રામકૃષ્ણમઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’(જૂન ૨૦૦૨) ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

શિવમહિમ્ન સ્તોત્રમાં પુષ્પદન્તે કહ્યું છે :

मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवतः ।
पुनामित्यर्थेऽस्मिन् पुरमथन बुद्धिर्व्यवसिता ।।

હું મારી વાણી શુદ્ધ કરવા માટે તમારા ગુણોનું કથન કરી રહ્યો છું. મહાપુરુષોની બાબતમાં પણ એમ જ કહી શકાય. આપણા પોતાના મનની શુદ્ધિ માટે તેમના જીવનની ચર્ચા કરવાની હોય છે.

એક દિવસ સ્વામીજી એકલા એકલા બેલુર મઠમાં લટાર મારી રહ્યા હતા અને કાંઈક બાબત વિષે સ્વગત રીતે બોલી રહ્યા હતા. કોઈકે પાછળથી તેમની આ સ્વગતોકિત સાંભળી લીધી, ‘જો બીજો વિવેકાનંદ હોય તો આ વિવેકાનંદે જે કર્યું છે, તેને સમજી શકે!

આ સ્વગતોકિતમાં તેમનું મિથ્યાભિમાન ન હતું, તેઓ કોઈ બીજા માણસ સાથે વાત કરી રહ્યા ન હતા. તેઓ પોતાની જાત સાથે વાત કરી રહ્યા હતા. પરંતુ સ્વામીજીનું આ સાવ સાચું મૂલ્યાંકન છે. વિવેકાનંદને સમજવા માટે બીજા વિવેકાનંદની આવશ્યકતા છે. આ અતલ ઊંડાણવાળા ચરિત્રના ઊંડાણનું માપ કાઢવા માટે કોઈ પ્રયત્ન કરે તો તેમાં તે સફળ ન થાય. ગુરુદેવ જ સ્વામીજીને સમજી શક્યા હતા. તેઓ વારંવાર કહેતા, ‘મને કેશવચંદ્ર સેનમાં એક સૂર્ય દેખાય છે, અને નરેનમાં મને આવા અઢાર સૂર્યો દેખાય છે!’ ગુરુદેવે પોતાની દિવ્યદૃષ્ટિથી જે જોયું હતું, તેની જ તેઓ વાત કરતા હતા. તેથી આપણે જ્યારે આવા વ્યકિતત્વનું વિશ્લેષણ કરવાની કોશિશ કરીએ ત્યારે આપણી મતિ મૂંઝવણમાં મુકાઇ જાય છે.

સ્વામીજીના જીવનનો ગાળો બહુ ટૂંકો હતો. ગુરુદેવને સમજમાં આવી ગયું હતું કે સ્વામીજી લાંબંુ નહીં જીવે. આથી ગુરુદેવના મનમાં એક વસવસો રહી ગયો હતો કે જો આવી સર્વગ્રાહી વ્યકિત લાંબો સમય જીવે, તો વિશ્વ માટે કેટલું બધું વધારે કામ કરી શકાય. વળી તેમની દિવ્ય દૃષ્ટિથી તેઓ સમજી ગયા હતા અને કહ્યું હતું : ‘મા આટલાથી પણ પોતાનું કામ કરાવી લેશે.’ ગુરુદેવ પોતે પણ પોતાના નશ્વર દેહમાં પચાસ વરસ જીવ્યા અને સ્વામીજી ચાલીસ કરતાં ઓછાં વરસ જીવ્યા.

આ ટૂંકા ગાળામાં તેઓ આખી દુનિયામાં ફરી વળ્યા અને ઉલ્કાની પેઠે નિજ જ્યોતિથી ચારેય દિશાઓને ઉજ્જવળ કરી દીધી. અને સ્વામીજીએ પોતે કહ્યું છે કે તેમણે એ સમય ગાળામાં પણ જે આપ્યું છે, તેને કાર્યાન્વિત કરતાં પંદરસો વરસ લાગી જાય. અસામાન્ય વ્યકિતઓનું યોગદાન આવું હોય છે. એમણે જે પ્રદાન કર્યું છે, તેનું મૂલ્યાંકન તરત જ ન કરી શકાય. લાંબા સમય સુધી માણસો તેમનાં જીવન અને આદર્શાે વિષે ચિંતન કરતા રહે, પુન :ચિંતન કરતા રહે અને એમ કરતાં કરતાં ધીમે ધીમે તેમને સમજવા લાગે. અને જેમ જેમ દિવસો પસાર થતા જાય, તેમ તેમ આ વિચારોની ઉદાત્તતા અને પ્રસાર જાણે કે વધતાં જ જાય છે.

