રામકૃષ્ણમઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ અને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા અંગ્રેજીના સંપાદક બ્રહ્મલીન સ્વામી વિરજાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૫૩ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

સ્વામી વિવેકાનંદની પ્રતિભા બહુજ્ઞતાની એટલી મહાન ઊંચાઇઓએ પહોંચી હતી કે આપણે તેેમના વિષે ગમે તેટલી વાતો કરીએ અથવા તેમને આપણા અભ્યાસનો વિષય બનાવીએ, તે છતાં તેમના ઉદાત્ત ચારિત્ર્યનાં બહુમુખી લક્ષણોના એક અંશનું પણ યોગ્ય મૂલ્યાંકન કરવા આપણે ભાગ્યે જ શકિતમાન થઇએ. માત્ર જે લોકો તેમના સીધા સંપર્કમાં આવવા સદ્ભાગી હતા, તેઓ જ આ વિધાનના સત્યનો સંપૂર્ણ રીતે સાક્ષાત્કાર કરવા સમર્થ થઇ શકે. સ્વામીજીના લોકોત્તર અને શકિતશાળી વ્યકિતત્વની ઉપસ્થિતિમાં, માણસ ગમે તેટલો મહાન હોય તો પણ પોતે માત્ર છોકરું જ છે એવો ભાવ ચોક્કસપણે અનુભવે. તેમનામાં ધાર્મિક અને ઐતિહાસિક કથાઓના ઉપદેશકોના વિલક્ષણ સંદેશા અને વ્યકિતગત ગુણો અપૂર્વ રીતે સુસંવાદિત થયા હતા. સ્વામીજીની અંગ્રેજી જીવનકથામાંના નિમ્નલિખિત ઉલ્લેખો એ માત્ર અતિશયોકિત નથી, પણ હકીકત છે :

– શંકરનું ઊંડું જ્ઞાન,

– બુદ્ધની મહામનસ્કતા,

– નારદની ભકિતની પૂર્ણતા,

– શુકદેવની બ્રહ્મમાં એકતાનતા,

– બૃહસ્પતિની વિવાદપ્રિયતા

– કામદેવનું સૌન્દર્ય અને લાલિત્ય

– અર્જુનનું વીરત્વ અને

– શાસ્ત્ર્ાોમાં વ્યાસદેવની મહાવિદ્વત્તા

આ બધાં તેમનામાં સમન્વય પામ્યાં હતાં. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે, તેમ તેમ ભગવાન શ્રીરામકૃષ્ણે તેમના સંદર્ભમાં કહેલી ભવિષ્યવાણીનો ભાવાર્થ ક્રમશ : સાકાર થતો જાય છે. તેમણે કહેલું : જે લોકો મહાપુરુષો તરીકે ઓળખાતા હોય તેમનામાં એક કે બે શકિતઓ (વિશેષ શકિતઓ) શ્રેષ્ઠ કક્ષાએ પ્રકટ થતી હોય છે; પરંતુ નરેન આવી અઢાર શકિતઓનો ભંડાર છે. પછી તેઓ ઉમેરતા, ‘બહુ ઓછા લોકો નરેનને ઓળખી શકશે. આવી મહાન આંતરિક શકિતઓવાળું પાત્ર આ દુનિયામાં પૂર્વે કદી પ્રકટ થયું ન હતું.’

તેઓ જાણે કે પૂર્ણતાના સ્વામી હતા. કોઈ પણ પ્રકારની ચર્ચા દરમિયાન તેઓ પોતાના વિષયમાં એવા તલ્લીન થઇ જતા કે તેમનો બોલેલો પ્રત્યેક શબ્દ વિસ્મયકારક રીતે સજીવન કરનારી શકિતનું પ્રસારણ કરતો હતો. શ્રોતાઓ સંપૂર્ણ રીતે તેથી અભિભૂત થયા વિના રહી શકતા ન હતા અને આ પરિસ્થિતિ એટલે સુધી આગળ વધી જતી કે તેઓ પોતાના શરીરનું તથા પરિવેશનું સાનભાન ગુમાવી બેસતા. એ વેળાએ એક એવી જોરદાર શકિત તે લોકોને કબજામાં લઇ લેતી કે જેથી એમ લાગતું કે સત્ય તેના આબેહૂબ સ્વરૂપમાં તેમની સમક્ષ ચમકી રહ્યું છે. જેમ ધખધખતો અગ્નિ પોતાની નજીકના પદાર્થાેમાં ઉષ્માનું સંક્રમણ કરે છે, તેમ સ્વામીજી પોતાના સાથીદારોમાં પોતાના ઉદાત્ત વિચારોને સમજવાની ક્ષમતા સંક્રાન્ત કરતા. આમ માત્ર વિરલ પ્રસંગે થતું એમ નહીં, આ વાત તેમને માટે કુદરતી હતી.

પ્રત્યેક વિષયની બાબતમાં તેમનાં વિધાનો અદ્‌ભુત નવીનતા અને મીઠાશભર્યાં, વિશિષ્ટ લક્ષણોવાળાં બની રહેતાં. તેમનું બરાબર વર્ણન શબ્દો દ્વારા કરી શકાય તેમ નથી. તેઓ ગમે તે વસ્તુ હાથમાં લે, પછી ભલે તે ગમે તેવી ક્ષુદ્ર હોય, તે એક નવા સૌન્દર્ય સાથે ચમકી ઊઠતી.

સ્વામીજી સર્વોચ્ચ જ્ઞાની હતા, અને સાથે સાથે અથાક કર્મયોગી પણ હતા. તેઓ સમાધિની સર્વોચ્ચ એકતાને પ્રાપ્ત થયેલા મહાન યોગી હતા. એ જ વખતે તેઓ બધા માટેેની કરુણાથી પ્રકાશી ઊઠતા માનવ પણ હતા. મહાન દેશભકત હોવા ઉપરાંત તેઓ સમગ્ર વિશ્વના ચાહક પણ હતા. તેમના માટે હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી વચ્ચે દૂરદૂરનો પણ ભેદભાવ ન હતો. તેઓ પોતાના પરિચિત લોકો અને અજાણ્યા લોકો વચ્ચે કોઈ ભેદભાવ કરતા ન હતા. તેઓ જાણતા હતા કે બધા જ તેમના પોતાના બંધુઓ હતા, તેઓ ક્યો ધર્મ કે સંપ્રદાય ધરાવતા હતા એ વાત મહત્ત્વની ન હતી. તેમને માટે ગરીબ અને તવંગર, પુરુષ અને સ્ત્રી, સંત અને પાપી – બધા વચ્ચેના ભેદભાવ ખતમ થઇ ગયા હતા. તેમના પ્રેમભર્યા આશ્લેષમાં આવેલા સૌને સ્વામીજી પોતાના જ અંગત લાગતા હતા. તેમનું મહાન હૃદય કોઈનો તિરસ્કાર કરતું ન હતું. આપણે જેમને દુષ્ટ પાત્રો અથવા કાફરો તરીકે દૂર રાખીએ છીએ, તેઓ પણ તેમના ઉષ્માભર્યા વાત્સલ્યમાં ભાગીદાર બની રહેતા હતા. તેમને મન નિર્બલતા, કાયરતા, સ્વાર્થીપણું અને નિષ્ઠાનો અભાવ પાપરૂપ અને નાસ્તિકતાનાં સ્વરૂપો હતાં. સ્વામીજી આ પ્રકારનું વિરોધી વર્તન સહન કરી શકતા ન હતા.

– હરિના નામનું શરણું લેવું અને તે જ વખતે પોતાનાં કપડાંની પણ ચિંતા સેવવી.

– બીજા લોકો સમક્ષ સદ્ગુણી તરીકે રજૂ કરવી અને સર્વશકિતમાન, અજર-અમર પરમાત્મા સૌમાં રહેલો છે એમ વેદાન્તી તરીકે જાહેર કરતા ફરવું ને પોતાની જાતને તે જ વખતે નિર્બળ અને પામર માનવી.
મનુષ્યની નિર્બલતારૂપ કીટાણું બધી જ માનસિક તકલીફોને ઉત્પન્ન કરે છે. તેથી તેઓ આપણને હમેશાં ગીતાની ભાષામાં જ સંબોધન કરતા : ‘હે મહાબાહુ! આ તું બતાવી રહ્યો છે, તેવી નિર્બલતા તને શોભા દેતી નથી; આ ક્ષુદ્ર હૃદયની દુર્બળતાને ખંખેરી નાખ. ઊભો થા અને જાગ! ડરવા જેવું શું છે? શું તું વીર પુરુષ નથી?’ જો ધર્મ અને વેદાન્ત, માણસમાં જોમ ન પ્રેરી શકે, તેને બધી ભીતિઓથી મુકિત ન અપાવી શકે, તેને સાચો માનવ ન બનાવી શકે તો તે શા કામનાં છે? આથી સ્વામીજી હમેશાં આવી ઘોષણા કરતા રહેતા : ‘વેદાન્તના તત્ત્વજ્ઞાનનો સાર અને ઉપનિષદોની ગુરુચાવી આમાં રહેલ છે- અભય બનો, બધી નિર્બળતાઓથી મુકત થઇ જાઓ.’ જો તમે આ કરી શકો, તો અને તો જ તમે સાચા માનવ છો. બીક કોની રાખો છો? બીક શાની રાખો છો ? જે આત્મા તમારા દ્વારા પ્રકાશ પાથરી રહ્યો છે, એ જ બધામાં રહેલો છે. જો તમે બધામાં રહેલા આત્માની એકતાનું દર્શન ન કરી શકતા હો, જો તમે બધાની પીડાઓ પ્રત્યે સહાનુભૂતિ ન દાખવી શકતા હો, જો તમે બીજા લોકોની વ્યથાઓને દૂર ન કરી શકતા હો, જો તમારા હૃદયમાં બધા માટે પ્રેમનો પ્રવાહ ફૂટી ન નીકળતો હોય અને તમે તમારી ક્ષમતાના શ્રેષ્ઠ અંશોને જો બીજાની સેવામાં ન લગાડી શકતા હો – તો તમે તમારી જાતને માનવ તરીકે કઇ રીતે ગણાવી શકો ? તમે પશુ કરતાં કોઈ રીતે વધારે સારા નથી. આ પરિસ્થિતિમાં ધર્મ વિષે વાત કરવી એ તમારા પક્ષે અસત્યનું આચરણ નથી? તેથી સર્વપ્રથમ શબ્દના સાચા અર્થમાં શકિતશાળી, પૌરુષયુકત, આત્મનિર્ભર માનવ થવાની કોશિશ કરો. ત્યાર પછી તમે જોશો કે ધર્મ અને મુકિતને તમે સહેલાઇથી પહોંચી શકશો.’ આમ, સ્વામીજી આપણને તમસ્ને હાંકી કાઢવાની અને રજસ્ને પોષવાની સલાહ આપે છે. તમસ્ને સત્ત્વ તરીકે ભૂલમાં અપનાવી લેવાના પરિણામે આપણે તમસ્નાં દુ :ખદાયક ઊંડાણોમાં ફસાતા જઇએ છીએ. આથી સર્વપ્રથમ આપણે રજોગુણને અપનાવતાં શીખી લેવું જોઈએ. સત્ત્વની આ કક્ષાએ પહોંચવા માટે આપણે આપણાં શરીર, મન અને જીવનને માનવબંધુઓને શિવ માનીને તેમની સેવામાં અર્પણ કરી દેવાં જોઈએ.

આ જ રીતે આપણાં હૃદય અને આત્માને બધી મલિનતાઓથી મુકત કરી શકીશું અને વિશુદ્ધતા મેળવી શકીશું. તે પછી જ આપણે મનની શુદ્ધિ મેળવી શકીશું અને બધાં બંધનોમાંથી સાચી રીતે મુકત થઈ શકીશું. જો આપણે સાચું પૌરુષ મેળવી શકીએ, તો આપણને આપણી આધ્યાત્મિક ખોજ તથા આપણા જીવનનાં દૈનંદિન ક્ષેત્રોમાં અદ્વિતીય વિજય મળશે; તે પછી આપણે આપણી શકિતઓનો વિનિયોગ ક્યાં કરીએ છીએ, એ વાત મહત્ત્વની નહીં રહે. આ વિચારને અનુસરીને સ્વામીજીએ પોતાના વ્યવહારુ વેદાન્ત (PRACTICAL VEDANTA) નામના પ્રવચન સંગ્રહમાં સૂચનો કર્યાં છે. તેમાં તેમણે દર્શાવ્યું છે કે વેદાન્તના ઉપદેશોને આપણા દરરોજના જીવનમાં કઇ રીતે અમલમાં મૂકી શકાય.

ભૂતકાળમાં દરેક પયગંબર કોઈ એક વિશેષ યુગના પુરોગામી હતા. સ્વામી વિવેકાનંદ પણ એક નવા યુગની ઉષાના ઉદ્ઘોષક બની રહ્યા છે. ભવિષ્યમાં તે વિશ્વમાં બુરાઇઓનો પ્રલય કરી દેશે અને માનવજાતને દિવ્યતાની ઊંચાઇએ લઇ જશે. તે ભાવિ મહાન ઘટનાની કંઇક ઝાંખી અત્યારે આપણને થઇ રહી છે. ચાલો આપણે બધા એ ગુરુની જીવનપ્રેરક ચેતનાથી ભરપૂર થઇ જઇએ. તેઓ આપણા માટે જે અમૂલ્ય સંદેશ મૂકી ગયા છે, તદ્નુસાર આપણા જીવનમાં સાકાર થવા દો. અને ચાલો આપણે સૌ આપણી ભૌતિક અને માનસિક શકિતઓને પેલા મહાન આદર્શને સિદ્ધ કરવા માટે અર્પણ કરી દઇએ. ભગવાન શ્રીરામકૃષ્ણ અને સ્વામીજી આપણું માર્ગદર્શન કરતા રહો. ·

Total Views: 86
By Published On: December 1, 2012Categories: Virajananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram