ડૉ.ભદ્રાયુ વછરાજાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડમીક કોલેજના નિયામક છે.
(નિ :સ્વાર્થવૃતિ અને શુભ કાર્ય દ્વારા સ્વાધીનતા મેળવવા માટેની, ધર્મ + નીતિની પદ્ધતિ = કર્મયોગ)
કર્મયોગ અને સ્વામી વિવેકાનંદ.
શું છે ‘કર્મયોગ’ સ્વામી વિવેકાનંદની દીર્ધ અને દિવ્ય દ્રષ્ટિએ સ્વામીજીના જ શબ્દોમાં :
કર્મયોગના ઉપદેશને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે કર્મયોગને સંપૂર્ણ અમલમાં મૂકયો હોય એવા એ એક જ પુરુષ હતા. બુદ્ધ સિવાયના જગતના અન્ય સૌ પયગંબરો નિ :સ્વાર્થ કાર્ય કરવા માટે પણ કોઈ બાહ્ય હેતુથી પ્રેરાયા હતા. એક બુદ્ધના અપવાદ સિવાય જગતના અન્ય પયગંબરોને બે કોટિમાં વહેંચી શકાય :
(૧)પોતે પરમાત્માના અવતારો તરીકે પૃથ્વી પર આવ્યા છે એમ કહેનારાઓ.
(ર) પોતે ઈશ્વરના માત્ર સંદેશાવાહકો તરીકે પૃથ્વી પર આવ્યા છે એમ કહેનારાઓ.
આ બન્ને કોટિના પયગંબરોને કાર્ય કરવાની પ્રેરણા બહારથી મળે છે, ને બહારના બદલાની આશા રાખે છે, જો કે એમની ભાષા ઘણી આધ્યાત્મિક હોય છે. બુદ્ધ એક જ એવા પયગંબર હતા કે જેમણે કહ્યું : ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. આત્મા વિશેના સર્વ ગહન સિદ્ધાંતોની ચર્ચા કરવાની શી જરૂર છે ? ભલા કામ કરો અને ભલા થાઓ. એ જ તમને મુકત કરશે અને પરમ સત્ય તરફ લઈ જશે.’ પોતાના જીવનવ્યવહારમાં બુદ્ધ પૂરા નિ :સ્વાર્થ હતા. ઈતિહાસમાં એવો કોઈ એક દાખલો તો બતાવો જે બીજા સૌના કરતાં આવી ઊંચી કોટિએ પહોંચ્યો હોય. સમગ્ર માનવજાતે માત્ર આવા એક જ માનવીને, આવી ઊંચી ફિલસૂફીને, આવી વિશાળ સહાનુભૂતિને જન્મ આપ્યો છે. આ મહાન તત્ત્વવેત્તાએ શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને તેમ છતાં નાનામાં નાના પશુ જીવ માટે એણે ઊંડામાં ઊંડી સહાનુભૂતિ દાખવી; તેમણે પોતાના માટે કોઈ દાવો કર્યો નહીં. કોઈ પણ હેતુ વગર કર્મ કરનાર તેઓ આદર્શ કર્મયોગી હતા. તેઓ આત્મશકિતના સર્વોત્તમ વિકાસભર્યા શ્રેષ્ઠ પુરુષ હતા. નીચેનાં વાકયો ઉચ્ચારવાની હિંમત કરનાર એ પ્રથમ હતા : ‘કોઈ જૂની હસ્તપ્રતો બતાવવામાં આવે માટે માનશો નહીં; તમારી એ રાષ્ટીય માન્યતા છે અથવા તમને બચપણથી એમ માનતા કરવામાં આવ્યા છે માટે માનશો નહીં. એ બધાનો બુદ્ધિપૂર્વક વિચાર કરો અને એનું પૃથક્કરણ કર્યા પછી તમને જો એમ લાગે કે તેથી સર્વનું શુભ થશે તો જ તમે માનજો, એ પ્રમાણે જીવજો અને અન્યને એ પ્રમાણે જીવવામાં સહાય કરજો…’ જે કોઈ દ્રવ્યના, કીર્તિના કે અન્ય કશા હેતુ વગર કાર્ય કરે છે તે શ્રેષ્ઠ કાર્ય છે. માનવ એમ કરી શકશે ત્યારે એ બુદ્ધ થશે અને એનામાંથી જ જગતનો કાયાપલટો થાય એવી રીતે કર્મ કરવાની શકિત પ્રગટશે… આવો માનવી કર્મયોગનો સર્વોત્તમ આદર્શ પૂરા પાડે છે…’
છે કોઈ જ વિવરણની જરૂર ? આવશ્યકતા છે હજુ કોઈ વિવેચનની ? કર્મયોગની લાંબી વાતોને બદલે એક જ ઉદાહરણ, એક જ પેરેગ્રાફ, એક માત્ર વિચાર અને બધું સ્વયંસ્પષ્ટ સ્વામી વિવેકાનંદ પોતે જ જીવ્યા તે કર્મયોગના ત્રાજવે મુકીએ તો કર્મયોગનું પલ્લું અધ્ધર જાય એટલું સધ્ધર જીવન એમનું ! ઝટ દઈને ગળે ન ઊતરે તેવું ભરચક્ક છતાં ઉછળતું કુદતું જીવ્યા. નરેન્દ્ર… પછી નરેન્દ્રનાથ… પછી સચ્ચિદાનંદ.. પછી વિવિદિશાનંદ… કેટલાં નામ ! આમ જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના મહારાજે કહ્યું : ‘તમારું નામ બહુ અટપટું છે ! સામે પ્રશ્ન કર્યો : ‘તમને કયું નામ ગમે ?’ ખેતડીના મહારાજ કહે : ‘મને તો વિવેકાનંદ ગમે…’ તરત જ સહર્ષ સ્વીકાર થયો અને કહ્યું : ‘ભલે, તો આજથી આપણે વિવેકાનંદ…’ અને આમ, નરેન્દ્રમાંથી જગતને સ્વામી વિવેકાનંદ મળ્યા !. સ્પષ્ટ હતું મનમાં કે નામમાં શું રાખ્યું છે ? નિ :સ્વાર્થ કામ પાસે કોઈપણ નામ નાનું પડે.! તેથી તો એકપણ ક્ષેત્ર એમણે બાકી ન છોડયું. એમના જીવનની પ્રત્યેક પળ જાણે કે કર્મયોગની સાક્ષી ! માત્ર ઓગણચાલીસ વર્ષનું ટૂંકું જીવન… અને તેમાં ભણવું – સંગીત – ડુગ્ગી, તબલાં, પખવાજ વગાડવાં – ઉચ્ચાંગ સંગીત, વકવૃત્વ, વાચન, પ્રવાસ, ધ્યાન અને આ બધાં છતાં ત્રેવીસમાં વર્ષે તો દીક્ષા લઈ લીધી ! ઓગણત્રીસ વર્ષના થયા ત્યાં તો સમગ્ર ભારતની પરિક્રમા પૂર્ણ કરી લીધી ! ત્રીસમા વર્ષે તો વિશ્વધર્મસભામાં તોખાર ભાષણ કરી વિશ્વને હિન્દુધર્મની સાચી ઓળખ આપી.. સ્વામી વિવેકાનંદના આવા વિરાટ જીવનયોગને કર્મયોગ તરીકે મૂલવતાં બોલો કોણ રોકી શકે એમ છે ? તેઓ સ્પષ્ટ છે, સ્ફટિક સમ સ્પષ્ટ :
*મારે કાંઇ કરવાનું હોય તો પ્રથમ મારે જાણવું જોઈએ કે એ મારું કર્તવ્ય છે અને પછી હું તે કરું.
*બીજાઓનાં કર્તવ્યો તેમની નજરે જોવાનો આપણે હમેશાં પ્રયાસ કરવો જોઈએ.
*દુનિયાને મારે ધોરણે માપવાની નથી, મારે જ વિશ્વને અનુરૂપ થવાનું છે. જગતે મને અનુરૂપ થવાનું નથી.
*જ્યારે કોઈ કાર્ય કેવળ કર્તવ્યની ભાવનાથી થાય છે ત્યારે એ કાર્ય ઉપાસના બને છે.
*કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે, એનાં પૈડાંઓમાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે.
*સાધન અને સાધ્યને એક કરો. તમે એક કર્ય કરતા હો ત્યારે એથી પાર કાંઇ જોવાનો વિચાર ન કરો.
*આપણે કાર્ય કરતા જઇએ, અને એમ કરતાં જે આપણું કર્તવ્ય બને તે પૂર્ણ કરતા જઈએ; અને પૈડાંને ચલાવવા માટે આપણા ખભાનો ટેકો આપવા હમેશાં તત્પર રહીએ.
સ્વામી વિવેકાનંદે ચાર મુદ્દાઓમાં સ્પષ્ટ કર્યું કે આપણું કર્મ આપણને પોતાને સહાય કરે છે, જગતને નહીં.
૧) જગતના આપણે સર્વે દેણદાર છીએ અને જગત પાસે આપણે કશું માગતા નથી. જગતને સહાય કરીને આપણે પોતાને જ સહાય કરીએ છીએ.
ર) આ વિશ્વમાં ઈશ્વર છે. આ જગત મારી કે તમારી સહાયની અપેક્ષાએ ચાલી રહ્યું નથી. ઈશ્વર હાજરાહજૂર છે, અમર છે, કાર્યશીલ છે અને સદા જાગ્રત છે. જગતમાં જે કાંઇ ફેરફાર અને આવિષ્કાર જોવામાં આવે છે તે સર્વ એના છે.
૩) આપણે કોઈને ધિક્કારવા ન જોઈએ. જગતમાં શુભ અને અશુભનું મિશ્રણ તો રહેવાનું, જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે, જેમાં આપણે સહુએ વ્યાયામ કરવાનો છે કે જેથી આધ્યાત્મિક રીતે આપણે સબળ અને વધુ સબળ બનીએ.
૪) કોઈપણ પ્રકારના ઝનૂની આપણે થવું જોઈએ નહીં, કેમ કે ઝનૂન એ પ્રેમનું વિરોધી છે. જો આપણે ગુણ અને ગુણવાન વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે જોઇ શકીએ તો આપણે સંપૂર્ણ બની શકીએ.
સ્વામી વિવેકાનંદ મધદરિયે નાવમાં સૌ પ્રવાસીઓની સાથે હતા. તોફાન આવ્યું, નાવ હાલકડોલક થવા લાગી, બધા ગભરાયા પણ એકમાત્ર સ્વામીજી આંખ બંધ કરીને પ્રગાઢ શાંતિથી બેઠા હતા! બધાએ તેઓને જગાડીને કહ્યું : ‘નાવ ડુબવામાં છે ત્યારે તમે શાંત બેઠા છો ?’ સ્વામીજી કહે : તમે બધા પણ શાંત ચિત્તે બેસી તમારા ઈષ્ટદેવને સ્મરણ કરો. સ્વામીજીના શબ્દોમાં દિવ્યતાનો રણકો હતો. સૌ આંખ બંધ કરી બેસી ગયા અને દરિયાનું તોફાન પણ શાંત થવા લાગ્યું. સૌ આભાર વ્યકત કરતા કહેવા લાગ્યા : સ્વામીજી, તમારે લીધે આ તોફાન શમ્યું! સ્વામી વિવેકાનંદે વિનમ્રતાથી કહ્યું :‘ના, તમારા સૌની તમારા ઈષ્ટદેવમાં રહેલી અપાર શ્રદ્ધાથી બંધ થયું. ક્યારેય શ્રદ્ધા ન ગુમાવશો.’
સંદેશ સ્પષ્ટ છે : કાર્યને ખાતર કાર્ય કરવું. નામની કે કીર્તિની કે સ્વર્ગમાં જવાની પણ સ્પૃહા ન રાખવી. કાર્ય કરવાથી કાંઇક શુભ પરિણામ જરૂર આવશે એવી આશાથી જ કાર્ય કરવું. જે માણસ પાંચ દિવસ કે પાંચ મિનિટ પણ, નિ :સ્વાર્થપણે કશું કામ કરે, અને એ વખતે ભાવિનો, સ્વર્ગપ્રાપ્તિનો, સજાનો કે એવા કોઈ પ્રકારનો વિચાર ન કરે, તો એ માણસમાં શકિતશાળી, નીતિમાન મહાપુરુષ થવાની તાકાત રહેલી છે. કારણ.. કર્મયોગ એટલે નિ :સ્વાર્થવૃતિ અને શુભ કાર્ય દ્વારા સ્વાધીનતા મેળવવા માટેની ધર્મ અને નીતિની પદ્ધતિ. ·
Your Content Goes Here