ડૉ.ભાનુપ્રસાદપંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પ્રાધ્યાપક હતા. એમને એમના ઉત્તમ કાવ્ય સર્જન માટે કુમાર ચંદ્રક, કવિ દલપતરામ એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય એકેડમીનાં પારિતોષિક મળ્યાં છે. ‘સ્વામી વિવેકાનંદનાં કાવ્યો’એ પુસ્તકનું વ્યવસ્થિત રીતે પુન :સંપાદન કાર્ય કર્યું હતું.
આ વિશ્વમાં કેટલાક મહાપુરુષો પ્રતિભા સંપન્ન (Talented) હોય છે. ૫ણ બહુ વિરલ મહાનુભાવો જન્મજાત ઝળહળતા સૂર્ય જેવા સ્વયંપ્રકાશિત (Luminious) હોય છે! સ્વામી વિવેકાનંદજી આવા આત્મતેજથી જવલંત હતા. તેઓ આ ભારતમાતાનું વિશ્વસમગ્રને ઉજાળતું રત્ન હતા, પુરુષરત્ન હતા. સ્વામીજી માત્ર બુદ્ધિમેધા જ નહિ પણ પ્રજ્ઞાનો પ્રકાશ ધરાવતા ‘પ્રજ્ઞાપુરૂષ’ હતા. એમના વિચારો, એમની વાણી, એમનું દર્શન પ્રજ્ઞામાંથી પ્રગટે છે. તેથી તેમાં ખંડ દર્શન નહિ સમગ્ર દર્શન હોય છે. એમનાં પ્રવચનો, એમનાં લખાણો, એમનો જીવન સંદેશ એમની અદમ્ય ચેતનાનો આવિષ્કાર છે. એથી વેદાંતમાં દર્શાવેલી પંચકોશીય ભૂમિકાઓ-અન્નમય, પ્રાણમય,મનોમય, વિજ્ઞાનમય અને આનંદમયને અતિક્રમીને, તેને પોતાની ચેતનામાં સંક્રાન્ત કરીને એક સંપૂર્ણ સર્વોત્કર્ષી અને ઊર્ધ્વગામી દર્શનરૂપે પ્રગટે છે. ડૉ. રાધાકૃષ્ણન એને ‘Poetry of The Soul’ કહે છે.
આપણે અહીં એમનાં કાવ્યોમાં પ્રગટતો જીવનસંદેશ કેવો સર્વવ્યાપક, વેધક અને મનનીય તથા આસ્વાદ્ય છે, તેના પર દૃષ્ટિપાત કરીએ. એ જેટલો ગહન છે, તેટલો જ રમણીય પણ છે. સ્વામી વિવેકાનંદજી પાસેથી આપણને તેમનાં અંગ્રજીમાં લખાયેલાં કાવ્યો મળે છે. એમના માતૃભાષામાં બંગાળીમાં રચાયેલાં તથા અંગ્રજીમાં અનુવાદિત કાવ્યો પણ સારી સંખ્યામાં મળે છે, અને સ્વામીજીએ પોતે અન્ય ભાષામાંથી અંગ્રેજીમાં કરેલા કાવ્યાનુવાદો રૂપે પણ કેટલાંક કાવ્યો પ્રાપ્ત થાય છે. એમ ત્રણ વિભાગમાં સ્વામીજીની લગભગ ૮૩ જેટલી રચનાઓ ગ્રંથસ્થ થયેલી છે. આ ઉ૫રથી જોઇ શકાય છે કે સ્વામીજીના જીવનમાં વિવિધ પાસાઓમાં એમનું એક સંવેદનશીલ, ચિંતક અને દર્શનિક કવિ તરીકેનું પણ મહત્ત્વનું પ્રદાન છે. આપણે એમને રાષ્ટ્રભાવનાથી સદાજાગ્રત અને ભીતરથી આંદોલિત ઊર્મિલ માનવતાપ્રેમી ભારતવાસી તરીકે એક આધ્યાત્મિક દ્રષ્ટા તથા વિશ્વપ્રવાસી અને વિશ્વનાગરિક તરીકે ઓળખીએ છીએ. તેઓ પૂર્વ અને પશ્વિમના તત્ત્વજ્ઞાનના કેવળ મરમી જ્ઞાતા નહિ પણ તત્ત્વાનુભૂતિ કરનારા, પરમ તત્ત્વને આત્મસાત્ કરનારા સમર્થ સંત હતા.
