રામકૃષ્ણ મઠઅને મિશનના પંદરમા પરમાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો ‘ઉદ્બોધન’ના ૧૪૦૪ બંગાબ્દ, જાન્યુઆરી અંકમાં પ્રસિદ્ધ થયેલ બંગાળી લેખનો અંજુબહેન ત્રિવેદીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.
જગતના બધા વર્ગના, બધા સ્તરના માનવોના દરેક રીતના કલ્યાણ માટે આ ધરાધામમાં શ્રીરામકૃષ્ણનો આવિર્ભાવ થયો હતો. સર્વધર્મસ્વરૂપ તથા સર્વધર્મના પ્રતિષ્ઠાતા શ્રીરામકૃષ્ણ બધાના ઠાકુર. તેઓ જેમ પૂર્વના કરોડો મનુષ્યોના આરાધ્યદેવતા, તેવી રીતે પશ્ચિમના અગણિત લોકોની આંખોના તારા. શ્રીરામકૃષ્ણ તેમની વાણી, તેમના મત, તેમના માર્ગનો જગતમાં પ્રચાર અને પ્રસાર કરાવવા માટે સ્વામી વિવેકાનંદને સપ્તર્ષિમંડળમાંથી આ ધરા પર લાવ્યા હતા. સ્વામીજીએ જેવી રીતે પશ્ચિમમાં વેદાંતની પ્રતિષ્ઠા કરીને શ્રીરામકૃષ્ણનું ઈચ્છિત કાર્ય સારી રીતે પૂર્ણ કર્યું, તેવી રીતે આપણા દેશમાં માનવસેવા માટેનાં જુદાં જુદાં કાર્યોનો નિર્દેશ કર્યો હતો. સ્વામીજીએ જેવી રીતે અમેરિકા-યુરોપના લોકોની આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાણપણે પ્રયત્ન કર્યો હતો, તેવી રીતે પોતાના દેશવાસીઓની સર્વતોમુખી ઉન્નતિ માટે તેઓ ચિંતનશીલ હતા. વિવેકાનંદની ‘ઉદ્બોધન’ પત્રિકા તેમના ચિંતન – વિચારની મુખ્ય ફલશ્રુતિ છે. તેઓએ ‘ઉદ્બોધન’ પત્રિકાનો પ્રારંભ સમગ્ર બંગાળીભાષી લોકોના કલ્યાણ માટે કર્યો હતો.
શિકાગો ધર્મમહાસભામાં દિગ્વિજય કર્યા પછી સ્વામીજી પોતાની અત્યંત કાર્યવ્યવસ્તતા વચ્ચે પણ શ્રીરામકૃષ્ણએ સોંપેલું કામ શરૂ કરવા માટે ચિંતનશીલ હતા. ઈ.સ. ૧૮૯૪ થી જ સ્વામીજીએ ‘સ્વદેશી ધર્મ’ અને ‘શ્રીરામકૃષ્ણનો ભાવ’ ના પ્રચાર માટેની યોજના વિચારી હતી. તે માટે જુદી જુદી ભાષામાં પત્રિકાના પ્રકાશન માટે તેઓ પ્રયત્નશીલ બન્યા હતા. બંગાળી ભાષામાં પત્રિકાના પ્રકાશન માટે તેઓ ઉત્સાહી હતા. તેઓએ અનુભવ કર્યો હતો કે શ્રીરામકૃષ્ણનું આગમન ભાવ અને ભાષાના નવા સ્રોતને પ્રવાહિત કરવા, તેને નવા ‘ઢાંચા’ માં ઢાળવા માટે અને નૂતન પ્રતિભાની છાપથી દરેક વિષયનો પ્રચાર કરવા માટે થયું હતું.
