શિષ્ય માટેની આવશ્યક શરતો પવિત્રતા, જ્ઞાન માટેની સાચી પિપાસા અને અધ્યવસાય એટલે ખંત છે… વિચાર, વાણી અને કર્મની પવિત્રતા કોઈ પણ વ્યક્તિના ધર્મજીવન માટે સર્વથા આવશ્યક છે. બાકી તો જ્ઞાનપિપાસા માટે આ એક સનાતન નિયમ છે કે આપણે જે વસ્તુની ઇચ્છા કરીએ છીએ તે આપણને પ્રાપ્ત થાય જ છે. આપણું અંત :કરણ જેની ઉપર કેન્દ્રિત કરીએ તે સિવાયની બીજી કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી… જ્યાં સુધી ધર્મ માટેની આ તીવ્ર ભૂખ ખરેખર અનુભવાતી નથી અને અંતિમ વિજય પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી સતત પ્રયાસ અને આપણા હલકા સ્વભાવ સાથે અવિરત સંગ્રામ અને અથાક સંઘર્ષ ચાલુ રહેવો જ જોઈએ… જે સાધક આવા ખંત સાથે સાધનામાં પ્રવૃત્ત થાય છે, તેને અંતે સિદ્ધિ અને અનુભૂતિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
પહેલું સાધન છે, સત્યને જાણવાની ઇચ્છા રાખનારા શિષ્યે આ જગતના અથવા મૃત્યુ પછી આવનારા જન્મના ફળભોગોની તમામ તૃષ્ણાઓનો પરિત્યાગ કરવો જોઈએ.
આપણે જે જોઈએ છીએ તે સત્ય નથી. જ્યાં સુધી મનમાં કોઈ પણ ઇચ્છા ઉત્પન્ન થતી હોય ત્યાં સુધી આપણે જે જોઈએ છીએ તે સત્ય નથી. ઈશ્વર સત્ય છે, અને જગત અસત્ય છે. હૃદયમાં જ્યાં સુધી જગતના પદાર્થાેની જરા સરખીયે કામના હોય, ત્યાં સુધી સત્ય પ્રાપ્ત થાય નહીં.
ત્યાર પછી, મનને તદ્દન શાંત કરવું જોઈએ. તે અતિશય દોડાદોડ કરે છે. જે ઘડીએ હું ધ્યાનમાં બેસું કે તરત જ જગતના સર્વ દુષ્ટ વિષયો મનમાં ઊઠે છે. એ આખી ઘટના જુગુપ્સાકારક છે. જે વિચારો મારે તેની પાસે કરાવવા નથી, તે બધાનો વિચાર મન શા માટે કરે ? આ તો જાણે કે હું મનનો ગુલામ હોઉં તેવું છે. એટલે જ્યાં સુધી મન અશાંત અને કાબૂ બહાર હોય ત્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન શકય નથી. શિષ્યે મનનો સંયમ શીખવાનો છે.
વળી, શિષ્ય થનારમાં સહનશક્તિ પુષ્કળ હોવી જોઈએ. જીવન આરામમય હોય; અને જ્યારે તમારું બધું ઠીક ચાલતું હોય ત્યારે તમને લાગે કે મન બરાબર વર્તે છે, પણ જો કંઈક અઘટિત બને તો તમારું મન સમતુલા ગુમાવી બેસે, એ યોગ્ય નથી… વેદનાનો એક હરફ સરખોય કાઢયા વિના, પ્રતિકાર, ઉપચાર, ઔષધ, અથવા બદલાનો વિચાર સરખોય કર્યા વિના સર્વ અનિષ્ટ અને દુ :ખને સહન કરો. એ જ સાચી તિતિક્ષા છે.
ગુરુ સાથેનો આપણો સંબંધ પૂર્વજ અને તેના વંશજ વચ્ચેના સંબંધ જેવો છે. આપણા હૃદયમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધા, નમ્રતા, વિનય અને ભક્તિભાવ ન હોય તો આપણામાં ધર્મનો વિકાસ થઈ શકે નહીં… જે દેશોએ આ પ્રકારના સંબંધની અવગણના કરી છે, ત્યાં ગુરુ માત્ર એક વ્યાખ્યાતા બન્યો છે; ગુરુને તેના પાંચ રૂપિયાની ખેવના છે અને શિષ્યને તેનું મગજ ગુરુના શબ્દોથી ભરવાની ખેવના છે, અને તે પછી સૌ પોતપોતાને રસ્તે પડી જાય છે.
(ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ- પૃ. ૯૨-૯૪)
Your Content Goes Here