તેઓ ત્યાગી, સંન્યાસી, પરમહંસ ગુરુ રામકૃષ્ણનો અંતરતમ પ્રભાવ અનુભવનારા અને જીવ, જગત તથા પરમાત્માની અનુભૂતિ કરનાર હતા, એટલે એની રચનાઓમાં જે જીવન સંદેશ મળે છે, એ માત્ર અન્નમય, પ્રાણમય કે મનોમય ભૂમિકાનો નથી પણ આનંદમય ભૂમિકા સુધી વિહરે છે. તેઓ કાવ્યમાં ઈશ્વરની શોધ કરે છે, તો સંન્યાસીનું ગીત પણ ગાય છે. પ્રકૃતિની એક રમણીય મુદ્રા જેવા ‘જાંબલી પુષ્પ’ (Violet) નું વર્ણનચિત્ર આપે છે, તો કાલીમાતા (Kali The Mother) નું રુદ્રભવ્ય રૂપ પણ આલેખે છે. તો કોઈવાર વળી અંતર્મુખ થઇને પોતાના આત્માને જ સંબોધન કરીને કાવ્ય રચે છે. આમ, એમનાં કાવ્યોમાં અનેકવિધ સંવેદનાત્મક વિષયો છે. પોતાના આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણ પરમહંસની દિવ્યતાની કાવ્યમય સ્તુતિ કરતાં તેઓ રોમાંચિત થાય છે. આપણે આ બધાં કાવ્યોની સંક્ષેપમાં ઝાંખી કરીએ. કદાચ, બધાં જ એમાં ન આવરી શકાય પણ થોડાં કાવ્યોની સદૃષ્ટાંત ઝલક પ્રાપ્ત કરીશું. તેનો આસ્વાદ આપણને પણ આનંદસ્પન્દથી રોમાંચિત કરી મૂકે છે. એમનું એક દીર્ધ હૃદયંગમ કાવ્ય છે ‘ઈશ્વરની શોધમાં (In Search of God). આપણે જો ઈશ્વરને બહાર જગતમાં શોધવા જઇએ તો નિષ્ફળ જવાય, પરંતુ ઈશ્વરને માટે એક શિશુરૂપે આપણે સાચા હૃદયથી પ્રાર્થનાભાવે પુકારીએ તો, સંભવ છે કે એ પ્રેમલ પરમ પિતાની આપણને ઝાંખી થાય. આ એક સાચો અભિગમ છે. આ કાવ્યમાં પ્રભુની વિનમ્રભાવે શોધ થઈ છે, જેમાં આર્ત ભકત લાંબા રઝળપાટ પછી, સમગ્ર સૃષ્ટિમાં એકત્વ અનુભવીને દીન-નમ્ર બનીને નિસર્ગમાં તદ્રૂપ બને છે, ત્યારે તેને કેવો અનુભવ થાય છે તેનો આપણને રમણીય અનુભવ થાય છે :
ત્યારે મીઠો નાદ સૂણું હું
અથડાતો મુજ કાને
ડર મા, બેટા! દૂર નથી હું
ઊભો તારી પાસે!
A Gentle soft and soothing voice,
That said: ‘my son, my son, I am with you
આ રીતે મુમુક્ષુભકત એનો અનુભવ કરે છે. અને હવે કવિને તારા વત્સલ બોલ સંભળાય છે અને પ્રતીતિ થાય છે કે વેદ, કુરાન અને બાઇબલમાં પણ એ પરમ ‘વાત્સલ્ય મૂર્તિ’ના ગુણ ગવાયા છે. કાવ્યની અંતિમ પંકિતઓ છે :
તત્સત્ ઓમ હરિવર મારો તું!
ને હું તારો પ્રભો નિરંતર,
તારો, તારો સંદેશ તારો
જે પ્રેમસ્વરૂપ ભગવાન!
સ્વામીજીનાં અંગ્રેજી કાવ્યો જયારે તેઓ અમેરિકામાં હતા, ત્યારે પણ રચાયાં હતાં. સંન્યાસીનું ગીત (The Song of the Sanyasin) તેઓ જયારે ૧૮૯પ માં ન્યૂયોર્કમાં હતા, ત્યારે ‘થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક’માં જુલાઈ માસમાં રચાયેલું. તેમાં સંન્યાસીને ઉદ્બોધીને પોતાની સત્-ચિત્-આનંદની મસ્તીને અતિ પ્રબળવાણીમાં વ્યકત કરી છે. એક અવતરણ લઈને, જે તે કાવ્યમાં અનુવાદના લયમાં માણીએ :
જહીં વહેતો જ્ઞાનપ્રવાહ સત્ આનંદ ભરતી;
અહો તું સંન્યાસી અભય બસ, એ ઉચ્ચરી રહે,
ઓમતત્સત્ ઓમ…..
કાવ્યમાં ૧૩ શ્લોકો છે, અને પ્રત્યેકમાં સંન્યાસીના વૈરાગ્ય ભાવને, વિમુકત અવસ્થાને, રાગદ્વેષ રહિતતાને દૂર કરીને આત્માની શકિત પ્રગટાવીને આત્મનાદ કરવા સૂચવે છે :
બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષી સ્વરૂપ જે;
તું જાણી લે તે છે સ્વરૂપ, સંન્યાસી વદ હે,
ઓમતત્સત્ ઓમ…..
આમ સંન્યાસીએ જે દૃઢતા, પ્રસન્નતા, ક્ષણેક્ષણની જાગૃતિ, અલ્પ ભિક્ષા પર નિર્વાહ જાળવવો જોઈએ, એવો બ્રહ્મનાદ કરીને કાવ્યાન્તે કહે છે :
બધામાં ‘હું ’ ‘હું’ માં જગત સહું; આનંદ ઘનતા
તું છે, ‘તત્’ જાણી લે, પરથી પર પોકાર કરતું
ઓમતત્સત્ ઓમ…..’
આમ, એમની કાવ્યકૃતિઓમાં અલંકાર તત્ત્વ કે કાવ્યનાં અન્ય ઉપકરણોનો વિરલ પ્રયોગ થયો હોવા છતાં એમની ભીતરનો સાત્ત્વિક આવેગ, ઉત્સાહ અને સિસૃક્ષા-તિતિક્ષા તથા વાણીનું બળ એમનાં કાવ્યોનો આસ્વાદ્ય અંશ બની રહે છે.
સ્વામી વિવેકાનંદનાં કાવ્યોમાં જેમ એમની ઈશ્વર વિશેની સાધકની અનુભૂતિ પ્રગટી રહે છે, તેમ આપણા આરાધ્ય દેવ-દેવીઓને ઉદ્બોધતી પણ કેટલીક રમ્ય કૃતિઓ પ્રાપ્ત થાય છે. એમાં કાવ્યનું શીર્ષક છે ‘શિવનું નૃત્ય’ (The Dance of Shiva), ‘શ્રી કૃષ્ણને’ (To Shri Krishna),’ માતા મહાકાલી (Kali the Mother) જેવી સગુણરૂપની સુંદર રચનાઓ પણ મળે છે. શિવના નૃત્યમાં એમનું રૌદ્ર નૃત્ય વર્ણવતાં લખે છે : એમની વિખરાયેલી જટાથી સમગ્ર આકાશ છવાઈ ગયું છે. (His flaming locks have filled the sky) ‘સમગ્ર ધરા થરથરી રહી છે’ (As the trembling earth & ways almost to destruction) અને સપ્તલોક જાણે કે તે નૃત્યના લયમાં તાલ મેળવી રહ્યાં છે. નાનકડા મુકતક જેવા આ કાવ્યમાં શિવનૃત્યની ભયાનક રુદ્ર રમ્યતાને આબેહૂબ શબ્દચિત્રથી સાકાર કરી છે. શ્રીકૃષ્ણને સંબોધીને લખાયેલા તે કાવ્યમાં એક મિત્રના રમતિયાળ બોલરૂપે ઉદ્બોધન થયું છે. જેમ કે ‘અરે કૃષ્ણ મારા પ્રિય સખા, આજે મને એ જળ તરફ જવા દે, મારી સાથે ખોટી ચાતુરી-ચાલાકી ન કર, હું તો તારો સેવક છું, મને જોવા દે અને મને તારી યમુનામાંથી મારો ઘડો ભરી લેવા દે!’ એક આત્મીય સખાના તોફાની અવાજે કૃષ્ણને કરેલ સંબોધનમાં યમુના જળના પ્રતીકરૂપે એમનો અભિષેક પામવાની આ સમર્થ કવિની અભીપ્સા અહીં કેવી વ્યંજિત થઈ જાય છે! એમનાં આવાં કાવ્યમાં પૌરાણિક દેવ-દેવીઓ સાથેની ગૂજગોષ્ઠિ આપણને આ મહાન સંતસર્જકની આર્ત ભકિતને વ્યકત કરવાથી પ્રસન્ન કરી રહે છે.
‘મૈયા મહાકાલી (Kali the Mother)’ માં એમના ભયાવહ અને ભીષણ રુદ્ર નૃત્યને કવિ વિવેકાનંદે ઓજસ્વી પદાવલીમાં ચિત્રિત કર્યું છે! કવિ પ્રારંભમાં જ પંકિતઓ ઉદ્ગારે છે :
તારલા બધા સાવ ભૂંસાયા!
આભમાં ઘેરાં વાદળાં છાયાં!
બિભીષણ અંધકારી ગયો.
કાવ્યમાં આગળ જતાં માતાને નિમંત્રણ આપતાં લખે છે :
મૃત્યુ તારા શ્વાસે ફૂંકાય,
પદાઘાતે સૃષ્ટિ લોપાય,
આવ હે કાલી, પ્રલય કાલી!
કાવ્યમાં મહાકાળીનું જે મૃત્યુ ભીષણરૂપ છે, તેને વર્ણવતાં ઘણાં કલ્પનો યોજે છે!
સ્વામીજીની કવિતામાં જે રીતે ઈશ્વરની શોધ થઈ છે, સંન્યાસીની અંતર્મુખતાનું નિરૂપણ થયું છે, મહાકાળીનું રુદ્ર ભવ્ય આલેખન થયું છે, એ જ રીતે રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ પણ એમાં બુલંદ સ્વરે રજૂ થાય છે. ‘પ્રબુદ્ધ ભારત’ને (Awakende India) એનું ઉજ્જવલ દૃષ્ટાંત બને છે. તેમાં કવિએ હવે જાગ્રત થઇ ગયેલા ભારતને કદમ કદમ પર આગળ વધવા હાકલ કરી છે. દ્રષ્ટા કવિનું વકતવ્ય પ્રત્યેક પંકિતમાં ઉદ્ઘોષ કરી રહ્યું છે :
આરંભો તવ કૂચ ફરીથી
કોમલ પગલે
રસ્તા પરની ધૂળ તણી યે
નિરાંતની નિંદરનો લગી રે
ભંગ પડે ના!
અને છતાં યે જોમ ભરેલા દૃઢ કદમે સ્થિર,
પ્રસન્ન, નિર્ભય, મુકત હમેશાં
જગાડનાર હે!
રણઝણાવતી, વદ તુજ વાણી!
અહીં જોઈ શકાય છે કે પ્રત્યેક પંકિતમાં કવિ હૃદયની અદમ્યગતિશીલ ચેતના એક ઉત્સાહ અને જોમનો એવો અમલાટ લયબદ્ધ રીતે અંકિત થયો છે. મહાન કવિની રચનામાં લય સૌંદર્ય સ્વયં કવિચિત્તનું પગેરું ઉપસાવી આપે છે. આમ છતાં કવિશ્રી વિવેકાનંદે ભારતવાસીને સજગ અને સતર્ક રહેવા ચેતવે પણ છે :
જાગ,ઊઠ તું
પડી રહેના માત્ર સ્વપ્નમાં
સ્વપ્ન સેવનારી ધરતી આ કર્મ ભૂમિ છે,
કર્મ અહીં ગૂંથે છે માલા સૂત્ર વિનાની!
આ સમગ્ર કાવ્ય (To The Awakende India) ભારતીય ચેતનાને સદા જાગ્રત રહેવાનો સંદેશ આપે છે.
