રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રભાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ (નવેમ્બર ૧૯૮૭) માં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સં.

સ્વામી વિવેકાનંદ ભારતમાં પ્રથમ ‘સમાજશાસ્ત્રી’; મહાન સ્વદેશ ભક્ત અને વિચક્ષણ વેદાંતનિષ્ઠ હતા. આ એમના વિવિધ પાસાં છે. પરંતુ આ મહાન આત્મા પોતાના જીવનકાળમાં સૌથી મહાન નિગૂઢ અધ્યાત્મ પુરુષ હતા. નિગૂઢ અધ્યાત્મવાદી વ્યક્તિનું જીવન પણ રહસ્યમય હોય છે. આવી વ્યક્તિ વધારે ને વધારે ગૂઢ રહસ્યવાદી હોય છે અને એમના જીવનની ઉત્ક્રાંતિની કથા એટલે નિગૂઢ અધ્યાત્મવાદી બનવું. આ વાત સ્વામી વિવેકાનંદની બાબતમાં વિશેષ કરીને સાચી છે. તેઓ શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ‘એક મહાન આત્મા, ધ્યાનમાં પૂર્ણ’ હતા. આપણે આપણું ધ્યાન આ મહાન અધ્યાત્મ અને રહસ્યવાદી પુરુષના જીવનના એ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું કે જે હજી પણ મોટે ભાગે દુર્બાેધતાથી આચ્છાદિત રહ્યું છે.

સ્વામી શારદાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’ નામના પોતાના મહાન ગ્રંથમાં આવું નિરીક્ષણ રજૂ કર્યું છે :

‘ઈશ્વરની અનુભૂતિ માટેની સ્વામી વિવેકાનંદની સઘન ઝંખના કે આતુરતાને અમે અમારી આંખે જોતા. કાયદાની પરીક્ષા જમા કરાવવા જતી વખતે તેમના પર કેવી રીતે આધ્યાત્મિક જાગૃતિ સવાર થઈ અને તેનાથી દોરવાઈને કેટલા અધીર બનીને તેઓ દેખીતી રીતે દુનિયાથી બહાર થઈને ઉઘાડે પગે અને શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરીને કોલકાતાની શેરીઓમાં દોડતાં દોડતાં કાશીપુરમાં ગુરુનાં ચરણે પહોંચ્યા, અને એક પાગલની જેમ પોતાના હૃદયના સંતાપને એમની સમક્ષ સ્પષ્ટપણે કહી નાખ્યો અને એમની કૃપા મેળવી, આ બધું અમે અમારી નજરે જોયું છે. ત્યારથી માંડીને તેઓ દિવસ અને રાત જપધ્યાન ભક્તિભાવ ભર્યાં ભજનગાન અને આધ્યાત્મિક અધ્યયનમાં કેવી રીતે ગાળતા, એ બધું અમે અમારી સગી આંખે જોયું છે. સામાન્ય રીતે કોમળ એવું એમનું હૃદય સાધના માટેની એમની અસીમ ઉત્કટતાને લીધે એક પર્વતશીલા જેવું દૃઢ બની ગયું અને પોતાનાં માતા અને ભાઈઓનાં દુ :ખકષ્ટોમાં સાવ અલગ-ઉદાસીન ભાવવાળા રહ્યા, એ અમે જોયું છે. પોતાના ગુરુએ નિર્દેશેલા સાધનાના પથે એકમના બનીને આગળ ધપતા હતા, એક પછી એક અનુભૂતિ કર્યે જતા અને અંતે ત્રણ કે ચાર મહિનામાં જ અંતિમ અનુભૂતિના શીખરે એટલે કે નિર્વિકલ્પ સમાધીનો આનંદ મેળવ્યો, આ બધું અમારી પોતાની આંખો સમક્ષ બનતું રહ્યું અને અમે સૌ મંત્રમુગ્ધ બની ગયા.’

