સ્વામીવિવેકાનંદની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં ન્યૂયોર્કના ‘રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર’ની નિશ્રામાં ૨૮ માર્ચ, ૧૯૬૩ના રોજ યોજાયેલ એક પ્રીતિભોજ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન મહાસચિવ શ્રી ઉ. થાન્ટે આપેલ વક્તવ્યના હિંદી અનુવાદ પરથી શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
આપ સૌમાંથી મોટા ભાગના એ વાત જાણતા હશો કે સ્વામી વિવેકાનંદ માત્ર ભારતવર્ષના નહીં પણ સમગ્ર એશિયાના ઇતિહાસમાં પણ સૌથી મહાન આધ્યાત્મિક દૂત હતા. હું આ દેશમાં એમના દ્વારા થયેલાં કાર્યોને સમજ્યો છું તેટલા પ્રમાણમાં આટલું કહીં શકું કે સીત્તેર વર્ષ પહેલાં એમનું અમેરિકાના સંયુક્ત રાજ્યમાં જે ઐતિહાસિક આગમન થયું હતું, તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો – સમન્વયકારી તત્ત્વોની ખોજ. તેઓ ભારત અને અમેરિકાની વચ્ચે જ નહીં પરંતુ એશિયા અને પશ્ચિમના જગતની વચ્ચે સામંજસ્ય ઊભું કરવા ખૂબ ઉત્સુક હતા. સ્વામી વિવેકાનંદને સમજવા માટે આ આવશ્યક બાબત છે કે આપણે સૌ ભારતની સાથે ને સાથે સમગ્ર એશિયાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિને સમજી લઇએ.
આપ સૌમાંથી અનેક લોકો એ વાતથી માહિતગાર હશે કે આપણે એશિયાવાસી લોકો દેહ કરતાં મનને અને મન કરતાં આત્માને વધારે મહત્ત્વ આપીએ છીએ. પરંપરાગતરૂપે, હું અહીં ‘પરંપરા’ શબ્દ પર ભાર મૂકવા માગું છું. આપણી ભીતર શું બની રહ્યું છે, સત્ય શું છે, એને પરિણામે પોતાની ભીતરના સત્યને જાણી લેવું અને મનુષ્યના અસાધારણ આધ્યાત્મિક ગુણોને સમજી-જાણી લેવા એ એશિયામાં કેળવણીનું લક્ષ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો એશિયામાં સદીઓથી શિક્ષણ, સભ્યતા અને સંસ્કૃતિનો પરંપરાગત ઉદ્દેશ્ય આ રહ્યો છે- પોતાની જાતની સાચી ઓળખાણ અને વિનમ્રતા, ગુરુજનો પ્રત્યે આદરભાવ જેવા આધ્યાત્મિક ગુણોને જીવનમાં ઊતારવાનો પ્રયત્ન કરવો. હું પશ્ચિમના દેશોની કેળવણીના ઉદ્દેશ્યો અને આદર્શાેને જેટલા પ્રમાણમાં સમજ્યો છું તે પ્રમાણે અહીં પશ્ચિમમાં બુદ્ધિના વિકાસમાં વધારે ભાર મૂકાયો છે. અહીં મનુષ્યના બૌદ્ધિક વિકાસને અત્યંત અધિક પ્રમાણમાં મહત્ત્વનો માની લેવામાં આવ્યો છે. મારી દૃષ્ટિએ અહીં પશ્ચિમ એટલે અમેરિકાનાં સંયુક્ત રાજ્યો, પશ્ચિમી યુરોપ અને યુરોપના બીજા દેશો પણ ખરા. પશ્ચિમમાં શિક્ષણનો હેતું ડાૅક્ટર, ઇજનેર, વૈજ્ઞાનિક જેવા કુશળ માનવો તૈયાર કરવા, અંતરિક્ષની શોધ કરવી તેમજ ચંદ્ર, મંગળ જેવા અન્ય ગ્રહ નક્ષત્રોમાં અવકાશ યાન દ્વારા જવું અને પાછા આવવું. અહીં મનુષ્યના નૈતિક અને આધ્યાત્મિક ગુણોના વિકાસનાં કાર્યો માટે થોડાઘણા પ્રમાણમાં ઉપેક્ષા સેવવામાં આવે છે.
મારી એવી દૃઢ ધારણા છે કે નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ વિહોણી કોરી બૌદ્ધિક ઉન્નતિ આપણને એક સંકટમાંથી બીજા સંકટમાં નાખતી રહેશે. આનાથી વિપરીત ૨૦મી સદીના મધ્યમાં અંતરીક્ષ અને અણુવિજ્ઞાનના યુગમાં જો આપણે બૌદ્ધિક વિકાસની અવગણના કરીને કેવળ નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ પર જ ધ્યાન અપાય તો એ પણ એક ભૂલ ગણાશે, અસંબંધતા ગણાશે. એટલે જ વિસમી સદીના આ ઉત્તરાર્ધમાં એ બંને વચ્ચે એક પ્રકારના સમન્વયની, સંયોજનની ગોઠવણી કરવાની ગતિવિધિ આવશ્યક છે. આને લીધે મનુષ્યનું વ્યક્તિત્વ પૂર્ણત : અખંડ બની જાય છે અને બૌદ્ધિક વિકાસની સાથે મનુષ્યનો નૈતિક અને આધ્યાત્મિક વિકાસ પણ થઇ શકે. જો આમ થાય તો પોતાના ધર્મો દ્વારા નક્કી કરેલા લક્ષ્ય પ્રાપ્તિ માટે માનવને સમર્થ બનાવશે.
સભ્યતા અને સંસ્કૃતિ વિશે બે ધારણાઓ છે- એક છે પૂર્વીય અને બીજી છે પશ્ચિમી. જો આપણે વિશ્લેષણ કરીને જોઈએ તો આ દેશ પ્રત્યે સ્વામી વિવેકાનંદના મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય કયો હતો? મારી દૃષ્ટિએ એ ઉદ્દેશ્ય આ બંને ધારણાઓમાં એક પ્રકારનો સમન્વય સ્થાપિત કરવાનો હતો, એમાં એક પ્રકારની સમરસતા લાવવાની હતી. આજે ૭૦ વર્ષ પછી તણાવના આ યુગમાં એ ઉદ્દેશ્ય વધારે સાચો અને પ્રાસંગિક લાગે છે. આજે સૌથી મોટી આવશ્યકતા તો એ વાતની છે કે આપણે સદીઓની પરંપરાથી મળેલ માનવ સમાજના નૈતિક અને આધ્યાત્મિક ગુણોની અવગણના ન કરીએ. આ ગુણ જ બધા ધર્મોનો નિચોડ છે.
મારી જાણકારી પ્રમાણે સ્વામી વિવેકાનંદના અમેરિકી મિશનનું એક બીજું મહત્ત્વનું પાસું છે, માનવીય સંબંધોમાં સહિષ્ણુતાની આવશ્યકતા. કેવળ ધાર્મિક સહિષ્ણુતા જ નહીં પણ જીવનનાં બધાં ક્ષેત્રોમાં સહિષ્ણુતા સ્વામીજીના આ સંદેશની પણ, હું કહીશ કે આજથી ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં જેટલી આવશ્યકતા હતી તેના કરતાં આજે આ માનસિક તાણના યુગમાં કેટલીય વધારે આવશ્યકતા છે. જો આપણે ઐતિહાસિક પ્રવાહનાં કેટલાંક પાસાંની વિચારણા કરીએ તો આપણને જોવા મળશે કે કેટલીક સદીઓ પહેલાં ધાર્મિક સહિષ્ણુતા નામની કોઈ ચીજ જ ન હતી. આ એક કલ્પના બહારની વાત છે. ઉદાહરણરૂપે ક્રુઝેડ કે ઝેહાદના કાળને જ યાદ કરો. એ સમયે ખ્રિસ્તીઓનો એવો વિશ્વાસ હતો કે જેટલા ગેરખ્રિસ્તી છે એ બધા ધર્મદ્રોહી છે અને આ માન્યતામાં તેઓ કટ્ટર હતા. આવું જ મુસલમાનો એ વિચાર્યું. સંભવ છે કે હિંદુઓ, બૌદ્ધો અને યહુદીઓએ પણ આવું જ વિચાર્યું હશે. પરંતુ ક્રુઝેડ કે ઝેહાદના સમયનો ઇતિહાસ એ બતાવે છે કે મુસલમાન પણ ખ્રિસ્તીઓને એટલી જ ધર્મઝનૂનના ભાવથી ધર્મદ્રોહી સમજતા હતા. એટલે જ ખ્રિસ્તીઓ અને મુસલમાનો બંનેએ એકબીજાને હણવાનો નિશ્ચય કરી લીધો. એ જમાનામાં મુસલમાનને ‘જિહાદી (ધર્મયોદ્ધા)’ના નામે ઓળખતા. અનેક જિહાદો થઇ, લાખોની સંખ્યામાં ખ્રિસ્તીઓ અને મુસલમાનો મર્યા, પણ જ્યારે એમની વિવેકની આંખો ખૂલી ત્યારે ખ્રિસ્તીઓ અને મુસલમાનો એ બંન્ને સમજવા લાગ્યા કે એ બંને મહાનધર્મ ઝઘડા કે કલહ વિના, યુદ્ધ કે હત્યાકાંડ વિના, શાંતિપૂર્વક એક સાથે રહી શકે છે. હવે આ વીસમી સદીમાં ધાર્મિક સહિષ્ણુતા જ જોવા મળે છે. અલબત્ત વિશ્વના કેટલાક ભાગોમાં થોડા ઘણા અપવાદ હોઇ શકે છે પણ સામાન્યરીતે એટલું કહી શકાય કે આજથી સો કે બસો વર્ષ પહેલાં સમગ્ર માનવપ્રજાને જે વાતનો અનુભવ થયો ન હતો તે વાત આજે સત્યરૂપે એમની સામે ખડી છે. બે કે ત્રણ પેઢીઓ પહેલાં ધર્મના ક્ષેત્રમાં આજના જેવી સહિષ્ણુતા ન હતી.
એવી જ રીતે મારું કહેવાનું એ છે કે અને આપ સૌ મારી સાથે સહમત પણ થશો કે આજે વીસમી સદીના આ ઉત્તરાર્ધમાં રાજનૈતિક સહિષ્ણુતા નથી રહી. પણ આ કોઈ આશ્ચર્યજનક વાત નથી. મનુષ્ય સ્વભાવથી જ ઘૃણા અને કટુતા જેવા મનોવેગોને આશરો આપવાનું પસંદ કરે છે અને ક્યારેક ક્યારેક તો એ ગાંડપણ સુધી પહોંચી જાય છે. પણ મારો અંતરાત્મા કહે છે કે ભલે આજે રાજનૈતિક સહિષ્ણુતા જોવા નથી મળતી છતાં પણ એવી શક્યતા છે કે આ દુનિયામાંથી વિદાય લેતાં પહેલાં આપણે એને જોઇશું કે આવનારી એક બે પેઢીમાં એ સહિષ્ણુતાનાં દર્શન થવાનાં. સ્વામી વિવેકાનંદે વિશેષ કરીને અમેરિકાના લોકોને માટે જે વાતનો પ્રયત્ન કર્યો, તે આ જ સહિષ્ણુતાના ભાવપ્રચારનો પ્રયત્ન હતો. ‘જીવો અને જીવવા દો’ એ મહાન તત્ત્વનું પ્રસારણ હતું, બીજાના દૃષ્ટિકોણને સમજવાની એક શીખામણ હતી. હું જાણું છું કે સ્વામીજીના ઉપદેશોમાંથી આ એક મહાન શીખવા જેવું તત્ત્વ છે.
જ્યારે આપણે એમ કહીએ છીએ કે સ્વામીજીનું અમેરિકાનું મુખ્ય મિશન એક સમન્વયની શોધ હતું, સહિષ્ણુતાની અપીલ હતું તો એની સાથે જ આપણે સૌ એ એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે આપણે સભ્યતા અને સંસ્કૃતિને કયા અર્થમાં જાણીએ છીએ? વસ્તુત : સભ્યતાની વ્યાખ્યા કરવી ઘણી કઠિન છે. હું જાણું છું ત્યાં સુધી એ વિશે એક ભ્રમણાભરેલી કલ્પના ફેલાયેલી હતી. સર્વસામાન્ય લોકોમાં એવો ભાવ જોવા મળ્યો છે કે પૂર્વમાં એક પ્રકારની સભ્યતા છે અને પશ્ચિમમાં બીજા પ્રકારની. મારી દૃષ્ટિએ આ ધારણા કે ભાવ ખોટો છે. સભ્યતા હૃદયના કેટલાય ગુણોની દ્યોતક છે. ઉદાહરણ તરીકે એક સભ્ય ભારતીય અને એક સભ્ય અમેરિકનમાં માનસિક, નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ કોઈ ભેદભાવ ન કરી શકાય. પરંતુ એક ભણેલો ગણેલો ભારતીય અને એક સુશિક્ષિત અમેરિકન પોતાના જ દેશમાં પોતાને જ પોતાના બીજા દેશવાસીઓ કરતાં ભિન્ન ગણશે. એટલે આપણે સભ્યતાને કોઈ વિશેષ દેશની સીમામાં બાંધી ન શકીએ. એને તો મુખ્યત્વે હૃદય અને મનના ગુણો સાથે સંબંધ છે.
એક બીજી ભ્રમણા ભરેલી ધારણા પ્રચલિત છે અને તે એ છે કે યુદ્ધ અને વેરભાવ સભ્યતાઓ અને સંસ્કૃતિના સંઘર્ષમાંથી ઉત્પન્ન થાય છે. મારા મત પ્રમાણે આ ધારણા પણ ખોટી છે. ઇતિહાસના અધ્યયનથી આટલું જાણવા મળશે કે સભ્યતા અને સંસ્કૃતિ એક જ હોવા છતાં ઇંગ્લેન્ડ અને ફ્રાંસ તેમજ ફ્રાંસ અને જર્મની વચ્ચે સદીઓ સુધી યુદ્ધ ચાલતાં રહે. એવી જ રીતે કેટલાય એશિયાઇ દેશોમાં એક જ સંસ્કૃતિની છાયામાં પોષાયા હોય તથા એક જ ધર્મ પ્રણાલિમાં માનતા હોય તો ય સદીઓથી એકબીજાસાથે યુદ્ધો કરતા આવ્યા છે. એટલે સંઘર્ષ અને વેરભાવ હંમેશાં સંસ્કૃતિઓ અને સભ્યતાના સંઘર્ષમાંથી ઉત્પન્ન થતા નથી. એ બધા તો મુખ્યત્વે માનવમનના પાપમાંથી ઉપજે છે અને વિકસે છે. એમાં ભૌગોલિક સીમાઓ રહેતી નથી. મારા મત પ્રમાણે સ્વામી વિવેકાનંદે પોતાનાં કેટલાંય ભાષણો અને વક્તવ્યોમાં આ તથ્ય પર ભાર દીધો છે.
નિ :સંદેહ એમણે પોતાના અનેક અમેરિકન મિત્રોને ધ્યાન અને ચિંતનની પ્રક્રિયા શિખવવાનો પ્રયત્ન પણ કર્યો છે. એનું કારણ એ છે કે પોતાના આત્માની પ્રાપ્તિ માટે આ જ પરંપરાગત સાધન રહ્યાં છે. મેં આગળ વાત કરી છે તેમ હજારો વર્ષોથી સાંસ્કૃતિક વૈભવ દ્વારા સુસંપન્ન એશિયામાં અને વિશેષ કરીને ભારતમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ પોતાના અંતરમાં ચાલતી પ્રક્રિયાનું અનુસંધાન કરવાનો રહ્યો છે. મેં એ પણ દર્શાવ્યું છે કે પશ્ચિમમાં પરંપરાગતરૂપે શિક્ષણ દ્વારા મનુષ્યના બૌદ્ધિક વિકાસ પર વધારે ભાર દેવાયો છે.એશિયા અને ભારતમાં આ અમે ધ્યાન અને ચિંતનની સહાયથી પોતાની ભીતર ચાલતી ઘટનાઓને શોધવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે જ આ વાતને સમજવી પશ્ચિમના શ્રોતાઓ માટે ઘણી મુશ્કેલ છે. મને એવું લાગે છે કે સ્વામી વિવેકાનંદે ધ્યાન અને ચિંતનની આ વિધિઓને અત્યંત સરળ રીતે પશ્ચિમના લોકો સમક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. એને લીધે પશ્ચિમના લોકોનો એકાંગી અર્થાત્ કેવળ બૌદ્ધિક ક્ષેત્રનો વિકાસ ન થાય. પણ એ બંનેનો વિકાસ થાય. એમની આ વિચારણા યોગ્ય હતી કે માત્ર બાહ્ય વિષયો વિશે સ્પષ્ટ જાણકારી જોઇતી હોય તો અમેરિકા, યુરોપ અને રશિયા તરફ નજર કરો. આમ છતાં પણ આ દેશોમાં તમે પોતાની અંતરંગ જાણકારી નહીં મેળવી શકો. જાણે કે એમને માટે પોતાનું અંતરંગ એક ગૂઢ અને અંધકાર પૂર્ણ અરણ્ય બની ગયું છે. એટલે તેઓ ત્યાંના લોકો માટે ધ્યાન અને ચિંતનની વિધિ લઇ આવ્યા. અને એમને કેટલેક અંશે સફળતા પણ મળી. આ બધી વાતો એમના આગમન પછીના અહીં પ્રકાશિત થયેલ અનેક ગ્રંથોમાં પ્રગટ થઇ છે. મને એવું લાગે છે કે ધ્યાન અને ચિંતન વિધિ વિશેના એમના એ વક્તવ્યને વાચવું અપ્રાસંગિક નહીં જણાય. ધ્યાન વિશે સ્વામીજી કહે છે, ‘મનને કોઈ એક વિષય પર એકાગ્ર કરો, ધ્યાન તેલની અખંડ ધારા સમું હોવું જોઈએ. સામાન્ય માનવીનું મન અનેક વિષયોમાં વિખરાયેલું રહે છે અને ધ્યાનના સમયે પણ પ્રારંભમાં મનનું અહીં તહીં ભટકવું સ્વાભાવિક છે. મનમાં ભલે ને ગમે તે ઇચ્છા પ્રગટે, શાંતિથી બેઠા રહો અને જોતા રહો કે મનમાં કેવા કેવા વિચારો ઊઠે છે. આ રીતે જોતા રહેવાથી ધીરે ધીરે મન શાંત થઇ જાય છે અને વિચાર-તરંગો સ્થિર થઇ જાય છે. આ તરંગો મનના વિચારની પ્રક્રિયાનું પ્રતિક છે. જે બાબતો પર તમે પહેલાં ગંભીરતા પૂર્વક વિચાર કર્યા હોય તે બધા અવચેતન વિચારોમાં બદલાઇ જાય છે અને ધ્યાનને સમયે મનમાં તેઓ ઊઠી આવે છે. ધ્યાનના સમયે આ તરંગો કે વિચારોનું ઉપર ઊઠવું એ તે વાતનું દ્યોતક છે કે તમારું મન એકાગ્રતા તરફ આગળ ધપી રહ્યું છે.’ મારી સમજ પ્રમાણે ધ્યાન અને ચિંતનની આ અત્યંત ઉદાત્ત વાંછનીય વિદ્યાના અભ્યાસની આ સરળતમ વિધિ છે. આજે પણ આ વિધિનો અભ્યાસ એશિયાના કેટલાય ભાગોમાં થાય છે.
વળી આપણે સ્વામી વિવેકાનંદના સંદેશોમાં એવી વાતો પણ જોઈએ છીએ કે જે આજના માનસિક તણાવ અને સંઘર્ષના સંકટમય સમયની પૃષ્ટભૂમિમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રાસંગિક છે. સ્વામીજી કહે છે, ‘હું આ દેશમાં તમારા પોતાના ધર્મવિશ્વાસને બદલવા નથી આવ્યો. તમે તમારા જ ધર્મવિશ્વાસને પકડી રાખો એમ હું ઇચ્છું છું. જો તમે મેથોડિસ્ટ(ખ્રિસ્તી ધર્મનો સંપ્રદાય) હો તો હું આપને વધારે સારા મેથોડિસ્ટ બનાવવા ઇચ્છું છું. અને જો તમે પ્રેસ્બિટેરિયન (પાદરીઓ અને મોટેરાંથી ચાલતો ખ્રિસ્તીધર્મ) છો તો વધારે સારા પ્રેસ્બિટેરિયન અને જો યુનિટેરિયન (એકતાવાદી) છો તો વધારે સારા યુનિટેરિયન બનાવવા ચાહું છું.’ વળી ધાર્મિક સહિષ્ણુતા પ્રત્યે એમનો જે દૃષ્ટિકોણ છે એનું પણ એક ઉદ્ધરણ અહીં ટાંકવું મને યોગ્ય લાગે છે. મારા અનુભવ પ્રમાણે આજ સુધી જેટલા વિદ્વત્તાપૂર્ણ સિદ્ધાંત આવ્યા છે એમાંથી આ સર્વાધિક ઉદાત્ત છે. તેઓ કહે છે, ‘હું બધા પ્રાચીન ધર્મોનો સ્વીકાર કરું છું અને એમાં સામેલ થઈને ઉપાસના પણ કરીશ. તેઓ જે કોઈ રૂપે ઈશ્વરની ઉપાસના કરતા હોય હું એમનામાંથી પ્રત્યેકની સાથે જે તે રૂપે ભગવાનની આરાધના કરીશ. હું મુસલમાનો સાથે મસ્જિદમાં જઈશ, ખ્રિસ્તીઓ સાથે ગિરિજાઘરમાં જઇને ક્રૂસ પર ચડેલા ઇશુની સામે ઘૂંટણિયે પડીશ, હું બૌદ્ધોના મંદિરમાં પ્રવેશ કરીને બુદ્ધ અને એમના ધમ્મ (ધર્મ)નું શરણ લઇશ અને વનમાં જઇને બધા હૃદયને પ્રકાશિત કરનાર જ્યોતિનાં દર્શન કરવા ઈચ્છે છે તેવા હિંદુઓની સાથે ધ્યાનસ્થ રહીને બેસીશ. એટલું જ નહીં પરંતુ આવનારી અન્ય બધી વિધિઓ માટે પણ મારા હૃદયનાં દ્વાર હું ખુલ્લાં રાખીશ.’
અહા! કેટલા શ્રેષ્ઠ ઉદ્ગાર! ભાઇઓ આજના શુભ અવસરે જ્યારે આપણે સર્વકાળના એક ઉચ્ચતમ મહાપુરુષ સામે પોતપોતાની શ્રદ્ધા પ્રગટ કરી રહ્યા છીએ ત્યારે ચાલો આપણે ફરીથી એ સંકલ્પ કરીએ કે અમે ઇસાઇઓને વધારે સારા ઇસાઇ, હિંદુઓને વધુ સારા હિંદુ, મુસલમાનોને વધુ સારા મુસલમાન, બૌદ્ધોને વધુ સારા બૌદ્ધ અને યહૂદીઓને વધુ સારા યહૂદી બનાવીશું.
Your Content Goes Here