૧૮૮૬માં ગુરુદેવના અવસાન પછી સ્વામીજીએ ખરેખર પોતાનું કાર્ય શરૂ કર્યું, અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તો ૧૮૯ર પછી, અને તેઓ પોતે ૧૯૦ર સુધી જીવતાં રહ્યા. આ સમયગાળાનો થોડોક ભાગ તેઓ બીમાર રહ્યા, પરંતુ તેમના યોગદાનની તીવ્રતા કેવી હતી! તેઓ જન્મથી જ ધ્યાનની બાબતમાં નિપુણ હતા, પરંતુ લાંબા સમય સુધી શાન્તિથી તપસ્યા કરવા માટે એક ઠેકાણે બેસવાનો સમય તેમને મળતો ન હતો.

આ દુનિયાની યાતનાઓ, દારિદ્ર, માનભંગ, પાખંડ, થાક આ બધું જાણે કે તેમના હૃદયમાં પડઘા પાડી રહ્યું હતું. આ બધી યાતનાઓને કઈ રીતે દૂર કરવી એ માટેના વિચારથી તેઓ વ્યથાપૂર્ણ હૃદયે આમતેમ દોડતા રહ્યા! સામાન્ય માણસ પોતાના કમનસીબથી પરેશાન બનીને હમેશાં જીવે છે! તેને દુનિયાની યાતનાઓ વિષે વિચારવાનો સમય હોતો નથી. પણ જે લોકો અસામાન્ય હોય છે, તેઓ દુનિયાના શોકોથી એટલા બધા અભિભૂત થયેલા હોય છે કે તેમને પોતાના વિષે વિચારવાનો સમય હોતો નથી. સ્વામીજીનું જીવન આવું હતું. તેઓ સંન્યાસી હતા, પરંતુ દુનિયાની બધી યાતનાઓ તેમના વ્યથાપૂર્ણ હૃદયમાં જાણે કે ભેગી થઈ જતી હતી. પોતાના ભ્રમણના દિવસો દરમ્યાન તેઓ આબુની તળેટીમાં સ્વામી તુરીયાનંદને મળ્યા. સ્વામી તુરીયાનંદને આલિંગન આપીને સ્વામીજીએ કહ્યું : ‘હરિભાઇ, તમારા આ કહેવાતા ધર્મને હું હજી સુધી સમજી શક્યો નથી. પરંતુ મારા હૃદયનો ઘણો બધો વિસ્તાર થયો છે, અને હું બીજા લોકોની યાતનાઓનો અનુભવ કરતાં શીખી ગયો છું. મારું કહ્યું માનો, મને એનું બહુ દુ :ખ થાય છે.’ આ સ્વામીજીની વિશેષતા છે. ગુરુદેવના ઉપદેશને લીધે દુનિયાના લોકોની યાતનાઓ દૂર કરવા માટે સ્વામીજીએ પોતાની મુકિત માટેની કામના પણ ત્યજી દીધી હતી. તેમણે કહ્યું છે : ‘દુનિયામાં જ્યાં સુધી એકપણ માણસ પીડાગ્રસ્ત છે ત્યાં સુધી હું મારી મુકિતની કામના કરતો નથી. હું ફરી ફરીને જન્મ લઇશ, હું ફરી ફરીને તેમની સેવા કરતો કહીશ.’ ગુરુદેવની પોતાની પણ આ જ લાગણી હતી અને તેમને આવું અનન્ય ગ્રહણશીલ પાત્ર મળી ગયું . આવા માણસો આ દુનિયામાં દુર્લભ હોય છે. દુનિયાની યાતનાઓ દૂર કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી દેવી અને પોતાની મુકિતનો ત્યાગ કરવો, એ ત્યાગની પરાકાષ્ઠા છે. કોઈ ત્યાગ આના કરતાં વધારે મોટો હોઇ શકે નહીં.

તેમના બાળપણના દિવસોથી માંડીને સ્વામીજીનું જીવન તેમના પોતાના માટે નથી, એમ જોવામાં આવતું હતું. ભારતને ઉદ્‌બોધન કરતાં સ્વામીજીએ કહ્યું હતું : ‘તમારું જીવન તમારા ભોગ વિલાસ માટે નથી, તમારું જીવન દિવ્ય માતાને સમર્પિત થયેલું છે.’ તેમણે પોતાના આ વિધાનનું આચરણ શબ્દશ : કરી બતાવ્યું હતું. સમાધિનો અલૌકિક આનંદ માણવાનો સમય પણ તેમની પાસે ન હતો. નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરવા માટેના પ્રથમ પ્રસંગે તેઓ એમાં ઊંડા ઊતરી ગયા હતા. તેઓની સમાધિ છૂટી પછી ગુરુદેવે તેમને બોલાવ્યા અને કહ્યું : ‘તને જેની ઇચ્છા હતી એ તેં મેળવી લીધું છે, બરાબર? પરંતુ હવે તે બારણે તાળું મારી દેવામાં આવ્યું છે અને તેની ચાવી દિવ્ય માતાના હાથમાં છે. જ્યારે તું તેનું કામ પૂરું કરીશ ત્યારે તે એ દ્વાર ખોલશે.’

આમ, ગુરુદેવના સાધન તરીકે સ્વામીજીએ દુનિયાના કલ્યાણ માટે કાર્ય કર્યું, તથાપિ તેમણે ગુરુદેવનું નામ કયાંય લીધું ન હતું. ગુરુદેવના વિચારનો વાહક આવો અસાધારણ બીજો કોઈ છે ખરો? સ્વામીજીએ પોતાના વ્યકિતત્વનો સંપૂર્ણ રીતે લોપ કરી દીધો હતો અને તેને સ્થાને ગુરુદેવને આરૂઢ કરી દીધા હતા, તો પણ તેમણે ગુરુદેવનું નામ ભાગ્યે જ લીધું હતું. કેટલીકવાર એવું બનતું કે ગુરુદેવ વિષે સાંભળવા ઉત્સુક હોય તેવા શ્રોતાઓનું ધ્યાન તેઓ ચર્ચાનો બીજો કાંઇક વિષય પકડી લઇને અન્યત્ર દોરી જતા. પછીથી જ્યારે તેમને પૂછવામાં આવતું ત્યારે તેઓ કહેતા : જુઓ ભાઇ, હું ગુરુદેવ વિષે બોલવા ઊભો થયો હતો. પરંતુ આસપાસ નજર નાખતાં મેં જોયું કે જે બધા બેઠા હતા, તેમનાં મન કામ, સુવર્ણ અને સ્વાર્થપરસ્તીની વાસનાથી દૂષિત થયેલાં હતાં. આ અજોડ સાધકના, આ અનન્ય વ્યકિતના ચારિત્ર્ય વિષે તેઓ શું સમજશે? જે માણસનું જીવન સંપૂર્ણ ત્યાગમય હતું અને જેઓ દેહધારી શુદ્ધ હતા તેમને સમજી શકે એવો એક પણ માણસ મને દેખાયો નહીં. તેથી હું તેમના વિષે બોલી શક્યો નહીં.’

વળી, બીજે ઠેકાણે સ્વામીજીએ કહ્યું છે : ‘હું ગુરુદેવ વિષે બોલતો નથી, રખેને ભગવાનની પ્રતિકૃતિ બનાવવા જતાં હું તેમની પ્રતિમાને ખામીવાળી બનાવી બેસું. તેમને વ્યકત કરવા માટે મારા શબ્દો અશકિતમાન છે. તેથી હું તેમના વિષે વાતો કરતો નથી તેમને વ્યકત કરવા માટે મારી પાસે ભાષા નથી.’ વળી તેઓ કહેતા : ‘જો મારા શબ્દોમાં કંઇપણ લાભકારક છે, એ મારું નથી, એ તો તેમનું છે. અને જો મારી વાતોમાં બીજાઓને આઘાત પહોંચાડે, હાનિ પહોંચાડે તેવું કંઇ હોય તો એમ માનજો કે એ મારું છે, એમનું નહીં. એમ બન્યું છે, કેમ કે હું ગ્રહણ કરનાર પાત્ર તરીકે યોગ્ય નથી’. ગુરુ પ્રત્યેની આ ભકિતનું સમાન્તર બીજું કંઇ નથી. તેમણે માત્ર ગુરુદેવના આદર્શાેનો ઉપદેશ આખી દુનિયામાં કર્યો, પણ તેઓ માત્ર ગુરુદેવનું સાધન જ બની રહ્યા. તેમણે પોતાના વ્યકિતત્વને આગળ ધરવાનો પ્રયત્ન કર્યો નથી. તેઓ વારંવાર કહેતા : ‘હું અશરીરી વાણી બની રહેવા ચાહું છું. મને સ્વીકારી લેવાની જરૂર નથી, હું જે આદર્શાે ઉપદેશવા આવ્યો છું, તેને ભલે દુનિયા ન સ્વીકારે. જો દુનિયા ગુરુદેવનું નામ પણ ન જાણતી હોય તો કંઈ નુકશાન નથી, પરંતુ આ આદર્શાે દુનિયાને બચાવી લેશે. દરેકને આ આદર્શ સ્વીકારવા દો અને ધન્ય બનવા દો.’

સ્વામીજી ગુરુદેવના સંદેશવાહક હતા. ગુરુદેવ તેમનામાં અષ્ટસિદ્ધિ અથવા યોગની શકિતઓ સંક્રાન્ત કરવા ઇચ્છતા હતા, તેમને તેમણે આસાનીથી નકારી કાઢી હતી. ભાગવત કહે છે : ‘જેને ત્રણેય લોકની સંપત્તિ મળી જવાની તક મળી જતી હોય, તે છતાં જેનું મન ઈશ્વર-સ્મરણમાંથી એક પળ માટે પણ ચલિત થતું નથી, તે સૌથી મોટો ભકત છે.’ સ્વામીજીના જીવનમાં પણ આ વિધાન સાબિત થયેલું છે. બધી સંપત્તિને નકારી કાઢવામાં તેમને પ્રયત્ન કરવો પડ્યો ન હતો.

અમેરિકામાં એક વખત સ્વામીજીના પ્રવચન પછી વકતાથી સ્ત્રીઓ એટલી બધી પ્રભાવિત થઇ ગઇ કે તેઓ તેમની સાથે હસ્તધૂનન કરીને તેમને અભિનંદન આપવા દોડી. તે ઘરની ગૃહિણીને વિચાર આવ્યો : ‘સ્વામીજી જુવાન માણસ છ, જો તેમના પર આ પ્રલોભનની અસર ન થાય, તો હું સમજીશ કે તેઓ અત્યંત શકિતશાળી માણસ છે.’ પછી તે બહેને જોયું કે ધ્યાનમાં ડૂબેલા આ વિચિત્ર ઋષિને કોઈ ખલેલ પહોંચાડી શક્યું નહીં. તેઓ હમેશાં શાન્ત અને સમાધિમાં ડૂબેલા રહેતા હતા. તેમની ઉપેક્ષા કરવા માટે અને તેમનું માનભંગ કરવા માટે ઘણાં બધાં ષડ્યંત્રો રચાયાં હતાં. અરે, ઘણા લોકોએ તેમની હત્યા કરી નાખવાની કોશિશ પણ કરી હતી. બીજી બાજુ તેમને એક દેવની પેઠે માન આપવામાં આવતું હતું. આટલી બધી પ્રશંસા અને સેવાપૂજા તેમના મનને જરાપણ વિચલિત કરી શક્યાં ન હતાં. ગુરુદેવની સર્વત્ર સમદૃષ્ટિ હતી, તેમને લાગતું હતું કે ભગવાન સર્વત્ર હાજર છે. સ્વામીજીની બાબતમાં પણ એમ જ હતું. સ્વામીજી મધ્ય પૂર્વમાં પોતાના કેટલાક અનુયાયીઓ સાથે પ્રવાસ કરી રહ્યા હતા, તે વખતનું વધારે સુંદર ઉદાહરણ આપણને મળી આવે છે. એક દિવસ ચાલતાં ચાલતાં તેઓ વેશ્યાઓના લત્તામાં આવી ચડ્યા. ત્યાં સરસ મજાનાં કપડાં પહેરેલી સ્ત્રીઓ લોકોને લોભાવવા માટે ઊભી હતી. ચાલતાં ચાલતાં તેઓ આગળ વધતાં તેમના પ્રત્યે વળ્યા. બધાંને આઘાત લાગ્યો કે સ્વામીજી ક્યાં જઇ રહ્યાં છે? સ્વામીજી તેમની પાસે ગયા અને એક સ્ત્રીને કહ્યું : ‘અરે મારી દીકરી’, તેમને લાગ્યું, ‘કેવું દયાજનક! દિવ્ય માતા આ સ્વરૂપે અહીં નિવાસ કરી રહ્યાં છે!’ તેમનું હૃદય શોકથી પીગળી ગયું અને માત્ર આટલું જ બોલી શક્યું : ‘અરે, મારી દીકરી’ અને તરત જ પેલી સ્ત્રી સ્વામીજીનાં ચરણોમાં પડી ગઇ અને કહ્યું : ‘મારા દેવ’. સામાન્ય માણસો પાસે આ દર્શન હોતું નથી. સ્વામીજી વિષે લાંબાં પ્રવચનો, મોટા મોટા લેખો અને દળદાર પુસ્તકો જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. પરંતુ તેમને એ રીતે કોઈ ન સમજી શકે. સ્વામીજીના હૃદયની નજીક લઇ જાય એવી નાની નાની ઘટનાઓ દ્વારા સ્વામીજીના વ્યકિતત્વને સમજવાનું છે. અમારો કહેવાનો ભાવાર્થ એ નથી કે કોઈએ તેમનાં તત્ત્વજ્ઞાનવિષયક વિશ્લેષણ, વિદ્વત્તા, પ્રતિભા વગેરેની ઉપેક્ષા કરવી જોઈએ. આ બધાંનું મૂલ્યાંકન વિદ્વાનોેએ કરેલું છે. પરંતુ સામાન્ય માણસો તો માત્ર નાની નાની ઘટનાઓ દ્વારા જ સ્વામીજીની નજીક આવી શકે અને તેમના વ્યકિતત્વનો આસ્વાદ હૃદયથી માણી શકે. તેઓ કોઈની અવગણના કરતા ન હતા, કોઈની નિન્દા કરતા ન હતા.

આ રહી આવી એક ઘટના. ગુરુદેવના જન્મ દિવસની ઊજવણી દક્ષિણેશ્વરમાં શરૂ થઇ ત્યારે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો કે એ ઊજવણીમાં તો ઘણી બધી વેશ્યાઓ પણ હાજરી આપશે; તેથી સદ્ગૃહસ્થો ત્યાં નહીં જાય. વેશ્યાઓને ત્યાં જતી અટકાવવાનાં પગલાં લેવાં જોઈએ. સ્વામીજીને આ વાતથી વાકેફ કરવામાં આવ્યા. સ્વામીજીએ કહ્યું : ‘શું ગુરુદેવ થોડાક પવિત્ર અને શુદ્ધ માણસો માટે જ આવ્યા હતા? તેઓ તો દુનિયાનાં ઉપેક્ષિત, નિન્દિત, દલિતના કલ્યાણ માટે આવ્યા હતા. જો સદ્ગૃહસ્થો ન આવે તો કાંઇ વાંધો નહીં, પણ ગુરુદેવનાં દ્વાર સમાજમાંના તિરસ્કૃત, ઉપેક્ષિત લોકો માટે ખુલ્લાં રાખવાં જોઈએ.’ સ્વામીજીની આ વિચારધારા છે.

દરેકની પીડા તેમની પીડા બની રહેતી હતી; ખાસ કરીને પતિત, નિંદિત, પીડિત માટે તેમનું હૃદય સદાય શોકથી ભરાઈ જતું. તેઓ પશ્ચિમમાં ગયા ત્યારે તેમની સુખસગવડ-વિલાસ માટે વ્યવસ્થા થઈ, પરંતુ તેઓ સુખશૈયામાં સૂઇ શકતા ન હતા. તેઓ જમીન પરની સાદડી પર આમ-તેમ આળોટતા અને વિચારતા રહ્યા, ‘અહીં ધનસંપત્તિ પુષ્કળ છે, અને મારા દેશના લોકોને બે કોળિયા ખોરાક પણ મળતો નથી. તેમની વ્યથા કેવી તીવ્ર છે, તેઓ કેવી દુ :ખદાયક સ્થિતિમાં છે!’ તેમની વ્યથા દૂર કરવા માટે સ્વામીજી પશ્ચિમમાં ગયા હતા. તેમને ત્યાં શું જોવા મળ્યું? ભારતને તેની દારુણ ગરીબી માટે હલકી નજરે જોવામાં આવતું અને તેની સર્વત્ર અવગણના થતી; પરંતુ પશ્ચિમનું બીજું પાસું ભારત કરતાં વધારે દરિદ્ર હતું. તેમનામાં ધર્મ, આધ્યાત્મિકતા, નીતિમત્તાની દરિદ્રતા હતી.

