(જૂથિકા રોય ભારતનાં સુખ્યાત ભજન ગાયિકા છે. એમનો મધુર કોકિલ કંઠ શ્રોતાઓને કલાકોના કલાકો સુધી જકડી રાખે છે. એમની આત્મકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું ગુજરાતી ભાષાંતર કુ. સુજ્ઞા શાહે કર્યું છે. એનો આ અંશ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.)
ગાડી મને લેવા માટે આવશે એમાં મારે બેલેઘાટા આવી ત્યાંથી મહાત્મા ગાંધી અને બીજા બધાંની સાથે મેદાનમાં પ્રાર્થનાસભામાં જવાનું હતું. બપોરે બરાબર ચાર વાગે બેલેઘાટાથી બાપુજી સાથે પ્રાર્થનાસભામાં હું આવી. સાથે આભા ગાંધી, મનુ ગાંધી અને બીજા પણ કેટલાક લોકો હતા. મેદાન આખું ખીચોખીચ ભરેલું હતું, જાણે માનવમહેરામણ જોઈ લો! તલભર જગ્યા ક્યાંય નહોતી. પોતાના આ પૂજનીય નેતાને પ્રણામ કરવા માટે રસ્તાની બેય બાજુ અસંખ્ય લોકો જમા થઈ ગયા હતા. બાપુજીની ગાડી ધીરે ધીરે મેદાન તરફ જવા લાગી. ચારે બાજુથી ગુલાબનાં ફૂલો અને પાંદડીઓ વેરીને લોકોએ પોતાના પ્રિય નેતાનું સ્વાગત કર્યું. રસ્તાની બે બાજુ અસંખ્ય લોકો હાથ જોડીને ઊભા રહી ગયા હતા અને પોતાના પૂજ્ય નેતાને પ્રણામ કરી રહ્યા હતા. કેટલો અસીમ વિશ્વાસ, ભક્તિ અને શ્રદ્ધા હતી સૌને પોતાના પ્રિય નેતા પર! આજે પણ એ અનુપમ દૃૃશ્ય મારા મનમાં એમનું એમ છે!
મેદાનમાં ઊભા કરેલા મંચ આગળ આવીને અમારી ગાડી ઊભી રહી. બાપુજી આભા અને મનુના ખભે ટેકો લઈને ત્વરિત ગતિથી ચાલતા મંચ ઉપર એમની જગ્યાએ જઈને બેઠા. હું મંચની એક બાજુએ બેઠી હતી. સૌથી પહેલાં રામધૂન ગાઈને પ્રાર્થનાસભા શરૂ થઈ. ત્યાર પછી ગીતાપાઠ થયો. ગીતાપાઠ પછી બાપુજીએ આખા દેશની શાંતિ માટે પ્રાર્થના કરીને ઉપસ્થિત મેદનીને સંબોધી. મારા ભજનગાયનથી પ્રાર્થનાસભા સંપન્ન થઈ. બાપુજીની સાથે અમે બેલેઘાટનાં નિવાસસ્થાને આવ્યાં અને ત્યાંથી મને ગાડીમાં ઘેર મૂકી જવામાં આવી. બાપુજીનાં નિકટથી દર્શન કરવાની અને એમને ભજન સંભળાવવાની આટલાં વર્ષોની મારી આશા પૂર્ણ થઈ. આ શુભદિન મારા કલાજીવનનો એક સ્મરણીય દિવસ બની રહ્યો છે, એ નિ :શંક વાત છે.
—–
આભા ગાંધી સાથે આ મારો પ્રથમ પરિચય હતો. આગળ જતાં આભા ગાંધીનાં પિતાજી, મા, ભાઈ, બહેન બધાંની સાથે અમારે ઘણો ઘનિષ્ઠ સંબંધ થયો. આભાના પિતા અમૃતલાલ ચટ્ટોપાધ્યાયે બાપુજીના આદર્શથી પ્રેરિત થઈને દેશની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. તેઓ પોતે સૂતર કાંતીને કપડાં પહેરતાં અને બાપુજીની જેમ જ ટૂંકું ધોતિયું પહેરતા. પોતે જ પોતાનું રાંધીને એક વાર જમતા. બાપુજીના આદર્શાેને લખીને વિવિધ રીતે લોકોના લાભાર્થે એનો પ્રચાર કરતા, અને ગરીબ લોકોની સેવા પણ કરતા. આભા, એની મોટી બહેન, મોટાભાઈ સૌએ વર્ધા આશ્રમમાં બાપુજી પાસે તાલીમ લીધી હતી. આભા કોલકાતા આવે ત્યારે મને મળ્યા વિના જતી નહીં. આભા મને ‘મેજદી’ (વચેટ બહેન) કહીને બોલાવતી. આવું પ્રેમપૂર્વકનું સંબોધન ખૂબ આત્મીય લાગતું. આભાના નાના ભાઈ રમેન ચેટરજી પાસે હું હિંદી શીખતી હતી. અલબત્ત હિંદી લિપિનો પરિચય મને ગ્રામોફોન કંપનીના મલિકસાહેબ પાસેથી થયો.
લગભગ એક વર્ષ સુધી રમેનભાઇએ મને હિંદી ભાષાના સુપ્રસિદ્ધ લેખકોનાં વિવિધ પુસ્તકો વંચાવીને અને જુદા જુદા પ્રશ્નો લખીને હિંદીનું જ્ઞાન આપ્યું. ઉપરાંત મારી રેકાૅર્ડનાં હિંદી ગીતોમાં મલિકસાહેબે મને જે મદદ કરી હતી, એને લીધે જ બધી રેકાૅર્ડ સફળ થઈ હતી. ‘અય ચાંદ નહી શરમાના’ એ મલિકસાહેબની ખુદની જ રચના હતી.
પછી તો ગુજરાતમાં રાજકોટ કે બીજે ક્યાંય પ્રોગ્રામ માટે જાઉં ત્યારે આભા મારી સાથે ને સાથે જ રહેતી. રાજકોટમાં મોટે ભાગે હું ‘રામકૃષ્ણ આશ્રમ’માં ઊતરતી. રાષ્ટ્રીયશાળા શ્રીરામકૃષ્ણ આશ્રમથી નજીક જ છે. આભા ત્યાં રહેતી હતી. હું જ્યારે પણ આશ્રમમાં જાઉં ત્યારે આભા, તેના પતિ કનુ ગાંધી વગેરે સૌ આશ્રમમાં આવતા. તેઓ સૌ શ્રી ઠાકુરના ભક્ત હતા. શ્રી ઠાકુરની સેવા કરવા ઉપરાંત બધા સાધુઓની સેવા કરવી, આશ્રમનું ધ્યાન રાખવું વગેરે કામ એ લોકો કરતા. તેમણે પછી સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસે રામકૃષ્ણ મંત્રની દીક્ષા લીધી હતી. આ ગાંધી પરિવારને મારાં ભજનો સાંભળવાં બહુ જ ગમતાં. રાષ્ટ્રીય શાળામાં પણ હું ઘણી વાર રહી છું. આભાનો અખૂટ પ્રેમ મને મળ્યો છે. આભા દેખાવે સુંદર, શાંત અને સાલસ સ્વભાવની હતી. ગાંધીજીના આદર્શ મુજબ તેણે આખું જીવન વિતાવ્યું. બધાંને પ્રેમ આપીને પોતાના કરી લેવાં એ એનો મોટો ગુણ હતો, જે કેમેય ભૂલી શકાય એમ નથી.
——
ઘણા વખતથી મા અમને ભાઈ-બહેનોને બેલૂર મઠમાં શ્રી રામકૃષ્ણના નામની દીક્ષા અપાવવા માટે પ્રયત્નો કરતી હતી. પણ એવી તક મળતી નહોતી. ૧૯૪૦માં પૂજનીય સ્વામી વિરજાનંદજી મહારાજ, બેલૂર મઠના પરમાધ્યક્ષ હતા, ત્યારે એવો નિયમ હતો કે પરમાધ્યક્ષ સિવાય બીજા કોઈ સ્વામી દીક્ષા આપી ન શકે. આથી પરમાધ્યક્ષ મઠમાં હાજર હોય ત્યારે દીક્ષા લેવા માટે ખૂબ ભીડ થતી. ઘણા દિવસ અગાઉથી નામ નોંધાવવું પડતું અને વારો ન આવે ત્યાં સુધી દીક્ષા મળતી નહીં. દીક્ષા આપવા માટે પરમાધ્યક્ષે અન્ય સેન્ટરમાં પણ જવું પડતું, પરિણામે બેલુરમઠમાં તેઓ અવવાના હોય ત્યારે ખૂબ જ ભીડ થઈ જતી. માએ તપાસ કરતાં જાણવા મળ્યું કે પરમાધ્યક્ષ મહારાજ થોડા દિવસ માટે બેલુરમઠમાં આવ્યા છે અને ભક્તોને દીક્ષા આપે છે.
બે દિવસ પછી ગ્રામોફોન કંપનીમાં મારું રેકાૅર્ડિંગ હતું, એ પતાવીને એ જ દિવસે સાંજે ટ્રેનમાં હું અને પિતાજી મુંબઈ જવા નીકળવાનાં હતાં. મા પોતે એકલી બેલુર મઠ ગઈ અને સ્વામીજીને મારી દીક્ષા માટે પૂછી જોયું. સ્વામીજીએ કહ્યું, ‘મા! હમણાં તો દીક્ષા આપવાનું શક્ય નથી. દીક્ષા લેનારાંનાં નામ તો ક્યારનાં નોંધાયેલાં છે, એટલે આ વખતે થઈ નહીં શકે, પણ એમ કરો, આવતા વરસ માટે તેનું નામ લખાવી દો.’ માએ નિરાશાથી કહ્યું, ‘છેક આગલે વર્ષે! હજી તો કેટલી બધી વાર છે ! એ દરમ્યાન તો ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે.’ મારી દીક્ષાનું કંઈ ગોઠવાયું નહીં. મા નિરુપાય, નિરાશ થઈને મઠથી પાછી આવી રહી હતી. અચાનક અમારા ખાસ ઓળખીતા એવા બેલુર મઠના સંન્યાસી પૂજ્ય સ્વામી પૂર્ણાનન્દ મહારાજે માને જોઈ. માને આવા આકરા તાપમાં ચિંતામગ્ન થઈને એકલી ફરતી જોઈને પૂછ્યું, ‘મા! શું થયું? આપ એકલાં આવા પ્રખર તાપમાં કેમ ફરો છો?’ માએ દુ :ખી હૃદયે સ્વામીજીને તમામ હકીકત જણાવી.
સ્વામીજી આ સાંભળતાં જ બોલી ઊઠ્યા, ‘એ તે કેવું કહેવાય મા? રેણુની દીક્ષા ન થાય? એવું કંઈ હોતું હશે? હું હમણાં જ રેણુનું નામ દીક્ષાર્થીઓમાં મોકલી દઉં છું.’ મા આ સાંભળીને ખુશ જઈ ગઈ. તેણે દુ :ખ સાથે જણાવ્યું, ‘પણ સાંજે તો રેણુ મુંબઈ જવા નીકળવાની છે, ત્યાર પહેલાં જ એની દીક્ષા થઈ જાય તો ઘણું સારું’ આટલું કહ્યા પછી માએ ઉમેર્યું, ‘જુઓ સ્વામીજી! રેણુ એના વૃદ્ધ પિતાની સાથે ઘણી નવી નવી અને અજાણી જગ્યાઓએ જાય છે, ત્યારે મને ખૂબ ડર લાગે છે કોને ખબર ક્યારે, શું થઈ જાય? અત્યારનો સમય ખૂબ ખરાબ છે. એટલે મને દૃૃઢ વિશ્વાસ છે કે શ્રીઠાકુરનું નામ લઈને એ જ્યાં પણ જશે તો એને કોઈ મુશ્કેલી નહીં પડે. આથી એ મુંબઈ જવા નીકળે એ પહેલાં જ હું રેણુને દીક્ષા અપાવવા માગું છું.’ સ્વામી પૂર્ણાનન્દજીએ આ સાંભળીને કહ્યું, ‘મા, તમે કશી ચિંતા ન કરશો. કાલે બપોરના ૧ર વાગ્યા સુધીમાં રેણુને લઈને મઠમાં આવી જજો, સાંજે ૬ વાગ્યા સુધીમાં તો એને દીક્ષા અપાઈ જશે.’
બીજા દિવસે દમદમ સ્ટુડિયોમાં રેકાૅર્ડિંગ પતાવીને ૧૧ વાગ્યે મા અને હું દીક્ષા લેવા માટે બેલુર મઠ ગયાં. ગંગાના કિનારે આવેલા બેલુર મઠમાં બીજા માળે મારી દીક્ષાવિધિનું આયોજન થયું હતું. આ ઓરડાની બાજુના ઓરડામાં જ સ્વામી વિવેકાનંદ રહેતા. ઓરડામાં પ્રવેશતાં મેં જોયું તો સામે જ એક ખુરશી પર પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદજી બિરાજેલા હતા. નીચે ભક્તગણ દીક્ષા લેવા માટે રાહ જોઈ રહ્યા હતા. મેં ઓરડામાં પ્રવેશીને સ્વામીજીને પ્રણામ કર્યા. મારા માથા પર હાથ મૂકીને એમણે આશીર્વાદ આપ્યા. હું બરાબર એમની સામે ગોઠવાઈ. સામે એક નાના ટેબલ પર અગરબત્તી પેટાવવાનું કહ્યું. એક સાથે બે-ત્રણ અગરબત્તી મેં પેટાવી. તે પછી એમણે બધાને પૂછ્યું, ‘તમે સૌ એક ઈષ્ટ નામનો મંત્ર લેશો ને?’ અમે કહ્યું, ‘અમે સૌ શ્રી રામકૃષ્ણનો મંત્ર લઈશું.’ આ સાંભળીને સ્વામીજી દીક્ષાના તમામ નિયમો એક પછી એક કહેવા લાગ્યા. કેવી રીતે આસન પર બેસવું વગેરે તમામ બાબતો તેમણે સરસ રીતે બતાવી. ત્યાર પછી એમણે મને બીજમંત્ર આપ્યો. સ્થિર અને શાંત ચિત્તે બેઠેલા ગુરુ મહારાજની શાંત અને સૌમ્ય મૂર્તિ હજી આજેય મારા હૃદયમાં જીવંત છે.
દીક્ષા પૂરી થયા પછી અમે સૌ એક પછી એક ગુરુ મહારાજને પ્રણામ કરી, આશીર્વાદ લઈને બહાર નીકળ્યાં. ત્યાર પછી મઠમાં એક સાથે બેસીને અમે શ્રીઠાકુરનો પ્રસાદ ગ્રહણ કર્યો. મારી દીક્ષાના દિવસે માએ પોતે આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો. મઠથી પાછા ફરતી વખતે મા અને હું ગુરુ મહારાજને પ્રણામ કરવા ગયાં. સ્વામી પૂર્ણાનન્દજી ખૂબ ખુશ દેખાતા હતા. કેટલાય ભક્તોએ આવીને શ્રીઠાકુરનો નામમંત્ર લીધો. સ્વામીજીના મુખ ઉપર અને આંખમાં એક પરમ આનંદમય ભાવ જણાતો હતો. અમે એમને પ્રણામ કર્યા. એમણે આશીર્વાદ આપીને માને કહ્યું, ‘મા, હવે તો તમે નિશ્ચિંત થયાં ને? હવે તમને ડર નથી ને? સાચે જ, તમે તમારી દીકરીને સત્યનો માર્ગ બતાવ્યો છે. હું પણ શ્રીઠાકુરને જૂથિકાના મંગળ માટે પ્રાર્થના કરીશ.’
દીક્ષા લીધા પછી હું અને મા બેલુર મઠથી બપોરે ત્રણ વાગે જયમિત્ર સ્ટ્રીટના અમારા નિવાસસ્થાને આવ્યાં. તે જ દિવસે સાંજે પિતાજી સાથે ટ્રેનમાં હું મુંબઈ જવા નીકળી. મુંબઈમાં બે-ત્રણ કાર્યક્રમો આપીને ગુજરાતમાં જુદી જુદી જગ્યાઓએ પ્રાૅગ્રામ આપ્યા. અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ભાવનગર, રાજકોટ, જામનગર વગેરે શહેરોમાં પ્રાૅગ્રામ આપીને કોલકાતા પાછા ફરતાં એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો.
—–
૧૯૪રમાં મેં એકલીએ દીક્ષા લીધી હતી. ૧૯૪૬માં માએ મારાં અન્ય ભાઈ-બહેનોની દીક્ષા માટે પણ વ્યવસ્થા કરી. કાલીપદ લંડન ભણવા ગયો હોવાથી તે હાજર રહી શક્યો નહીં. બધાં ભાઈ-બહેનોની દીક્ષા થઈ ગયા પછી ગુરુ મહારાજે માને પૂછ્યું, ‘હવે તો શાંતિ થઈ ને! તમારાં બધાં જ બાળકોની દીક્ષા થઈ ગઈ.’ મા કહે, ‘હા, પણ એક જણ હજી બાકી રહી ગયો. કાલીપદ લંડન ભણવા ગયો છે. એક વર્ષ પછી એ પાછો આવશે ત્યાર પછી એને દીક્ષા લેવડાવીશું.’
ગુરુ મહારાજ આ સાંભળીને કહે, ‘થશે, થશે, શ્રીઠાકુરની ઇચ્છાથી સઘળું સારું થઈ રહેશે.’ અમે સાચે જ ભાગ્યશાળી ગણાઈએ, કારણ કે માને કારણે અમને ગુરુદેવ પાસેથી જે બીજમંત્ર મળ્યો એ અનેક જન્મોની તપસ્યાને લીધે મળી શક્યો હતો. આવા મહાન ગુરુ પણ કોઈ ભાગ્યશાળીને જ મળે ને!
Your Content Goes Here