સંગ્રહમાં કયારેક પ્રકૃતિનાં તત્ત્વોને ઉદ્દેશીને પણ કવિનું ચૈતન્ય વ્યક્ત થાય છે. જેમ કે, ‘વહેલાં ખીલેલાં જાંબલી (violet) ફૂલને એ સંદર્ભમાં પણ માણવા જેવું છે. જાંબલી રંગનું ફૂલ હજી વસંત આવે તે પહેલાં ઓસરતી શિશિરના શીતળ વાયુ વચ્ચે ખીલી ગયું છે. આ આગોતરું ખીલેલું ફૂલ પાંખડીઓ પ્રસારીને પોતાની સુરભિ પ્રસારતું હસે છે, ત્યારે આ કલ્પનાશીલ કવિ એને ઉદ્બોધીને લખે છે, કે ભલે તારી આસપાસ હિમથી થીજેલી વાયુની પથારી હોય, તારે માર્ગે ભલે કોઈ બીજું સાથી ન હોય, ભલે વાતાવરણમાં ઉદાસીનતા હોય, પણ તું તારા ગંધ આપવાના અસલી સ્વભાવને છોડતું નહિ!
મીઠી સુગંધ પ્રસરાવતું રહેજે તથા
કોઈની યાચના વગર આપ્યાં જ કરજે!
આ રચનામાં ખરેખર તો અન્યોક્તિ સાથે પ્રતીક છે. કોઈ યુવા રાષ્ટ્રભકત કે સાધક એકલો કશા પણ અવસર કે તક વિના કટાણે નીકળી પડ્યો હોય ને ધૈર્ય, નીડરતા અને ઉત્સાહથી આગળ વધવાનું તેને સૂચન થયું છે. આ પંકિતઓમાંથી પસાર થવાથી આપણને સ્વામીજીની આદર્શ અને ઉદાત્ત ધ્યેયલક્ષી સર્જક પ્રતિભાનું મનોહર દર્શન થાય છે.
છાઈ રહે રહે તું સકલ શુભની ઉપરે થૈ વિજેતા!
તો યે ના હે વિમલ મધુરા જાંબલી! ફૂલતારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની
કિન્તુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી! દૃઢ પ્રતીત! યાચ્યા વિના અર્પી દેજે!
સ્વામીજીનાં બધાં કાવ્યો વિશે સદૃષ્ટાંત અવલોકન કરવાનું શકય નથી. પરંતુ ઉપરનાં કાવ્્યો સાથે કેટલાંક કાવ્યોનો આસ્વાદ કરવાનું સૂચન સહૃદ્ય ભાવકોને કરું છું. જેમ કે, ‘મુકતાત્માનું ગાન’ (The Song of the free), ‘મારો ખેલ થયો છે પૂરો’ (My Play is done), ‘સંન્યાસીનું ગીત’ (અ જજ્ઞક્ષલ જ્ઞર જફક્ષુફતશક્ષ) ‘કોનો ભય?’ (Whom to fear) ‘દિવ્યાનંદમય શિવ’ (Shiva in Ecstasy)- વગેરેમાંથી ભાવકને દિવ્યાનંદ અનુભવવા મળશે. મૂળ અંગ્રજીમાં જ વિવેકાનંદજીનાં કાવ્યોનું સૌંદર્ય માણવા ઈચ્છતા ભાવકો માટે આ પંકિતઓ પ્રસ્તુત કરતાં આનંદ થાય છે :
Dancing mad with joy
Come, Mother Come!
Terror is thy name!
Death is thy breath!
And every shaking step
Destroys a world forever!
‘To an early violet’ની આ રમણીય પંકિતઓ ભાવકને વ્યંગ્યાર્થથી આનંદનો અનુભવ કરાવશે :
Change not thy nature gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume unasked, unstinted, sure !
સ્વામીજીનું અંગ્રજી ભાષા ઉપરનું અદ્ભુત પ્રભુત્વ આ કાવ્યમાં એની દશૈલી (Diction) લાઘવ (brevity) અને લયસૌંદર્ય (Rhytham) ના આલેખનમાં-આયોજનમાં આપણને પ્રતીત થાય છે. બંગાળી માતૃભાષામાં લખાયેલાં કાવ્યોનો અંગે્રજી અનુવાદ પણ એટલું જ રચનાકૌશલ દાખવે છે. આપણે આ રચનાઓને ભારતીય સર્જકોના અંગ્રેજી કાવ્યસર્જનમાં જુદી ભાત (Pattern) દાખવતી કૃતિઓ તરીકે સમાવી શકીએ. ·
Your Content Goes Here