ભારતના અને વિશ્વના જાણીતા ઇતિહાસકાર ડૉ.આર.સી.મજૂમદારનો અંગ્રેજી ભાષામાં લખાયેલ અને ૧૯૪૩ સપ્ટેમ્બરમાં ‘પ્રબુદ્ધ ભારત’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.

પોતાના બધા મહાન વ્યક્તિઓને એક પ્રશંસાત્મક નામ આપવું એ આપણી સ્વાભાવિક પ્રવૃત્તિ છે. સ્વાભાવિક રૂપે જ આપણે આવા બધા મહાપુરુષોને ધર્મનાયક, દેશભક્ત, વીર, કવિ, વૈજ્ઞાનિક, કલાકાર વગેરે સમજવા માંડીએ છીએ. સ્વામી વિવેકાનંદના નામ સાથે એક એવી ઉપાધિ જોડવામાં થોડીક મુશ્કેલી અનુભવાય છે. તેઓ એક મહાન અધ્યાત્મ નાયક અને ધર્મના ઉપદેશક હતા. આટલા શબ્દોમાં એમનું સુયોગ્ય અને સટીક વર્ણન આવી જતું નથી. આપણામાંથી મોટા ભાગનાને એમના સાક્ષાત્ સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય નથી મળ્યું. એટલે ગ્રંથો દ્વારા જ આપણે એમને વિશે પોતાની ધારણા બાંધીએ છીએ. આપણે જ્યારે એમનાં વ્યાખ્યાનો, પત્રો તેમજ ગ્રંથોનું અધ્યયન કરીએ છીએ ત્યારે ભિન્ન ભિન્ન સમયે આપણા મન :ચક્ષુ સમક્ષ એમનું અલગ અલગ ચિત્ર પ્રગટ થાય છે. ક્યારેક તેઓ આપણી સન્મુખ એક મહાન ધર્મોપદેશકરૂપે ઊભરી આવે છે, તો વળી ક્યારેક રાષ્ટ્રની શક્તિ તેમજ ઓજસનું દોહન કરનારી રાજનૈતિક પરાધીનતા અને અંધવિશ્વાસોની શ્રૃંખલામાંથી મુક્ત કરાવવાની તીવ્ર આકાંક્ષાથી ધધકતા એક મહાન દેશભક્ત અને સમાજસુધારકરૂપે આપણી સામે આવે છે. ક્યારેક વળી દેશ, રાષ્ટ્ર જેવી સંકીર્ણ સીમાઓથી પર એક વિરાટ અતિમાનવ, માનવ માત્રના બંધુ, વિશ્વવ્યાપિ પ્રેમ અને સદ્ભાવનાના મસીહારૂપે આપણી સામે તરી આવે છે. આવાં અનેક રૂપ એમનાં હોઇ શકે છે. આ બધાં રૂપો સમાન રીતે ગહન અને પ્રભાવશાળી છે. આપણી સામયિક મન :સ્થિતિ અને આવશ્યકતા પ્રમાણે એમનામાંથી સ્વામીજીનો કોઈ એક સંદેશ આપણા ધ્યાનને આકર્ષી લે છે અને આપણે અન્ય પાસાંને ભૂલીને એમાં જ મુગ્ધ બની જઇએ છીએ.

ભારતભૂમિએ અસંખ્ય સંતો અને ધર્માચાર્યોને જન્મ આપ્યો છે; છતાંપણ એમના સંદેશોમાં સ્વામીજીનાં વ્યાખ્યાનો અને લેખોમાં સર્વત્ર જોવા મળે છે એવાં જીવનની સમસ્યાઓનો સંદર્ભ અને ભારતના કરોડો પીડિતો માટે સહાનુભૂતિ શોધવી ઘણી મુશ્કેલ લાગે છે. ક્યારેક ક્યારેક તો સ્વામીજી જીવનના બીજા પાસાંની સરખામણીએ ધર્મને ગૌણ સ્થાન પણ આપી દેતા જણાય છે. આપણે આ માટે એમની આ વાણી વાંચીએ : ‘વર્તમાન સમયમાં એવા અનેક મનુષ્ય છે, જેમણે પોતાની જ મુક્તિ માટે સંસારનો ત્યાગ કર્યો છે. તમે સર્વકંઇ દૂર ફેંકી દો, પોતાની મુક્તિનો વિચાર પણ દૂર કરો અને જાઓ બીજાને મદદ કરો… તમે પોતાના આ ક્ષુદ્ર જીવનને સમર્પિત કરી દેવા તૈયાર થઇ જાઓ. જો આ જાતિ (પ્રજા) બચી રહે તો, તમારા અને આપણા જેવા હજારો માનવીઓના ભૂખ્યે મરવાથી શું નુકશાન થઇ જવાનું છે. આ પ્રજા ડૂબતી જાય છે. લાખો પ્રાણીઓના શાપ આપણા શિરે છે… તમારી સામે સૌથી મહાન કાર્ય પડ્યું છે, લાખો લોકો ડૂબી રહ્યા છે, એમનો ઉદ્ધાર કરો… પહેલાં રોટી અને પછી ધર્મની જરૂર છે. ગરીબ બિચારા ભૂખ્યે મરી રહ્યા છે અને આપણે એને આવશ્યકતા કરતાં પણ વધારે ધર્મનો ઉપદેશ આપી રહ્યા છીએ!’

