારથી વર્તે છે અને પછી, સુસંગત જીવનરચના કરી જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવે છે તે સઘળું આશ્ચર્યની બાબત છે. પરંતુ ઉપનિષદો જેની વાત કરે છે તે અનંત આત્મા સૌથી મોટું આશ્ચર્ય છે. દેહમનનો આ નાનકડો સંકુલ, જે બહિર્જગતની તુલનાએ ખૂબ નાનો છે છતાં, જેની અંદર કશુંક પ્રચંડ તત્ત્વ છે તે, અર્વાચીન ચિંતન સામે મોટો પડકાર છે. ઘણા સમય પૂર્વે ભારતીય ચિંતને એનો વિજયવંતી સામનો કર્યો હતો. आश्चर्यवत् पश्यति कश्चित् अेनम्… માં આ વ્યક્ત થયું છે.

શ્રીરામકૃષ્ણ કહેતા કે, પોતાના અનંત શિવસ્વરૂપનો સાક્ષાત્કાર કરીને શિવ પોતાની જાતને વશ ન રાખી શકયા અને નૃત્ય કરવા લાગ્યા. સામાન્ય રીતે તમારામાં શક્તિ ઉભરાય ત્યારે તમે નાચવા લાગો. ત્યારે જ તમે નાચો. તમે શક્તિહીન હો તો નાચી નહીં શકો. ભીતરની શક્તિનો વિકાસ તમને નચાવશે. શિવનું નૃત્ય એનું પરિણામ છે. એ શિવ છે, અનંત છે. મનુષ્યના આત્માની આ ગહન ખોજમાંથી આવા સુંદર વિચારો લાધે છે.

વિવેકાનંદ કહે છે, ‘મનુષ્ય તરીકે પ્રકટ થતા આત્માની ગૌરવગાથા કોઈ ગ્રંથ, કોઈ શાસ્ત્ર, કોઈ વિદ્યા કદી કલ્પી શકે નહીં…’ (કં. વર્કસ ઓફ સ્વા. વિવેકાનંદ, વાૅ. ૨, પૃ. ૨૫૦ પર) આ પ્રસિદ્ધ સત્ય છે. સામાન્યપણે, આપણે મર્યાદિત શક્તિવાળા પ્રાણીવ્યક્તિઓ છીએ. પણ આપણને શંકા છે કે, દરેક માનવપ્રાણીની ભીતર કશુંક ખૂબ ગહન છે. માનવી સત્ય જાણવા પ્રયત્ન કરે ત્યારે, એ શંકા આશ્ચર્યમાં ફેરવાઈ જાય છે. પછી એ સાક્ષાત્કારની બાબત બને છે.

ફ્રેન્ચ ફિલસૂફ અને રહસ્યવાદી પાસ્કલે અઢારમી સદીમાં કહ્યું હતું કે : ‘અવકાશમાં વિશ્વ મને આવરી લે છે ને મને સોઈની અણી જેવો બનાવી દે છે. પણ, વિચાર દ્વારા હું વિશ્વને સમજી શકું છું.’

તો પછી, મારું સાચું પરિમાણ શું હશે ? શું હું માત્ર રજકણ છું ? ના, એ રજકણમાં પ્રચંડ ભવ્યતા ભરી છે. એ આત્મા છે, આ રહસ્યનો એ કર્તા છે. ઈન્દ્રિયો દ્વારા થતો આ જગતનો અનુભવ અદ્‌ભુત હોય તો, ભીતરમાં ‘કેદી’ આત્માનો અનુભવ લાખલાખગણો અદ્‌ભુત હોવાનો. ભારતીય ચિત્તને આ ગહન સત્યે સદીઓથી આકર્ષ્યું છે. ઉપનિષદો પછી આ શોધથી આપણા લોકોને પ્રેરણા મળી હતી. ‘એ સત્ય મારે જાણવું જ જોઈએ.’ એ માટે તો અનેક લોકોએ અરણ્યવાસ સેવ્યો હતો, ગુફાઓમાં જઈ ચિંતન કર્યું હતું, માત્ર એ માટે કે, એ ગહન સત્યનો સાક્ષાત્કાર થાય. ભૌતિક વિજ્ઞાનની કોઈપણ ટેકનોલોજી – તરકીબ – એમાં સહાયરૂપ નહીં થઈ શકે. એટલે જ ભારતમાં આપણને ઠેર ઠેર ગુફાઓ જોવા મળે છે. તે ઈતિહાસમાં ભારત એક બુદ્ધને પ્રકટાવે છે : એવો મનુષ્ય જેણે ‘કેદી ભવ્યતા’ને ભેદી અને, અમર સત્ય શોધ્યું. એ ખૂબ આનંદિત થઈ ગયા હતા અને, જે વૃક્ષ નીચે એમને જ્ઞાન લાધ્યું હતું ત્યાં એ સાત દિવસો ટહેલતા રહ્યા. પછીથી એ ‘બોધિવૃક્ષ’ નામે ઓળખાયું.

Total Views: 290

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.