ભારતના કલ્યાણ માટે પૈસા એકત્ર કરવા માટે સ્વામીજી ભિક્ષાપાત્ર લઈને ત્યાં ગયા હતા. ત્યાં જતાં તેમને સમજાયું કે ત્યાંની આધ્યાત્મિક દરિદ્રતા કંઇ ઓછી ન હતી. સાચો સેવક જે ઠેકાણે જે વસ્તુની જરૂર હોય તે પૂરી પાડે છે. તેથી તેમણે પોતાને ધર્મસંદેશ આપવામાં જ રોકી રાખ્યા. કેટલાકે લખ્યું : ‘તમે પશ્ચિમમાં કામ કરો છો, પરંતુ ભારતની સેવા માટે તમારે ભારતમાં કામ કરવું જોઈએ.’ સ્વામીજીએ જવાબ આપ્યો : ‘એ માત્ર દૈવયોગ છે કે હું ભારતમાં જન્મ્યો છું. હું જ્યાં જ્યાં જઇશ ત્યાંના લોકોની જરૂરતો છે એ મુજબ હું તેમની સેવા કરીશ. મારો જન્મ ભારતમાં થયો છે, તેથી જ મારું કાર્યક્ષેત્ર ભારત પૂરતું મર્યાદિત નથી.’ આવી વિશાળ હતી સ્વામીજીની દૃષ્ટિ. તેમની દેશભકિતએ તેમની દૃષ્ટિને સંકુચિત બનાવી ન દીધી. તેમને ભારતની વ્યથાઓથી જેટલી પીડા થતી હતી, એટલી જ ઊંડી પીડા દુનિયામાં જોવા મળતી પીડાઓથી થતી હતી. તેથી જ તે સમયે અમેરિકામાં અશ્વેત લોકોને ધિક્કારવામાં આવતા હતા, તેમનાથી અળગા રહી શક્યા ન હતા. એક વખત તેમને અશ્વેત માની લઇને એક હોટેલમાં દાખલ થવાની ના પાડી.

તેમના મિત્રોએ પૂછયું, ‘સ્વામીજી, તમે તેમને શા માટે ન કહી દીધું કે તમે અશ્વેત નથી?’ સ્વામીજીએ જવાબ આપ્યો : ‘શું એક હોટેલમાં પ્રવેશ મેળવવા માટે મારે મારો પરિચય એ રીતે આપવો જોઈએ ખરો? અશ્વેત લોકો પણ મારા ભાઇઓ છે, મારું લોહી છે.’ એ જ રીતે ગમે તે દેશના કચડાયેલા અને દલિતો માટે તેમનું હૃદય કલ્પાંત કરી ઊઠતું હતું. તેઓ માત્ર ભારતના ન હતા, તેઓ તો આખા વિશ્વના હતા. જ્યારે તેઓ પશ્ચિમમાં પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે જે પાશ્ચાત્ય લોકોની મુકિત માટે ત્યાં ગયા હતા, તે લોકોએ તેમને એ પ્રકારમાં સ્વીકારી લીધા હતા. આથી જ સમગ્ર વિશ્વ તેમનો આદર કરે છે. તેઓ ભારતના છે એમ દાવો કરીને આપણે તેમને મર્યાદિત બનાવી દઇએ છીએ.

વિશ્વવિખ્યાત સ્વામીજી વિષે આપણે ટૂંકમાં ચર્ચા કરી છે. જેમ જેમ દિવસો પસાર થતા જશે, તેમ તેમ આપણે તેમને વધારે ને વધારે સમજતા જઇશું અને તેમના વિચારોને અપનાવતા જઇશું અને આપણાં જીવનને એ પ્રવાહમાં વહાવતા જઇશું, અને આપણને વધારે ને વધારે ફાયદો થતો જશે. અંતમાં આપણે તેમને પ્રાર્થના કરીએ : ‘અમારી સમજણને સાચંુ માર્ગદર્શન મળો, એમના આશીર્વાદ અમારા જીવનને ઊર્ધ્વગામી, ઉદાત્ત, વિશુદ્ધ બનાવો અને તેઓ જે આદર્શને ખાતર જીવ્યા હતા તે અમારા દ્વારા સફળ થાઓ.’ ·

Total Views: 66
By Published On: December 1, 2012Categories: Bhuteshananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram