રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી સ્વામી ભજનાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે- સં.
પરિવર્તન એ માનવ જીવનનું મહત્ત્વનું લક્ષણ છે. માનવ સમાજ પણ આ નિયમથી પર નથી. આ પરિવર્તનનું પરિણામ એટલે સંસ્કૃતિ કે સભ્યતા. આર્નાેલ્ડ ટોયેન્બીએ દર્શાવ્યું છે કે સંસ્કૃતિ કે સભ્યતા કોઈ કુદરતી તત્ત્વ નથી. એ છે પર્યાવરણના પડકારોના પ્રતિભાવરૂપે માનવે કરેલ સર્જન. એટલે જ સંસ્કૃતિ કે સભ્યતાની રીતિ દેશે દેશે વિવિધરૂપે વિકસી છે. જો કે ઘણા આધુનિક સમાજશાસ્ત્રીઓએ કહ્યું છે કે સંસ્કૃતિની આધારભૂમિકા ધર્મ છે; એકલા ભારતમાં જ આ ધર્મ અને સંસ્કૃતિ અભિન્ન અને એક રહી છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો ‘ધર્મ એ આપણા રાષ્ટ્રની કરોડરજજુ છે’ એટલે હિંદુ સમાજમાં કોઈપણ પરિવર્તન પ્રથમ તો ધર્મ સાથે જ થાય છે.
પરિવર્તન વિવિધ પ્રકારનાં હોય છે : કેટલાંક ઉત્ક્રાંતિને લીધે થાય છે, વળી કેટલાંક ક્રાંતિને લીધે થાય છે. કેટલાંક પાછળ ધકેલનારાં અને કેટલાંક વિનાશક હોય છે. ૧૯મી સદી દરમિયાન ભારતમાં થયેલ સુધારક આંદોલનો ઉત્ક્રાંતિવાળાં ન હતાં. એ બધાં પરિવર્તનો બાકીના બીજા ત્રણ પ્રકારનાં હતાં. ઉત્ક્રાંતિ એ વિકાસનો નિયમ છે અને જે પ્રક્રિયા આ નિયમની વિરુદ્ધ જાય છે તે લાંબો વખત ટકતી નથી. સુધારક આંદોલનો સમગ્રતયા હિંદુત્વના વિકાસને રજૂ કરતાં નથી એટલે તેઓ પ્રારંભિક કક્ષાની ગતિ ગુમાવી દે છે. આ બધાંને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજીને સ્વામીજીએ કહ્યું છે, ‘હું સુધારામાં માનતો નથી; વિકાસમાં માનું છું. હું ઈશ્વરને સ્થાને બેસીને આપણા સમાજને હુકમ કરવાની હિંમત કરતો નથી કે એ સમાજ તારે આ રીતે જ ચાલવું, પેલી રીતે નહીં… મારો આદર્શ છે રાષ્ટ્રીય ધોરણે પ્રગતિ, સંવર્ધન, વિકાસ… હું તમને એટલું જ કહું છું કે તમે આગળ વધો અને આપણા પૂર્વજોએ સંપૂર્ણ રીતે આંકી રાખેલી મનુષ્યના વિકાસની યોજનાની વ્યાવહારિક સિદ્ધિ પૂર્ણ કરો. (ગ્રં. વો. ૨, પૃ. ૯૪ અને ૮૦)’
પોતાની આધ્યાત્મિક અનુભૂતિ, હિંદુધર્મના શાસ્ત્રોનો અભ્યાસ અને મૂળથી જ હિંદુ સમાજની પરિસ્થિતિના પ્રથમદર્શી જ્ઞાનને લીધે સ્વામીજી એવા નિર્ણય પર આવ્યા કે ભારતની અવનતિનું કારણ હિંદુધર્મ ન હતું; પણ સામાજિક, રાજનૈતિક, આર્થિક ક્ષેત્રે રાષ્ટ્રજીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રજામાં નહિવત્ પ્રતિરોધ હતો, તે તેનું મૂળ કારણ છે. તેમણે એ શોધી બતાવ્યું કે હિંદુત્વમાં ચોક્કસ પ્રકારના જીવન બક્ષતા સિદ્ધાંતો હતા. જો એને આચરણમાં મુકાય તો તે ભારતની નવજાગૃતિ તરફ દોરી જાય. ભારતની રાષ્ટ્રિય સમસ્યાઓ તેમજ વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ માટે આવા જીવંત અને શક્તિ પ્રેરતા સિદ્ધાંતોને પૂરેપૂરા આચરણમાં ન મુકાતાં ભારતનું ભાવિ અધોગામી બન્યું અને વિદેશીઓના હાથમાં રાષ્ટ્ર ગુલામ બન્યું. જીવન બક્ષતા આ સિદ્ધાંતોના સંગ્રહ અને એમને આચરણ કે વ્યવહારમાં એકી સાથે મૂકવાની પદ્ધતિ એટલે નવું વેદાંત.
આગળ વધીએ તે પહેલાં આ નવા વેદાંતનો અર્થ આપણે સમજી લેવો પડે. અહીં ‘નવું’નો અર્થ નવું તત્ત્વજ્ઞાન કે નવો ધર્મ નથી. એનો અર્થ છે તેની નવી અભિવ્યક્તિ કે વ્યાખ્યા, તેમજ જુગ જુગ જૂના હિંદુધર્મમતને નવી રીતે આચરણમાં મૂકવાની વાત. વળી સ્વામીજીએ વાપરેલ શબ્દ વેદાંત એ હિંદુધર્મને સમગ્રતયા સૂચિત કરે છે. જો કે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વેદાંત શબ્દ માત્ર ઉપનિષદો અને એના પર આધારિત બાદરાયણની ફિલસૂફીને લાગુ પડે છે. શંકરાચાર્ય પછી અને મુખ્યત્વે એમના જ પ્રયત્નોથી વેદાંતે ભારતના તત્ત્વજ્ઞાનની બધી શાખાઓ પર વિજય પ્રાપ્ત કર્યો અને તે હિંદુધર્મના તત્ત્વજ્ઞાન સાથે સુમેળ સાધતી બની. વેદાંતમાં બીજાં દર્શનશાસ્ત્રોનાં તત્ત્વોને એકત્રિત કરવાની પ્રક્રિયાને રામાનુજાચાર્ય, મઘ્વાચાર્ય અને બીજાઓએ આગળ વધારી હતી. આવા દિવ્ય ઐક્ય સાધનારાઓમાં સ્વામી વિવેકાનંદ સૌથી છેલ્લા અને આધુનિક હતા. નવા વેદાંતમાં સ્વામી વિવેકાનંદના પ્રદાન વિશે વાત કરતાં ભગિની નિવેદિતાએ કહ્યું છે કે તેઓ ભારતના એ અમૂલ્ય ખજાના કે જે ભારતવર્ષ પોતાની ભીતર ધારણ કરી રહ્યું છે તેના પ્રગટકર્તા કે વ્યાખ્યાતા રૂપે આપણને જોવા મળે છે. જે સત્યો તેમણે ઉપદેશ્યાં છે તે ક્યારેય ન ઉદ્ભવ્યાં હોય એવાં સાચાં છે. અરે તે સત્યો એટલાં જ પ્રમાણભૂત છે. ઊર્મિના ઊછાળની કઠિનતા, આધુનિક સ્પષ્ટતા અને વિધાનની મર્મભેદકતા સાથે ને સાથે પરસ્પર લુપ્ત થઈ જતી સુસંગતતા અને એકતા એ એમાં દેખાતો ભેદ છે. જો તેઓ ન અવતર્યા હોત તો આ શાસ્ત્રોનાં સત્યો કે જે હજારો હજારો જીવનને રોટી આપે છે તે માત્ર વિદ્વાનોની દુર્બાેધ્ય તર્ક ચર્ચાનો વિષય બની રહેત. તેમણે આ બધંુ કોઈ એક પંડિતની જેમ નહિ પણ એક સિદ્ધ હસ્ત અને પ્રમાણભૂત વ્યક્તિ તરીકે શીખવ્યંુ છે. એમણે જે કંઈ પણ ઉપદેશ્યું છે તેમાં અનુભૂતિની ઊંડાણ ભરી ડૂબકી મારી છે. રામાનુજની જેમ અસ્પૃષ્ય જ્ઞાતિ બહાર ફેકાયેલાને રહસ્ય અને અદ્યાત્મજ્ઞાન કહેવા તેઓ પાછા આવ્યા.
સ્વામીજીએ જેના વિશે વાત કરી છે એ જીવન બક્ષતા વેદાંતના સિદ્ધાંતો કયા કયા છે? ફરીથી આપણે એની પ્રમાણભૂતતા અને સ્પષ્ટતા માટે ભગિની નિવેદિતાનું કથન ઉદ્ધૃત કરીએ છીએ.
‘હિંદુઓને સ્વામી વિવેકાનંદ કહે છે, ‘માનવ અસત્યથી સત્ય તરફ નહીં પણ સત્યથી સત્ય તરફ, અને નિમ્નતર સત્યથી ઉચ્ચતર સત્ય તરફ ઉન્નત થાય છે.’ આ અને મુક્તિ વિશેનો એમનો ઉપદેશ કે સિદ્ધાંત છે, ‘માનવે દિવ્યતાની અનુભૂતિ કરીને દિવ્ય બનવાનું છે.’ આ ધર્મ આપણામાં પૂર્ણ પણે રહેલ છે અને તે આપણને એ તરફ દોરી જાય છે. મૃત્યુના જગતમાં તે (ઈશ્વર) એક જીવન છે. તે જ આ સદૈવ પરિવર્તનશીલ જગત કે વિશ્વની આધારભૂમિ છે અને જે એકમાત્ર આત્મા છે. અને જેના બધા આત્માઓ માત્ર ભ્રમણા જેવાં પ્રગટીકરણ છે.’- માનવજાતના ઈતિહાસમાં સૌથી વધારે સંકુલ અને સુદીર્ઘકાળની અનુભૂતિના આ બે મહાન પ્રમાણભૂત અને વિલક્ષણ સત્યો તારવી શકાય. ભારતે સ્વામી વિવેકાનંદ દ્વારા આજના પશ્ચિમના આધુનિક વિશ્વને ઉદ્ઘોષિત કર્યું છે.
બીજા શબ્દોમાં કહીએ તો સ્વામીજીની દૃષ્ટિએ નવજીવન બક્ષતા સિદ્ધાંત આ છે :
૧. આત્માની પોતાની દિવ્યતા, ૨. સાક્ષાત્કારના સિદ્ધાંતો એટલે ઈશ્વરના પ્રત્યક્ષ અનુભવના સિદ્ધાંતો, ૩. સર્વસમભાવના કે ઐક્યના સિદ્ધાંતો.
પરંપરાગત રીતે હિંદુધર્મની માનવની સંકલ્પના એ છે કે તે હાડમાંસના પિંજરામાં પૂરાયેલો નિર્બળ અને ઉદાસીન આત્મા છે. ભગવાન બુદ્ધની દૃષ્ટિએ દુ :ખ અને પરિવર્તનની સાચી દુનિયામાં ખોટી રીતે પકડાયેલો આત્મા. ખ્રિસ્તી ધર્મની સંકલ્પના આના કરતાં ઓછી દાર્શનીક છે. આદમના અભિશાપ સાથે એ પાપી તરીકે જન્મ્યો છે અને શેતાન એને સતત અવળે માર્ગે દોરતો રહે છે. આવા માનવ વિશેના ઉદાસીનતાભર્યા ચિત્રની સામે સ્વામી વિવેકાનંદે પોતાનો માનવની ભીતરની દિવ્યતાની ફિલસૂફીનો ઉપદેશ આપ્યો. તેમની દૃષ્ટિએ માનવ એક દિવ્ય પ્રકાશ અને સામર્થ્યના ચમકારાવાળો, ભૌતિક દ્રવ્યો પર વિજય મેળવતો જીવાત્મા છે. એમની દૃષ્ટિએ જીવન એ કોઈ જેલ નથી પણ એ તો રણભૂમિ છે. સાથે ને સાથે માનવનાં ધર્મ, કલા, વિજ્ઞાન અને સામાજિક જીવનના વિજયનાદો એટલે પ્રકૃતિએ એની સામે ઊભાં કરેલાં અસંખ્ય વિઘ્નો હોવા છતાં જીવાત્માની પલટનની આગેકૂચ.
આ સંદર્ભમાં ‘સમર્થ કે શક્તિશાળી’ એ શબ્દ બે બાબતો સૂચવે છે. પ્રથમ તો એનો અર્થ એ થાય કે માનવનું મૂળ સ્વરૂપ (આત્મા) પોતાની વર્તમાન પરિસ્થિતિમાં કોઈ સંકુચિત સ્થિતિમાં છે કે અજ્ઞાનને કારણે એને ગ્રહણ લાગી ગયું છે. બીજું, એનો અર્થ એવો પણ થાય છે કે કાર્યકારણ ભાવથી માનવ આ બંધનોને તોડવા આતુર છે. ભગિની નિવેદિતાએ દર્શાવ્યંુ છે કે આ ફિલસૂફી કે સિદ્ધાંત મુક્તિ સાથે સંકળાયેલો છે. સ્વામીજીની દૃષ્ટિએ મુક્તિ એટલે માત્ર જન્મ જન્માંતરના દુ :ખ-કષ્ટનો અંતિમ બદલો કે જે આધુનિક માનવ માટે ઘણો દૂર રહે છે એ નહીં. પરંતુ એ છે, અસ્તિત્વને લગતી તત્કાલ અને પ્રત્યક્ષ ચિંતા કે આતુરતા. માનવની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંચાલન પાછળનું આ મુખ્ય પ્રેરકબળ છે. ધર્મ માત્ર આ મુક્તિનું સૌથી પૂર્ણ સ્વરૂપ તરફ અંગુલી નિર્દેશ કરે છે અને ઈશ્વર એ સર્વોત્કૃષ્ટ આદર્શને રજૂ કરે છે. વાસ્તવિક રીતે સ્વામીજી જીવન સાથેની મુક્તિની એકતાને સિદ્ધ કરે છે. પોતાના ‘ધર્મ શું છે?’ નામના વ્યાખ્યાનમાં એક નાનકડા કીડાને વિશાળ એન્જિન સાથે સરખાવીને કહે છે, ‘જો જ્યારે પ્રાણહીન અને પ્રાણવંત વચ્ચે આપણે કેવી રીતે ભેદ પાડી શકીએ? પ્રાણવાન જીવમાં સ્વાતંત્ર્ય છે, બુદ્ધિ છે. પ્રાણહીનમાં સર્વ ક્રિયા નિયંત્રિત છે, એનામાં સ્વાતંત્ર્ય નથી કેમ કે એનામાં બુદ્ધિ નથી. યંત્રથી આપણને જુદા પાડતી આ સ્વતંત્રતાને માટે આપણે મથી રહ્યા છીએ. વિશેષ સ્વતંત્ર થવું એ આપણા સર્વ પ્રયાસોનું લક્ષ્ય છે કેમ કે પૂર્ણ સ્વાતંત્રતામાં જ સંપૂર્ણતા સંભવે છે.
(સ્વા.ગ્રં. ભાગ-૧, ૨૭૧)
Your Content Goes Here