એક અતિ ઉચ્ચકોટીના રાજનૈતિક વિચારકની જેમ તેઓ ભૂતકાળની ભ્રમણામાં પડ્યા ન હતા, પરંતુ પોતાની માતૃભૂમિના મહિમામય ભવિષ્ય વિશે એમનું એક સપનું હતું, ‘તમે ઉચ્ચ વર્ણના લોકો! તમે લોકો છો ૧૦ હજાર વર્ષ જૂનાં (નરકંકાલ) મમી! ! તમે શૂન્યમાં વિલીન થઇ જાઓ. અને પછી નવભારત નીકળી પડશે. એ નવભારત આવશે હળ પકડનાર ખેડૂતોની ઝૂંપડીઓ ભેદીને, માછીમાર, માળી, મોચી અને મહેતરની ઝૂંપડીઓમાંથી.’ જીવનની ભૌતિક સમસ્યા પર પ્રકાશ પાડનાર અત્યંત ઉન્નત વિચારોથી પરિપૂર્ણ એવાં અસંખ્ય ઉદ્ધરણ રજૂ કરી શકાય.

સ્વામીજીના વ્યક્તિત્વની આ વિવિધતા પ્રારંભમાં તો કંઇક એક સમસ્યા જેવી લાગતી હતી, પણ જેમ જેમ કાળ વીતતો ગયો અને આપણે એમના ઉપદેશોનું ગહનતાથી અધ્યયન કરીએ છીએ તો ક્રમશ : આપણને એવું જાણવા મળે છે કે આ પ્રતિભાસ થતી બહુરૂપતા જ એમના વ્યક્તિત્વને સમજવા માટેની ગુરુચાવી છે. ક્રમશ : સ્વામીજીના સંદેશ આપણી સન્મુખ એવી રીતે સ્પષ્ટ થવા લાગે છે કે એક વ્યક્તિ પોતાના ભાવો અને બુદ્ધિની વિવિધ અભિવ્યક્તિઓ હોવા છતાં પણ અખંડ છે અને પરિણામે સમાજ તો આખરે વ્યક્તિઓનો એક સમૂહ માત્ર છે. આ કારણે એના મૂળ ચારિત્ર્યને તે અભિવ્યક્ત કરે છે. આવો આપણે એનું થોડું પણ સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ.

સામાન્યત : આપણે કોઈના વ્યક્તિત્વને ખંડ રૂપે જોઈએ છીએ, અખંડરૂપે નહીં. એનો પ્રત્યેક અંશ એકબીજા સાથે અસંલગ્ન અને સ્વતંત્ર હોય છે. એ જ રીતે આપણે ધાર્મિક, શિક્ષિત, સાધનસંપન્ન, સામાજિક, સુસંસ્કૃત જેવાં રૂપોમાં એની કલ્પના કરીએ છીએ. સાથે ને સાથે માનવ જીવનનાં આ વિવિધ પાસાં અન્યોન્યાશ્રિત ન બનીને અલગ અલગ ખંડ કે એકમ હોય એવું સમજીએ છીએ. આવી જ રીતે આપણે એક સમાજ કે સમુદાયને પણ વિવિધ દૃષ્ટિકોણથી જોઈએ છીએ અને તેની રાજનૈતિક, સામાજિક, આર્થિક કે ધાર્મિક પરિસ્થિતિઓ પર ભિન્ન ભિન્ન વિચાર કરીએ છીએ. આ રીતની વિચારધારાનું વ્યાવહારિક પરિણામ એ આવે છે કે એની સુધારણા તથા ઉન્નતિ માટે આપણા પ્રયાસો પણ ખંડ ખંડ જેવા હોય છે. અર્થાત્ એક સમયે કેવળ એક જ બાજુ, વ્યક્તિ અથવા સમાજ આપણા ધ્યાનમાં આવે છે. આ વિચારસરણીનું અનુસરણ કરવાથી આપણું ધ્યાન માનવતાના એક અંશ વિશેષ તરફ જ આકર્ષાય છે. મોટે ભાગે આપણા પોતાના જ સમાજ કે સમુદાય તરફ જ આકર્ષાય છે. બાકીનાં બીજાં બધાં આપણને મહત્ત્વનાં લાગતાં નથી.

સ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ જીવન અને સંદેશ વ્યક્તિ અને સમાજ વિશે આ સંકુચિત ધારણાના વિરોધમાં એક ઝેહાદ જેવું લાગે છે. એમની દૃષ્ટિએ પ્રત્યેક વ્યક્તિ વિધવિધ બૌદ્ધિક અને ભાવનાત્મક ગુણોનું એકમાત્ર પોટલું ન બનીને, એક એવું જીવંત એકમ છે કે જેના ઉપાદાનના વિવિધ ઘટક એક અખંડ શક્તિ દ્વારા જોડાયેલ છે. આ જ એની મુખ્યધરી છે. અને એ વ્યક્તિનાં જીવન અને કાર્યને નિયંત્રિત કરે છે. જ્યાં સુધી આ ધરીને નિયંત્રણમાં ન લાવી શકાય ત્યાં સુધી સુધારણાના બધા પ્રયાસો વિફળ થવાના છે. જ્યાં સુધી એની ભીતર એકાત્મતાની આ મહત્ત્વપૂર્ણ શક્તિ સારી એવી રીતે નિયંત્રિત કરવામાં ન આવે ત્યાં સુધી ધર્મ, શિક્ષણ, સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠા, તેના દૃષ્ટિકોણ કે ચારિત્ર્યને પ્રભાવશાળી રીતે બદલી ન શકે. સ્વામીજીએ કહ્યું છે કે, ‘મને સમાજ સુધારણામાં વિશ્વાસ નથી. હું તો પ્રગતિમાં વિશ્વાસ ધરાવું છું’. આ એક વાક્યમાં એમના ઉપદેશોનો સાર આવી જાય છે. વ્યક્તિ અને એની સાથે સમાજને પણ યોગ્ય રીતે વિકસિત થવું પડે. શુદ્ધ અને સારી માટીમાં એક છોડ અંકુરિત થાય, પલ્લવિત બને અને વિકાસના નૈસર્ગિક નિયમ પ્રમાણે એમાં ફૂલ પણ આવે; પરંતુ મરેલ અથવા માંદા વૃક્ષની એક ડાળ પર તમે શાખાઓ કે ફૂલ ઉગાડી ન શકો. વ્યક્તિ તેમજ સમાજને પુનર્જીવન આપનાર તેમજ ઉન્નતિ કરનાર શક્તિ ભીતરથી જ નીકળશે. સ્વામી વિવેકાનંદે વારંવાર એવો સંકેત આપ્યો છે કે આત્મશ્રદ્ધા અને શારીરિક શક્તિનો હ્રાસ આપણી બધી અસફળતાઓનું મૂળ કારણ છે. એમણે કહ્યું છે, ‘પહેલાં તો આપણે યુવાનોને બળવાન બનાવવા પડશે. ધર્મ તો પછી આવશે.’ તેઓ આગળ કહે છે, ‘બળવાન શરીર અને પ્રબળ સ્નાયુઓથી તમે ગીતાને વધારે સારી રીતે સમજી શકશો.’ બળની સાથે આત્મશ્રદ્ધામાં પણ વૃદ્ધિ થવી જોઈએ. અર્થાત્ પવિત્રતામાં, મહાન કાર્ય કરવામાં અને મહાન બનવાની પોતાની શક્તિમાં પણ શ્રદ્ધા વધે એ જરૂરી છે. આ શ્રદ્ધા અને શક્તિ આપણને ઉપનિષદ્ કે વેદાંતમાંથી પ્રાપ્ત થશે. આ બંને આપણા પ્રાચીન દર્શનનો અત્યંત સમૃદ્ધ વારસો છે તથા ભારતમાં વિકસિત બધા ધર્મોની આધારભૂમિ છે. આ દર્શન જેને તલવાર કાપી ન શકે, અગ્નિ જેને બાળી શકતો નથી, એવા આત્માની ધારણા પર આધારિત છે. આપણામાંથી પ્રત્યેકને એ શ્રદ્ધા કેળવવી પડે કે, ‘હું આત્મા છું, અને એનાથી આપણને શક્તિ અને શ્રદ્ધા સાંપડશે. વેદાંતના આ ઉદાત્ત ઉપદેશને સ્વામીજીએ દૈનંદિન જીવનમાં આચરી શકાય તેવો પ્રતિષ્ઠિત કર્યો છે. ઉપનિષદના ઉપદેશો કેવળ સંન્યાસીઓના ધ્યાનની વસ્તુ નથી. પરંતુ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેમની ઉપયોગિતા છે. સ્વામીજી કહે છે, ‘વેદાંતનાં આ બધાં મહાન તત્ત્વોનો પ્રચાર આવશ્યક છે. એ કેવળ અરણ્યમાં કે ગિરિગુફાઓમાં રહેવો ન જોઇએ; વકીલોે અને ન્યાયાધીશોમાં, પ્રાર્થનામંદિરોમાં, દરિદ્રની ઝૂંપડીમાં, માછીમારોના ઘરમાં, વિદ્યાર્થીઓના અધ્યયન સ્થાને સર્વત્ર આ તત્ત્વની ચર્ચા થશે અને એને કાર્યમાં પરિણત કરવામાં આવશે.’

સ્વામીજીનાં આ વાક્યો શુષ્ક શબ્દરચના નથી. પરંતુ એમને એવો દૃઢ વિશ્વાસ હતો કે, ‘માછીમાર જો પોતાને એક આત્મા સમજીને ચિંતન કરે તો તે એક ઉત્તમ માછીમાર બની શકશે. વિદ્યાર્થી જો પોતાના આત્માનો વિચાર કરે તો તે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનશે.’

આત્મશક્તિ અને માનવીય દિવ્યતા આપણને બળ અને નિર્ભયતા આપે છે, પોતાની મહાનતા પ્રત્યે એ એક શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. જે ભીતરથી વિકસીત થઇને પોતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં આપણને સહાયરૂપ બને છે. આપણને હેરાન પરેશાન કરનાર બધાં અનિષ્ટો અને કષ્ટોને દૂર કરવા આ એક જ ઉપાય છે. માનવમાત્રને આ ભાવમાં અનુપ્રાણિત કરવા એ સ્વામીજીની દૃષ્ટિએ જીવનની બધી વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રિય કે વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શોધવાનું મૂળ સૂત્ર હતું. આ મહાન તત્ત્વને આધાર બનાવીને વિશ્વની ભૌતિક સભ્યતાનું આધ્યાત્મિકરણ એનો પરમ આદર્શ હતો. સામાન્ય રીતે ધર્મના નામે જે સમજાતું હતું તેનું મહત્ત્વ સીમિત છે. પરંતુ વેદાંતમાં કહેલ, ‘અહં બ્રહ્માસ્મિ, સોઽહમ્’ આ આધ્યાત્મિક તત્ત્વ પ્રત્યેક વ્યક્તિને માત્ર પોતાના જીવન વિશે સાચી ધારણા કરાવે છે એટલું જ નહીં પરંતુ માનવજાતિની એ અખંડતાનેે એક અટલ આધાર પણ આપે છે. આને આપણે બધા સામાજિક અને રાષ્ટ્રિય જીવન તથા આંતર- રાષ્ટ્રિય સદ્ભાવનો મૂળ આધાર બનાવવો જોઈએ. આ રીતે સ્વામી વિવેકાનંદે બધી સમસ્યાઓનો એક સામાન્ય મંચ આપ્યો છે. સાથે ને સાથે ભારતીય ઋષિઓ દ્વારા નિરૂપિત આધ્યાત્મિક સત્યોના વ્યાપક આધાર પર આ બધાંનું એક સામાન્ય સમાધાન પણ આપ્યું છે. એમની વિશિષ્ટતા એમાં છે કે એમણે જીવનની સામાન્ય સમસ્યાઓના સમાધાનમાં અધ્યાત્મતત્ત્વની સંલગ્નતા બતાવી છે અને એમને એક વિરાટપૂર્ણનો અંશ માન્યો છે.

Total Views: 175
By Published On: December 1, 2012Categories: Rameshchandra Majumdar, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram