(શ્રીશારદા મઠના વરિષ્ઠ સંન્યાસિનીનો આ લેખ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટ્યિૂટ ઓફ કલ્ચર કોલકાતાના ‘બુલેટીન’ ના માર્ચમાં પ્રસિદ્ધ થયો હતો. એનો શ્રી મનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

શ્રી સીતા વિષે સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એમણે અવિચલિત ભાવે એવાં મહાદુ :ખનું જીવન પસાર કર્યું એવાં નિત્ય સાધ્વી, સદા શુદ્ધસ્વભાવ સીતા, આદર્શ પત્ની, મનુષ્યલોકના આદર્શ, દેવલોકનાં પણ આદર્શ નારી પુણ્યચરિત્ર સીતા આપણા દેશની રાષ્ટ્રીય દેવી બની રહેશે. …સીતાનો પ્રવેશ આપણી જાતિનાં હાડમાંસમાં થઇ ચૂકયો છે; પ્રત્યેક હિંદુ નરનારીનાં રકતમાં સીતા વિરાજમાન છે; આપણે બધાં સીતાનાં સંતાન છીએ.’ ભારતીય નારીએ ચિરકાળથી જે આદર્શ પર ચાલવાનો પ્રયાસ કર્યો છે, સ્વામી વિવેકાનંદે કેટલીયે વાર ઘણી ઉદ્દીપ્ત ભાષામાં એમના પ્રત્યે શ્રદ્ધા વ્યકત કરી છે. સાચું પૂછો તો સંન્યાસ જીવનની જેમજ નારી જીવન પણ બાહ્ય અભિવ્યકિતની વસ્તુ નથી. એનું મૂળ લક્ષ્ય છે – આંતરિક જીવનને સમૃદ્ધ બનાવવું. સાથે ને સાથે ભારતીય નારીનાં ત્યાગ, પવિત્રતા, ધૈર્ય, દયા, સંતોષ તેમજ સેવા જેવા સદ્ગુણોનો વિકાસ કરીને રાષ્ટ્રની સાંકૃતિક ઉદાત્તતા તેમજ આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તરને એણે અખંડ બનાવી રાખ્યું છે.

પરંતુ વર્તમાન યુગની ભારતીય નારી એક દુવિધાના આરે ઊભી છે. એમની સામે આજે બે વિપરીત આદર્શ ઉપસ્થિત છે. એક પરંપરાગત આદર્શ અને બીજો આધુનિક નાગરિક આદર્શ. દરેક સમાજના વિકાસની પૃષ્ઠભૂમિમાં રહેલ આદર્શમાં જ એનું સક્રિય તત્ત્વ રહેલું હોય છે. પ્રત્યેક ઉદ્યમ આ આદર્શને જ સબળ બનાવે છે. જો ભારતીય નારીએ અન્ય બીજા દેશોની નારીઓ સાથે આગળ વધવું હોય, એક અભિનવ સમાજના ઘડતરનો વિચાર કરવો હોય તો તેણે આ બંન્ને આદર્શમાંથી કયા આદર્શને અપનાવવો જોઈએ. એનો નિર્ણય લેવો પડે.

સ્વામી વિવેકાનંદની વિવિધ યુકિતઓ આ બંન્ને આદર્શ પ્રત્યે થોડો પ્રકાશ ફેંકે છે. ભારતવર્ષમાં પ્રાચીનકાળથી પરિવાર વગેરેનું જ પ્રાબલ્ય રહ્યું છે. પરિવાર ભલે સમાજનું લઘુતમ એકમ છે, પરંતુ ભારતીય જીવનપદ્ધતિમાં તેની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની રહી છે. એનું કારણ એ છે કે વ્યકિતના જીવનને ઘડનારી બધી માર્ગદર્શક તેમજ નિયામક પ્રેરણાઓ પરિવારમાંથી જ આવતી જણાય છે. જાતિની શુદ્ધતા, વિવાહ બંધનની પવિત્રતા, માતૃત્વ જેવા બધા વિચારોનું લક્ષ્ય છે, પરિવારના સંગઠનને સુરક્ષિત રાખવું. આ આદર્શાેને કાર્યમાં મુકવા માટે જે મહત્ત્વની ભૂલો થઇ એના પ્રત્યે સ્વામીજીએ કયારેક કયારેક આપણું ધ્યાન દોર્યું છે, પરંતુ એ આદર્શાેને એમણે પૂરેપૂરા ઉડાડી દીધા નથી. ઉદાહરણ તરીકે, જાતિના પતન અને નરનારીઓની શારીરિક દુર્બળતા માટે એમણે બાળ વિવાહને દોષી ગણાવ્યા છે. સાથે ને સાથે એમણે આ કુપ્રથાએ આપણી જાતિમાં પવિત્રતાનું ઉચ્ચ સ્તર જાળવી રાખ્યુ છે, એમ કહીને એમણે એને માન્ય પણ ગણી છે એમણે આપણાં વિવાહવ્રત અને માતૃત્વના આદર્શાેની ખૂબ પ્રશંસા કરી છે. સાથે ને સાથે બીજી જાતિઓ અને રાષ્ટ્રોેને અનુરોધ કર્યો છે કે આ ક્ષેત્રમાં તેઓ ભારતનું અનુસરણ કરે. તેમણે કહ્યુ છે. ‘મારા વિચારથી બ્રહ્મચર્યના આદર્શને પ્રાપ્ત કરવા કોઈ પણ જાતિએ માતૃત્વ પ્રત્યે પરમ આદરની ધારણા દૃઢ કરવી જોઈએ અને એ વાત વિવાહને અછેદ્ય તેમજ પવિત્ર ધર્મસંસ્કાર માનવાથી જ થઈ શકે છે.’ વળી અમેરિકામાં માતાઓને ઉદ્દેશીને તેમણે કહ્યું છે, ‘ માતાના રૂપે અમેરિકન નારીઓ ક્યાં છે? એ તપસ્વિની તેમજ ઓજસ્વિની માતાનું જેમણે આપણને જન્મ આપ્યો છે, એમનું તમે સન્માન કર્યું છે ખરું? જેમણે આપણને પોતાના દેહમાં નવ માસ સુધી વહન કર્યા છે એ માતા શું છે ? જે આપણા જીવન માટે પ્રાણની આહુતિ આપવાની જરૂર પડે તો એવું વીસ વીસ વાર કરવાં તત્પર રહે, એ માતા ક્યાં છે? હું ગમે તેટલો દૃષ્ટ કે અધમ બની જઉં તો પણ જેમનો પ્રેમ ક્યારેય મરતો નથી, એવી માતા ક્યાં છે? મારાં માતપિતાએ કેટલાય દિવસો સુધી ભગવાનને પ્રાર્થના કરી અને વ્રત પણ પાળ્યાં કે જેથી એમને એક સંતાન પ્રાપ્ત થાય… પ્રત્યેક બાળક માટે માતપિતાએ પ્રાર્થના કરવી જોઈએ… અમેરિકાની માતાઓ! આ બાબત પર જરા વિચાર કરો! હૃદયના અંત :સ્થળમાં જઈને જરા વિચારો, શું તમે ખરેખર નારી બનવા ઈચ્છો છો ? એમાં કોઈ જાતિ કે દેશનો પ્રશ્ન નથી આવતો, એમાં કોઈ પ્રકારના રાષ્ટ્રિય ગૌરવ કે મિથ્યા ગૌરવને સ્થાન નથી… તમને સૌને આજે રાતે હું એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવા માગંુ છું. શું તમે સન્તાનપ્રાપ્તિ માટે પ્રભુને હૃદયથી પ્રાર્થના કરો છો? શું તમે માતા બનવા માટે તમારી જાતને ધન્ય માનો છો? શું તમે એમ માનો છો કે માતૃત્વ પ્રાપ્ત કરીને તમે સૌ પવિત્રતા પુર્ણ ગૌરવને મેળવો છો? તમે સૌ તમારા અંતરાત્માને જરા ઢંઢોળો અને પૂછો. જો એમ ન બને તો તમારાં લગ્ન મિથ્યા છે, તમારું નારીત્વ પણ મિથ્યા છે, અને આપનું શિક્ષણ પણ એક દંભ છે. સાથે ને સાથે આપણી પ્રાર્થના વિના બાળકો જન્મ લે છે તો તેઓ પણ સંસાર માટે એક અભિશાપ પૂર્વાર થશે.’

જન સેવાને આગળ ધપાવનાર નાગરિક આદર્શાેના મહીમાનું ગાન કરવામાં પણ સ્વામીજી પાછળ નથી રહ્યા. નાગરિક આદર્શમાં સામુદાયિક એકતાની સરખામણીમાં પારિવારિક સ્વાર્થને જોયો ન જોયો કરવો પડે. સમુદાયની ભીતર પુરુષ અને નારી બંન્નેને વ્યષ્ટિનો દરજજો મળે છે અને તેઓ નાગરિક જીવનના આદર્શને રૂપાયિત કરવા સચેત અને જાગૃત પ્રયાસ કરે છે. બધા પ્રકારના સામાજિક સામંજસ્ય આજ સામુદાયિક વિકાસ તરફ કેન્દ્રિત છે. પારિવારિક જીવનના સ્થાને સામુદાયિક કલ્યાણની પ્રતિષ્ઠા થાય છે અને એના પરિણામે કયારેક કયારેક પરિવારનું વિઘટન પણ થઈ જાય છે. પ્રત્યેક વ્યકિત પોતપોતાની આર્થિક તેમજ સામાજિક અવસ્થાનું રક્ષણ કરવા તત્પર બને છે. જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હતા ત્યારે ત્યાંનાં શિક્ષિત, સાહસીક અને દયાળું નારીઓને ‘પક્ષીઓના જેવી સ્વાધીન’ જોઇને આશ્ચર્યચકિત થઈ જતા. એ લોકોએ આત્મસન્માનપૂર્વક પોતાના સમૂદાયના નાગરિક જીવનને કાયમ જાળવી રાખ્યુ છે. વિસ્મય અને પ્રશંસાની સાથે એમણે અમેરિકાથી ભારતમાંના પોતાના એક મિત્રને લખ્યું હતું, ‘મેં અહીં જેવી શિષ્ટ અને શિક્ષિત નારીઓ જોઈ છે તેવી ક્યારેય બીજે કયાંય જોય નથી. અમારા દેશમાં પુરુષો શિક્ષિત છે, પરંતુ અમેરિકા જેવી નારીઓ તમને મહામુશ્કેલીએ ક્યાંક દેખાશે. … મેં અહીં હજારો નારીઓને જોઈ છે, એમનાં હૃદય હિમાલય જેવાં પવિત્ર અને નિર્મળ છે. અહા ! તેઓ કેવી સ્વતંત્ર હોય છે ! સામાજિક અને નાગરિક કાર્યોનું નિયંત્રણ પણ કરે છે. શાળા – મહાશાળાઓ નારીઓથી ભરપુર રહે છે અને અમારા દેશમાં નારીઓ માટે રસ્તે ચાલવું પણ મુશ્કેલી વિનાનું નથી !’ અને ત્યાર પછી તેઓ આગળ લખે છે,‘અહીં લોકો સ્ત્રીઓને આવા રૂપે (શકિતના રૂપે) જુએ છે … અને એટલે તેઓ આટલા સુખી, વિદ્વાન, સ્વતંત્ર અને ઉદ્યોેગી છે. અને અમારા દેશમાં લોકો સ્ત્રી જાતિને નીચ, અધમ, મહાહેય, અને અપવિત્ર કહે છે. પરિણામ એ આવ્યુ કે અમે લોકો પશુ, દાસ, ઉદ્યમહીન અને દરિદ્ર બની ગયા.’

આ રીતે આપણે જોઈએ છીએ કે સ્વામીજીએ એક એક કરીને બન્ને આદર્શાેની પ્રશંસા કરી છે. આમ છતાં પણ એ બન્નેની એમની સમાલોચના પણ એટલી જ કઠોર છે. ભારતીય મહિલાની અવદશા વિશે એકવાર એમણે કહ્યુ હતું,’ અત્યાર સુધી એમણે કેવળ અસહાય આસ્થામાં બીજા પર આશ્રિત થઈને પોતાનું જીવન વિતાવવું અને ઘણું અનિષ્ટ કે સંકટ આવવાની આશંકાથી માત્ર આંસુ વહાવવાનું શીખ્યું છે.’ બીજી તરફ એમણે ન્યૂયોર્કમાં અમેરિકન મહિલાઓને સ્પષ્ટ અને કઠોર વાણીમાં કહ્યું. ‘હું એવું ઇચ્છું છું કે અમારી સ્ત્રીઓમાં તમારી બૌદ્ધિકતા હોય, પરંતુ જો એ ચારિત્ર્યની પવિત્રતાનું બલિદાન દઈને આવી શકતી હોય તો હું એને ઈચ્છતો જ નથી. તમને જે કાંઇ પણ આવડે છે તેની હું પ્રશંસા કરું છું, પરંતું જે ખરાબ છે એને ગુલાબથી ઢાંકીને તેને સારું કહેવાનો જે પ્રયત્ન તમે કરો છો, તેને હું ધિક્કારું છું. બૌદ્ધિકતા જ પરમ શ્રેય નથી. નૈતિકતા અને આધ્યાત્મિકતા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અમારી સ્ત્રીઓ આટલી વિદ્વાન નથી પરંતુ તે વધારે પવિત્ર છે.’

આ રીતે આપણાં દેશથી સાવ ભિન્ન આદર્શ પર ચાલતી મહિલાઓના એક વર્ગના સંમ્પર્કમાં આવ્યા પછીથી આ બન્ને આદર્શાે તથા સમાજમાં મહિલાઓની દશાનો ભેદ સ્વામીજીનાં મન :ચક્ષુ સામે ઉદિત થવા લાગ્યો. પછીના સતકાળમાં જ્યારે એમનાં મનમાં પોતાના દેશની નારીઓના ઉત્થાન માટે કાર્ય કરવાની તીવ્ર ઇચ્છા જાગી ત્યારે સ્વાભાવીક રૂપે જ એમના મનમાં આ પ્રશ્ન ઊભો થયો કે ભારતીય મહિલા કેટલી હદ સુધી પોતાના આદર્શાે સાથે બાંધછોડ કરીને અન્ય દેશમાં આદર્શાેને પોતાના બનાવી શકે. આ વિષય પર સ્વામીજીને જગતને જે ગહન અને સર્વાંગી વિચાર આપ્યા હતા એને આજે એકસોેવીસ વર્ષ વીતી ગયાં છે, છતાં પણ એ વિચારો અને આદર્શાે આજે પણ એવા જ પ્રેરણાદાયક છે. (ક્રમશ 🙂

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.