જ્યારે સ્વામીજીએ પોતાના આ ચિંતન – વિચારની વાત પત્ર દ્વારા ગુરુભાઇઓ પાસે વ્યકત કરી હતી ત્યારે તેઓએ સ્વામી ત્રિગુણાતીતાનંદજી પાસેથી બંગાળી ભાષામાં પત્રિકાના પ્રકાશનનો પ્રસ્તાવ મેળવ્યો હતો. સ્વામીજી આ પ્રસ્તાવ માટે અંત :કરણપૂર્વક અનુમોદન આપી શાંત ન રહ્યા પરંતુ વાસ્તવિક રીતે ગુરુભાઇઓ તે માટે પ્રયત્નશીલ બને એ માટે કહ્યું હતું.
સ્વામીજીના ભારત પરત આવ્યા પછી બંગાળી ભાષામાં પત્રિકાના પ્રકાશનના વિચારને વાસ્તવિક રૂપ મળ્યું. એક દિવસ તેઓએ મઠમાં ઉપસ્થિત ગુરૂભાઇઓ સમક્ષ પ્રસ્તાવ મૂકયો કે શ્રીરામકૃષ્ણના ભાવપ્રચાર માટે બંગાળી ભાષામાં દૈનિક સમાચારપત્ર પ્રકાશિત કરવંુ પડશે. તેમના ગુરુભાઇઓએ સ્વામીજીની આ વાતને સંમતિ આપી પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું કે દૈનિક સમાચારપત્ર પ્રકાશિત કરવું ખૂબ ખર્ચાળ થશે, તેથી પત્રિકાને પાક્ષિક પ્રકાશિત કરવી જોઈએ. સ્વામીજીએ પણ તેઓની વાત માની. પત્રિકાના પ્રકાશન અને સંચાલનનો ભાર ત્રિગુણાતીતાનંદજીને સોંપવામાં આવ્યો. સ્વામીજીએ પોતે જ આ પત્રિકાનું નામકરણ ‘ઉદ્બોધન’ કર્યું હતું. સ્વામીજીના આશીર્વાદ લઇને ‘ઉદ્દબોધન’ નું પ્રથમ પ્રકાશન ઇ.સ.૧૮૯૯ ની ૧૪મી જાન્યુઆરી – બંગાળી વર્ષ ૧૩૦પ મહા મહિનાના પ્રથમ દિવસે કરવામાં આવ્યું.
સ્વામીજીની અંતિમ ઇચ્છા હતી કે ‘ઉદ્બોધન’ માત્ર ધાર્મિક પત્રિકા અથવા માત્ર સાહિત્યિક પત્રિકા ન બને. તેઓની ઇચ્છા હતી કે પત્રિકા જગતમાં ‘ઉદ્બોધન’ જુદી જુદી દિશાની પથપ્રદર્શક બને, સાહિત્યના આંગણામાં એક વિશિષ્ટ સ્થાન મેળવે, બંગાળી ભાષાની ઉન્નતિનું સાધન બને અને ધર્મના ક્ષેત્રમાં પણ નવીનતા પ્રદાન કરે.
‘ઉદ્બોધન’ માં માત્ર સકારાત્મક ભાવવાળા લેખો પ્રકાશિત થશે, કોઈ નકારાત્મક ભાવવાળા લેખ ‘ઉદ્બોધન’ માં પ્રકાશિત નહીં થાય. સ્વામીજીએ કહ્યું હતું કે, એકમાત્ર આધ્યાત્મિક ભાવ જ સામાન્ય લોકોને ઊંચાઇએ લઇ જશે. તેઓ કહેતા, ‘ઠાકુરનું અવતરણ થવાનું કારણ પણ આ જ છે. તેઓએ જગતમાં કોઈના પણ ભાવને નષ્ટ નહોતો કર્યો. અત્યંત પતિત મનુષ્યને પણ તેઓએ અભય આપી, ઉત્સાહ વધારીને ઉગારી લીધા છે. આપણે પણ તેમનું અનુકરણ કરી બધાને જગાડવા પડશે, ઉગારવા પડશે.’ સ્વામીજીની ઇચ્છા હતી કે, ‘ઉદ્બોધન’ આ વિષયમાં મુખ્ય ભૂમિકા ભજવશે.‘ઉદ્બોધન’ માટેનાં સૂચનોમાં સ્વામીજી તથા તેમના ગુરુભાઇઓએ એવો નિર્ણય લીધો કે આ પત્રિકા માટે સંન્યાસી અને ગૃહસ્થ ભકતો તેમાં લેખ લખે.
‘ઉદ્બોધન’ પત્રિકાની ‘પ્રસ્તાવના’ સ્વામીજીએ પોતે લખી હતી. ‘પ્રસ્તાવના’ માં સ્વામીજીએ જે મંતવ્ય જાહેર કર્યું, તે જાણે કે ‘ઉદ્બોધન’ ના સંપાદકનો મૂળમંત્ર કે આદેશ સ્વરૂપ. ‘ઉદ્બોધન’માં ભારતની પ્રાચીન સભ્યતાનો ઇતિહાસ, ધર્મ, દર્શન, કાવ્ય વગેરેની કથા પાઠકવર્ગ સામે વિશેષપણે ઊઠાવાશે. ઉપરાંત પૂર્વ અને પશ્ચિમની દર્શનવિદ્યાની તુલનાત્મક આલોચના પણ ‘ઉદ્બોધન’ માં થશે. ભારતવાસી મહાજડબુધ્ધિ સંપન્ન સત્ત્વગુણના નામે આળસ-પ્રમાદ અને કર્મહીનતાના તમોગુણ રૂપી સમુદ્રમાં ડૂબી રહ્યા હતા, તે તરફ બધાનું ધ્યાન આકર્ષિત કરવાની જવાબદારી ‘ઉદ્બોધન’ પત્રિકાની છે. સ્વામીજીએ દિવ્યદૃષ્ટિથી જોયંુ હતું કે ભારતવાસીના જન્મજાત સત્ત્વગુણનો ફરીથી અભ્યુદય થશે અને તે રજોગુણના વિકાસના માધ્યમથી થશે. સ્વામીજીએ કહ્યું છે : હું ઇચ્છુ છું – તે જ પરિશ્રમ, તે જ સ્વાધીનતાપ્રિયતા, તે જ આત્મનિર્ભરતા, તે જ અપૂર્વ ધૈર્ય, તે જ કાર્યપ્રણાલી, તે જ એકતા, તે જ ઉન્નતિની ઇચ્છા. હમેશાં પાછળ જોવાનું થોડું સ્થગિત કરીને અનંત વિકસિત દૃષ્ટિ. જોઈએ પગથી માથા સુધી નસેનસમાં સંચારિત રજોગુણ. સ્વામીજીના આ ભાવનું ધારક અને તેમની શકિતશાળી પ્રતિભાનું પ્રચારક ‘ઉદ્બોધન’ થશે.
સત્ત્વગુણ એ અપરિવર્તનીય, શાશ્વત સનાતન વસ્તુની ખૂબ જ નિકટ. સત્ત્વગુણ મોટે ભાગે નિત્યવસ્તુ છે, ચિરંજીવી છે. ઈતિહાસમાં મળતી તે આધ્યાત્મિક તત્ત્વકથાનો પ્રચાર ‘ઉદ્બોધન’ કરશે. ‘ઉદ્બોધન’ સજાગ દ્રષ્ટિ રાખશે, જેથી પશ્ચિમના ભોગવાદના પ્રાબલ્યથી ભારતની કોઈપણ રીતે હાનિ ન થાય, કોઈ જાતિનો ભાવ તેથી નષ્ટ ન થાય. પામર – સાધારણ મનુષ્ય પણ જેથી પોતાની અધ્યાત્મિકતા સરળ રીતે જાણી શકે, સમજી શકે, તે બાજુની સતર્ક દૃષ્ટિ રાખી ‘ઉદ્બોધન’ હમેશાં નિર્ભયપણે લેખો પ્રકાશિત કરશે.
પંડિતો અને જ્ઞાનીઓ પોતાના ચિંતનશીલ લેખોમાં ભારતની સભ્યતાના ઉત્થાન પર, સભ્યતાના પ્રવાહના ઇતિહાસ પર, દર્શન – ચિંતન પર આલોચના કરશે. વિદેશી ભાવ ભારત માટે કેટલો ગ્રહણ કરવા યોગ્ય, કેટલો ત્યજવા યોગ્ય છે, તે તરફ દ્રષ્ટિ આકર્ષિત કરશે. વિદેશથી આવતું અમૃત ગ્રહણ કરવાની શકિત તેમજ વિષને ત્યજવાની શકિત ભારતમાં છે. અંગ્રેજ શાસનના આઘાત છતાં પોતાના ચિરંતન આદર્શને પ્રયત્ન સાથે રક્ષણ કરવાની શકિત ભારતમાં છે. બ્રહ્મર્ષિ – મહર્ષિઓની ઉપલબ્ધિસ્વરૂપ ઉપનિષદ – વાણીની સત્યતા સાથે ઊંેચે ઉડાન કરવાની શકિત ભારતની છે. અંગ્રજોએ પ્રર્વતાવેલા આચાર, વિચાર, શિક્ષાનીતિના આઘાત – પ્રત્યાઘાત જીરવવાની શકિત ભારતમાં છે. વિદ્વાનોના આ બધા વિષયોની આલોચના ‘ઉદ્બોધન’માં કરાશે. ‘ઉદ્બોધન’નાં સૂચનોમાં સ્વામીજીનું આહ્વાન હતંુ : ‘બહુજનહિતાય બહુજનસુખાય.’ નિ :સ્વાર્થભાવે ભકિત પૂર્ણહૃદયથી આ બધા પ્રશ્નોની મીમાંસા માટે ‘ઉદ્બોધન’ સહૃદય વિદ્વાન મંડળીને આહ્વાન કરે છે અને દ્વેષબુધ્ધિરહિત અને વ્યકિતગત સમાજ માટે અને સંપ્રદાય માટે અસભ્ય વાકયપ્રયોગથી વિમુખ થઇને બધા સંપ્રદાયોની સેવા માટે જ પોતાને અર્પણ કરે.’
સ્વામીજીની ઇચ્છા હતી, ‘ઉદ્બોધન’ બંગાળી સાહિત્યમાં પ્રચલિત ભાષાના વ્યવહારનું પથદર્શક બનશે. સ્વામીજી કહે છે ; પ્રચલિત ભાષામાં ભાવને અતિ સહજ રીતે વ્યકત કરી શકાય; પ્રચલિત ભાષા જાણે ‘ચોખ્ખો દૃઢનિશ્ચય’. જેને બદલાવીને ઇચ્છા મુજબ બનાવી શકાય, કારણ કે ભાષા ભાવની વાહક છે. દર્શન, વિજ્ઞાન જેવા જટિલ વિષય ઉપર પ્રચલિત ભાષામાં લેખો ‘ઉદ્બોધન’ પ્રકાશિત કરશે. સ્વામીજીનો સુસ્પષ્ટ અભિપ્રાય હતો : દેશ, સભ્યતા અને સમયાનુસાર ઉપયોગી થાય તેવી રીતે બધા વિષયોનું પરિવર્તન કરવું જોઈએ. તેઓ કહે છે : ‘‘મનમાં થાય છે કે હવે પછી બંગાળી ભાષામાં લેખો લખીશ. સાહિત્યિક લોકો કદાચ તે જોઇને તેનો દુરુપયોગ કરશે, કરવા દો, છતાં બંગાળી ભાષાને નવીન ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કરીશ. અહીંના બંગાળી લેખકો લખતી વખતે વધારે ટયબિત (ક્રિયાપદ) ઞતય (ઉપયોગ) કરે છે, તેનાથી ભાષામાં જોશ ન આવે. વિશેષણ આપીને ટયબિ (ક્રિયાપદ) ને દર્શાવી શકે તો ભાષામાં વધારે જોશ આવે. હવે પછી આ રીતે લખવાનો પ્રયત્ન કરી જોવો.
‘ઉદ્બોધન’માં આ રીતની ભાષામાં લેખો લખવાનો પ્રયત્ન કરજો. સ્વામીજીએ પોતે ‘ઉદ્બોધન’માં ‘વિદેશીઓનો પત્ર’ (પછીના સમયમાં ‘પરિવ્રાજક’) ‘પૂર્વ અને પશ્ચિમ’ વગેરે પ્રચલિત ભાષામાં લેખો લખીને સાહિત્યકારોને રસ્તો બતાવ્યો છે.
સ્વામીજીની ઇચ્છા હતી, ‘ઉદ્બોધન’ ભાષાંતર સાહિત્યમાં મુખ્ય ભૂમિકા ભજવે. ‘ઉદ્બોધન’ સંસ્કૃત ગ્રંથોનો ઉચ્ચ ભાવ, વેદ – વેદાંતનાં ઉચ્ચ તત્ત્વોને સહજ – સરળ ભાષામાં પ્રકાશિત કરે, તેવી રીતે જુદી જુદી ભાષામાં પ્રકાશિત ધર્મમૂલક ચિંતનધારા અને સાધુ – સંતોનાં જીવન બંગાળી ભાષામાં અનુવાદિત કરશે. ‘ઉદ્બોધન’ ના શ્રેષ્ઠત્વ પ્રત્યે સ્વામીજીની તિક્ષ્ણ દ્દષ્ટિ હતી. છાપકામ સુંદર થાય – કોઈ રીતે લોકોને છેતર્યા વગરનું હોય અને પત્રિકાનું મુખપૃષ્ઠ સીધંુસાદંુ, ભાવવાહી, સુરુચિસંપન્ન તથા પ્રતિકાત્મક ભાવનાથી રચાયેલું હશે.
પત્રિકાના સંચાલન બાબત સ્વામીજીની કેટલીક સતર્કવાણી હતી : મહ્દગંભીર વિષયના લેખો હીનભાવે કે હલકાભાવથી ન લખાય, લેખોની વાત જાણે હમેશાં ઉચ્ચ તારે બાંધેલી હોવી જોઈએ, પત્રિકાની પ્રતિષ્ઠા જાળવવા માટે સારા સારા લેખકો પાસેથી સારા લેખોનો સંગ્રહ કરવો જોઈએ, સંપાદકીય લેખ સંક્ષિપ્ત અને ભાવપૂર્ણ હોવા જોઈએ. જટિલ દર્શનોને તેઓ પસંદ નહોતા કરતા. સહજ, સરળ ભાષામાં ઉચ્ચભાવ અને ચિંતનની રજૂઆત કરવી જોઈએ. સ્વામીજી કહેતા, બંગાળી ભાષામાં પત્રિકા ચલાવવાનું વધારે લાભદાયી નથી છતાં પત્રિકાને લાભજનક કરી શકાય, જો તે વિષયની જાહેરાત અને ગ્રાહકસંખ્યામાં વધારો થાય તો. પત્રિકાની ગ્રાહકસંખ્યામાં ઝડપથી વધારો થશે, જો નામાંકિત લેખકોનાં નામ અને લેખોને સારી રીતે પ્રસિધ્ધ કરવામાં આવે તો.
‘ઉદ્બોધન’ને તેના જન્મથી જ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે. સ્વામીજીના આશીર્વાદ અને પ્રેરણાથી ‘ઉદ્બોધન’પત્રિકા જુદી જુદી પરીક્ષા, ઘણાં બધાં વિઘ્નો, જુદા જુદા ઘાત – પ્રત્યાઘાતો વચ્ચે પણ સો વર્ષથી બંગાળી સાહિત્યની સેવા કરતી આવી છે. ‘ઉદ્બોધન’ પત્રિકાના સંબંધમાં સ્વામી વિવેકાનંદની ચિંતા – ભાવના કેટલી ફળદાયી થઇ છે, તે વિચારવાનો ભાર વાચકવર્ગ પર છે. સ્વામી વિવેકાનંદનું ‘ઉદ્બોધન’ હજી પણ અનેક વર્ષો સુધી દેશ, સમાજ અને સાહિત્યની સેવા કરે એ જ અમારી પ્રાર્થના છે. ·
Your Content Goes Here