પછીથી નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરનારના જીવનના આ ઉઘાડોની વિગતોનું વર્ણન કરવાનો એક પણ પ્રસંગ આવા જાગૃત સાક્ષી સ્વામી શારદાનંદજીને મળ્યો ન હતો. સ્વામી વિવેકાનંદ જેવા મહાન આત્માના આધ્યાત્મિક વિકાસનું રહસ્ય પ્રગટ કરવું અશક્ય છે, એ હકીકત જાણીને તેઓ પ્રથમ કક્ષાની આધ્યાત્મિક વિભૂતિરૂપે ખીલી ઊઠ્યા તેમાં તેમને બાહ્ય સહાયક સંજોગોને વર્ણવવાનો પ્રયત્ન આપણે અહીં કરીશું. કેટલાંક દેખીતાં કારણોને લીધે આપણે આ સમયગાળા દરમિયાન આ મહાન નિગૂઢ અધ્યાત્મ પુરુષના નજરે ચડતાં સંઘર્ષોને રજૂ કરીશું. શ્રીરામકૃષ્ણ કાશીપુરના ઉદ્યાનગૃહમાં રહેવા નહોતા આવ્યા તે દરમિયાન એ ઉદ્યાન વિશ્વમાં અજ્ઞાત ઉદ્યાન હતો. અહીં જ એ દિવ્યાનંદ લીલા ભજવાઇ હતી. નરેન્દ્રના આધ્યાત્મિકતાના એવરેસ્ટ શિખર પરના ચઢાણને સ્પર્શતા આ મહાન લીલાના કેટલાંક દૃશ્યો અહીં ટૂંકમાં રજૂ કરીએ છીએ. આ દિવ્યાનંદલીલામાં નરેન્દ્ર એક નાયકરૂપે દેખાય છે. બીજાં કારણોને લીધે પણ આ વર્ણન અહીં આપવું રસપ્રદ નીવડશે. એક વખત સ્વામી વિવેકાનંદે ભગિની નિવેદિતાને કહ્યું કે શ્રીરામકૃષ્ણની વાણી જ નહીં એમની સાથે તેઓ (શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્યો) જે જીવન જીવ્યા તેને હજી શબ્દ દેહ આપવાનું બાકી છે. આવાં વર્ણન પોતાના ગુરુદેવ સાથે જીવેલા નરેન્દ્રના જીવનના કેટલાક મહત્ત્વના ભાગ પર ચોક્કસ પણે પ્રકાશ ફેંકશે.

શ્રીરામકૃષ્ણ પોતાની બધી ભક્ત મંડળી સાથે ૧૧ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ કાશીપુરના ઉદ્યાનગૃહમાં આવ્યા. જોે કે એનો મુખ્ય ઉદ્દેશ તો એમના ગળાના કેન્સરની સારવારનો હતો. આમ છતાં પણ આ સમયગાળો પોતાના દિવ્ય મિશન માટે અંતિમ સ્પર્ષ આપવાનો બની રહ્યો અને એને માટે એમણે સૌથી વધારે આવશ્યક આ મિશનના પોતાની યંત્રરૂપ પસંદગીના સ્વામી વિવેકાનંદને સર્વરીતે સુસજ્જ બનાવવાનો ગાળો બની રહ્યો.

વિદ્યાર્થી તરીકે નરેન્દ્રે પશ્ચિમના દાર્શનિકો મીલ, હ્યુમ અને સ્પેન્સર તેમજ બ્રાહ્મોસમાજના રૂઢિચુસ્ત આદર્શાેના અભ્યાસુ નરેન્દ્રે ગુરુને આદર્શ તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને શ્રીમા કાલીની પૂજાની પણ નિંદા કરતા હતા. સાથે ને સાથે અદ્વૈત વેદાંતના જે વિચારો અને આદર્શ નરેન્દ્રના મનમાં આરોપવા પ્રયત્ન કરતા હતા તેને વખોડવા લાયક અને એક પ્રકારની ઘેલછાવાળા ગણ્યા હતા. જો કે નરેન્દ્રે શ્રીરામકૃષ્ણના આદર્શાે અને વિચારોને હસી કાઢ્યા છતાં પણ શ્રીરામકૃષ્ણના મંત્રમુગ્ધ કરી દેનારા આકર્ષણમાંથી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં છટકી ન શક્યા. નરેન્દ્રના આવા અક્કડ વિરોધ સાથે પણ અંતે એ આ વૃદ્ધ પુરુષને શરણે ગયા, પણ આ પહેલાં એમણે એમની પથારી નીચે સિક્કો રાખીને એમના કામિની-કાંચનના આદર્શની પરીક્ષા પણ કરી.

૧૮૮૪ના પ્રારંભમાં પ્રમાણમાં ઉદાર હાથે ખર્ચ કરનાર નરેન્દ્રના પિતાનું અવસાન થયું. તેઓ પાછળ ઘણું દેવું મૂકતા ગયા અને કુટુંબના નિભાવ માટે કોઈ સુવિધા ન કરી. આવી રીતે દુ :ખ-કષ્ટની ખીણમાં ફેંકાઇ જઇને પિતાના સૌથી વરિષ્ઠ મુત્ર નરેન્દ્રે વીરતાપૂર્વક તેનો સામનો કર્યો. નગ્ન સચ્ચાઇના રાક્ષસે સંસારનો ભૂંડો ભયંકર ચહેરો પણ એને બતાવ્યો. અને તેઓ સારા પ્રમાણમાં ઈશ્વર વિરોધી બની ગયા. તેમણે સમાજની સામે બળવો ફૂંક્યો. અપહૃત અને પરિત્યક્ત નરેન્દ્ર આની સામે ટકી શક્યા અને તે પણ પોતાની શક્તિ તરફ નજર રાખીને. બીજાએ તો એ ગયો જ એમ માની લીધુ, પરંતુ શ્રીરામકૃષ્ણે એમને ક્યારેય ન છોડ્યા. એ સમય દરમિયાન નરેન્દ્રની ત્યાગની ભાવના પ્રદીપ્ત થઇ ઊઠી અને તેમને સંસાર ત્યજી દેવાનો પ્રયત્ન પણ કર્યો. શ્રીરામકૃષ્ણે એના આ ઇરાદાને દિવ્ય સ્વરૂપ આપ્યું અને એને પાછો પકડી લાવ્યા. આવી મનોદશાની પળે શ્રીરામકૃષ્ણદેવે એમને જગન્માતા કાલીને સોંપી દીધા. નરેન્દ્રનો મા કાલીનો સ્વીકાર અને શરણાગતિનું આ રહસ્ય એમની સાથે જ ખતમ થયું. આ પળથી જ એમના નવજીવનનું પ્રભાત ઊઘડ્યું. આ નવી જન્મેલી શ્રદ્ધા સાથે સવારના સૂર્યોદય સાથે જાકળ અદૃશ્ય થાય તેમ એમના શંકા સંદેહ વિલીન થઇ ગયા. પોતાના ગુરુએ પ્રસ્થાપિત કરેલા આધ્યાત્મિક આદર્શ તરફ વધુને વધુ ત્વરાથી આગળ ધપવા લાગ્યા.

કાશીપુરના એકાંત જેવા ઉદ્યાનગૃહમાં સ્થિર થઈને ગુરુદેવશ્રી રામકૃષ્ણદેવનાં હૃદયમનમાં દિવ્ય પ્રકાશકુંજ વધુ ને વધુ ઉજ્જવળ બન્યો અને આ દિવ્ય પ્રકાશની જ્યોતથી તેમના યુવાન શિષ્યોને પ્રેરણા મળી. એમાંય વિશેષ કરીને નરેન્દ્રનાથે પોતાનાં હૃદયપ્રાણ આધ્યાત્મિક સાધનાના અભ્યાસમાં વાળી દીધાં. સંજોગોએ પણ નરેન્દ્રનાં મનહૃદયના ત્યાગના સુષુપ્ત અગ્નિને જ્વાળામાં પરિવર્તિત કરી દીધો. એક વખત ગાઢ રાત્રિએ નરેન્દ્રે શરત્ (સ્વામી શારદાનંદ) અને મોટા ગોપાલ (સ્વામી અદ્વૈતાનંદ) અને બીજાને બોલાવ્યા. તેઓ ઉદ્યાનગૃહમાં ટહેલતા હતા ત્યારે નરેન્દ્રે તેમને પ્રભાવક શબ્દોમાં કહ્યું કે કદાચ ગુરુદેવે થોડા જ વખતમાં પોતાનો દેહ ત્યજી દેવાનો ઇરાદો કર્યો છે અને તેમણે ગુરુદેવ મહાસમાધિ પામે તે પહેલાં આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો સાથે ઝઝૂમવું જોઈએ. સાંસારિક ઇચ્છાઓ અને આદિકારણરૂપ માનવ અજ્ઞાન આ બંનેને ઉખેડીને ફેંકી દેવાં જોઈએ. જરાય સમય ગુમાવ્યા વિના તેમણે ઘાસ અને આજુબાજુ પડેલી ડાળીઓથી અગ્નિ પ્રગટાવ્યો, તારલાઓથી ચમકતા આકાશ નીચે એ ધૂણી ફરતાં બેઠા અને દીર્ઘકાલ સુધી ધ્યાન ધર્યું. આ બધો સમય તેમણે સાંસારિક સંબંધો અને ઇચ્છાઓને દૂર કરીને પોતાના હૃદયને પવિત્ર-નિર્મળ બનાવ્યા હોય એવી અનુભૂતિ કરી. આ ઘટનાએ તેમના મનની સર્જન શક્તિને ચેતાવી દીધી અને પછીના થોડા સપ્તાહ સુધી દરરોજ રાત્રે આવી જ રીતે ધૂણી ધખતી રહી અને જેઓ સર્વ બંધનોથી મુક્ત હતા તેમણે આ ધખતા ધૂણીના અગ્નિ સામે ધ્યાન ધર્યું.

ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવની આસપાસ વિંટળાયેલા આ યુવાન શિષ્યોએ એમની ભાવભક્તિથી સેવાચાકરી કરી. બાકીના પોતાના ફુરસદના સમયમાં તેઓ નરેન્દ્રની આગેવાની હેઠળ શાસ્ત્રાભ્યાસ, ભક્તિસંગીત અને ગહન ચિંતન-મનનમાં ગાળતા. પરંતુ નરેન્દ્રને હજીયે કેટલાંક સંસારનાં ઋણ પૂરાં કરવાનાં હતાં. અને એટલા માટે તેઓ કાશીપુરના ઉદ્યાનગૃહમાં કાયદાના અભ્યાસનાં કેટલાંક પુસ્તકો લાવ્યા હતા. પછીના માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષાની તૈયારી કરવા માટે સ્વામીજી પોતે એ અભ્યાસમાં ડૂબેલા રહેતા અને એટલે ગુરુદેવના ઉપરના માળે આવેલા ખંડમાં દરરોજ એમને માટે સમય કાઢીને જવું ભાગ્યે જ બનતું. આ વાત ગુરુદેવની નજર બહાર ન હતી. એક દિવસ એમણે નરેન્દ્રને કહ્યું, ‘જો તું વકીલ બનીશ તો હું તારા હાથે પાણી પણ નહીં પી શકું.’ આ શબ્દો સાંભળીને નરેન્દ્રનાથનું મન વિહ્વળ બની ગયું. વકીલનું કાર્ય કરીને કુટુંબની ગરીબાઈને દૂર કરવાની એમની યોજના અહીં અચાનક આથમી ગઈ. આ સમય પહેલાં નરેન્દ્રનાં ગર્વ અને બૌદ્ધિક પ્રતિભાનો પ્રતિકાર દૂર થઈ ગયો હતો. હવે તેમના મનપ્રાણ શ્રીરામકૃષ્ણ દેવ પ્રત્યે જ આકર્ષાઈ રહેતાં અને એમણે પૂર્ણ મનહૃદયથી શ્રીરામકૃષ્ણ દેવને પોતાના ગુરુદેવરૂપે સ્વીકારી લીધા હતા. આ બધાં વર્ષો સુધીપોતાનાં દેહમન, ઇંન્દ્રિયો અને આત્માને પ્રામાણિક, નિર્મળ, પવિત્ર રાખીને હવે નરેન્દ્ર પૂરેપૂરા સુસજ્જ થઇ ગયા હતા. અને હવે ગુરુદેવના પ્રાણે ધીમે ધીમે તેના પર પ્રભુત્વ જમાવવા માંડ્યું. અનન્ય ઉમંગ અને ઉત્હાસથી સંપન્ન એવા નરેન્દ્રનાથે પોતાના ગુરુદેવના આદેશને હંમેશાં પાળ્યો. પરીણામે એમનામાં સર્વોત્કૃષ્ટ સત્યની અનુભૂતિ માટેની અતૃપ્ત ઝંખના સતત ધખધખવા લાગી.

જેમ જેમ આપણે આ સમયની ઘટનાઓના વીટાને ઉખેળતા જઈએ તેમ તેમ અહીં જણાવેલી કેટલીક મુખ્ય મુખ્ય ઘટનાઓ ક્રમે ક્રમે અને ઝડપથી આપણી સામે આવતી જાય છે.

ધ્યાનકુશળ નરેન્દ્રનાથ હવે દરરોજ કલાકોના કલાકો ધ્યાનમાં ગાળતા. વચ્ચે વચ્ચે ભક્તિભાવભર્યાં ભજનો, ચર્ચાઓ, શાસ્ત્રોનું પઠનપાઠન અને આ ઉપરાંત પોતાના ગુરુદેવની સેવાચાકરીના આંતરા આવતા રહેતા. ૧૮૮૬ની ૨જી જાન્યુઆરીએ કાશીપુરના ઉદ્યાનગૃહમાં જ્યારે નરેન્દ્ર ધ્યાનમાં લીન હતા ત્યારે તેમણે પોતાના હૃદયમાં એક વિશેષ અનુભૂતિ અનુભવી અને તેમણે સ્પષ્ટપણે જોયું કે ઈડા અને પીંગલાનાડીઓ કાર્યાન્વિત બનીને કુંડલીની શક્તિને જાગૃત કરવાનું ઈજન કરી રહી છે.

બીજે દિવસે તેઓ પોતાના ગુરુદેવ પાસે ગયા અને તેમને ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિ માટે અમીકૃપા કરવા ભારપૂર્વક વિનવ્યા. ગુરુદેવ શ્રીરામકૃષ્ણે શાંતિથી કહ્યું, ‘તું તારા કુટુંબની બાબતોને પહેલાં ઉકેલીને પછી શા માટે મારી પાસે આવવાનું નથી કરતો?’ આ પ્રશ્નના જવાબમાં નરેન્દ્રે સતત ત્રણથી ચાર દિવસ સુધી ભોજનકાળના અવકાશ સિવાય સમાધિ ભાવમાં લીન થઈ જવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. હવે આ સાંભળીને ગુરુદેવ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘તું તો ક્ષુદ્ર મનોભાવ વાળો વ્યક્તિ છે, એનાથી પણ ઉચ્ચતર સ્તર છે. જો કુછ હૈ સો તૂં હી હૈ- તું જ એ ગીત ગાય છે. તું તારા કુટુંબની સમસ્યાનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. હું તને એ ઉચ્ચતર કક્ષાની સમાધી પ્રાપ્ત કરાવીશ.’

(ક્રમશ 🙂

Total Views: 67
By Published On: December 1, 2012Categories: Prabhananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram